જીવવૈજ્ઞાનિક સાથે ઇન્ટર્વ્યૂં
જીવવૈજ્ઞાનિક સાથે ઇન્ટર્વ્યૂં
માઈકલ જે. બિહી જીવવૈજ્ઞાનિક છે. તે પેન્સીલ્વેનિયા, અમેરિકાની લીહાઇ યુનિવર્સિટીમાં એક પ્રોફેસર છે. તેમણે ૧૯૯૬માં ડાર્વિન્સ બ્લેક બૉક્સ—ધ બાયોકૅમિકલ ચેલેંજ ટુ ઇવોલ્યુશન નામનું પુસ્તક બહાર પાડ્યું હતું. મે ૮, ૧૯૯૭ના અવેક! (સજાગ બનો!)માં માઈકલ બિહીના પુસ્તકમાંથી અમુક બાબતો ટાંકવામાં આવી હતી. ‘આપણે આપોઆપ આવી ગયા કે કોઈએ બનાવ્યા છે?’ વિષય ઉપર એમાં અનેક લેખો હતા. ડાર્વિન્સ બ્લેક બૉક્સ પુસ્તકમાં બિહીએ જે રીતે માહિતી રજૂ કરી છે એને જૂઠી પાડવા ઉત્ક્રાંતિમાં માનતા વૈજ્ઞાનિકો દસેક વર્ષથી સખત પ્રયત્ન કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે બિહી રોમન કૅથલિક હોવાથી વૈજ્ઞાનિક રીતે જીવનની શરૂઆત વિષે બરાબર વિચારી શકતા નથી. તે ફક્ત પોતાની માન્યતા જ રજૂ કરે છે. તેમ જ બીજા વૈજ્ઞાનિકોનું માનવું છે કે બિહીનું શિક્ષણ વિજ્ઞાન સાથે સહમત નથી. સજાગ બનો!ના લેખકે પ્રોફેસર બિહીને ઇન્ટર્વ્યૂંમાં પૂછ્યું કે ‘તમારા વિચારોને કારણે વિજ્ઞાનની દુનિયામાં કેમ હલચલ મચી ગઈ છે?’
સજાગ બનો!: જીવંત વસ્તુઓ જોઈને તમને કેમ એવું લાગે છે કે એને બનાવનાર કોઈ હોવું જ જોઈએ?
પ્રોફેસર બિહી: અનેક જટિલ ભાગોથી બનેલી ચીજ-વસ્તુઓ જોઈને અમે અનુમાન કરીએ છીએ કે એને જરૂર કોઈએ બનાવી છે. ઘાસ કાપવાનું મશીન કે કારનો જ દાખલો લો. એનાથી પણ સાદો દાખલો લઈએ: ઉંદરિયું, ઉંદર પકડવાનું પાંજરું. મને ઉંદરિયાંનો દાખલો વાપરવાનું બહુ જ ગમે. સાદા ઉંદરિયામાં પણ અનેક ભાગો હોય છે. એ યોગ્ય રીતે ગોઠવ્યા હોવાથી ઉંદર પકડાય છે. એ બતાવે છે કે એને કોઈએ બનાવ્યું છે.
વિજ્ઞાનમાં બહુ જ પ્રગતિ થઈ છે. વૈજ્ઞાનિકો હવે સારી રીતે સમજી શકે છે કે સજીવ વસ્તુઓમાં જુદા જુદા ભાગ કેવી રીતે કામ કરે છે. શરીરના કોષનો અભ્યાસ કરવાથી વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે એમાં મશીનની જેમ જુદા જુદા ભાગો હોય છે. દાખલા તરીકે, દરેક કોષમાં નાના નાના અણુ હોય છે. અણુઓ કોષમાં એક છેડેથી બીજે છેડે ‘ટ્રકની’ જેમ જરૂરિયાતો પહોંચાડે છે. રસ્તાઓ પર જે રીતે “નિશાનીઓ” હોય છે એવી જ રીતે કોષમાં પણ નિશાનીઓ હોય છે. જેથી અણુ ખોટી દિશામાં ન પહોંચી જાય. અમુક કોષોમાં એવા અણુ હોય છે જે મોટરવાળી બોટની જેમ કામ કરે છે. એની મદદથી કોષ એકથી બીજી જગ્યાએ સહેલાઈથી જઈ શકે છે. આમ, કોષમાં જે રીતે અનેક ભાગો કામ કરે છે એવી જ ગોઠવણ આપણને બીજી કોઈ વસ્તુમાં પણ જોવા મળે તો, જરૂર કબૂલ કરીશું કે કોઈકે એને બનાવ્યું છે. એ જટિલ બાબતો કેવી રીતે બની એ સમજાવવા અમારી પાસે બીજો કોઈ પુરાવો નથી. પછી ભલેને ડાર્વિનનું શિક્ષણ એમ શીખવતું હોય કે આપણે આપમેળે આવી ગયા છીએ. અમારો અનુભવ છે કે આવી જટિલ બાબતોની રચના કરનાર કોઈ હોવું જ જોઈએ. એટલે જ અમારું માનવું છે કે કોઈકે તો અણુની રચના કરી હોવી જોઈએ.
સજાગ બનો!: તમે કહો છો કે કોઈકે સૃષ્ટિ રચી છે. પણ મોટા ભાગના
વૈજ્ઞાનિકો એમ માનતા નથી. એનું શું કારણ?પ્રોફેસર બિહી: સૃષ્ટિ પાછળ કોઈનો હાથ છે, એ સાંભળીને ઘણા વૈજ્ઞાનિકો ગભરાઈ જાય છે. કારણ કે તેઓ એ સ્વીકારવા તૈયાર નથી કે સર્જનહાર છે. એ નિષ્કર્ષ પર આવતા ઘણાને ગભરામણ થાય છે. તોપણ હું એ જ શીખવતો આવ્યો છું કે વૈજ્ઞાનિક પુરાવાઓથી જે કંઈ સાબિત થાય એને આપણે ખુશીથી સ્વીકારવું જોઈએ. મારા માનવા પ્રમાણે બધી વસ્તુઓમાંથી પુરાવો મળે છે કે એની પાછળ કોઈ શક્તિ છે. જેઓ એ સ્વીકારવા તૈયાર નથી તેઓ બીકણ છે. તેઓ જો એ સ્વીકારે તો તેઓએ સર્જનહારમાં માનવું પડે. પણ એમ કરવા તેઓ તૈયાર નથી.
સજાગ બનો!: બીજા વૈજ્ઞાનિકો જ્યારે એમ કહે છે કે તમે સર્જનહારમાં માનો છો ત્યારે લોકોને અંધારામાં રાખો છો. તેઓને તમે કેવો જવાબ આપશો?
પ્રોફેસર બિહી: કુદરતી વસ્તુઓ પરથી હું માનું છું કે કોઈ બુદ્ધિશાળી સર્જનહાર છે. એમ કહેવાથી કંઈ આપણે અંધારામાં નથી. આપણે અજ્ઞાની હોવાથી નહિ પણ જ્ઞાની હોવાથી માનીએ છીએ કે સર્જનહાર છે. આજથી દોઢસો વર્ષ પહેલાં ડાર્વિને ઓરિજીન ઓફ સ્પિસીસ પુસ્તક લખ્યું હતું. ત્યારે વૈજ્ઞાનિકો માનતા કે જીવનની રચના એકદમ સાદી છે. એટલે કે સમુદ્રના કાદવમાંથી કોષ આપમેળે પેદા થઈ ગયો. ખરું કહીએ તો વૈજ્ઞાનિકોને આજકાલમાં ખબર પડી છે કે આપણે ધાર્યું હતું એટલો સાદો કોષ નથી. એ તો ૨૧મી સદીના મશીનો કરતાં પણ વધારે જટિલ છે. એ જ પુરાવો આપે છે કે એનો રચનાર કોઈ છે.
સજાગ બનો!: શું વિજ્ઞાને એવું કંઈ પુરવાર કર્યું છે કે ઉત્ક્રાંતિથી મશીન જેવા અણુ આપોઆપ પેદા થઈ શકે?
પ્રોફેસર બિહી: તમે જો વિજ્ઞાનના પુસ્તકોમાં સંશોધન કરશો તો જોવા મળશે કે, આજ સુધી કોઈએ પુરવાર કર્યું નથી કે ઉત્ક્રાંતિથી અણુ કઈ રીતે બને છે. મેં પુસ્તકમાં લખ્યું છે કે જીવન કોઈ કુશળ કારીગરની કરામત છે. એ જૂઠું ઠરાવવા વૈજ્ઞાનિકોએ નૅશનલ એકેડમી ઑફ સાયન્સીસ અને અમેરિકન એસોસિએશન ફૉર ધી એડવાન્સમેન્ટ ઑફ સાયન્સ જેવી સંસ્થાઓને આગ્રહ કર્યો કે તેઓ મને ખોટો સાબિત કરવા કંઈક કરે. એને પણ આજે દસ વર્ષ થયાં છે. તોય તેઓએ હજી કંઈ કર્યું નથી.
સજાગ બનો!: વૈજ્ઞાનિકો જ્યારે અમુક વૃક્ષ કે પ્રાણીનો દાખલો આપીને કહે છે કે તેઓની રચનામાં ખામી છે, ત્યારે તમે તેઓને શું કહો છો?
પ્રોફેસર બિહી: આપણે અમુક અંગ વિષે બધું જ જાણતા ન હોવાથી એવું ન માનવું જોઈએ કે એ નકામું છે. અથવા એમાં ખામી છે. દાખલા તરીકે, અમુક વર્ષો પહેલાં માનવામાં આવતું કે કોઈ અંગની બરાબર વૃદ્ધિ થઈ ન હોય તો, એની રચનામાં ખામી છે. પણ એવું નથી. એક દાખલો લો: એક સમયે એવું માનવામાં આવતું કે આપણા શરીરમાં ઍપેન્ડિક્સ અને કાકડા કે ટોન્સીલ નકામા છે. એ ન હોય તોપણ ચાલે. તેથી ઑપરેશન કરીને ઘણી વાર એને કાઢી નાખવામાં આવતાં. પરંતુ સમય જતાં ખબર પડી કે એ તો, રોગ સામે લડવામાં મોટો ભાગ ભજવે છે.
બીજી એક બાબત ભૂલવી ન જોઈએ કે સજીવોમાં અણધાર્યા ફેરફાર થાય છે. એક દાખલો લઈએ: જો મારી કારમાં ગોબો પડે કે ટાયરમાં પંચર પડી જાય તો, આપણે એવું ન વિચારવું જોઈએ કે એનો કોઈ બનાવનાર જ નથી. એ જ રીતે, જીવંત વસ્તુઓમાં કોઈ અણધાર્યા ફેરફાર થાય તો એમ ન માનવું કે મશીન જેવા જટિલ કોષો આપમેળે આવી ગયા છે. એ ઉત્ક્રાંતિથી આવી ગયા છે એમ માનવું જરાય વાજબી નથી. (g 9/06)
[પાન ૧૨ પર બ્લર્બ]
“મારા માનવા પ્રમાણે બધી વસ્તુઓમાંથી પુરાવો મળે છે કે એની પાછળ કોઈ શક્તિ છે. જેઓ એ સ્વીકારવા તૈયાર નથી તેઓ બીકણ છે. તેઓ જો એ સ્વીકારે તો તેઓએ સર્જનહારમાં માનવું પડે. પણ એમ કરવા તેઓ તૈયાર નથી”