સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ઉત્ક્રાંતિનું શિક્ષણ સાચું છે?

શું ઉત્ક્રાંતિનું શિક્ષણ સાચું છે?

શું ઉત્ક્રાંતિનું શિક્ષણ સાચું છે?

‘જેમ સૂર્યમાંથી આવતી ગરમી એક હકીકત છે, તેમ ઉત્ક્રાંતિ એક હકીકત છે,’ પ્રોફેસર રીચર્ડ ડોકિન્સ પૂરા વિશ્વાસથી આમ કહે છે. તે મશહુર ઉત્ક્રાંતિવાદી વૈજ્ઞાનિક પણ છે. વાત સાચી છે કે અનેક વૈજ્ઞાનિક પરીક્ષણો અને આપણો પોતાનો અનુભવ સાબિત કરે છે કે સૂરજમાંથી ખૂબ ગરમી નીકળે છે. પણ શું કોઈ પરીક્ષણથી કે માણસના અનુભવથી એ સાબિત થયું છે કે આખું વિશ્વ ઉત્ક્રાંતિથી આવ્યું છે?

આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં, એક બીજી બાબત જાણવાની જરૂર છે. ઘણા વૈજ્ઞાનિકોએ જોયું છે કે લાંબા સમય દરમિયાન કોઈ જાતિમાં (પ્રાણી કે વનસ્પતિમાં) અમુક ફેરફાર થઈ શકે છે. ચાર્લ્સ ડાર્વિને એને ‘દરેક સંતાન કે પેઢી દરમિયાન થતું બદલાણ’ કહ્યું. માણસોએ વનસ્પતિ અને પ્રાણીઓમાં એક પેઢીથી બીજી પેઢીમાં આવા નજીવા ફેરફારો જોયા છે. વૈજ્ઞાનિકોએ પરીક્ષણો કરીને એના પરિણામો રેકોર્ડ કર્યા છે. આજે વનસ્પતિ ને પ્રાણીઓને ઉછેરનારા ઘણા લોકોએ (બ્રીડર્સ) આ કુદરતી રીતનો સારો એવો ફાયદો ઉઠાવ્યો છે. * આ જીવોમાં થતા નાના નાના ફેરફારોને એક રીતે હકીકત કહી શકીએ. પણ વૈજ્ઞાનિકો એ નાના ફેરફારોને માઇક્રો-ઈવોલ્યુશન કે સૂક્ષ્મઉત્ક્રાંતિ કહે છે. તેઓ એ પણ કહે છે કે એ ક્રિયા દ્વારા અમુક જીવોમાં ખૂબ મોટા ફેરફારો થાય છે જે કોઈએ જોયા નથી. તેઓ એને મૅક્રો-ઈવોલ્યુશન કે મહાઉત્ક્રાંતિ કહે છે.

આમ, ડાર્વિન એવા બનાવ વિષે વાત કરતો હતો જેને કોઈએ જોયો ન હતો. પોતાના પુસ્તકમાં તેણે કહ્યું: ‘હું નથી માનતો કે પૃથ્વી પરના સર્વ જીવો કે વનસ્પતિને અલગ અલગ બનાવવામાં આવ્યા હતા. તેઓ તો સાવ થોડાંક જ જીવોમાંથી આવ્યા છે.’ (ધ ઓરિજીન ઑફ સ્પીસીસ) ડાર્વિનનું કહેવું છે કે વિશ્વની શરૂઆતમાં ‘ફક્ત થોડાંક’ સાવ સાદા જીવજંતુ હતા. એ જીવજંતુના સંતાનોમાં ‘એકદમ નાના ફેરફાર’ થવા લાગ્યા. એ થોડા જીવજંતુમાંથી લાખો જાતના પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા. ઉત્ક્રાંતિમાં માનતા લોકો કહે છે કે એ કરોડો-અબજો વર્ષ દરમિયાન આવા નાના નાના ફેરફાર થયા પછી જીવોમાં અમુક મોટા ફેરફારો પણ થયા. દાખલા તરીકે, માછલીઓ એવા પ્રાણીઓમાં બદલાઈ ગઈ જે પાણીમાં પણ રહી શકે અને જમીન પર પણ. જેમ કે, દેડકો. (દ્વિચર) તેમ જ વાંદરામાંથી માણસ બન્યો. વૈજ્ઞાનિકો કહે છે કે આ ક્રિયા મૅક્રો-ઈવોલ્યુશન છે. ઘણા લોકો હવે એવું કંઈક માનવા લાગ્યા છે. તેઓ એમ વિચારે છે કે જો કોઈ એક જાતિના જીવોમાં નાના નાના ફેરફારો થતા હોય તો, લાખો-કરોડો વર્ષ દરમિયાન ઉત્ક્રાંતિથી મોટા મોટા ફેરફારો જરૂર થઈ શકે.

મૅક્રો-ઈવોલ્યુશનનું શિક્ષણ ત્રણ અનુમાનો પર આધાર રાખે છે:

૧. જીવોના જિન્સમાં ફેરફાર (મ્યૂટેશન) કરવાથી નવી જાતિઓ જન્મે છે. *

૨. પ્રાકૃતિક પસંદગીથી (Natural selection) નવી જાતિઓ નીકળે છે.

૩. ખડકોમાં સચવાઈ રહેલા અશ્મિઓ (ફોસિલ્સ) સાબિત કરે છે કે વનસ્પતિ અને પ્રાણીઓ ઉત્ક્રાંતિથી આવ્યા છે.

શું મૅક્રો-ઈવોલ્યુશનની સાબિતી એટલી જોરદાર છે કે આપણે એને હકીકત તરીકે માની લેવી જોઈએ?

શું જીવોના જિન્સમાં ફેરફાર (મ્યૂટેશન) કરવાથી નવી જાતિઓ જન્મી શકે?

વનસ્પતિ કે પ્રાણીના દરેક કોષમાં કોષકેન્દ્ર હોય છે. એમાં ડી.એન.એ.થી ઓળખાતો જિનેટિક કોડ હોય છે. ડી.એન.એ.ની અંદર એ સજીવ વિષેની બધી માહિતી હોય છે. જેમ કે, એ સજીવ કઈ રીતે મોટો થશે, રૂપ કેવું હશે, રંગ કેવો હશે વગેરે વગેરે. * વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે એ જિનેટિક કોડની માહિતીમાં કોઈ કારણ વગર ફેરફાર થાય, કે કરવામાં આવે તો એ વનસ્પતિ કે પ્રાણીના વંશજોમાં કોઈ નવો ફેરફાર જોવા મળે છે. નોબેલ પ્રાઇઝ વિજેતા હર્મન જે. મુલ્લરે જિન્સમાં થતા ફેરફારના ક્ષેત્રમાં સંશોધન શરૂ કર્યું હતું. તેમણે ૧૯૪૬માં કહ્યું હતું: ‘વનસ્પતિ અને પ્રાણીઓની દુનિયામાં આવા ફેરફાર થાય છે ત્યારે કમજોર જીવો મરી જાય છે, ને ઊંચી ક્ષમતાવાળા જીવો જીવતા રહે છે. આ ઉત્ક્રાંતિ દરમિયાન, એના કોષમાં પણ નાના ફેરફારો થતા હોય છે. પરિણામે જીવોની દરેક પેઢી વધુ જોરદાર બનતા જાય છે. એ જ રીત અપનાવીને વૈજ્ઞાનિકો આજે કોઈ વનસ્પતિ કે પ્રાણીમાં ઘણો સુધારો લાવ્યા છે. જો માણસ આવું કરી શકતો હોય તો, પ્રાકૃતિક પસંદગીથી કુદરતમાં ઉત્ક્રાંતિનો વિકાસ જરૂર થયો હશે.’

મૅક્રો-ઈવોલ્યુશનમાં માનનારા શું શીખવે છે? એ જ કે કોઈ જીવના કોષમાં એવા ફેરફારો થઈ શકે જેનાથી એના સંતાનો કે વંશજો થોડા-ગણા અલગ પડે. એટલું જ નહિ, એ કોષના ફેરફાર કે મ્યૂટેશન દ્વારા એકદમ જુદી જાતિના જીવો પણ પેદા થઈ શકે છે. આ શિક્ષણ તો વૈજ્ઞાનિકોનું અનુમાન જ છે. શું એને સાબિત કરી શકાય? ચાલો જોઈએ કે છેલ્લાં સોએક વર્ષમાં જિન્સના ક્ષેત્રમાં કામ કરતા વૈજ્ઞાનિકોએ શું શોધી કાઢ્યું છે.

૧૯૩૭ની આસપાસના વર્ષોમાં વૈજ્ઞાનિકો એવું માનીને ખુશ થઈ ગયા કે તેઓ હવે કોષોમાં ભેળસેળ કે ફેરફાર કરીને કોઈ નવી જાતિ પેદા કરી શકે છે. તેઓનું કહેવું હતું કે જો ઝાડ-પાન ને પ્રાણીઓના કોષોમાં કુદરતી રીતે ફેરફાર થઈને નવી જાતિ નીકળતી હોય તો, માણસ પણ એ જ રીત અપનાવીને નવી નવી ફળદ્રૂપ જાતિઓ પેદા કરી શકે. વૈજ્ઞાનિકોના આ સપનાઓ વિષે વુલ્ફ-એકહાર્ડ લોનિંગ નામના વૈજ્ઞાનિકે સજાગ બનો!ને એક ઇન્ટર્વ્યૂંમાં કહ્યું, ‘આ જાણીને જીવ વૈજ્ઞાનિકો, જિનેટિક્સ પર કામ કરનારા અને સારી ઓલાદ પેદા કરવા પ્રાણીઓ ને વનસ્પતિનો ઉછેર કરનારા એકદમ ખુશ થઈ ગયા.’ શા માટે? લોનિંગે કહ્યું કે ‘તેઓને લાગ્યું કે વનસ્પતિ કે પ્રાણીની સારી ઓલાદ મેળવવા હવે જૂની રીત છોડીને નવી રીત અપનાવવી જોઈએ. તેઓએ વિચાર્યું કે જીવોના જિન્સમાં ફેરફાર કરીને સારા જિન્સ તૈયાર કરવામાં આવે તો, જલદીથી એકદમ નવી જાતિના ઉત્તમ પ્રાણી ને ઝાડ-પાન પેદા કરી શકાય.’ વુલ્ફ-એકહાર્ડ લોનિંગ છેલ્લાં ૨૮ વર્ષથી વનસ્પતિના જિન્સમાં થતા ફેરફાર પર સંશોધન કરી રહ્યા છે. તે જર્મનીના મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફૉર પ્લાન્ટ બ્રીડિંગ રિસર્ચ’માં કામ કરે છે. *

પોતાના સપના પૂરા કરવા વૈજ્ઞાનિકો અમેરિકા, એશિયા અને યુરોપમાં ખૂબ અભ્યાસ કરવા લાગ્યા. આ સંશોધન પાછળ ખૂબ પૈસા ખર્ચ્યા. તેઓ ચાહતા હતા કે નવી રીતોથી તેઓ પ્રાણી કે વનસ્પતિમાં ઉત્ક્રાંતિની ક્રિયાને વધુ ઝડપી બનાવી શકશે. ૪૦ વર્ષ માટે તેઓએ ખૂબ મહેનત કરી. પરિણામ શું હતું? પીટર વોન સેન્ગબુશ નામના વૈજ્ઞાનિકે કહ્યું: ‘આ પ્રયોગ પાછળ ખૂબ પૈસા વેડફી દેવામાં આવ્યા છે. રેડિયેશનની ક્રિયાથી (કિરણોત્સર્ગ) વૈજ્ઞાનિકોએ વધુ ફળદ્રુપ ઝાડ-પાન બનાવવાની કોશિશ કરી. પણ મોટા ભાગના કિસ્સામાં તેઓ સાવ નિષ્ફળ હતા.’ લોનિંગે કહ્યું: ‘૧૯૮૦ના વર્ષ સુધીમાં તો દુનિયાભરના વૈજ્ઞાનિકોની ખુશી, ગમમાં પલટાઈ ગઈ હતી. મોટા ભાગના વિકસિત દેશોમાં તેઓએ જિન્સમાં ફેરફાર કરવાના ક્ષેત્રને છોડી દીધું. કેમ કે તેઓએ કોષોમાં ફેરફાર કરીને જે વનસ્પતિ કે પ્રાણી પેદા કર્યા હતા, એમાંના મોટા ભાગના “નકામા” હતા. એ જલદીથી મરી ગયા કે પછી બીજા કુદરતી વનસ્પતિ કે પ્રાણીની સરખામણીમાં કમજોર હતા.’ *

જોકે જિન્સમાં ફેરફાર કરવાના આ પ્રયોગથી એક ફાયદો જરૂર થયો છે. છેલ્લાં સોએક વર્ષથી આ ક્ષેત્રમાં થયેલા સંશોધન અને અભ્યાસથી ઘણું જાણવા મળ્યું છે. છેલ્લાં ૭૦ વર્ષથી તેઓ જિન્સમાં ભેળસેળ કરીને નવી જાતિ પેદા કરવા કોશિશ કરી રહ્યા હતા. તેઓ હવે જોઈ શક્યા છે કે કોષોમાં ફેરફાર કરવાથી નવી જાતિ પેદા થાય છે કે કેમ. બધી માહિતી તપાસીને લોનિંગે કહ્યું: ‘વનસ્પતિ અને પ્રાણીના કોષોમાં ફેરફાર કરીને મૂળ જાતિમાંથી સાવ અલગ જાતિને પેદા કરવી અશક્ય છે. આ હકીકત શાના પર નિર્ભર છે? વીસમી સદીમાં કરવામાં આવેલા સંશોધનો અને વૈજ્ઞાનિકોના અનુભવો પર. ટેસ્ટના પરિણામો અને કોઈ બનાવની શક્યતાના નિયમ (લૉ ઑફ પ્રૉબબિલિટિ) પર. જીવ-જંતુઓના વારંવાર થતા એક જ પ્રકારના ફેરફારનો નિયમ બતાવે છે કે જે બે જાતિઓના જિન્સમાં ફરક હોય છે, એમાં સાચે જ એક હદ હોય છે. તેથી એ કદીયે સાવ બદલાતા નથી. ભલે ગમે તેટલી કોશિશ કરો, કે ભલે કુદરતી રીતે ગમે તે થાય.’

આ હકીકતનો જરા વિચાર કરો. ખૂબ ભણેલા-ગણેલા વૈજ્ઞાનિકો જાણી-જોઈને કોઈ ઝાડ-પાન કે પ્રાણીના જિન્સમાં ભેળસેળ કરીને પણ કોઈ નવી જાતિ પેદા કરી શક્યા નથી. તો પછી ઉત્ક્રાંતિ દ્વારા એ કઈ રીતે થઈ શકે? વૈજ્ઞાનિકોનું સંશોધન બતાવે છે કે કોષોની ભેળસેળ કરવાથી સાવ અલગ જીવ પેદા થતા જ નથી, તો કઈ રીતે કહી શકીએ કે વિશ્વ આપમેળે આવી ગયું છે?

શું પ્રાકૃતિક પસંદગીથી નવી જાતિઓ નીકળે છે?

ડાર્વિન માનતો હતો કે ઊંચી ક્ષમતાવાળા જીવો કોઈ આકરાં વાતાવરણમાં જીવતા રહી શકે, જ્યારે કે કમજોર જીવો ને એના સંતાનો ધીમે ધીમે નાશ પામે. આમ, પ્રાકૃતિક પસંદગી હેઠળ ઊંચી ક્ષમતાવાળા જીવો ટકી રહે છે. આજના ઉત્ક્રાંતિવાદીઓ શીખવે છે કે દરેક સજીવોની જુદી જુદી જાતિઓ ધરતી પર ફેલાઈ ગઈ અને જુદી જુદી જગ્યાએ રહેવા લાગી. નવા વાતાવરણમાં ટકી રહેવા જે સજીવોના જિન્સમાં ફેરફાર થયા, તેઓ જીવતા રહ્યા. બાકીના સજીવો મરી ગયા. ઉત્ક્રાંતિવાદીઓ કહે છે કે આ સજીવો વાતાવરણને આધીન રહીને પૂર્વજોથી જુદાં પડ્યા. છેવટે એકદમ નવી જાતિમાં બદલાઈ ગયા.

પણ આપણે જોઈ ગયા તેમ, ભલે કોઈ પણ સજીવના જિન્સમાં થોડો ફેરફાર થાય છે, એ ફેરફારોમાંથી એકદમ અલગ પ્રાણી કે વનસ્પતિની જાતિ પેદા થતી નથી. તોપણ ઉત્ક્રાંતિવાદીઓ શીખવે છે કે ઊંચી ક્ષમતાવાળા સજીવોના જિન્સમાં ફેરફારો થાય છે ને એમાંથી નવી જાતિ પેદા થાય છે. ચાલો જોઈએ કે તેઓ એ માન્યતાને કઈ રીતે સાબિત કરે છે. અમેરિકાની નેશનલ ઍકેડેમી ઑફ સાયન્સે (એન.એ.એસ.) ૧૯૯૯માં એક બ્રોશર છાપ્યું હતું. એમાં તેઓએ લખ્યું: ‘ડાર્વિને ગલાપાગસ ટાપુ પર ૧૩ જાતની ફિન્ચ નામની ચકલીઓનો અભ્યાસ કર્યો હતો. એ અભ્યાસને લીધે આ ચકલીઓ આજે “ડાર્વિનની ફિન્ચ” તરીકે ઓળખાય છે. એ અભ્યાસે સાબિત કર્યું કે ઉત્ક્રાંતિથી નવી જાતિઓ પેદા થાય છે.’

૧૯૭૦ના વર્ષોમાં પીટર અને રોઝમેરી ગ્રાન્ટ નામના સંશોધકો એક ગ્રૂપ લઈને એ ચકલીઓનો અભ્યાસ કરવા માંડ્યા. તેઓ ૧૩ જાતની ફિન્ચ ચકલીઓની ઓળખ એની ચાંચ દ્વારા કરી શક્યા. તેઓના અભ્યાસ દરમિયાન ટાપુ પર એક વર્ષ દુકાળ પડ્યો હતો. તેઓએ જોયું કે જેઓની ચાંચ બીજી ફિન્ચ ચકલીથી થોડી મોટી હતી, તેઓ દુકાળમાં જીવતી રહી, જ્યારે કે નાની ચાંચવાળી ચકલીઓ મરી ગઈ. અમુકને લાગ્યું કે આ સંશોધન ખૂબ મહત્ત્વનું છે. કારણ, જો ૧૩ જાતની ચકલીઓમાંથી એક અલગ ચાંચવાળી ચકલીઓ જોવા મળે, તો એ એક નવી જાતની ફિન્ચ હોઈ શકે. એન.એ.એસ. બ્રોશરે વધુમાં કહ્યું: ‘પીટર અને રોઝમેરી ગ્રાન્ટે અંદાજ લગાવ્યો કે જો એ ટાપુ પર દર ૧૦ વર્ષે એક દુકાળ આવે, તો એ વાતાવરણને લીધે ચકલીના જિન્સમાં ફેરફાર થશે. પરિણામે ૨૦૦ વર્ષની અંદર એક નવી જાતની ફિન્ચ જન્મશે.’

પણ આ બ્રોશરે જાણી-જોઈને અમુક મહત્ત્વની વિગતો છુપાવી. નહિતર એ વિગતોએ ઉત્ક્રાંતિના શિક્ષણ પર પાણી ફેરવી નાખ્યું હોત. તેઓએ શું છુપાવ્યું? દુકાળ પૂરો થયો ત્યારે થોડાં વર્ષોમાં નાની ચાંચવાળી ફિન્ચો ફરી ફૂલવા-ફાલવા લાગી. મોટી ચાંચવાળી ચકલીઓ સામે એની સંખ્યા વધી ગઈ. એટલે પીટર ગ્રાન્ટ અને ગ્રૅજ્યુએટ વિદ્યાર્થી લાઈલ ગીબ્સે ૧૯૮૭માં નેચર નામના વિજ્ઞાનના મૅગેઝિનમાં લખ્યું કે તેઓએ ‘પ્રાકૃતિક પસંદગીને બદલાતાં જોઈ છે.’ ૧૯૯૧માં ગ્રાન્ટે લખ્યું કે ‘વાતાવરણ બદલાયું ત્યારે “અમુક હદ સુધી ઊંચી ક્ષમતાવાળી ચકલીઓ વધતી ગઈ,” જ્યારે કે કમજોર ચકલીઓની સંખ્યા ઘટી. પણ જ્યારે ફરી વાતાવરણ બદલાયું ત્યારે કમજોર ચકલીઓ ફરીથી ફાલવા લાગી. આ ક્રિયા, ચક્રની જેમ ચાલે છે.’ સંશોધકોએ એ પણ જોયું કે અમુક જુદી ‘જાતની’ ફિન્ચ, કુદરતી રીતે એકબીજા સાથે ભળી જતી હતી. તેઓનાં બચ્ચાં વધારે ક્ષમતાવાળા હતા. તેમ જ આકરા સંજોગોમાં તેઓની બચવાની શક્યતા વધારે હતી. પીટર અને રોઝમેરી ગ્રાન્ટે છેવટે કહ્યું કે જો બે જુદી જાતની ફિન્ચો એકબીજા સાથે ભળતી રહેશે, તો ૨૦૦ વર્ષની અંદર એ બે ‘જાતની’ ફિન્ચો, એક જ જાત બની જશે.

૧૯૬૬માં ઉત્ક્રાંતિના અભ્યાસી, જીવવૈજ્ઞાનિક જોર્જ ક્રિસ્ટોફર વિલિયમ્સે લખ્યું: ‘ઉત્ક્રાંતિને સમજાવવા વૈજ્ઞાનિકો નિયમ સ્થાપે છે કે કુદરતમાં ફક્ત ઊંચી ક્ષમતાવાળા જ જીવતા રહે છે. આ નિયમથી તેઓ ઉત્ક્રાંતિને હકીકત સાબિત કરવા મથે છે. પણ એ જાણીને મને દુઃખ થાય છે. આ નિયમ ઉત્ક્રાંતિને સાબિત કરતો નથી. એ બસ એ જ બતાવે છે કે કુદરતમાં સજીવો બદલાતા વાતાવરણમાં કેવી રીતે પોતે અનુકૂળ થઈને રહે છે.’ ઉત્ક્રાંતિની માન્યતાને ઉત્તેજન આપનાર જેફરી શ્વાટ્‌ર્સે ૧૯૯૯માં લખ્યું કે, જો ક્રિસ્ટોફર વિલિયમ્સની વાત સાચી હોય તો, અલગ અલગ જાતિના સજીવો પ્રાકૃતિક પસંદગીની મદદથી બદલાતા સંજોગોમાં જીવતા રહે છે. પરંતુ એનાથી ‘કોઈ નવી જાતિ પેદા થતી નથી.’

હકીકત એ છે કે ડાર્વિનની ફિન્ચોમાં ભલે નજીવા ફેરફાર થતા રહે, તેઓ હજી ચકલીઓ જ છે. ‘સાવ નવી જાતિ’ બનતી નથી. વળી, ઉત્ક્રાંતિવાદીઓ કહે છે તેમ તેઓ એકદમ અલગ જાતિની ચકલીઓ હોય, તો તેઓ કઈ રીતે એકબીજા સાથે પ્રજનન કરીને બચ્ચાં પેદા કરી શકે? આનાથી એ હકીકત પણ બહાર આવે છે કે દુનિયાની મોટી મોટી વિજ્ઞાનની સંસ્થાઓ પણ પોતાને ગમે એવી જ માહિતી રજૂ કરી શકે છે. પુરાવાઓ સાથે ચેડા કરી શકે છે.

શું ખડકોમાં સચવાઈ રહેલા અશ્મિઓ (ફોસિલ્સ) મૅક્રો-ઈવોલ્યુશનને સાબિત કરે છે?

એન.એ.એસ. બ્રોશર વાચકોને એવી ખાતરી આપે છે કે પથ્થરોમાં સચવાઈ રહેલા વનસ્પતિ ને પ્રાણીના અશ્મિઓ મૅક્રો-ઈવોલ્યુશનને ખરું સાબિત કરે છે. એ બ્રોશરે કહ્યું: ‘ઉત્ક્રાંતિથી માછલીમાંથી પાણી અને જમીન બંને પર રહી શકતા દ્વિચર (ઍમ્ફિબિઅન) બન્યા. દ્વિચરમાંથી સરિસૃપ કે પેટે ચાલનારા પ્રાણીઓ આવ્યા. એમાંથી સસ્તન પ્રાણીઓ આવ્યા. પછી વાનરમાંથી માણસ આવ્યો. ઉત્ક્રાંતિની આ ક્રિયામાં બધાની વચ્ચે થઈ ગયેલા અનેક જુદી જાતના પ્રાણીઓના અશ્મિઓ મળી આવ્યા છે. પરંતુ એ ચોક્કસ બતાવવું મુશ્કેલ છે કે આ બધી જાતિઓમાં ક્યારે એકદમ મોટા ફેરફાર થયા અને કેવી રીતે.’

આ બ્રોશરે જે કબૂલ કર્યું એ એકદમ વિચિત્ર છે. શા માટે? કારણ કે ૨૦૦૪માં નેશનલ જિઑગ્રાફીકે કહ્યું કે અશ્મિઓનો (ફોસિલ્સ) રેકોર્ડ જાણે ‘ઉત્ક્રાંતિ વિષેની ફિલ્મની રીલ જેવો છે. રીલમાં દરેક ૧૦૦૦ ફોટામાંથી ૯૯૯ કાપીને ભોંય પર ફેંકી દેવામાં આવ્યા છે.’ જો રીલમાં દરેક ૧૦૦૦ ફોટામાંથી ફક્ત એક જ ‘ફોટો’ બચ્યો હોય, તો શું એનાથી સાબિત કરી શકાય કે મૅક્રો-ઈવોલ્યુશન ખરેખર થયું હતું? અશ્મિઓનો રેકોર્ડ ખરેખર શું બતાવે છે? નાઈલ્ઝ એલ્ડરીજ ઉત્ક્રાંતિમાં ચુસ્ત રીતે માને છે. અશ્મિઓના રેકોર્ડ જોઈને તે પોતે કબૂલે છે કે લાંબા સમય દરમિયાન ‘ઉત્ક્રાંતિ દ્વારા મોટા ભાગની જાતિઓમાં એકદમ નજીવા અથવા કોઈ જ ફેરફાર થયા ન હતા.’

આજ સુધી વૈજ્ઞાનિકોએ ધરતીમાંથી લગભગ ૨૦ કરોડ મોટા અશ્મિઓ અને અબજો સૂક્ષ્મ અશ્મિઓ (માઈક્રો ફોસિલ્સ) શોધી કાઢ્યા છે. ઘણા સંશોધકો એ વાત સાથે સહમત થાય છે કે આ ઢગલાબંધ પુરાવાઓ બતાવે છે તેમ, મોટા ભાગના બધા પ્રાણીઓ એક જ સમયે અસ્તિત્વમાં આવ્યા. લાંબા સમય દરમિયાન તેઓમાં બહુ ફેરફાર થયા ન હતા. વળી, જેમ મોટા ભાગની જાતિઓ એક જ સમયે અચાનક અસ્તિત્વમાં આવી, તેમ અચાનક એક જ સમયે નાબૂદ પણ થઈ ગઈ. અશ્મિઓનો રેકોર્ડ તપાસ્યા પછી જીવવૈજ્ઞાનિક જોનાથન વેલ્ઝે લખ્યું: ‘આજ સુધી માનવામાં આવતું કે સર્વ પ્રાણીઓની શરૂઆત એક જ પૂર્વજમાંથી થઈ છે. તેઓ સંજોગો ને વાતાવરણને લીધે ધીમે ધીમે નવી જાતિમાં બદલાયા. પરંતુ જુદાં જુદાં પ્રાણીઓ તથા વનસ્પતિઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, એનાથી જોવા મળે છે કે એક જ પૂર્વજમાંથી બધા સજીવોની શરૂઆત થઈ હોય એ શક્ય જ નથી. અશ્મિનો રેકોર્ડ કે પછી અણુનો અભ્યાસ ઉત્ક્રાંતિની ક્રિયા કે તર્કને જરાય સાબિત કરતા નથી.’

ઉત્ક્રાંતિનું શિક્ષણ સત્ય છે કે બનાવટ?

ઘણા મશહૂર ઉત્ક્રાંતિવાદીઓ કેમ એ વાતને વળગી રહે છે કે વિશ્વ મૅક્રો-ઈવોલ્યુશનની ક્રિયાથી આવ્યું છે? ઉત્ક્રાંતિવાદી રીચર્ડ ડોકિન્ઝના તર્ક પર ટીકા કરનાર રીચર્ડ લેવોનટિન કહે છે કે ઘણા વૈજ્ઞાનિકો વિજ્ઞાનની એવી બાબતો માની લેવા તૈયાર છે જે આપણે સમજી જ નથી શકતા. કેમ કે અમે વૈજ્ઞાનિકોએ આ વાત માનવાનું વચન આપ્યું છે: “જે વસ્તુ દેખાય છે એ જ હકીકત છે. વિશ્વ અને એમાં જોવા મળતા સજીવોની પાછળ કોઈ શક્તિનો હાથ નથી.” તેમણે એ પણ કહ્યું કે ‘ઘણા વૈજ્ઞાનિકો એ વાત પર વિચાર કરવાની પણ સાફ ના પાડે છે કે કોઈ બુદ્ધિશાળી સર્જનહાર છે.’ ઉત્ક્રાંતિવાદી લેવોનટિને એમ પણ કહ્યું કે ‘ઈશ્વર છે એવી માન્યતાને વિજ્ઞાનમાં કોઈ જગ્યા નથી.’

આ વિષે સાયન્ટિફિક અમેરિકન નામના મૅગેઝિનમાં સમાજવાદના પ્રોફેસર રોડની સ્ટાર્કે કહ્યું: ‘છેલ્લાં ૨૦૦ વર્ષથી એ વાતનો પ્રચાર થઈ રહ્યો છે કે જો તમારે વિજ્ઞાનમાં માનવું હોય, તો ધર્મથી દૂર રહેવું જ પડશે. નહિતર એ તમારા મનને જાણે સાંકળથી બાંધી રાખશે.’ પછી તેમણે કહ્યું કે સંશોધન કરતી ઘણી યુનિવર્સિટીઓમાં ‘ધાર્મિક લોકો ચૂપ રહે છે, ને નાસ્તિક લોકો તેઓને નીચા પાડે છે.’ રોડની સ્ટાર્ક કહે છે કે ‘જો તમે નાસ્તિક હો, તો વૈજ્ઞાનિક ક્ષેત્રમાં ટોચ સુધી પહોંચી શકશો. મોકો, પૈસા ને પદવી મેળવવાની સારી તકો છે.’

શું તમે મૅક્રો-ઈવોલ્યુશનની ક્રિયામાં માનો છો? તો તમારે એ પણ માનવું પડશે કે નાસ્તિક અને ઈશ્વર છે કે કેમ એવી શંકા કરનારા વૈજ્ઞાનિકો પોતાના સંશોધનમાં પોતાના વિચારો નહિ મૂકે. તેઓની સાબિતીમાં પોતાની માન્યતા નહિ ઉમેરે. તમે એ પણ માનશો કે અબજો વર્ષો દરમિયાન જીવોના જિન્સમાં ફેરફાર થવાથી અને પ્રાકૃતિક પસંદગીથી દરેક પ્રકારના જટિલ સજીવો પેદા થયા છે. પછી ભલેને સોએક વર્ષના અભ્યાસથી અને અબજો પ્રાણી-વનસ્પતિના જિન્સમાં ફેરફાર કરીને પણ વૈજ્ઞાનિકો કોઈ બે જાતના સજીવોમાંથી એક નવી જાતિ પેદા કરી શક્યા નથી. જો તમે ઉત્ક્રાંતિમાં માનતા હો તો તમે એ પણ સ્વીકારશો કે સર્વ પ્રાણીઓ અને ઇન્સાન ફક્ત એક જ પૂર્વજમાંથી આવ્યા છે. પછી ભલેને અશ્મિઓનો રેકોર્ડ ફક્ત એ જ બતાવે કે બધી વનસ્પતિઓ ને પ્રાણીઓ અચાનક એક જ સમયે અસ્તિત્વમાં આવ્યા અને યુગો દરમિયાન તેઓ બીજી કોઈ નવી જાતિમાં બદલાયા જ નહિ. હવે તમે જ કહો, શું તમને ખરેખર લાગે છે કે ઉત્ક્રાંતિનું શિક્ષણ સાચું છે? કે પછી એક બનાવટ છે? (g 9/06)

[ફુટનોટ્‌સ]

^ કૂતરાઓને ઉછેરનારા કોઈ એક જાતિના કૂતરાને બીજી જાતિના કૂતરા સાથે પ્રજનન કરાવે છે. જેથી સમય જતાં તેઓને એવા બચ્ચાં જન્મે જેના પગ વધારે ટૂંકા હોય કે વાળ વધારે લાંબા હોય. પરંતુ મોટા ભાગે આ ફેરફાર બચ્ચાંના જિન્સમાં ખામી હોવાને લીધે જોવા મળે છે. દાખલા તરીકે, ડાક્સહુન્ડ નામનો કૂતરો કદમાં ખૂબ નાનો છે. કેમ કે એના સ્નાયુ વચ્ચેના કૂર્ચા (કાર્ટાલિજ) સરખી રીતે વિકસતા નથી. આ કારણે એ જાતિનો કૂતરો ઠીંગણો જ રહે છે.

^ “સજીવોને અલગ અલગ વર્ગમાં વહેંચવામાં આવ્યા છે,” પાન ૧૪ પરનું આ બૉક્સ જુઓ.

^ વૈજ્ઞાનિકોનો અભ્યાસ બતાવે છે કે કોષમાં મળી આવતો કોષરસ (સાઈટોપ્લાઝમ), એની અંતરછાલ (મેમ્બ્રેન) અને એની અંદરના બીજા સૂક્ષ્મ અંગો પણ એક જીવ બનાવવામાં ભાગ ભજવે છે.

^ લોનિંગે સજાગ બનો!ને જે કહ્યું છે એ ફક્ત તેમના પોતાના જ વિચારો છે. એ મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફૉર પ્લાન્ટ બ્રીડિંગ રીસર્ચના વિચારો નથી.

^ જિન્સમાં ફેરફાર કરવાના પ્રયોગથી વૈજ્ઞાનિકોને વારંવાર શું જોવા મળ્યું? એનાથી પ્રાણી કે વનસ્પતિમાં નવા ફેરફારો તો જોવા મળતા. પણ એ જ ફેરફારો તેઓના વંશજોમાં જોવા મળતા ન હતા. તેમના વંશજોમાં એવા ફેરફારો ઘટતા જતા અને છેવટે મૂળ પ્રાણી કે વનસ્પતિ પેદા થતા રહેતા. લોનિંગે એને વારંવાર થતા એક જ પ્રકારના ફેરફારનો નિયમ (લૉ ઑફ રીકરન્ટ વેરીયેશન) કહ્યો. એનો અર્થ થાય કે, ‘કોષોમાં ફેરફાર કર્યા પછી પેદા થયેલા સંતાનો ભલે થોડા બદલાયેલા લાગે, સમય બાદ એ પહેલાના જેવા જ પાછા થઈ જાય છે.’ વૈજ્ઞાનિકોએ જે છોડના કોષોમાં ભેળસેળ કરી હતી એમાંના એક ટકાથી પણ ઓછા છોડ પર તેઓ વધારે અભ્યાસ કરી શક્યા. પછી એ છોડમાંથી ફક્ત એકાદ ટકા છોડ બજારમાં વેચવા લાયક હતા. પ્રાણીઓના જિન્સમાં જે ભેળસેળ કરી હતી એનું પરિણામ તો વનસ્પતિથી પણ વધારે ખરાબ આવ્યું. એટલે તેઓએ એ વૈજ્ઞાનિક ક્ષેત્રને સાવ છોડી દીધું.

[પાન ૧૫ પર બ્લર્બ]

‘વનસ્પતિ અને પ્રાણીના કોષોમાં ભલે ફેરફાર થાય, તેઓ મૂળ જાતિમાંથી સાવ નવી જાતિને પેદા કરી શકતા નથી’

[પાન ૧૬ પર બ્લર્બ]

ડાર્વિનની ફિન્ચ ચકલીઓનો અભ્યાસ ફક્ત એ જ બતાવે છે કે કોઈ પણ જાતના પ્રાણી, વાતાવરણ મુજબ થોડા બદલાઈ શકે છે

[પાન ૧૭ પર બ્લર્બ]

અશ્મિઓના રેકોર્ડ એ જ બતાવે છે કે મોટા ભાગના બધા પ્રાણીઓ એક જ સમયે અચાનક અસ્તિત્વમાં આવ્યા અને યુગો દરમિયાન તેઓમાં નજીવા ફેરફાર થયા

[પાન ૧૪ પર ચાર્ટ]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

સજીવોને અલગ અલગ વર્ગમાં વહેંચવામાં આવ્યા છે

જુદા જુદા પ્રાણીઓ અને સજીવોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. દરેક વર્ગ એના ઉપરના એક વર્ગમાં આવી જાય છે. * જેમ કે માનવીઓ અને ફળ-માખીઓના વર્ગ વિષે નીચેનો ચાર્ટ જુઓ.

માણસ ફળ-માખીઓ

જાત સેપીયન્સ મેલાનોગાસ્ટર

વર્ગ હોમો ડ્રોસોફિલા

કુટુંબ હૉમાન્ડિઝ ડ્રોસોફિલિડ્‌ઝ

ક્રમ પ્રાઈમેટ્‌સ દ્વીપંખી

પ્રકાર સ્તનધારી/મૅમલ્ઝ જીવડાં

ફાઈલમ કૉર્ડેટ્‌સ આર્ત્રોપોડ્‌ઝ

કિંગ્ડમ જાનવર પ્રાણીઓ

[ફુટનોટ]

^ નોંધ કરો: ઉત્પત્તિનો પહેલો અધ્યાય સ્પષ્ટ જણાવે છે કે પ્રાણીઓ ને વનસ્પતિઓ “પોતપોતાની જાત પ્રમાણે” સંતાનો પેદા કરશે. (ઉત્પત્તિ ૧:૧૨, ૨૧, ૨૪, ૨૫) અહીંયા બાઇબલમાં ‘જાત’ શબ્દનો અર્થ સામાન્ય છે. એ વૈજ્ઞાનિક રીતે ઉલ્લેખ થતા ‘જાતʼનો અર્થ બતાવતો નથી.

[ક્રેડીટ લાઈન]

આ ચાર્ટ આઈકોન્સ ઑફ ઈવોલ્યુશન—સાયન્સ ઑર મિથ? વાય મચ ઑફ વૉટ વી ટીચ અબાઉટ ઈવોલ્યુશન ઈઝ રૉન્ગ નામનાં પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. એના લેખક જોનાથન વેલ્ઝ છે

[પાન ૧૫ પર ચિત્રો]

જિન્સમાં ફેરફાર કર્યા પછી પેદા થયેલી માખી. (ઉપરનો ફોટો) ભલે એની પાંખો વગેરે બરાબર બન્યા નથી, પણ એ હજી ફળ-માખી જ છે

[ક્રેડીટ લાઈન]

© Dr. Jeremy Burgess/ Photo Researchers, Inc.

[પાન ૧૫ પર ચિત્રો]

વનસ્પતિના જિન્સમાં ફેરફાર કરવાના પ્રયોગથી વૈજ્ઞાનિકોને અનેક વાર જોવા મળ્યું છે કે એનાથી પેદા થયેલા વનસ્પતિ કે પ્રાણીમાં નવા ફેરફાર તો જોવા મળે છે. પણ પછીની નસલોમાં એ ફેરફાર ધીમે ધીમે ઓછા થતા જાય છે અને છેવટે પહેલાં જેવી જ નસલો પેદા થતી રહે છે (જિન્સમાં ફેરફાર કર્યા પછી તૈયાર કરેલા છોડનું મોટું ફૂલ)

[પાન ૧૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

From a Photograph by Mrs. J. M. Cameron/U.S. National Archives photo

[પાન ૧૬ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

ફિન્ચ ચકલીનાં માથાં: © Dr. Jeremy Burgess/ Photo Researchers, Inc.

[પાન ૧૭ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]

ડાઇનોસોર: © Pat Canova/Index Stock Imagery; અશ્મિઓ: GOH CHAI HIN/AFP/Getty Images