સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે કોનું માનશો?

તમે કોનું માનશો?

તમે કોનું માનશો?

‘દરેક ઘર કોઈએ બાંધ્યું છે; પણ સઘળી વસ્તુઓનો સર્જનહાર તો ઈશ્વર છે.’—હેબ્રી ૩:૪.

શું આપણા જમાનામાં પણ બાઇબલનું આ લખાણ સાચું છે? એ શબ્દો લખાયાને લગભગ બે હજાર વર્ષો થયાં. આટલાં વર્ષોમાં તો સાયન્સે ઘણી પ્રગતિ કરી છે. શું હજુ પણ એમ માની શકાય કે કુદરતની રચના પાછળ કોઈ છે? એને બનાવનાર ઈશ્વર છે?

સાયન્સમાં આગળ પડતા દેશોમાં પણ ઘણા લોકો ઈશ્વરમાં માને છે. જેમ કે, અમેરિકામાં ન્યૂઝવીક મૅગેઝિને ૨૦૦પમાં એક સર્વે કર્યો. એ સર્વે પ્રમાણે, ૮૦ ટકા લોકો “માને છે કે ઈશ્વરે વિશ્વ બનાવ્યું.” શું આ લોકો ઓછું ભણેલા હોવાથી એમ માને છે? શું કોઈ વૈજ્ઞાનિકો ઈશ્વરમાં માને છે? ૧૯૯૭માં નેચર નામનું સાયન્સ મૅગેઝિન જણાવે છે કે લગભગ ૪૦ ટકા જીવ-વૈજ્ઞાનિકો, ભૌતિક અને ગણિત શાસ્ત્રના વૈજ્ઞાનિકો ઈશ્વરમાં માને છે. તેઓ એમ પણ માને છે કે ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. એના જવાબ પણ આપે છે.

તોયે એવા વૈજ્ઞાનિકો પણ છે, જેઓ ઈશ્વરમાં જરાય માનતા નથી. નોબેલ વિજેતા ડૉક્ટર હરબર્ટ હૉપ્ટમેને વિજ્ઞાનની એક કૉન્ફરન્સમાં આમ જણાવ્યું: ઈશ્વરમાં કે એવી કોઈ મહાન શક્તિમાં માનવું, એ સાચા વિજ્ઞાનનું કામ નહિ. ‘અરે એવી માન્યતા તો મનુષ્યને નુકસાન કરે છે.’ જે વૈજ્ઞાનિકો ઈશ્વરમાં માને છે, તેઓ પણ એવું શીખવવા તૈયાર નથી કે પ્રાણી અને વનસ્પતિ જગતની રચના પાછળ કોઈ છે. એને બનાવનાર કોઈ છે. કેમ એવું? પ્રાણીઓના અવશેષો પર સંશોધન કરનાર, ડગલસ એચ. અરવીન એક કારણ બતાવતા કહે છે: “વિજ્ઞાનનો એક નિયમ એ છે કે એમાં કોઈ ચમત્કાર ન ચાલે.”

તમે કોનું માનશો? ક્યાં તો તમે બીજા જે કહે એ માની શકો. અથવા તો તમે પોતે પુરાવાઓ તપાસો. પછી પોતે સમજી-વિચારીને નક્કી કરો કે શું માનવું. હવે પછીનાં પાનાઓ પર તમે વિજ્ઞાનની શોધખોળ વિષે વાંચો તેમ, આ સવાલ પર વિચાર કરજો: ‘શું વિશ્વ ઈશ્વરની કરામત છે?’ (g 9/06)

[પાન ૩ પર બ્લર્બ]

તમે પોતે પુરાવાઓ તપાસો

[પાન ૩ પર બોક્સ]

યહોવાહના સાક્ષીઓ ઉત્પત્તિ વિષે શું માને છે?

બાઇબલના પહેલા પુસ્તકનું નામ ઉત્પત્તિ છે. એ પુસ્તક સૃષ્ટિના સર્જન વિષે જણાવે છે. યહોવાહના સાક્ષીઓ એમાં માને છે. તોપણ, ઘણા માને છે એમ યહોવાહના સાક્ષીઓ ‘ક્રિએશનીસ્ટ’ નથી. એટલે કે તેઓ એવું માનતા નથી કે લગભગ ૧૦,૦૦૦ વર્ષો પહેલાં, વિશ્વ, ધરતી અને એમાંની સર્વ વસ્તુઓને ૨૪ કલાકનો એક, એવા છ દિવસમાં બનાવવામાં આવ્યા. બાઇબલ એવું શીખવતું જ નથી. * પણ આવી ખોટી માન્યતામાં માનનારા એવું ઘણું માને છે, જે બાઇબલમાં નથી. જ્યારે કે યહોવાહના સાક્ષીઓનું શિક્ષણ તો ફક્ત બાઇબલમાંથી જ છે.

અમુક દેશોમાં ‘ક્રિએશનીસ્ટને’ ઝનૂની ભક્તો [ફન્ડામેન્ટલીસ્ટ] જેવા જ ગણવામાં આવે છે, જેઓ રાજનીતિમાં પણ માથું મારતા હોય છે. આ ગ્રૂપો રાજનેતાઓ, ન્યાયાધીશો અને શિક્ષણ અધિકારીઓ પર દબાણ લાવે છે કે તેઓએ ‘ક્રિએશનીસ્ટʼની માન્યતા સ્વીકારવી જોઈએ.

યહોવાહના સાક્ષીઓ રાજનીતિમાં જરાય માથું નથી મારતા. તેઓ માને છે કે સરકારને કાયદા ઘડવાનો અને પ્રજા એ પાળે એવી માંગ કરવાનો હક્ક છે. (રૂમી ૧૩:૧-૭) સાથે સાથે તેઓ દિલથી માને છે કે ઈસુના કહેવા પ્રમાણે, પોતે ‘જગતના નથી.’ (યોહાન ૧૭:૧૪-૧૬) યહોવાહના સાક્ષીઓ લોકોને શીખવે છે કે ઈશ્વર શું ચાહે છે. એનાથી તેઓ લોકોને યહોવાહના શિક્ષણથી આવતા આશીર્વાદ પામવાનો મોકો આપે છે. યહોવાહના ભક્તો માણસોના કોઈ ગ્રૂપમાં જોડાતા નથી. ભલે પછી એ ફન્ડામેન્ટલીસ્ટ ગ્રૂપ હોય, જેઓ લોકોના હક્કો ઘડવા માંગે છે અને બાઇબલનું શિક્ષણ લોકો પર ઠોકી બેસાડવા માંગે છે.—યોહાન ૧૮:૩૬.

[ફુટનોટ]

^ આ મૅગેઝિનના પાન ૧૮ પરનો લેખ જુઓ: “બાઇબલ શું કહે છે: શું વિજ્ઞાન ઉત્પત્તિનો અહેવાલ ખોટો ઠરાવે છે?”