સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ઈશ્વરે ઉત્ક્રાંતિથી જીવનની શરૂઆત કરી?

શું ઈશ્વરે ઉત્ક્રાંતિથી જીવનની શરૂઆત કરી?

શું ઈશ્વરે ઉત્ક્રાંતિથી જીવનની શરૂઆત કરી?

“ઓ અમારા પ્રભુ તથા દેવ [યહોવાહ], મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે; કેમ કે તેં સર્વેને ઉત્પન્‍ન કર્યાં, અને તારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્‍ન થયાં.”—પ્રકટીકરણ ૪:૧૧.

ઉત્ક્રાંતિની માન્યતા ચાર્લ્સ ડાર્વિને જગજાહેર કરી. એ સમયે ઘણાં ચર્ચના ખ્રિસ્તીઓ એવી રીતો શોધવા માંડ્યા, જેનાથી ઈશ્વરમાં શ્રદ્ધા પણ રહે અને ઉત્ક્રાંતિમાં પણ માની શકાય.

આજે મોટા ભાગે ચર્ચોના ખ્રિસ્તીઓને એવું માનવામાં વાંધો નથી કે ઈશ્વરે ઉત્ક્રાંતિથી જીવનની ઉત્પત્તિ કરી. અમુક તો એવું શીખવે છે કે ઈશ્વરે વિશ્વને પહેલેથી જ એવી રીતે બનાવ્યું હશે. એટલે નિર્જીવ રસાયણો કે કૅમિકલમાંથી કોઈક જીવની ઉત્ક્રાંતિ થઈ. આખરે એમાંથી માનવ પેદા થયો. એવું માનનારા લોકોને એવું લાગે છે કે એક વાર એ પ્રોગ્રામ શરૂ કર્યા પછી, ઈશ્વરે એમાં માથું માર્યું નહિ. બીજા એમ પણ માને છે કે મોટે ભાગે ઈશ્વરે ઉત્ક્રાંતિથી વનસ્પતિ અને પ્રાણીઓનાં કુટુંબ ઉત્પન્‍ન થવાં દીધાં. પણ ક્યારેક ક્યારેક ઈશ્વરે એમાં વધારે પ્રગતિ કરવા મદદ કરી.

આ માન્યતાની ભેળ-સેળ ગળે ઉતરે એવી છે?

શું ઉત્ક્રાંતિની માન્યતા સાચે જ બાઇબલના શિક્ષણને મળતી આવે છે? બાઇબલ જણાવે છે કે પહેલા માણસ, આદમને ઈશ્વરે ઉત્પન્‍ન કર્યો. જો ઉત્ક્રાંતિની માન્યતા સાચી હોય, તો પછી બાઇબલનો એ અહેવાલ ફક્ત વાર્તા જ કહેવાય, હકીકત નહિ. (ઉત્પત્તિ ૧:૨૬, ૨૭; ૨:૧૮-૨૪) ઈસુએ એના વિષે શું જણાવ્યું? તેમણે કહ્યું કે “શું તમે આ શાસ્ત્રભાગ નથી વાંચ્યો? આરંભમાં સર્જનહારે નર અને નારી ઉત્પન્‍ન કર્યાં, અને કહ્યું: આ કારણને લીધે માણસ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે અને તેઓ બંને એક થશે. તેથી હવે તેઓ બે નહિ, પણ એક જ છે. એ માટે ઈશ્વરે જેઓને જોડ્યાં છે તેઓને કોઈ માણસે અલગ પાડવાં નહિ.”—માથ્થી ૧૯:૪-૬, પ્રેમસંદેશ.

ઈસુ અહીં બાઇબલના પહેલાં પુસ્તક ઉત્પત્તિના બીજા અધ્યાયની વાત કરતા હતા. શું ઈસુ એમ માનતા હતા કે પહેલા સ્ત્રી-પુરુષ, આદમ અને હવાના લગ્‍નની વાત તો ફક્ત વાર્તા જ હતી? ના, જો એમ હોત તો લગ્‍નના પવિત્ર બંધન વિષે શીખવવા ઈસુ એ દાખલો જરાય ન વાપરત. એના બદલે ઈસુએ ઉત્પત્તિનો એ બનાવ જણાવ્યો, કેમ કે ઈસુને ખબર હતી કે એ હકીકત છે.—યોહાન ૧૭:૧૭.

ઈસુના શિષ્યો પણ તેમની જેમ જ ઉત્પત્તિના પુસ્તકના એ લખાણમાં માનતા હતા. જેમ કે લુક નામના શિષ્યે લખેલા પુસ્તકમાં, ઈસુની વંશાવળી છેક આદમ સુધી જાય છે. (લુક ૩:૨૩-૩૮) જો આદમ વિષે ફક્ત વાર્તા જ હોય, હકીકત ન હોય, તો એ વંશાવળી કેટલી સાચી? જો અસલ કુટુંબની વંશાવળી મૂળથી જ ખોટી હોય, તો પછી ઈસુની એ વાત કેટલી સાચી કે તે મસીહ છે, તે દાઊદના વંશમાંથી આવે છે? (માત્થી ૧:૧) બાઇબલના એક લેખક લુકે જણાવ્યું કે તેમણે ‘શરૂઆતથી સઘળી વાતોની શોધ ચોકસાઈથી કરી હતી.’ એ બતાવે છે કે તે પોતે ઉત્પત્તિના લખાણમાં માનતા હતા.—લુક ૧:૩.

ઈશ્વરભક્ત પાઊલે ઈસુમાં પૂરો ભરોસો મૂક્યો, કેમ કે તે પણ ઉત્પત્તિના એ લખાણમાં ભરોસો કરતા હતા. તેમણે એ વિષે લખ્યું: ‘જેમ માણસ દ્વારા મરણ થયું, તેમ માણસ દ્વારા મૂએલાંનું પુનરુત્થાન પણ થયું. કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે, તેમ જ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે.’ (૧ કોરીંથી ૧૫:૨૧, ૨૨) માનો કે જેનાથી “જગતમાં પાપ પેઠું, ને પાપથી મરણ,” એ આદમથી સર્વ મનુષ્યો આવ્યા નથી. તો પછી, પાપ અને મરણનો નાશ કરવા, ઈસુએ શા માટે કુરબાની આપવાની જરૂર પડી?—રૂમી ૫:૧૨; ૬:૨૩.

જો ઉત્પત્તિના લખાણમાં આપણે ન માનીએ, તો ઈશ્વરમાં આપણી શ્રદ્ધાનો પાયો ડગમગી રહ્યો છે, પડી ભાંગવાની તૈયારીમાં છે. ઉત્ક્રાંતિની માન્યતા અને ઈસુના શિક્ષણમાં આભ જમીનનો ફરક છે. એ બંનેની ભેળસેળ કરવાનો પ્રયત્ન કરવાથી આપણી શ્રદ્ધાની જ્યોત ધીમે ધીમે હોલવાતી જશે. પછી આપણે “દરેક ભિન્‍ન ભિન્‍ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા” બની જઈશું.—એફેસી ૪:૧૪.

હકીકતોના પાયા પર બંધાયેલી અડગ શ્રદ્ધા

સદીઓથી બાઇબલની ટીકા કરવામાં આવે છે. ઘણું સાચું-ખોટું કહેવામાં આવે છે. તોપણ આખરે બાઇબલની જ જીત થઈ છે. ભલે પછી એ ઇતિહાસ, તંદુરસ્તી, વિજ્ઞાન જેવા કોઈ પણ વિષયની વાત હોય, બાઇબલની માહિતી પર ભરોસો મૂકી શકાય છે. બાઇબલ એ પણ શીખવે છે કે આપણે એકબીજા સાથે કેવી રીતે હળી-મળીને રહી શકીએ. એ સલાહ કદી જૂની થતી નથી. મનુષ્યોની ફિલસૂફીઓ લીલા ઘાસની જેમ, માનો કે આજે ઊગે ને કાલે ચીમળાઈ જાય. પણ બાઇબલમાં ઈશ્વરની જે સલાહ છે એ “સર્વકાળ સુધી કાયમ રહેશે.”—યશાયાહ ૪૦:૮.

ઉત્ક્રાંતિનું શિક્ષણ હવે ફક્ત સાયન્સની માન્યતા પૂરતું જ રહ્યું નથી. એ તો વર્ષોથી માનવ ફિલસૂફી તરીકે ફૂલ્યું-ફાલ્યું છે. જોકે હમણાં હમણાં તો ઉત્ક્રાંતિ વિષે ડાર્વિનની મૂળ માન્યતાની પણ જાણે ઉત્ક્રાંતિ થઈ રહી છે. એમાં પ્રગતિ થઈ છે. એનું કારણ એ કે કુદરતની કરામતના જીવતા દાખલા મળી આવે છે, એને સમજાવવા કેવી રીતે? એ માટે જાણે નવાં નવાં કારણો શોધવાં પડે છે. અમે ચાહીએ છીએ કે આ વિષય પર આ મૅગેઝિનમાં તમે આગળ વાંચો. એ સિવાય આ પાન અને ૩૨મા પાન પર બતાવેલાં પુસ્તકો પણ તમે વાંચી શકો.

આ વિષય પર વધારે જાણીને પહેલાના જમાના વિષે બાઇબલ જે જણાવે છે, એમાં તમારો ભરોસો હજુ વધશે. ખાસ કરીને, આવતી કાલ વિષે બાઇબલમાં જે વચનો આપેલાં છે, એમાં તમારી શ્રદ્ધા વધશે. (હેબ્રી ૧૧:૧) તમને પણ ઈશ્વર યહોવાહની ભક્તિ કરવાનું મન થઈ શકે, જે ‘આકાશ અને પૃથ્વીના ઉત્પન્‍ન કરનાર છે.’—ગીતશાસ્ત્ર ૧૪૬:૬. (g 9/06)

આ પણ વાંચો

સર્વ લોકો માટેનું પુસ્તક બાઇબલની સચ્ચાઈના અમુક પુરાવાની આ પુસ્તિકામાં ચર્ચા થઈ છે

વધારે વૈજ્ઞાનિક પુરાવા જાણો અને જુઓ કે પ્રેમના સાગર ઈશ્વર કેમ બધાં દુઃખો ચાલવા દે છે?

પવિત્ર બાઇબલ શું શીખવે છે? આ પુસ્તકનું ત્રીજું પ્રકરણ જણાવે છે કે ઈશ્વરે આ ધરતી કેમ બનાવી?

[પાન ૧૦ પર બ્લર્બ]

ઈસુ ઉત્પત્તિના લખાણમાં માનતા હતા. શું તે છેતરાયા હતા?

[પાન ૯ પર બોક્સ]

ઉત્ક્રાંતિ એટલે શું?

ઉત્ક્રાંતિની એક વ્યાખ્યા આ છે: ‘એક ચોક્કસ રીતે ધીમે ધીમે ફેરફારો થવા.’ પણ એ વ્યાખ્યા જુદા જુદા અર્થમાં વપરાય છે. દાખલા તરીકે, એનો એક અર્થ આમ થાય છે: નિર્જીવ વસ્તુઓમાં થતા મોટા મોટા ફેરફારો, જેમ કે વિશ્વનો ફેલાવો. એ સિવાય, સજીવોમાં થતા નાના નાના ફેરફારો વિષે સમજાવવા પણ આ શબ્દ વપરાય છે. જેમ કે વનસ્પતિ અને પ્રાણીઓ આસપાસના વાતાવરણ પ્રમાણે ટેવાઈ જાય છે ત્યારે તેઓમાં નાના નાના ફેરફારો જોવા મળે છે. જોકે ‘ઉત્ક્રાંતિ’ શબ્દ ખાસ કરીને આ મંતવ્ય કે થીયરી સમજાવવા માટે વપરાય છે: નિર્જીવ રસાયણોમાંથી જીવનની શરૂઆત થઈ. એ રસાયણો જાતે જ ફલિત થતા કોષો બન્યા. એમાંથી ધીમે ધીમે વધારે અંગોવાળા પ્રાણીઓ બનતા ગયા. આખરે સૌથી બુદ્ધિશાળી માણસ બન્યો. આ લેખમાં “ઉત્ક્રાંતિ” શબ્દ ત્રીજી રીત માટે વપરાયો છે.

[પાન ૧૦ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

અવકાશનો ફોટો: J. Hester and P. Scowen (AZ State Univ.), NASA