સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું વિજ્ઞાન ઉત્પત્તિનો અહેવાલ ખોટો ઠરાવે છે?

શું વિજ્ઞાન ઉત્પત્તિનો અહેવાલ ખોટો ઠરાવે છે?

બાઇબલ શું કહે છે

શું વિજ્ઞાન ઉત્પત્તિનો અહેવાલ ખોટો ઠરાવે છે?

ઘણા દાવો કરે છે કે બાઇબલમાં આપેલા ઉત્પત્તિના અહેવાલને વિજ્ઞાન ખોટો સાબિત કરે છે. હકીકતમાં વિજ્ઞાન બાઇબલને નહિ, ‘ક્રિશ્ચિયન ફન્ડામેન્ટલીસ્ટ’ નામના એક ગ્રૂપને ખોટા સાબિત કરે છે. તેઓ જેવા અમુક ગ્રૂપનું કહેવું છે કે બાઇબલના દરેક શબ્દો શાબ્દિક રીતે માનવા જોઈએ. તેઓનું માનવું છે કે બાઇબલના કહેવા પ્રમાણે આજથી લગભગ ૧૦,૦૦૦ વર્ષ પહેલાં, ઈશ્વરે ૨૪ કલાકનો એક એવા છ દિવસમાં, આખા વિશ્વનું સર્જન કર્યું હતું.

બાઇબલ એવું શીખવતું નથી. એ એવું શીખવતું હોત તો, છેલ્લાં સોએક વર્ષમાં વૈજ્ઞાનિકોએ કરેલી શોધખોળે બાઇબલને સાવ ખોટું સાબિત કર્યું હોત. બાઇબલમાં શોધખોળ કરવાથી એવું કંઈ જોવા મળતું નથી, જે વિજ્ઞાનની વિરુદ્ધમાં હોય. એટલે યહોવાહના સાક્ષીઓ ‘ક્રિશ્ચિયન ફન્ડામેન્ટલીસ્ટ કે ક્રિએશનિસ્ટ’ સાથે સહમત નથી. નીચેના પુરાવાઓ સાફ બતાવે છે કે બાઇબલ શું શીખવે છે.

‘આદિની’ શરૂઆત ક્યારે થઈ?

ઉત્પત્તિ ૧:૧ સીધી-સાદી ભાષામાં કહે છે: ‘આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં.’ એમાં સનાતન સત્ય છે. બાઇબલ વિદ્વાનો પણ સહમત થાય છે કે આ કલમ એટલું જ બતાવે છે કે ઈશ્વરે શું ઉત્પન્‍ન કર્યું. જ્યારે કે ત્રીજી કલમ પછીનો અહેવાલ જણાવે છે કે ઈશ્વરે ઉત્પત્તિના દરેક દિવસે શું કર્યું. એ જાણતા ન હોઈએ તો, અર્થનો અનર્થ થઈ જાય. બાઇબલમાં ઉત્પત્તિ ૧:૧ બતાવે છે કે ઉત્પત્તિનો પહેલો દિવસ શરૂ થયો, એના અગણિત વર્ષો પહેલાં ઈશ્વરે પૃથ્વી અને આખું વિશ્વ ઉત્પન્‍ન કર્યા હતા.

પૃથ્વીના પડનો અભ્યાસ કરનારાના (ભૂસ્તરશાસ્ત્રીઓના) અંદાજ પ્રમાણે, પૃથ્વીની રચનાને ચાર અબજ વર્ષ થયાં. ગ્રહો, તારાનો અભ્યાસ કરનારાના (ખગોળશાસ્ત્રીઓના) અંદાજ પ્રમાણે, વિશ્વની રચનાને પંદર અબજ વર્ષ થયાં છે. પૃથ્વી વિષે આજે આપણે જે જાણીએ છીએ અને હજુ જે જાણીશું, એનાથી ઉત્પત્તિ ૧:૧ ખોટું ઠરશે? જરાય નહિ. બાઇબલ એ નથી જણાવતું કે ‘આકાશ તથા પૃથ્વીને’ કેટલાં વર્ષ થયાં છે. બાઇબલમાં જે લખ્યું છે, એને વિજ્ઞાન ખોટું સાબિત કરી શકતું નથી.

ઉત્પત્તિના છ દિવસ કેટલા લાંબા હતા?

દરેક દિવસ કેટલો લાંબો હતો? શું દરેક દિવસ ૨૪ કલાકનો હતો? ઈશ્વરે મુસા પાસે ઉત્પત્તિનો અહેવાલ લખાવ્યો હતો. એમાં તેમણે લખ્યું કે છ દિવસમાં ઈશ્વરે સર્વ ઉત્પન્‍ન કર્યું. એના પછીના દિવસને, એટલે કે સાતમા દિવસને ઈશ્વરે સાબ્બાથ કહ્યો. આમ, સાત દિવસનું અઠવાડિયું બન્યું. ઘણાનું કહેવું છે કે ઉત્પત્તિનો દરેક દિવસ ચોવીસ કલાકનો હોવો જોઈએ. (નિર્ગમન ૨૦:૧૧-૧૨) શું તેઓની સાથે ઉત્પત્તિનું પુસ્તક સહમત થાય છે?

ના, કારણ કે હિબ્રૂમાં ફક્ત ચોવીસ કલાકના સમયને જ “દિવસ” કહેવામાં આવતો ન હતો. દાખલા તરીકે, ઈશ્વરે છ દિવસમાં જે ઉત્પન્‍ન કર્યું હતું, એને મુસાએ એક દિવસ કહ્યો છે. (ઉત્પત્તિ ૨:૪) ઉત્પત્તિના પહેલા દિવસે, “દેવે અજવાળાને દહાડો કહ્યો, ને અંધારાને રાત કહી.” (ઉત્પત્તિ ૧:૫) અહીં ચોવીસ કલાકના ફક્ત અમુક ભાગને જ ‘દહાડો કે દિવસ’ કહેવામાં આવ્યો. એ બતાવે છે કે આપણે મન ફાવે એમ મારી-મચકોડીને બાઇબલમાંથી પુરાવો ન આપીએ કે ઉત્પત્તિનો દરેક દિવસ ચોવીસ કલાકનો હતો.

તો ઉત્પત્તિના દરેક દિવસ કેટલા લાંબા હતા? ઉત્પત્તિના પહેલા અને બીજા અધ્યાય પરથી જોવા મળે છે કે એ સમય ઘણો લાંબો હતો.

સર્વ વસ્તુઓ ધીરે ધીરે ઉત્પન્‍ન કરવામાં આવી

મુસાએ ઉત્પત્તિનો અહેવાલ હિબ્રૂમાં લખ્યો હતો. મુસા જાણે પૃથ્વી પરથી બધું જોતા હોય એવી રીતે તેમણે લખ્યું. એની સાથે સાથે એ પણ ભૂલીએ નહિ કે ઈશ્વરે ‘છ દિવસમાં’ પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે વિશ્વ હતું જ. એમ કરીશું તો ઉત્પત્તિ વિષેની અનેક ગેરસમજણ દૂર થશે. કેવી રીતે?

ઉત્પત્તિનો અહેવાલ બરાબર તપાસીએ તો જોવા મળે છે કે પહેલા ‘દિવસે’ જે બનાવ શરૂ થયો, તે એ જ દિવસે પૂરો થયો ન હતો. ઘણી વાર એ બીજે દિવસે અથવા અમુક દિવસ પછી પૂરો થયો. દાખલા તરીકે, ઉત્પત્તિનો પહેલો “દિવસ” શરૂ થયો એ પહેલાં પણ સૂરજ તો હતો જ. ફક્ત એનો પ્રકાશ ગાઢાં વાદળોમાં રોકાઈ ગયો હતો. તેથી એ પૃથ્વી પર પહોંચી શકતો ન હતો. (અયૂબ ૩૮:૯) ઉત્પત્તિના પહેલા ‘દિવસે’ વાદળો ધીમે ધીમે ઓછાં થવાં લાગ્યાં. આમ, પ્રકાશ ધીમે ધીમે વાતાવરણમાંથી પૃથ્વી પર પહોંચવા લાગ્યો. *

બીજા ‘દિવસે’ વાતાવરણ હજી વધારે ચોખ્ખું થવા લાગ્યું. આમ ઉપર ગાઢાં વાદળોના થર અને નીચે દરિયા વચ્ચે ખુલ્લું હવામાન બન્યું. ચોથા ‘દિવસે’ વાદળો તો એ હદ સુધી ઓછાં થઈ ગયાં કે ધીમે ધીમે ‘આકાશમાં’ સૂરજ ને ચંદ્ર દેખાવા લાગ્યા. (ઉત્પત્તિ ૧:૧૪-૧૬) બીજા શબ્દોમાં તમે પૃથ્વી પર એ સમયે હોત તો, પહેલી જ વાર સૂરજ ને ચંદ્રને જોયા હોત. આ બધા બનાવો ધીમે ધીમે બન્યા.

ઉત્પત્તિનો અહેવાલ જણાવે છે કે પૃથ્વી પરના વાતાવરણમાં ધીરે ધીરે સુધારો થતો ગયો, તેમ તેમ પક્ષીઓને પણ ઉત્પન્‍ન કરવામાં આવ્યાં. મૂળ હિબ્રૂ ભાષામાં ઊડતા જીવજંતુઓનો પણ પક્ષીઓમાં સમાવેશ થાય છે. તેઓ પાંચમા ‘દિવસે’ દેખાવાં લાગ્યાં. બાઇબલ એ પણ બતાવે છે કે ઈશ્વર છઠ્ઠા ‘દિવસે’ પણ “ખેતરના હરેક જાનવરને, તથા આકાશના હરેક પક્ષીને ભૂમિમાંથી ઉત્પન્‍ન” કરી રહ્યા હતા.—ઉત્પત્તિ ૨:૧૯.

બાઇબલની ભાષા પરથી દેખાય છે કે એમાં જણાવેલા મોટા મોટા બનાવો કોઈ એક જ ‘દિવસમાં’ બન્યા ન હતા. અમુક તો ધીમે ધીમે બન્યા હોવાથી એને ‘ઘણા દિવસ’ લાગ્યા હોઈ શકે.

પોતપોતાની જાત પ્રમાણે

એનો શું એવો અર્થ થાય કે ઈશ્વરે ઉત્ક્રાંતિથી જાત-જાતનાં ઝાડ-પાન અને પ્રાણીઓ બનાવ્યાં હતાં? જરાય નહિ. બાઇબલ જણાવે છે કે ઈશ્વરે દરેક પ્રકારનાં છોડ-પાન અને પ્રાણીઓને ઉત્પન્‍ન કર્યાં હતાં. (ઉત્પત્તિ ૧:૧૧, ૧૨, ૨૦-૨૫) ઈશ્વરે પ્રથમ છોડ-પાન અને પ્રાણીઓને શું એવી રીતે બનાવ્યાં હતાં કે બદલાતા હવામાનની સાથે તેઓ પણ સહેલાઈથી ટેવાઈ જાય? ‘પોતપોતાની જાતમાં’ કઈ હદ સુધી ફેરફાર થશે એ કોણ નક્કી કરે? બાઇબલ એના વિષે કંઈ જણાવતું નથી. તોપણ એમ કહે છે કે “પોતપોતાની જાત પ્રમાણે” પુષ્કળ પ્રાણીઓ હતાં. (ઉત્પત્તિ ૧:૨૧) આ કલમ બતાવે છે કે દરેક ‘જાતમાં’ અમુક હદ સુધી જ ફેરફાર થાય છે. અવશેષો અને આધુનિક સંશોધન પરથી એવું જોવા મળ્યું છે કે શરૂઆતના વનસ્પતિ-પ્રાણીઓના અવશેષો અને આજના વનસ્પતિ-પ્રાણીઓમાં થોડો જ ફરક જોવા મળે છે.

અમુક ‘ફન્ડામેન્ટલીસ્ટ’ માને છે કે વિશ્વ, આકાશ, પૃથ્વી અને પૃથ્વી પરની બધી જ વસ્તુઓને થોડાં વર્ષો પહેલાં અને થોડા જ સમયમાં ઉત્પન્‍ન કરવામાં આવી છે. પરંતુ બાઇબલમાં ઉત્પત્તિનું પુસ્તક એવું શીખવતું નથી. એને બદલે, વિશ્વનું સર્જન કઈ રીતે થયું અને પૃથ્વી પર જીવન કેવી રીતે આવ્યું, એ વિષે ઉત્પત્તિના અહેવાલ સાથે વિજ્ઞાનમાં થયેલું આધુનિક સંશોધન સહમત થાય છે.

‘ફન્ડામેન્ટલીસ્ટની’ આવી ફિલસૂફીને લીધે, ઘણા વૈજ્ઞાનિકો બાઇબલમાં આપેલા ઉત્પત્તિના અહેવાલને માનતા નથી. જ્યારે કે એના લેખક મુસાએ સાફ સાફ લખ્યું કે વિશ્વ રચવામાં આવ્યું છે. પૃથ્વી પર વનસ્પતિ, જીવજંતુઓ, પ્રાણીઓ, એ બધું એક સાથે નહિ પણ ધીમે ધીમે ઉત્પન્‍ન કરવામાં આવ્યું છે. તો પછી સવાલ થાય કે મુસાને આજથી ૩,૫૦૦ વર્ષ પહેલાં, એ ચોક્કસ વૈજ્ઞાનિક માહિતી ક્યાંથી મળી? એનો એક જ જવાબ છે: આપણું વિશ્વ, આકાશ અને પૃથ્વીના સર્જનહારે તેમને એ જણાવ્યું જ હશે. ત્યારે જ તેમણે વિજ્ઞાનની રીતે સાચી માહિતી લખી. એ પુરાવો આપે છે કે બાઇબલ ‘ઈશ્વરની પ્રેરણાથી’ લખાયું છે.—૨ તીમોથી ૩:૧૬. (g 9/06)

તમે કદી વિચાર્યું છે?

▪ ઈશ્વરે વિશ્વ રચ્યું એને કેટલાં વર્ષ થયાં? ઉત્પત્તિ ૧:૧.

▪ શું ઈશ્વરે ૨૪ કલાકનો એક, એવા છ દિવસમાં વિશ્વ રચ્યું હતું? ઉત્પત્તિ ૨:૪.

▪ મુસાને પૃથ્વીની રચના વિષે વૈજ્ઞાનિક સત્ય જણાવતી માહિતી ક્યાંથી મળી?  ૨ તીમોથી ૩:૧૬.

[ફુટનોટ]

^ પહેલા ‘દિવસે’ પૃથ્વી પર દેખાવા લાગેલા પ્રકાશ માટે હિબ્રૂમાં ઑર શબ્દ વાપરવામાં આવ્યો છે. એ બધા જ પ્રકાશ માટે વપરાય છે. પણ ચોથા ‘દિવસે’ દેખાયેલા પ્રકાશ માટે માઑર શબ્દ વાપરવામાં આવ્યો હતો, જે પ્રકાશના ઉદ્‍ભવ માટે વપરાય છે.

[પાન ૧૯ પર બ્લર્બ]

બાઇબલનો ઉત્પત્તિનો અહેવાલ એમ શીખવતો નથી કે વિશ્વ થોડાં વર્ષો પહેલાં અને થોડા જ સમયમાં ઉત્પન્‍ન કરવામાં આવ્યું

[પાન ૨૦ પર બ્લર્બ]

‘આદિએ ઈશ્વરે આકાશ અને પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં.’—ઉત્પત્તિ ૧:૧

[પાન ૧૮ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

વિશ્વ: IAC/RGO/David Malin Images

[પાન ૨૦ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

NASA photo