સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કોઈએ સૃષ્ટિ રચી છે એવો હું કેવી રીતે પુરાવો આપી શકું?

કોઈએ સૃષ્ટિ રચી છે એવો હું કેવી રીતે પુરાવો આપી શકું?

યુવાનો પૂછે છે . . .

કોઈએ સૃષ્ટિ રચી છે એવો હું કેવી રીતે પુરાવો આપી શકું?

‘ક્લાસમાં ઉત્ક્રાંતિ વિષે શીખવવામાં આવતું ત્યારે મારી શ્રદ્ધા હલી જતી. એ જાણે સત્ય હોય એમ શીખવવામાં આવતું. એ મારા ધર્મની વિરુદ્ધ હતું.’—રાયન, ૧૮.

‘હું ૧૨ વર્ષનો હતો ત્યારે મારા સાયન્સના ટીચર ઉત્ક્રાંતિ વિષે શીખવતા. એ પોતાનો ધર્મ હોય એ રીતે તે એમાં માનતા. અરે, તેમણે પોતાની કાર પર ડાર્વિનના શિક્ષણને ઉત્તેજન આપતું સ્ટિકર પણ લગાવ્યું હતું! એટલે મને ઈશ્વર વિષે વાત કરવાનો ડર લાગતો.’—ટાઇલર, ૧૯.

‘એક દિવસે સોશિયલ સ્ટડીના મારા ટીચરે કહ્યું કે આપણે આવતા ક્લાસમાં ઉત્ક્રાંતિ વિષે શીખીશું. એ સાંભળીને હું એકદમ ચોંકી ગઈ. હું જાણતી હતી કે મારે ક્લાસમાં કહેવું પડશે કે હું તો ઈશ્વરમાં માનું છું.’—રાકેલ, ૧૪.

જો તમારા ક્લાસમાં ઉત્ક્રાંતિ વિષય પર ચર્ચા કરવામાં આવે તો, કદાચ તમને પણ રાયન, ટાઇલર અને રાકેલની જેમ ગભરામણ થશે, ખરું ને? તમે તો માનો છો કે ઈશ્વરે સર્વ વસ્તુઓ “ઉત્પન્‍ન” કરી છે. (પ્રકટીકરણ ૪:૧૧) તમે જાણો છો કે એ તો ઈશ્વરની કરામત છે. તેમ છતાં ઉત્ક્રાંતિ શીખવતાં પુસ્તકો અને ટીચરો શીખવે છે કે બધું આપમેળે આવી ગયું છે. તેથી તમને મનમાં સવાલ થઈ શકે કે ‘તેઓનો’ વિરોધ કરવાવાળો ‘હું’ કોણ? તેમ જ તમને થઈ શકે કે ‘હું’ જો ઈશ્વર વિષે ક્લાસમાં વાત કરું તો, બીજા સ્ટુડન્ટ મારા વિષે શું વિચારશે?

શું તમને એવા પ્રશ્નથી ગભરામણ થાય છે? તોપણ ગભરાશો નહિ! આજે ઘણા લોકો માને છે કે ઈશ્વર છે. તેમણે બધું રચ્યું છે. એમ માનવામાં તમે જ એકલા નથી. ખરું કહીએ તો બધા વૈજ્ઞાનિકો પણ ઉત્ક્રાંતિમાં માનતા નથી. અરે, બધા ટીચરો પણ એમાં માનતા નથી. અમેરિકામાં પાંચમાંથી ચાર બાળકો ઈશ્વરમાં માને છે. પછી ભલેને પુસ્તકો ઉત્ક્રાંતિ શીખવતાં હોય!

તોપણ તમને કદાચ સવાલ થશે કે સૃષ્ટિના સર્જનહાર છે, એનો હું કેવી રીતે પુરાવો આપી શકું? એ ભૂલશો નહિ કે તમે શરમાળ હો કે ડરતા હો તોપણ એ પૂરી હિંમતથી સમજાવી શકશો. એટલું જ કે તમારે પહેલેથી થોડું વિચારવું પડશે કે પુરાવો આપવા હું શું કહી શકું.

તમારી માન્યતા સત્ય શીખવે છે કે નહિ એ પારખો!

જો તમારાં માબાપ યહોવાહ ઈશ્વરમાં માનતા હોય તો, તેઓએ કદાચ તમને નાનપણથી એવું શીખવ્યું હશે કે સૃષ્ટિ તો ઈશ્વરની કરામત છે. પણ હવે મોટા થયા પછી તમે શું માનો છો? તમારાં માબાપના કહેવાથી તમારે ઈશ્વરમાં માનવું ન જોઈએ. પણ જાતે પુરાવો શોધવો જોઈએ કે સર્જનહાર છે. જેથી તમે સમજી વિચારીને “બુદ્ધિપૂર્વક” તેમની સેવા કરી શકો. એમ કરશો તો તમારી શ્રદ્ધા દિવસે દિવસે મજબૂત બનશે. (રૂમી ૧૨:૧) પહેલી સદીમાં પ્રેરિત પાઊલે યહોવાહના ભક્તોને ઉત્તેજન આપતા સલાહ આપી કે “સઘળાંની પારખ કરો.” (૧ થેસ્સાલોનીકી ૫:૨૧) તેથી સવાલ થાય કે ઉત્પત્તિ સત્ય શીખવે છે કે નહિ? એ આપણે કઈ રીતે પારખી શકીએ?

પ્રથમ, પાઊલે ઈશ્વર વિષે જે કહ્યું એનો વિચાર કરો: ‘જગત ઉત્પન્‍ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓ પરથી તેમના ગુણો’ દેખાઈ આવે છે. (રૂમી ૧:૨૦) આ શબ્દો ધ્યાનમાં રાખીને વિચાર કરો કે, ગગન, વિશ્વ, આપણું શરીર, પૃથ્વી, સમુદ્ર, જીવજંતુઓ, પ્રાણીઓ અને છોડ-પાન કોણે બનાવ્યાં? કેવી રીતે આવ્યાં? પછી પોતાને પૂછો, ‘હું શાના પરથી કહી શકું કે ઈશ્વર છે?’

૧૪ વર્ષના સામે એનો આ રીતે જવાબ આપ્યો: ‘મનુષ્યનું શરીર અજોડ છે. નાના-મોટા દરેક અંગો એટલા જટિલ છે કે આપણે સહેલાઈથી બધું સમજી જ ન શકીએ. એ બધા અંગો એકરાગમાં જે રીતે એકબીજા સાથે કામ કરે છે એ જોઈને કહી જ ન શકાય કે એ આપમેળે આવી ગયું છે.’ સોળ વર્ષની હૉલી પણ તેની સાથે સહમત છે. તે કહે છે: ‘મને ડાયાબિટીસ થયા પછી હું આપણા શરીર વિષે ઘણું જ શીખી. આપણું પેન્ક્રિયાઝ કે સ્વાદુપિંડ તો અજોડ છે. એ આપણા પેટની પાછળ આવેલું નાનકડું અંગ છે. છતાં એ મહત્ત્વનું કામ કરે છે. એ લોહીને શુદ્ધ રાખે છે. અને બીજા અંગોને સારી હાલતમાં રાખે છે.’

ઈશ્વર છે કે નહિ એના વિષે બીજા યુવાનો આમ કહે છે. ૧૯ વર્ષનો જરાડ કહે છે: ‘આપણામાં ઈશ્વરને ભજવાની ભૂખ છે. સુંદરતાની કદર કરવાની ચાહના છે. નવું નવું શીખવાની તમન્‍ના છે. એ જ પુરાવો છે કે સૃષ્ટિ ઈશ્વરની કરામત છે. જ્યારે કે ઉત્ક્રાંતિના શિક્ષણ પ્રમાણે જીવતા રહેવા માટે એ બાબતોની કોઈ જરૂર જ નથી. હું એટલું જ માનું છું કે કુદરતે આપણને પૃથ્વી પર એટલા માટે બનાવ્યા છે કે આપણે જીવનનો આનંદ માણતા રહીએ.’ આપણે લેખની શરૂઆતમાં ટાઇલરની વાત કરી હતી. તે પણ જરાડની જેમ નિર્ણય પર આવ્યો છે. તે કહે છે કે ‘છોડ-પાન વગર જીવન હોત જ નહિ. એની રચના જ અનોખી છે. એની રચના વિષે બધું જાણવું અશક્ય છે. એના પરથી હું કહી શકું કે ઈશ્વર છે.’

જો તમે પણ તેઓની જેમ સૃષ્ટિની રચના વિષે ઊંડો વિચાર કર્યો હોય તો, ઈશ્વર વિષે વાત કરવી અઘરું નહિ લાગે. સામ, હૉલી, જોરાડ અને ટાઇલરે ઈશ્વરની કરામત પર ઊંડો વિચાર કર્યો. તમે પણ એમ કરીને પારખી શક્શો કે એ તો ઈશ્વરની કરામત છે. તમે પણ પ્રેરિત પાઊલની જેમ એક જ નિર્ણય પર આવશો કે, ઈશ્વર છે. એટલું જ નહિ પણ ‘સૃજેલી વસ્તુઓ’ પરથી તમે તેમના ગુણો જોઈ શકશો. *

બાઇબલ શું શીખવે છે?

સૃજેલી વસ્તુઓનો દાખલો વાપરીને પુરાવો આપવો કે ઈશ્વર છે, એ જ પૂરતું નથી. એ ઉપરાંત, એના વિષે બાઇબલ શું શીખવે છે એ આપણે જાણવું જોઈએ. બાઇબલમાં જો કોઈક બાબતો વિષે કાંઈ જણાવ્યું ન હોય તો એના વિષે ખોટો વાદવિવાદ કરવો ન જોઈએ. ચાલો અમુક દાખલાઓ જોઈએ.

મારું વિજ્ઞાનનું પુસ્તક શીખવે છે કે આપણી પૃથ્વી અને સૂર્યમંડળને અબજો વર્ષો થયાં છે. બાઇબલ એ જણાવતું નથી કે પૃથ્વી અને સૂર્યમંડળને કેટલાં વર્ષ થયાં છે. પરંતુ બાઇબલ જે જણાવે છે એનાથી આપણે કહી શકીએ કે ઈશ્વરે ઉત્પત્તિના પહેલા ‘દિવસે’ પૃથ્વી પર સર્જન કર્યું એના અબજો વર્ષો પહેલાં વિશ્વ, ગગન, સૂર્યમંડળ અને પૃથ્વી રચ્યાં હતાં.—ઉત્પત્તિ ૧:૧, ૨.

મારા ટીચરનું કહેવું છે કે છ દિવસમાં પૃથ્વી ઉત્પન્‍ન કરવામાં આવી જ ન હોઈ શકે. બાઇબલ શીખવતું નથી કે ઉત્પત્તિના છ “દિવસ,” ૨૪ કલાકનો ‘એક દિવસ’ એવા છ દિવસ હતા. વધુ માહિતી માટે પાન ૧૮-૨૦ જુઓ.

ક્લાસમાં અમે અનેક દાખલાઓ પર ચર્ચા કરી, જે બતાવે છે કે માણસ અને પ્રાણીઓમાં સમય જતાં ઉત્ક્રાંતિથી ફેરફારો થયા છે. બાઇબલ કહે છે કે ઈશ્વરે “પોતપોતાની જાત પ્રમાણે” પ્રાણીઓ અને જીવજંતુઓ બનાવ્યા છે. (ઉત્પત્તિ ૧:૨૦, ૨૧) બાઇબલ એમ શીખવતું નથી કે નિર્જીવ પદાર્થોમાંથી જીવોની ઉત્પત્તિ થઈ. અથવા ઈશ્વરે ઉત્ક્રાંતિ દ્વારા કોઈ એક કોષમાંથી સર્વ સજીવોની શરૂઆત કરી. જોકે દરેક ‘જાતિમાં’ ઘણા જુદા જુદા રૂપ હોય છે. તેથી બાઇબલ પ્રમાણે ‘પોતપોતાની જાતમાં જ’ અમુક ફેરફાર થાય છે.

તમારા ધર્મમાં પૂરી શ્રદ્ધા મૂકો!

તમે ઉત્પત્તિમાં માનતા હોવાથી જરાય નીચું જોવું ન જોઈએ. અથવા શરમાવું ન જોઈએ. આપણે જે પુરાવા જોયા એ બતાવે છે કે ઉત્પત્તિમાં માનવું વાજબી છે. એ વૈજ્ઞાનિક રીતે સત્ય શીખવે છે. સૃષ્ટિના રચનાર બુદ્ધિમાન છે. તેમણે આપણને બનાવ્યા છે. ખરું કહીએ તો ઉત્પત્તિમાં માનવું જેટલું સહેલું છે એટલું જ ઉત્ક્રાંતિમાં માનવું સહેલું નથી. કેમ કે, ઉત્ક્રાંતિમાં માનનાર જાણે કહે છે કે જાદુગર વગર જાદુ થઈ શકે. ખરું કહીએ તો, આ મૅગેઝિનમાં આપેલા લેખો બરાબર વાંચીને એના પર વિચાર કર્યા પછી, તમે પોતે કહી શકશો કે ઉત્ક્રાંતિ નહિ, પણ ઉત્પત્તિ સત્ય શીખવે છે. પછી તમે ક્લાસમાં ગભરાયા વગર બધાને કહી શકશો કે ઈશ્વરે સૃષ્ટિ રચી છે.

આપણે આ લેખની શરૂઆતમાં રાકેલની વાત કરી હતી. રાકેલને પણ એવો જ અનુભવ થયો હતો. તે કહે છે: ‘શરૂઆતમાં મેં ક્લાસમાં કોઈને જણાવ્યું નહિ કે હું શું માનું છું. અમુક દિવસો પછી મને થયું કે હવે જણાવવું જ પડશે. મેં પછી મારા ટીચરને લાઇફ—હાઉ ડીડ ઈટ ગેટ હીઅર? બાય ઇવોલ્યુશન ઓર બાય ક્રિએશન? પુસ્તક આપ્યું. એમાં મેં ટીચરના ધ્યાનમાં લાવવા અમુક મુદ્દાઓ નીચે લીટી દોરી હતી. અમુક સમય પછી તેમણે મને કહ્યું કે મેં જે પુસ્તક આપ્યું હતું એનાથી તેમને ઉત્ક્રાંતિ વિષે કાંઈક નવું જ શીખવા મળ્યું. તેમણે એ પણ કહ્યું કે આવતા દિવસોમાં ઉત્ક્રાંતિ વિષે શીખવતી વખતે એ પુસ્તકમાં આપેલી માહિતીને તે ધ્યાનમાં રાખશે.’ (g 9/06)

“યુવાનો પૂછે છે . . .” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ. www.watchtower.org/ype

આનો વિષે વિચાર કરો

▪ તમે સ્કૂલમાં ગભરાયા વગર કેવી રીતે સમજાવશો કે સૃષ્ટિ ઈશ્વરની કરામત છે?

▪ વિશ્વ અને બીજી સર્વ વસ્તુઓ બનાવનાર ઈશ્વરના તમે કેવી રીતે ગુણગાન ગાઈ શકો?—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬, ૨૭.

[ફુટનોટ]

^ લાઇફ—હાઉ ડીડ ઈટ ગેટ હીઅર? બાય ઇવોલ્યુશન ઓર બાય ક્રિએશન? અને ઈઝ ધેર એ ક્રિએટર હું કેર્સ અબાઉટ યુ? પુસ્તકમાંથી ઘણા યુવાનોને લાભ થયો છે. યહોવાહના સાક્ષીઓએ એ બહાર પાડ્યાં છે.

[પાન ૨૭ પર બોક્સ]

“અઢળક પુરાવા”

‘માબાપે નાનપણથી શીખવ્યું હોવાથી કોઈ યુવાન ઈશ્વરમાં માને છે. પણ સ્કૂલમાં તેને ઉત્ક્રાંતિ વિષે શીખવવામાં આવે છે. એવા યુવાનને તમે શું કહેશો?’ આ સવાલ એક માઇક્રોબાયોલોજિસ્ટને (જીવવિજ્ઞાનીને) પૂછવામાં આવ્યો હતો, જે યહોવાહની સાક્ષી પણ છે. એ વૈજ્ઞાનિકે કહ્યું: “હું તેને કહીશ, તારા માબાપે તને શીખવ્યું છે કે ઈશ્વર છે. એટલે તારે એ તરત જ માની ન લેવું જોઈએ. પણ તારે પોતે સાબિત કરવું જોઈએ કે ઈશ્વર છે. એમ કરવા માટે તારી પાસે સારો મોકો છે. ઘણી વાર ટીચરને પૂછવામાં આવે છે કે ઉત્ક્રાંતિ સાચું છે એનો ‘પુરાવો’ આપો. ત્યારે તેઓ એનો પુરાવો આપી શકતા નથી. તેઓને ત્યારે ભાન થાય છે કે સ્કૂલમાં ઉત્ક્રાંતિ વિષે શીખવવામાં આવે છે એટલે તેઓ એ માની લે છે. એવી જ રીતે ફક્ત ઈશ્વરમાં માનવું એ પૂરતું નથી. પણ ઈશ્વર છે એનો જાતે પુરાવો આપતા શીખવું જોઈએ. એ ખૂબ જ મહત્ત્વનું છે. ઈશ્વર છે એના અઢળક પુરાવા છે. એ શોધવા જરાય અઘરા નથી.”

[પાન ૨૮ પર બોક્સ/ચિત્ર]

તમે કેમ માનો છો?

ઈશ્વરમાં માનવા માટે તમારી પાસે કયાં ત્રણ કારણ છે, એ નીચે લખો:

૧. .............................................................

૨. .............................................................

૩. .............................................................