સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કોઈ જવાબ છે?

કોઈ જવાબ છે?

કોઈ જવાબ છે?

કોઈ આફત આવે, કોઈ ખરાબ બનાવ બને ત્યારે લોકો એમ જ પોકારી ઊઠે છે: “આવું કેમ થયું?” આ શબ્દોમાં કેટલું દર્દ ભરેલું છે! જેમ કે, એક જગ્યાએ વાવાઝોડું આવ્યું, જ્યાં જુઓ ત્યાં તબાહી ને મોતના નિશાન છોડતું ગયું. ધરતીકંપ આવ્યો ને આખા શહેરને ઉજ્જડ બનાવી ગયો. આતંકવાદની તરાપ પળવારમાં સામાન્ય દિવસને ભય અને હિંસાનું ભયાનક સપનું બનાવી દે છે. ઍક્સિડન્ટ એક ઘડીમાં કોઈને અપંગ બનાવી દે છે, અરે જીવ પણ લઈ લે છે!

મોટે ભાગે આવી આફતોનો ભોગ નિર્દોષ અને લાચાર લોકો બને છે. આજકાલ તો એવી આફતોનો કોઈ પાર જ નથી. એટલે ઘણા લોકો પોકારી ઊઠે છે કે ‘આવું કેમ થયું?’ આવો, અમુક દાખલા વિચારીએ:

▪ “હે ઈશ્વર, તેં કેમ આવું કર્યું? અમે તારો શો ગુનો કર્યો?” સુનામીથી પોતાના ગામની થયેલી તબાહી જોઈને ભારતના એક માસીએ આ સવાલ ઉઠાવ્યો. રોઈટર્સ ન્યૂઝ એજન્સીએ રિપોર્ટ આપ્યો.

▪ “ભગવાન ક્યાં છે? જો તેના હાથમાં દુનિયા હોય, તો તેણે આવું કેમ થવા દીધું?” ટેક્સાસ, યુ.એસ.એ.ના એક છાપાએ આ સવાલ કર્યો. ત્યાંના એક ચર્ચમાં કોઈ માણસે આડેધડ ગોળીઓ છોડી. જેમાં અમુક ઘાયલ થયા અને અમુક મરણ પામ્યા.

▪ “ખુદાએ તેને કેમ મરવા દીધી?” એક સ્ત્રીએ આ સવાલ પૂછ્યો, જેની બેનપણી કૅન્સરને લીધે ગુજરી ગઈ. તેની પાછળ પાંચ બાળકો અને પતિને છોડતી ગઈ.

ફક્ત આ લોકો જ માનતા નથી કે તેઓની તકલીફોમાં ઈશ્વરનો હાથ છે. જેમ કે કુદરતી આફતો વિષે ઇન્ટરનેટ પર એક સર્વે કરવામાં આવ્યો. એનો જવાબ આપનારા અડધા જેટલા લોકો માને છે કે વાવાઝોડાં જેવી આફતો ઈશ્વર પાસેથી આવે છે. કેમ ઘણા એવું વિચારે છે?

ધર્મ લોકોને ભમાવે છે

લોકોને સાચો જવાબ આપવાને બદલે, ધર્મગુરુઓ જાણે બળતામાં ઘી હોમે છે. મોટે ભાગે તેઓ શું કહે છે, એના ફક્ત ત્રણ દાખલા જોઈએ.

એક તો ઘણા ધર્મગુરુઓ કહેશે કે પાપીઓને સજા કરવા ઈશ્વર આફતો મોકલે છે. જેમ કે થોડા સમય પહેલાં અમેરિકાના લુઇઝિઍના રાજ્યનું ન્યૂ ઑર્લિઅન્ઝ શહેર કેટરિના નામના વાવાઝોડાથી તબાહ થઈ ગયું. અમુક પાદરીઓનું કહેવું હતું કે ઈશ્વરે એ શહેરને સજા કરી છે, કેમ કે એ ભ્રષ્ટાચાર, જુગાર અને વ્યભિચાર માટે જાણીતું હતું. અરે, અમુકે તો બાઇબલના બનાવો પણ જણાવ્યા, જેમાં ઈશ્વરે દુષ્ટ લોકોનો પ્રલયથી અથવા આગથી નાશ કર્યો હતો. જોકે આમ પાદરીઓ બાઇબલને ખોટી રીતે રજૂ કરે છે.—“ઈશ્વરનો કોપ?” બૉક્સ જુઓ.

બીજું કે અમુક પાદરીઓનો દાવો છે કે મનુષ્ય પર આફતો લાવવાનાં ઈશ્વર પાસે કારણો છે. પણ એ આપણે સમજી શકતા નથી. ઘણાને આવી વાત ગળે ઉતારવી મુશ્કેલ લાગે છે. તેઓ વિચારે છે કે “બાઇબલ પ્રમાણે ‘ઈશ્વર પ્રેમ છે.’ તો પછી એ કેમ આવી આફતો લાવે? ‘આવું કેમ થયું’ એમ પોકારી ઊઠનાર અને તેમની પાસે દિલાસો મેળવવા હાથ ફેલાવનારને, શું ઈશ્વર જવાબ નહિ આપે?”—૧ યોહાન ૪:૮.

ત્રીજું, અમુક ગુરુઓને લાગે છે કે ઈશ્વર એટલા શક્તિશાળી નથી. તેમને લોકો પર પ્રેમ નથી. આનાથી તો વિચારવા જેવા સવાલો ઊભા થાય છે. શું આ મહાન વિશ્વ અને ‘સર્વ ઉત્પન્‍ન કરનાર’ ઈશ્વર, પૃથ્વી પર થતી આફતો રોકી શકતા નથી? શું તે એમ કરવા શક્તિમાન નથી? (પ્રકટીકરણ ૪:૧૧) બાઇબલ જણાવે છે તેમ, ઈશ્વર ખુદ પ્રેમ છે. તેમણે જ આપણને પ્રેમના ગુણ સાથે ઉત્પન્‍ન કર્યા છે. તો પછી, શું તે પોતે આપણું દુઃખ જોઈને બેસી રહેશે?—ઉત્પત્તિ ૧:૨૭; ૧ યોહાન ૪:૮.

ઈશ્વરે કેમ દુઃખો, આફતોને રહેવા દીધા છે? સદીઓથી લોકોએ એનો જુદી જુદી રીતે જવાબ આપ્યો છે. આપણે ઉપર ત્રણેક જોઈ ગયા. પરંતુ હવે પછીના લેખમાં જોઈશું કે બાઇબલ એનો શું જવાબ આપે છે. બાઇબલની સીધી-સાદી, પણ ખરી સમજણથી આપણા દિલને શાંતિ મળશે. જેઓના જીવનમાં આફતોની આંધી આવી છે, તેઓને એનાથી દિલાસો મળશે. (g 11/06)

[પાન ૪ પર બોક્સ/ચિત્ર]

ઈશ્વરનો કોપ?

શું બાઇબલ એમ શીખવે છે કે આજની કુદરતી આફતો પાછળ ઈશ્વરનો હાથ છે? ના. બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વર લાવ્યા હતા એ વિનાશ, કુદરતી આફતો કરતા જુદો હતો. કઈ રીતે? એક તો ઈશ્વરે સૂકા ભેગું લીલું બાળ્યું ન હતું. તે જાણે છે કે દરેકના દિલમાં શું છે. એટલે તેમણે ફક્ત દુષ્ટોનો જ નાશ કર્યો. (ઉત્પત્તિ ૧૮:૨૩-૩૨) બીજું કે ઈશ્વરે પહેલેથી ચેતવણી આપી, જેથી સારા લોકોને બચવાનો મોકો મળે.

જ્યારે કે કુદરતી આફતો આવે ત્યારે ચેતવણી મળે કે ન પણ મળે. એની ઝપટમાં જે કોઈ આવે એને મારે અથવા તો એના બેહાલ કરે. અમુક હદે એવી આફતો માટે ઇન્સાન પણ જવાબદાર છે. તે કુદરતી વાતાવરણને બેહદ નુકસાન કરી રહ્યો છે. સાથે સાથે ધરતીકંપ, પૂર અને ખરાબ મોસમની શક્યતા હોય એવી જગ્યાઓએ ઘરો બાંધીને રહે છે.

[ક્રેડીટ લાઈન]

SENA VIDANAGAMA/AFP/Getty Images

[પાન ૪ પર ચિત્ર]

ધર્મગુરુઓ મન ફાવે એ કહીને લોકોને ભમાવે છે