સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘ટાવર બ્રિજ’ લંડનનો દરવાજો

‘ટાવર બ્રિજ’ લંડનનો દરવાજો

‘ટાવર બ્રિજ’ લંડનનો દરવાજો

બ્રિટનના લેખક તરફથી

જે પરદેશીઓ કદી ઇંગ્લૅંડ ફરવા ગયા નથી, તેઓ પણ ટાવર બ્રિજ વિષે જાણે છે. દર વર્ષે હજારો લોકો એને જોવા જાય છે. લંડનના લોકો દરરોજ એ બ્રિજ પરથી આવ-જા કરે છે. તેઓનાં મનમાં વિચાર પણ નહિ આવતો હોય કે એ કેવી રીતે બંધાયો. ટાવર બ્રિજ તો લંડનનો જાણીતો પુલ છે.

લોકો ધારે છે કે લંડન બ્રિજ એ જ ટાવર બ્રિજ છે. પણ એવું નથી. લંડન બ્રિજ તો એની બાજુમાં આવેલો અલગ બ્રિજ છે. ૧૮૭૨માં ઇંગ્લૅંડની પાર્લામેન્ટે થેમ્સ નદી પર એક બીજો પુલ બાંધવાની પરમીશન માંગતી એક અરજી પર ચર્ચા કરી. ટાવરના અધિકારીના વિરોધ છતાં, પાર્લામેન્ટે પુલ બાંધવાનો પ્લાન માન્ય રાખ્યો. ફક્ત શરત એ જ હતી કે એ પુલની ડિઝાઇન લંડનના ટાવરને મળતી આવતી હોવી જોઈએ. ટાવર બ્રિજની શરૂઆત આ કાયદેસર પ્લાનથી થઈ.

૧૮મી અને ૧૯મી સદીમાં થેમ્સ નદી પર ઘણા પુલ બંધાયા, જેમાંનો સૌથી જાણીતો પુલ જૂનો લંડન બ્રિજ છે. ૧૭૫૦ સુધીમાં તો માનો કે એ પુલના પાયા હલી ગયા હતા. એ સાંકડો હોવાથી વારંવાર ટ્રાફિક જામ પણ થતો હતો. પુલની નજીક આવેલી ગોદીમાં પણ આખી દુનિયામાંથી આવતા વહાણો જગ્યા મેળવવા પડાપડી કરતા. બધા વહાણો જાણે એકબીજા સાથે જોડાયેલા જોવા મળતા. એટલે કહેવામાં આવતું કે નદી કિનારે ઊભેલાં વહાણો પર ચાલતા જાવ તો, તમે ઘણા કિલોમીટર ચાલી શકશો.

લંડન કૉર્પોરેશનની વિનંતીને માન આપીને, આર્કિટૅક્ટ હોરેસ જોન્સે ઉત્તર ફ્રાન્સમાં શોધાયેલી સ્ટાઈલની ડિઝાઇનનો પુલ બાંધવાનું સૂચન કર્યું. એટલે કે જે પુલના બે પાંખિયા હોય અને જરૂર પડે ત્યારે વચ્ચેથી ઉઠાવી શકાય. આવો પુલ લંડન બ્રિજથી થોડે દૂર નીચેની તરફ બાંધવાનું સૂચન કર્યું. એનાથી થેમ્સમાં પશ્ચિમ તરફ આવેલી ગોદી સુધી વહાણો સહેલાઈથી આવ-જા કરી શકતા. ઘણાના કહેવા પ્રમાણે આ ડિઝાઇન જોરદાર હતી.

જોરદાર ડિઝાઇન

આર્કિટૅક્ટ જોન્સ ઘણા દેશોમાં ફર્યા હતા. તેઓ નેધરલૅન્ડ્‌ઝ પણ ગયા હતા. ત્યાં તેમણે નહેરો પર બંધાયેલા વચ્ચેથી ઉપર ઉઠાવી શકાય એવા, નાના નાના પુલ જોયા હતા. એના પરથી તેમને એક એવો પુલ બનાવવાનો આઇડિયા મળ્યો, જેના બંને પાંખિયા જ્યારે વચ્ચેથી ઉપરની બાજુએ ખૂલે, ત્યારે એઓના નીચેના છેડે આવેલું વજન એને સમતોલ કે બેલેન્સ કરે. સ્ટીલની ફ્રેમો પર ઈંટો વડે બાંધકામ કરેલો આ ફેશનેબલ પુલ, આજે દુનિયામાં મશહૂર ટાવર બ્રિજ તરીકે જાણીતો છે. એ જોન્સ અને એની ટીમની મહેનતનું ફળ છે.

આ બ્રિજ પર બે મોટા ટાવર કે મિનારા છે. એ ટાવરો ઉપરથી બે નાના નાના પુલથી એકબીજાને જોડાયેલા છે, જેના પર લોકો શહેર જોવા જઈ શકે છે. ઉપરના બે નાના પુલ રોડથી ૩૪ મીટરની ઊંચાઈએ છે. એ નદીના પાણીથી લગભગ ૪૨ મીટરની ઊંચાઈએ આવેલા છે. નદીના બે કિનારાને જોડતો પુલ વચમાંથી ખૂલે છે. પુલના ખૂલતા દરેક પાંખિયાનું વજન લગભગ ૧,૨૦૦ ટન છે. એ ૮૬ ડિગ્રીના ખૂણે ઉપરની તરફ ખૂલે છે. ૧૦ હજાર ટન જેટલા વજનવાળું વહાણ પણ સલામત રીતે એની નીચેથી પસાર થઈ શકે છે.

પુલ કઈ રીતે ખૂલે છે?

પહેલાં હાઇડ્રોલિક પાવર અથવા તો સ્ટીમથી ચાલતા પંપથી પુલના બંને પાંખિયા ખોલવામાં આવતા. એ જ પાવરથી લિફ્ટ ચલાવીને લોકોને નાના પુલ ઉપરના રસ્તા પર લઈ જવાતા. અરે, સિગ્‍નલ પણ હાઇડ્રોલિક પાવરથી આપવામાં આવતા. આ પુલ ખોલ-બંધ કરવા માટે પાણીનો ભરપૂર ઉપયોગ થતો! એનાથી જે પાવર મળતો એ જરૂર કરતાં બમણો હતો.

પુલની દક્ષિણ બાજુએ કોલસાથી ચાલતા ચાર બૉઇલરો હતા. એ દર ચોરસ સેન્ટિમિટરે પાંચથી છ કિલોગ્રામ જેટલું વરાળનું દબાણ કે પ્રેશર પેદા કરતા. એનાથી બે મોટા મોટા પંપ ચાલતા. એ બંને પંપ દર ચોરસ સેન્ટિમિટરે ૬૦ કિલોગ્રામ જેટલા પ્રેશરે પાણી છોડતા. પુલના બંને પાંખિયા ખોલવા માટે એકસરખો પાવર મળી રહે એ માટે, દબાણવાળું પાણી સ્ટોર કરવા છ મોટા યંત્રો રાખવામાં આવ્યા. એમાંથી પાંખિયા ખોલવાના આઠ એંજિનોને પાવર મળી રહેતો. પાવર ચાલુ થાય એટલે, પુલની વચ્ચેથી બંને પાંખિયા એના ૫૦ સેન્ટિમિટરના શાફટ કે ટેકો આપનાર દાંડાઓ પર ઊંચે ખૂલે છે. પાંખિયા પૂરેપૂરા ખોલતા ફક્ત એક મિનિટ લાગતી!

આજના ટાવર બ્રિજની મુલાકાતે

આજકાલ સ્ટીમ પાવરને બદલે ઇલેક્ટ્રિસિટી આવી ગઈ છે. પહેલાની જેમ જ, ટાવર બ્રિજ ખૂલે ત્યારે રોડ પર ટ્રાફિક એમ ને એમ ઊભો રહી જાય છે. રસ્તે ચાલનારા કે ફરવા આવેલા બધા પુલની કામગીરી જોઈને મોંમાં આંગળાં નાખી જાય છે.

ઍલાર્મ વાગે છે, રોડ બંધ થાય છે. છેલ્લું વાહન પુલ પરથી સામે પાર નીકળી જાય પછી સિગ્‍નલ થાય છે કે રસ્તો સાફ છે. કોઈ અવાજ વગર બે પાંખિયાને જોડી રાખતા બોલ્ટ ખુલે છે અને પાંખિયા આકાશ તરફ ખુલી જાય છે. પછી ધ્યાન નદી તરફ જાય છે. પછી ભલે આગબોટ, મોટરબોટ કે વહાણ હોય, એ જે રીતે પસાર થાય છે એ જોઈને બધાની નજર એના પર ચોંટી રહે છે. થોડી મિનિટોમાં સિગ્‍નલ બદલાય છે. બંને પાંખિયા નીચે આવી જાય છે અને રોડ અવર-જવર માટે ખોલી દેવામાં આવે છે. રાહ જોઈ રહેલાં વાહનોમાંથી સાયકલવાળા સૌથી પહેલા પુલ પાર કરવા દોડી જાય છે. થોડી જ પળોમાં ટાવર બ્રિજ પરથી વાહનો આવવા-જવા માંડે છે.

જેઓને વધારે જાણકારી મેળવવી હોય તેઓ કંઈ આ વારંવાર બનતો બનાવ જોઈને જ સંતોષ માનતા નથી. તેઓ લિફ્ટથી ઉત્તર તરફના ટાવર પર જાય છે, પુલના ઐતિહાસિક લખાણની વિગતો તપાસે છે. એ લખાણ ‘ટાવર બ્રિજનો અનુભવ’ નામના પ્રદર્શનમાં જોવા મળે છે. એમાં હાલતું-ચાલતું મોડેલ પણ છે. એન્જિનિયરોની આ સફળતા અને એના ઉદ્‍ઘાટન વખતે થયેલી મોટી પાર્ટીના ચિત્રો ચિત્રકારોએ કૅન્વાસ પર બનાવ્યા છે. પૂંઠા જેવા રંગના ફોટાઓમાં ઉતારી લીધાં છે. એ સાચે જ ટાવર બ્રિજની કરામત પર પ્રકાશ ફેંકે છે.

જો ટાવર બ્રિજને ઉપરથી જોડતા નાના પુલ પર જાવ તો લંડન શહેર જોવાની મજા આવે. પશ્ચિમે સંત પાઊલનું કેથિડ્રલ કે ચર્ચ અને ડિસ્ટ્રીક્ટની બૅન્કોની બિલ્ડિંગો જોવા મળે. દૂર દૂર પોસ્ટ ઑફિસ ટાવર પણ દેખાઈ આવે છે. પૂર્વ તરફ વહાણ ઊભા રાખવાની જગ્યા જોવાની કદાચ આશા રાખો, પણ હવે એ તો આજના મૉડર્ન શહેરથી દૂર નીચેના ભાગમાં છે. એની જગ્યાએ હવે નવી નવી બિલ્ડિંગો આકાર લઈ રહી છે. ખરેખર, લંડનના ટાવર બ્રિજ પરથી દેખાતાં દૃશ્યો મન મોહી લે એવા, જોરદાર, જાણવા ને માણવા જેવા છે.

તમે હવે લંડન ફરવા જાવ ત્યારે, કેમ નહિ કે આ ઐતિહાસિક બાંધકામ જુઓ અને એનો અનુભવ કરો. એન્જિનિયરોની એ જોરદાર કારીગરીની તમારા મન પર ઊંડી છાપ પડશે. (g 10/06)

[પાન ૧૬ પર ચિત્ર]

એક જમાનામાં એંજિનો ચલાવતા બે સ્ટીમ-પંપમાંનો એક

[ક્રેડીટ લાઈન]

Copyright Tower Bridge Exhibition

[પાન ૧૬, ૧૭ પર ચિત્ર]

પુલના બે પાંખિયા એક મિનિટની અંદર જ પૂરેપૂરા ખૂલી ગયા

[ક્રેડીટ લાઈન]

©Alan Copson/Agency Jon Arnold Images/age fotostock

[પાન ૧૫ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]

© Brian Lawrence/SuperStock