સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અમે કેમ સર્જનહારમાં માનીએ છીએ

અમે કેમ સર્જનહારમાં માનીએ છીએ

અમે કેમ સર્જનહારમાં માનીએ છીએ

અનેક વૈજ્ઞાનિક ક્ષેત્રોમાંથી ઘણા લોકો માને છે કે વિશ્વનો કોઈ રચનાર છે. તેઓ સ્વીકારી જ નથી શકતા કે પૃથ્વી પર સર્વ જીવો બસ આપમેળે જ આવ્યા છે. આ કારણથી ઘણા ભણેલા-ગણેલા લોકો માને છે કે કોઈ સર્જનહાર હશે.

આ વૈજ્ઞાનિકોમાંથી અમુક યહોવાહના સાક્ષીઓ બન્યા છે. તેઓને હવે પૂરી ખાતરી છે કે બાઇબલમાં જણાવેલા ઈશ્વર, યહોવાહે જ વિશ્વની રચના કરી છે, એને બનાવ્યું છે. તેઓ કેમ એ કહી શકે છે? સજાગ બનો!એ તેઓને એ પ્રશ્ન પૂછ્યો. ચાલો જોઈએ કે તેઓએ શું કહ્યું. *

‘કુદરત એટલું જટિલ છે કે એને સમજી જ નથી શકતો’

વુલ્ફ-એકહાર્ડ લોનિંગ

પરિચય: છેલ્લાં ૨૮ વર્ષથી હું વનસ્પતિના જિન્સમાં ફેરફાર કરવાના ક્ષેત્રમાં સંશોધન કરી રહ્યો છું. એમાંના ૨૧ વર્ષો મેં જર્મનીના કલોન નામના શહેરમાં ‘મૅક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફૉર પ્લાન્ટ બ્રીડિંગ રિસર્ચ’માં કામ કર્યું છે. લગભગ ત્રીસેક વર્ષથી હું યહોવાહના સાક્ષીઓના એક મંડળમાં વડીલ તરીકે સેવા આપું છું.

મેં જિનેટિક્સ, જીવવિજ્ઞાન, શરીરવિજ્ઞાન અને મોરફોલોજી (જાનવરો અને વનસ્પતિના આકાર અને બનાવટનો અભ્યાસ) પર ઘણું સંશોધન ને પ્રયોગો કર્યા છે. એ અભ્યાસમાંથી હું જોઈ શક્યો છું કે જીવન ને કુદરત એટલા જટિલ છે કે એને સમજી જ નથી શકતો. પણ એક બાબતની પૂરી ખાતરી છે. એ જ કે કોઈ બુદ્ધિમાન સર્જનહારે જીવનની, અરે સાદામાં સાદા જીવજંતુઓની પણ રચના કરી છે.

જગતભરના વૈજ્ઞાનિકોને ખબર છે કે જીવો ને કુદરત એકદમ જટિલ છે. પણ તેઓમાંના મોટા ભાગના કહેશે કે એ બધું ઉત્ક્રાંતિથી આવ્યું. તેઓ બાઇબલમાં ઉત્પત્તિની કલમોની ખૂબ ટીકા કરે છે. પણ તમે તેઓની ટીકાને વૈજ્ઞાનિક નજરે જુઓ તો તેઓની ફરિયાદમાં કોઈ જ દમ નથી. તેઓની આવી ફરિયાદો તો હું વર્ષોથી તપાસી રહ્યો છું. મેં જીવજંતુ અને વનસ્પતિનો ઊંડો અભ્યાસ કર્યો છે. કુદરત ને વિશ્વના નિયમોને ખંતથી તપાસ્યા છે. એના પરથી જોવા મળ્યું છે કે કશામાં ખોટ નથી. એ નિયમોને લીધે જ પૃથ્વી પર જીવન શક્ય છે. આ બધું જાણીને હું પૂરા વિશ્વાસથી કહી શકું છું કે આપણા સર્જનહાર છે.

‘બધી વસ્તુઓ પાછળ કોઈ છે’

બાયરોન લીયોન મેડોઝ

પરિચય: હું અમેરિકામાં રહું છું. હું નેશનલ ઍરોનૉટિક્સ એન્ડ સ્પેઈસ એડ્‌મિનિસ્ટ્રેશન સંસ્થામાં, ભૌતિકશાસ્ત્રના લેસર ક્ષેત્રમાં કામ કરું છું. હમણાં હું એવી ટેકનૉલૉજીની શોધ પર કામ કરું છું જેના દ્વારા આપણે પૃથ્વીની મોસમ, વાતાવરણ અને બીજા ગ્રહો પર થનાર ઘટનાઓને વધુ સારી રીતે સમજી શકીએ. એના પર નજર રાખી શકીએ. યહોવાહના સાક્ષીઓના વર્જિનિયા જિલ્લાના કિલમાર્નક મંડળમાં હું એક વડીલ તરીકે સેવા આપું છું.

મારા કામમાં હું ઘણી વખત ભૌતિકશાસ્ત્રને લગતા નિયમો ને સિદ્ધાંતો તપાસું છું. હું સમજવા કોશિશ કરું છું કે કોઈ પણ બનાવ કઈ રીતે થાય છે ને શા માટે થાય છે. મારા અભ્યાસમાંથી મને પૂરી સાબિતી મળી છે કે બધી વસ્તુ ને બનાવો પાછળ કોઈ કારણ છે. વૈજ્ઞાનિક નજરથી આપણે કહી શકીએ કે બધી કુદરતી બાબત પાછળ ઈશ્વરનો હાથ છે. શા માટે? કારણ કે કુદરતી નિયમો બદલાતા જ નથી. એ તો કોઈ સર્જનહારનું જ કામ હોવું જોઈએ.

જો આ માન્યતા સમજવી ખૂબ સાદી હોય, તો મોટા ભાગના વૈજ્ઞાનિકો કેમ ઉત્ક્રાંતિમાં માનતા રહે છે? શું એવું છે કે પૂરી સાબિતી મળતા પહેલાં જ તેઓ અમુક નિર્ણય પર આવી જાય છે? હા, આવું તો ઘણી વખત થાય છે. ભલે સગી આંખે તેઓ ગમે તે જુએ, તેઓ એમ કહી નથી શકતા કે એ હવે હકીકત છે. બદલાશે જ નહિ. કેમ નહિ? એક દાખલો લઈએ. ભૌતિકશાસ્ત્રના લેસર ક્ષેત્રમાં કામ કરનાર કહેશે કે પ્રકાશના કિરણો, જાણે અવાજના મોજાંની જેમ ડોલે છે. પણ આ માન્યતા એકદમ સાચી નથી. કારણ કે સાબિતી એ પણ બતાવે છે કે પ્રકાશના કિરણો સૂક્ષ્મકણોની (ફૉટોન્ઝ) જેમ પણ ફરે છે. આવી જ રીતે, જેઓ ઉત્ક્રાંતિમાં માને છે તેઓ પણ પોતાની માન્યતા અધૂરી સાબિતી પર બાંધે છે. પૂરી સાબિતી મેળવતા પહેલાં તેઓ ખોટા નિર્ણય પર આવી જાય છે. પછી એ નિર્ણય પ્રમાણે પુરાવો આપવાનો પ્રયત્ન કરે છે.

હું સમજી જ નથી શકતો કે લોકો કેમ ઉત્ક્રાંતિમાં માને છે, ખાસ કરીને જ્યારે ‘ઉત્ક્રાંતિવાદીઓ’ પોતે એકબીજા સાથે ઉત્ક્રાંતિની ક્રિયા વિષે ઝઘડતા હોય છે. દાખલા તરીકે, જો અમુક ગણિતશાસ્ત્રી કહે કે બે વત્તા બે ચાર થાય, પણ બીજાઓ કહે કે ના, એ ત્રણ કે છ થાય, તો તમે શું માનશો? શું તમે તેઓની ગણવાની રીતમાં ભરોસો રાખશો? જરાય નહિ. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો કોઈ બનાવ કે બાબત કસોટી ને પરીક્ષામાંથી પાસ થાય, એની નકલ થાય, તો જ એને હકીકત તરીકે સ્વીકારવી જોઈએ. એ સાચું હોય, તો આપણે માનવું ન જોઈએ કે સર્વ જીવ કોઈ એક જીવમાંથી આવ્યા, કેમ કે વૈજ્ઞાનિકો એને સાબિત કરી શકતા નથી. (g 9/06)

“જે વસ્તુ છે જ નહિ, એમાંથી બીજું કશું આવી જ ન શકે”

કેનિથ લૉઈડ ટનાકા,

પરિચય: એરીઝોના જિલ્લાના ફેલ્ગસ્ટાફ શહેરમાં યુ.એસ. ભૂસ્તરશાસ્ત્ર સંશોધન સંસ્થા માટે હું એક ભૂસ્તરશાસ્ત્રી (જિઑલજિસ્ટ) તરીકે કામ કરું છું. લગભગ ત્રીસેક વર્ષથી હું ધરતી અને ગ્રહોની ભૂમિના અનેક વૈજ્ઞાનિક અભ્યાસો કરી રહ્યો છું. જાણીતા વૈજ્ઞાનિક મૅગેઝિનોમાં મારા સંશોધન વિષેના લેખો અને મંગળ ગ્રહના (માર્સ) અનેક નકશા છપાયા છે. યહોવાહના ભકત તરીકે હું દર મહિને લગભગ ૭૦ કલાક બીજાઓને બાઇબલ વિષે શીખવું છું.

નાનપણથી મને ઉત્ક્રાંતિની માન્યતા શીખવવામાં આવી હતી. પણ હું માની જ શકતો ન હતો કે વિશ્વને રચવા માટેની અપાર શક્તિ કોઈ સર્જનહારથી નહિ, પણ આમ જ આવી છે. કોઈ પણ ચીજ એમ જ ક્યાંથી આવી શકે? બાઇબલ અનેક રીતે બતાવે છે કે એક સર્જનહાર છે. એમાં એવી હકીકતો પણ છે જે મારા વૈજ્ઞાનિક ક્ષેત્રમાં જોવા મળે છે. જેમ કે પૃથ્વી ગોળ છે ને ‘અધ્ધર લટકે’ છે. (અયૂબ ૨૬:૭; યશાયાહ ૪૦:૨૨) માણસોએ વૈજ્ઞાનિક રીતે એ સાબિત કર્યું એના વર્ષો અગાઉ બાઇબલે એ જણાવ્યું હતું.

જરા વિચાર કરો કે આપણું શરીર કઈ રીતે બનાવવામાં આવ્યું છે. આપણામાં સાંભળવાની, ચાખવાની, જોવાની અને સૂંઘવાની ઇંદ્રિયો છે. આપણે જાણીએ છીએ કે પોતે કેવા છીએ. આપણામાં બુદ્ધિ છે. બીજાઓ સાથે વાત કરી શકીએ છીએ. લાગણીઓ અનુભવી શકીએ છીએ. ખાસ કરીને, પ્રેમભાવ અનુભવીને બીજાને બતાવી શકીએ છીએ. ઉત્ક્રાંતિવાદીઓ સમજાવી શકતા નથી કે આ સુંદર ગુણો આપણામાં કેવી રીતે આવ્યા છે.

હવે તમે વિચારો: ‘ઉત્ક્રાંતિવાદીઓ જે સાબિતીઓ રજૂ કરે છે એ કેટલી ભરોસાપાત્ર છે?’ દાખલા તરીકે, ભૂસ્તરશાસ્ત્રના ક્ષેત્રમાં, બધા બનાવો વિષે પૂરી સાબિતી નથી. અરે, જે માહિતી છે એ ખૂબ જટિલ છે ને એનાથી લોકો મૂંઝાઈ જાય છે. ઉત્ક્રાંતિવાદીઓ વૈજ્ઞાનિક રીતોથી લૅબોરેટરીમાં સાબિત કરી શક્યા નથી કે ઉત્ક્રાંતિની ક્રિયા કેવી રીતે ચાલે છે. સાચી વાત છે કે કોઈ પણ બાબત વિષે માહિતી મેળવવા, વૈજ્ઞાનિકો અનેક સૌથી સારી રીતોનો ઉપયોગ કરશે. પણ એ માહિતી રજૂ કરતી વખતે તેઓનો સ્વાર્થ જોવા મળે છે. ખાસ કરીને જ્યારે માહિતી અધૂરી હોય, કે બીજી વિગતો સાથે બંધબેસતી ન હોય ત્યારે પણ તેઓ પોતાના વિચારો પકડી રાખે છે. તેઓને મન કૅરિયર, પોતાના વિચારો ને અભિમાનનું રક્ષણ કરવા ખૂબ જ મહત્ત્વની બાબત બની જાય છે.

હું એક વૈજ્ઞાનિક છું. સાથે સાથે બાઇબલમાં પણ માનું છું. હું કોઈ બાબત તપાસું ત્યારે સત્ય શોધું છું. એવું સત્ય જે હકીકત અને થયેલા બીજા અભ્યાસ સાથે સુમેળમાં હોય. આમ કરવાથી ચોક્કસ સમજણ મેળવી શકાય છે. મારા વિષે કહું તો, ઈશ્વરમાં માનવું જ સૌથી વાજબી છે.

‘કોષની ઉત્તમ રચનાને લીધે મને ખાતરી છે’

પોલા કીંચાલૉ

પરિચય: મને જીવજંતુના કોષ, અણુ-જીવવિજ્ઞાન અને સૂક્ષ્મ જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન કરવાનો ઘણાં વર્ષોનો અનુભવ છે. હવે હું જ્યોર્જિયા, અમેરિકાના એટ્‌લાંટા શહેરની એમોરી યુનિવર્સિટીમાં કામ કરું છું. હું રશિયન ભાષા બોલતા વિસ્તારમાં લોકોને બાઇબલ શીખવું છું.

હું જીવવિજ્ઞાન ભણતી હતી ત્યારે મેં ચાર વર્ષ, કોષ અને એની અંદરના ભાગો વિષે ખાસ અભ્યાસ કર્યો. કોષમાં રહેલા ડી.એન.એ., આર.એન.એ., પ્રોટીન્સ તેમ જ કોષોની જીવવા માટેની અને ખોરાક પચાવવાની ક્રિયા વિષે હું ઘણું શીખી. એનાથી હું ખૂબ પ્રભાવિત થઈ કે ભલે આ બધી બાબતો બહુ જ જટિલ છે, તેમ છતાં કેટલી વ્યવસ્થિત અને ચોક્કસ રીતે એ કામ કરે છે. માણસ આ બધી બાબતો વિષે ઘણું શીખ્યો છે. પણ મને બહુ જ અચરજ થાય છે કે એના વિષે હજી ઘણું જાણવાનું બાકી રહ્યું છે. કોષની ઉત્તમ રચનાને લીધે જ મને ખાતરી થઈ કે ખરેખર સર્જનહાર છે.

બાઇબલમાંથી શીખવાથી મને ખબર પડી કે સર્જનહારનું નામ યહોવાહ છે. મને પૂરી ખાતરી છે કે તે ફક્ત એક બુદ્ધિમાન ડિઝાઇનર જ નથી, પણ એક પિતાની જેમ મને ખૂબ પ્રેમ કરે છે, મારી સંભાળ રાખે છે. બાઇબલ સમજાવે છે કે જીવનનો હેતુ શું છે. એ સુખી ભાવિ વિષે આશા પણ આપે છે.

સ્કૂલમાં બાળકોને ઉત્ક્રાંતિ વિષે શીખવવામાં આવે છે. પણ તેઓ પોતે મૂંઝાઈ જાય છે કે શું માનવું જોઈએ. જો તેઓ ઈશ્વરમાં માનતા હોય, તો ઉત્ક્રાંતિનું શિક્ષણ તેઓની શ્રદ્ધાની કસોટી કરશે. પણ જો તેઓ કુદરતમાં જોવા મળતી અજોડ રચનાઓ વિષે વિચારતા રહે, સર્જનહાર અને તેમના ગુણો વિષે જ્ઞાન વધારતા રહે તો તેઓ શ્રદ્ધાને જાળવી રાખી શકશે. મેં પોતે આમ કર્યું છે. એટલે મને ખાતરી છે કે બાઇબલમાં ઉત્પત્તિનો અહેવાલ સાચો છે અને વિજ્ઞાન સાથે પણ મળતો આવે છે.

‘કેવા સરળ ને સુંદર નિયમો છે’

એનરીકે હર્નાન્ડેઝ લીમશ

પરિચય: યહોવાહના એક સાક્ષી તરીકે હું મારો પૂરો સમય લોકોને બાઇબલ વિષે શીખવું છું. હું ભૌતિકશાસ્ત્રનો વૈજ્ઞાનિક પણ છું અને મૅક્સિકોની નેશનલ યુનિવર્સિટીમાં કામ કરું છું. હું હમણા નવા તારાઓના જન્મ વિષે અભ્યાસ કરું છું. જેમ કે, એ કેવી રીતે બને છે, ક્યાંથી આવે છે. કેવી જાતની શક્તિ એને અસર કરે છે. આના પહેલાં, મેં ડી.એન.એ.માં કેવી માહિતી છે, એની શોધ પણ કરી છે.

બધા સજીવો એટલા જટિલ છે કે એ આપમેળે આવી જ ન શકે. દાખલા તરીકે, વિચાર કરો કે એક સૂક્ષ્મ ડી.એન.એ.માં કેટલી પુષ્કળ માહિતી હોય છે. એની અંદર એક ક્રોમોઝોમ આપમેળે પેદા થવાની શક્યતા ૯ લાખ-કરોડમાં (૯ પાછળ ૧૨ ઝીરો અથવા ૯૦૦૦ અબજ) એકથી પણ ઓછી હોય છે. એટલે એ આપમેળે આવી જ ન શકે. તેથી, એમ વિચારવું મૂર્ખાઈભર્યું કહેવાય કે ફક્ત એક ક્રોમોઝોમ જ નહિ, પણ સર્વ સજીવ પ્રાણીઓમાં જોવા મળતી જટિલ વ્યવસ્થા આપોઆપ આવી ગઈ.

વધુમાં, જ્યારે હું સૂક્ષ્મ જીવોથી લઈને છેક અંતરિક્ષના મોટા મોટા વાદળોની તપાસ કરું છું ત્યારે એકદમ દંગ થઈ જાઉં છું. સૌથી નાની વસ્તુથી માંડીને મોટી મોટી વસ્તુઓના હલન-ચલન પાછળ ખૂબ સરળ ને સુંદર નિયમો છે. મારી માટે, આ નિયમો ફક્ત એક ઉત્તમ ગણિતશાસ્ત્રીનું જ કામ નથી, પણ એ તો જાણે એક મહાન કલાકારની સહી છે.

હું લોકોને કહું કે હું યહોવાહનો સાક્ષી છું ત્યારે તેઓ માની જ નથી શકતા. અમુક વાર તેઓ પૂછે છે કે હું ઈશ્વરમાં કેવી રીતે માની શકું છું. તેઓનું કહેવું હું સમજી શકું છું, કેમ કે મોટા ભાગના ધર્મો લોકોને ઉત્તેજન નથી આપતા કે તેઓ ધાર્મિક માન્યતાની સાબિતી તપાસે, એના વિષે પૂછે કે વધુ શીખે. પણ બાઇબલ કહે છે કે આપણે “વિવેકબુદ્ધિ” વાપરવી જોઈએ. (નીતિવચનો ૩:૨૧) કુદરતમાં એવા પુષ્કળ પુરાવા છે જે વિશ્વના સર્જનહારની સાબિતી આપે છે. તેમ જ બાઇબલ પણ એના વિષે ખૂબ જણાવે છે. એ બાબતો મને પૂરી ખાતરી આપે છે કે ઈશ્વર છે. એટલું નહિ, પણ તે આપણી પ્રાર્થનાઓ સાંભળવા ચાહે છે.

[ફુટનોટ]

^ આ વૈજ્ઞાનિકો જે કહે છે, એ તેઓના પોતાના જ વિચારો છે. એ તેઓના માલિકના વિચારો નથી.

[પાન ૨૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Mars in background: Courtesy USGS Astrogeology Research Program, http://astrogeology.usgs.gov