સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગધેડાં ન હોત તો આપણે શું કરત?

ગધેડાં ન હોત તો આપણે શું કરત?

ગધેડાં ન હોત તો આપણે શું કરત?

ઇથિયોપિયાના સજાગ બનો!ના લેખક તરફથી

દુનિયાના સૌથી વધારે વસ્તીવાળા સોળ દેશોમાં એક ઇથિયોપિયા પણ છે. ઍડિસ અબાબા એનું પાટનગર. એ દેશમાં સદીઓથી માલની હેર-ફેર કરવા માટે ગધેડાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. મોટા ભાગના શહેરના ડ્રાઇવરો તેઓથી ટેવાઈ ગયા છે. ડ્રાઇવરો જાણે છે કે ગધેડાંની યાદશક્તિ બહુ જ તેજ છે, તેથી એક વાર જે રસ્તેથી ગયા હશે ત્યાંથી જ તેઓ હંમેશાં જશે. રસ્તા પર આવ-જા કરતા વાહનોથી ગધેડાં ડરતાં નથી. ટ્રાફિકમાં પણ તેઓ મોટા-મોટા પોટલાં ઊંચકીને વાહનોની વચ્ચેથી રસ્તો શોધીને પસાર થઈ જાય છે. તેઓ ઊભા રહીને પાછું જોતા પણ નથી. તેઓ કોલસો, ગાયના છાણાં કે બીજું કંઈ ઊંચકીને જતા હોય ત્યારે તમને ઘસડાઈને ન જાય એનું ધ્યાન રાખજો. નહિ તો તેઓની અડફેટમાં આવી જશો!

ઇથિયોપિયામાં અંદાજે પચાસેક લાખ ગધેડાં હશે. એટલે કે બાર વ્યક્તિ દીઠ એક ગધેડું. ત્યાં લાખો લોકો ઊંડી ખીણો અને પહાડી વિસ્તારમાં છૂટાછવાયા રહે છે. જોકે એ દેશનો વચ્ચેનો ભાગ મોટે ભાગે સપાટ છે. એમાં અનેક નાની-નાની નદીઓ છે. આવી જગ્યાઓએ નદીઓ પર પુલ બાંધવા કે પહાડો પર જવા કાચા રસ્તા બનાવવા સરકારને પોસાય એમ નથી. એમ કરવા જાય તો તેઓનું નાણું એમાં જ વેડફાઈ જાય. એવા વિસ્તારમાં માલની હેર-ફેરમાં ગધેડાં જ પોસાય.

ગધેડાં ઇથિયોપિયાની મોસમથી ટેવાયેલાં છે. પછી ભલેને લૂ વાતી હોય કે પછી પહાડોમાં સખત ઠંડી પડતી હોય. તેઓ સખત ચઢાણવાળા કે ઢોળાવવાળા ટેકરાઓ ચડી-ઊતરી શકે છે. તેઓ સાંકડા રસ્તામાં, પથરાળ નદીઓમાં, કાદવ-કીચડ અને ખાડા-ટેકરાવાળા વિસ્તારમાં પણ ચાલી શકે છે. જ્યાં ઊંટ કે ઘોડા ન જઈ શકે ત્યાં ગધેડાં જઈ શકે છે. લાખો લોકો માલની હેર-ફેર કરવા ગધેડાંનો જ ઉપયોગ કરે છે. કેમ કે શહેરમાં ઘણા લોકો એવી જગ્યાઓએ રહે છે જ્યાં કાર કે ટ્રક પહોંચી જ ન શકે.

ગધેડાં સાંકડી અને વાંકીચૂકી ગલીઓમાંથી પણ જઈ શકે છે. બે ઘરો વચ્ચેની વાડવાળી વાંકી-ચૂકી સાંકડી ગલીઓમાંથી પણ તેઓ નીકળી શકે છે. વાહનની જેમ તેઓને મોંઘા ટાયરની જરૂર નથી. તેઓ ભાગ્યે જ લપસે છે. તેઓ નાનો-મોટો કોઈ પણ પ્રકારનો ભાર ઉપાડીને જ્યાં કહો ત્યાં પહોંચાડે છે. ટ્રાફિકમાં વાહનના ડ્રાઇવરો રાતા-પીળા થઈને હૉર્ન વગાડતા રહે છે. પણ ગધેડાં વાહનોની વચ્ચેથી પણ રસ્તો શોધી લે છે. જો કોઈ ડ્રાઇવર રોંગ સાઇડમાં વાહન ચલાવે તો પોલીસ એને દંડ કરશે. પણ ગધેડું રોંગ સાઇડમાં ચાલે તો એને દંડ કરવાનો પોલીસના મનમાં વિચાર પણ આવતો નથી. તેને મન ફાવે ત્યાં ઊભો રાખી શકાય છે. ગધેડું આશરે ૨૫૦૦ રૂપિયામાં (પચાસેક ડૉલરમાં) વેચાય છે. એની સરખામણીમાં માલ પહોંચાડવા વાહન ભાડે રાખવું બહુ જ મોંઘું પડે!

શહેરમાં ગધેડાં

ઍડિસ અબાબા શહેરની વસ્તી ત્રીસ લાખ કરતાં વધારે છે. સવારે હજારો ગધેડાં એ શહેરમાં આવે છે. ઘણાં તો પચીસેક કિલોમીટરનો પંથ કાપીને શહેરમાં આવે છે. એ અંતર કાપવા તેઓને ત્રણેક કલાક લાગી શકે. તેથી વહેલી સવારથી જ ગધેડાંના માલિક તેઓને લઈને શહેર તરફ મુસાફરી કરવા લાગે છે. કોઈ વાર માલિક ગધેડાંની સાથે સાથે ચાલતા હોય છે. પણ મોટે ભાગે તેઓ પોતાના ગધેડાંની પાછળ દોડતા હોય છે, જેથી પોતે પાછળ ન રહી જાય. દર બુધવારે અને શનિવારે શહેરમાં માર્કેટ ભરાતી હોવાથી બહુ ભીડ હોય છે.

ગધેડાં અનેક વસ્તુઓ ઉપાડે છે. જેમ કે અનાજ, શાકભાજી, બળતણ, સિમેન્ટ, કોલસા વગેરેની ગુણો, રસોઈમાં વપરાતાં તેલના ડ્રમ અને બૉક્સમાં પેક કરેલી બીયર કે સોડાની બોટલો. અમુક ગધેડાં નેવુંએક કિલો વજન ઉપાડે છે. તેઓના બંને પડખે વાંસ કે નીલગીરીના લાંબા ડંડાઓને બાંધવામાં આવે છે. તેઓ એને આખા રસ્તે ઘસડી-ઘસડીને લઈ જાય છે. તેઓ પર ઘઉં કે ડાંગરના પૂળા એટલા દાબી-દાબીને બાંધવામાં આવે કે ગધેડું માંડમાંડ દેખાય. એ જોવા જેવું હોય છે.

સવારે ગધેડાં માલ ઊંચકીને માર્કેટમાં જતા હોય ત્યારે તેઓ ઝડપથી ચાલે છે. પણ માલ વેચીને ઘરે પાછા ફરે ત્યારે આરામથી ચાલે છે. રસ્તાની આસ-પાસ ઘાસ-પાન ખાવા તેઓ વચ્ચે વચ્ચે ઊભા રહે છે. ગધેડાંનું કામ ન હોય ત્યારે, માલિક પોતાના ઘર માટે પાણી ભરવા કે બળતણ માટે લાકડાં લાવવા તેનો ઉપયોગ કરે છે. માલિક કોઈ વાર બીજાને ગધેડાં ભાડે કે ઉછીના આપે છે. અમુક લોકો પાસે વધારે ગધેડાં હોવાથી ટ્રાન્સપૉર્ટથી માલ પહોંચાડવા તેઓનો ઉપયોગ કરે છે. અરે, અમુક જગ્યાએ તો તે નાનું ગાડું ખેંચવા વપરાય છે. જેમ મોટું ગાડું ખેંચવા બે બળદ વપરાય છે તેમ બે ગધેડાંને ગાડામાં જોડવામાં આવે છે.

તેઓ સાચે જ ઉપયોગી છે

ગધેડાંની બહુ સંભાળ રાખવાની જરૂર પડતી નથી. તેઓ ફરીને જે મળે એ ખાઈને પોતાનું પેટ ભરી લે છે. ગધેડાનો માલિક એની સાથે સારી રીતે વર્તે તો તેઓનો એકબીજાની સાથે સંબંધ બંધાઈ જાય છે. ખરું કહીએ તો ગધેડાં ઘોડા કરતાં હોશિયાર હોય છે. તેઓ રસ્તાથી જાણકાર થઈ જાય પછી જલ્દી રસ્તો ભૂલતાં નથી. જો તમે પાણીનાં ગેલન ભરીને તેઓને પડખે બાંધીને ઘર તરફ મોકલી દો તો તેઓ પોતાની જાતે સાતેક કિલોમીટર જેટલું અંતર કાપીને ચાલ્યા જશે. ફક્ત એટલું જ જોઈએ કે એક છેડે કોઈ પાણીનાં ગેલન ભરીને તેઓ પર લટકાવી આપે ને બીજે છેડે કોઈ એ ઉતારી લે. ઘણી વાર એના માલિક તેઓની ડોક કે પગમાં ઘંટડી બાંધે છે. એના અવાજથી જેઓએ માલ મંગાવ્યો હોય તેઓને ખબર પડે કે ગધેડાં માલ લઈને આવી રહ્યાં છે. ગધેડાં ઘર પાસે આવે ત્યારે તેઓ એના ઉપરથી માલ ઉતારી લે છે.

ગધેડાં ખૂબ જ મહેનતુ છે. તોપણ પોતાના વર્તનથી માલિકને જણાવશે કે પોતે કેટલો ભાર ઊંચકશે અને ક્યારે વિસામો લેશે. તેઓ પર માલ વ્યવસ્થિત ગોઠવીને મૂકવામાં નહિ આવ્યો હોય અથવા તેઓને કંઈક વાગતું હોય તો તેઓ ત્યાં જ બેસી જશે. એ જોઈને કદાચ માલિકને એવું લાગશે કે તે કામચોર છે. એ કારણથી તે કદાચ ગધેડાંને મારપીટ કરશે અથવા તેને જેમતેમ બોલશે. બાઇબલમાં એવા એક બનાવ વિષે લખવામાં આવ્યું છે જે તમને કદાચ યાદ હશે.—ગણના ૨૨:૨૦-૩૧.

સાચે જ ગધેડાંની સારી સંભાળ રાખવી જોઈએ. દુઃખની વાત છે કે હંમેશાં એમ કરવામાં નથી આવતું. કોઈ વાર તેઓ પર માલ બરાબર બાંધવામાં નથી આવતો, એટલે એ ઘણી વાર ખાડામાં પડી જાય છે. એનાથી તેનો પગ ભાંગે છે. જો તેને ચાંદું પડ્યું હોય, અમુક જાતના જીવડાં પડ્યા હોય, પગ સડ્યો હોય, ન્યૂમોનિયા થયો હોય અથવા બીજી કોઈ તકલીફો હોય તો એનાથી ગધેડું નબળું પડી જાય છે. એ કારણથી ઍડિસ અબાબાની નજીક આવેલા ડિબ્રેઝેઇટ ગામમાં ગધેડાંની સારવાર માટે આધુનિક સગવડવાળી હૉસ્પિટલ ખોલવામાં આવી છે. એમાં ઑપરેશન થિયેટર, કૉમ્પ્યુટર, તેમ જ એમ્બ્યુલન્સની સગવડ પણ છે. ૨૦૦૨માં એ હૉસ્પિટલે ચાળીસેક હજાર ગધેડાંને અનેક રીતે સારવાર આપી હતી.

બાઇબલના જમાનામાં ઈબ્રાહીમે પહાડી પ્રદેશમાં થઈને મોરીયાહ પર્વત પર જવા ગધેડાં પર મુસાફરી કરી હતી. (ઉત્પત્તિ ૨૨:૩) ઇઝરાએલીઓના જીવનમાં સદીઓથી ગધેડાં જીવનનો એક ભાગ બની ગયો છે. અરે, ઈસુ પણ ગધેડાં પર રાજાની જેમ સવારી કરીને યરૂશાલેમ ગયા હતા.—માત્થી ૨૧:૧-૯.

સદીઓથી ઇથિયોપિયામાં ગધેડાં અનેક રીતે ઉપયોગી છે. ત્યાંના લોકો માટે ગધેડાં બહુ જ મહત્ત્વનાં છે. ટ્રક અને કારની બનાવટમાં અનેક આધુનિક ફેરફાર થયા છે. જ્યારે કે ગધેડાં એવાને એવા જ છે. સાચે જ ગધેડાંને શાબાશી આપવી જોઈએ! (g 12/06)

[Picture Credit Line on page 26]

‘The Donkey Sanctuary’, Sidmouth, Devon, UK