સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કલીપ્સો ટ્રિનિડાડનું અજોડ લોકપ્રિય સંગીત

કલીપ્સો ટ્રિનિડાડનું અજોડ લોકપ્રિય સંગીત

કલીપ્સો ટ્રિનિડાડનું અજોડ લોકપ્રિય સંગીત

ટ્રિનિડાડના સજાગ બનો!ના લેખક તરફથી

તમે ટ્રિનિડાડ અને ટબેગો (પ્રજાસત્તાક જોડિયા ટાપુ) નામ સાંભળો ત્યારે તમારા મનમાં કેવા વિચારો આવે છે? ઘણાના મનમાં કદાચ સંગીતના તાલે સ્ટીલના ડ્રમ વગાડતા કે ગીતો ગાતા લોકોનું ચિત્ર આવશે. એ સંગીતને કલીપ્સો કહેવાય છે. તેઓની ડ્રમ વગાડવાની રીત જ અજોડ છે. બધાને ગમી જાય એવો તેનો તાલ ને સૂર હોય છે. એ સંગીતનો જન્મ દક્ષિણ કૅરિબિયન સાગરની દક્ષિણે આવેલા ટાપુઓમાં થયો હતો. આજે તો આખી દુનિયામાં એ વખણાય છે. *

એક પુસ્તક કલીપ્સો નામનો અર્થ જણાવતા કહે છે: ‘ટ્રિનિડાડના ઉત્સવોમાં ૧૮૯૮ પછી રસ્તા પર કે થીએટરમાં ગવાતા કોઈ પણ ગીતને કલીપ્સો કહેવાય છે.’ કલીપ્સો ગીતની શરૂઆત કેવી રીતે થઈ? કહેવામાં આવે છે કે આફ્રિકાના અમુક લોકો પાસે ઇતિહાસ વર્ણવવાની કળા હતી. એક સમયે એવું બન્યું કે આફ્રિકામાંથી તેઓમાંના અમુક લોકોને પકડીને ગુલામ તરીકે ટ્રિનિડાડ લઈ જવામાં આવ્યા. આમ ગીત, નૃત્ય કે ડાન્સ, ઢોલ કે ડ્રમ વગાડવાની રીત તેઓ સાથે ટ્રિનિડાડ પહોંચી. પછી એના પર ફ્રેન્ચ, દક્ષિણ અમેરિકાની સ્પૅનિશ, પોર્ટુગીઝ, અંગ્રેજી અને બીજી જાતિઓના સંસ્કારોની અસર પડી. આમ કલીપ્સો સંગીત વધારે જાણીતું બન્યું.

કલીપ્સો નામ કઈ રીતે પડ્યું એ કોઈ જાણતું નથી. અમુકનું માનવું છે કે પશ્ચિમ આફ્રિકામાં કોઈ બહુ સારી રીતે ગાય ત્યારે એ વ્યક્તિને શાબાશી આપવા ત્યાંની ભાષામાં લોકો કાઇશો કહેતા. એમાંથી કલીપ્સો નામ આવ્યું હોઈ શકે. ૧૮૩૦ના દાયકામાં ટ્રિનિડાડ ને ટબેગોમાં ગુલામીનો અંત આવ્યો. એના પહેલાં ટોળેબંધ લોકો દર વર્ષે ઉત્સવોમાં ચાંટવૅલ (ગાયકોનાં) ગીતો સાંભળવા ભેગા મળતા. એના ગાયકો પોતાના ગીતમાં બીજા ગાયકોની ઠેકડી ઉડાવતા અને પોતાની વાહવાહ કરતા. કલીપ્સોના દરેક ગાયકો અલગ ઓળખ બનાવવા પોતાને મનપસંદ ઉપનામથી ઓળખાવતા.

ગાવાની સ્ટાઇલ અને એની અસર

કલીપ્સો ગાયકોના સામાન્ય રીતે બધા જ વખાણ કરતા. કેમ કે તેઓ પોતાના ગીતથી લોકોને ખૂબ હસાવતા. બધાને યાદ રહી જાય એવા શબ્દચિત્રો વાપરવાની તેઓ પાસે અજોડ કળા હતી. ઘણા કલીપ્સો ગાયકો ગીત ગાતા જાય તેમ તેમાં મીઠું-મરચું ઉમેરીને સુંદર શબ્દચિત્રથી અનેક કડીઓ રચી શકે છે, જે ગીતમાં સરસ રીતે મળી જાય છે. આફ્રિકાથી મોટે ભાગે જે ગુલામો ટ્રિનિડાડ આવ્યા તેઓની પ્રજાએ કલીપ્સો ગીતને જન્મ આપ્યો હતો. તેઓ ગરીબ હતા. પણ આજે તો બધી જ જાતિના અમીર ને ગરીબ કલીપ્સો ગાય છે.

ડૉ. હૉરિશ લીવરપુલ ઇતિહાસકાર છે. તે પહેલાં ટ્રિનિડાડ અને ટબેગોની સંસ્કૃતિના નિર્દેશક પણ હતા. તેમ જ તે કલીપ્સોના ગાયક પણ છે. પહેલાના કલીપ્સોના ગાયકો વિષે તેમણે સજાગ બનો!ને જણાવ્યું: “ગાયકોમાં હસવા-હસાવવાની આવડત હોવી બહુ જરૂરી હતી. કેમ કે લોકો તો [કલીપ્સો] પ્રોગ્રામનો આનંદ માણવા, મનોરંજન માટે ત્યાં આવતા હતા. તેમ જ લોકોએ જે અફવાઓ સાંભળી હોય એ સાચી છે કે નહિ એ ખાતરી કરવા પણ ત્યાં આવતા હતા. અમીર લોકો એ સાંભળવા આવતા કે ગરીબ લોકો તેઓ વિષે શું વિચારે છે. શહેરના ગવર્નર અને તેમના સાથીદારો એ જોવા આવતા કે જનતા તેઓની સરકારના ગુણ ગાય છે, કે પછી નિંદા કરે છે.”

ઘણી વાર કલીપ્સો ગાયકો તેઓના ગીતમાં સરકારી અધિકારીઓ અને અમીર લોકોની ઠેકડી ઉડાવતા. એ અધિકારીઓને કલીપ્સોના ગાયકો જરાય પસંદ ન હતા. પણ જનતાને મન તો તેઓ હિરો હતા. અમુક વાર તો કલીપ્સોના સંગીતકારોએ પોતાના ગીતોમાં સરકાર વિરુદ્ધ એવા તલવાર જેવા ધારદાર શબ્દો વાપર્યા કે સરકારે એવું ન થાય એ માટે નછૂટકે કાયદો બનાવવો પડ્યો. એટલે ગાયકો ચાલાક બન્યા. તેઓ ગીતમાં એવા શબ્દો વાપરવા લાગ્યા જેના બે અર્થ નીકળે. તેઓ એમાં ચપળ બન્યા. આજે પણ કલીપ્સોના ગીતોમાં એ જ જોવા મળે છે.

કલીપ્સોના ગાયકો ખાલી ભાષાનો જ ઉપયોગ કરતા ન હતા, એને રચતા પણ હતા. તેઓએ વેસ્ટ ઇન્ડિઝના લોકોની ગામઠી કે બોલચાલની ભાષામાં જે યોગદાન આપ્યું છે એ ખરેખર નોંધ લેવા જેવું છે. આજે કોઈક બાબત પર ભાર આપવા ઘણા લોકો ને અમુક નેતાઓ કલીપ્સોના શબ્દો ટાંકે છે.

આજના કલીપ્સો

લોકોની માંગ પૂરી કરવા વર્ષોથી સંગીતકારો મન ફાવે એમ કલીપ્સો સંગીતમાં મિશ્રણ કરીને એને બહાર પાડી રહ્યા છે. મોટા ભાગના બધા જ ગીતોની જેમ આજે અમુક કલીપ્સો ગીતોનું ધોરણ બહુ નીચું ગયું છે. તેથી આપણે કોઈ કલીપ્સો ગીત સાંભળવા બેસીએ એ પહેલાં જોવું જોઈએ કે એમાં કેવી ભાષા વાપરવામાં આવી છે. એમ કરવાથી આપણું જ ભલું થશે. (એફેસી ૫:૩, ૪) પોતાને પૂછવું જોઈએ કે ‘શું હું કલીપ્સો સંગીતથી અજાણ નાના બાળક કે બીજા કોઈને એમાં વપરાયેલા બે અર્થવાળા શબ્દો શરમાયા વગર સમજાવી શકીશ?’

તમે ટ્રિનિડાડ કે ટબેગો ફરવા જશો તો ત્યાંનો સુંદર દરિયાકાંઠો અને ખડકો જોવા મળશે. એ જોતા જ રહી જશો. અનેક જાતિ અને સંસ્કૃતિના લોકોને જોઈને તમે મુગ્ધ થઈ જશો. ઑરકેસ્ટ્રામાં સ્ટીલ ડ્રમ વગાડતા ને કલીપ્સો ગાતા અનેક લોકો તમને જોવા મળશે, જેના તાલે દુનિયામાં બધે જ નાના-મોટા લોકોને દીવાના બનાવી દીધા છે. (g 12/06)

[Footnote]

^ સંગીતકારો મધુર સ્વરમાં સ્ટીલના ડ્રમ પર કલીપ્સો સંગીત વગાડતા હોય છે. પરંતુ કોઈ ગાયક કલીપ્સો ગાય ત્યારે સાથે સાથે ગિટાર, ટ્રમ્પેટ, શરણાઈ જેવું સેક્સોફોન અને ડ્રમ પણ વગાડવામાં આવે છે.

[Pictures on page 29]

સ્ટીલના ડ્રમ