સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તે જે શીખતી એ અમૃતની જેમ પી જતી

તે જે શીખતી એ અમૃતની જેમ પી જતી

તે જે શીખતી એ અમૃતની જેમ પી જતી

એક સ્ત્રીને કેન્સર હતું. તે પત્ર લખતી હતી. અચાનક તેની હાલત એકદમ બગડી ગઈ. મે, ૨૦૦૪માં તે ગુજરી ગઈ. પત્ર અધૂરો રહી ગયો. જે કોઈ એ પત્ર વાંચતું તેની આંખો ભરાઈ આવતી. એટલું જ નહિ, પણ એ પત્ર વાંચવાથી વ્યક્તિની ઈશ્વરમાં શ્રદ્ધા વધતી.

એ સ્ત્રીનું નામ સુઝાન. તેણે પત્રમાં જણાવ્યું કે ‘હું ચૌદ વર્ષની હતી ત્યારે અમેરિકાના, કનેક્ટિકટ રાજ્યમાં રહેતી હતી. ત્યારે મેં પહેલી વાર યહોવાહના સાક્ષીના એક વડીલને ફોન કર્યો હતો.’ બચપણમાં પોતાના પર શું શું વીત્યું એ પણ તેણે એમાં લખ્યું. ૨૦૦૫માં સુઝાનનો દુઃખભર્યો અધૂરો પત્ર તેની મમ્મીને સોંપવામાં આવ્યો હતો. તેમણે એની કૉપી કરીને, ન્યૂ યૉર્કમાં, યહોવાહના સાક્ષીઓની હૅડ ઑફિસને મોકલી આપ્યો.

સુઝાને લખ્યું કે ૧૯૭૩માં તેને ટેલિફોન ડિરેક્ટરીમાંથી કનેક્ટિકટમાં રહેતા એ વડીલનો ફોન નંબર મળ્યો. “ત્યારે હું ચૌદ વર્ષની હતી. મારા હાથમાં કોઈ રીતે ચોકીબુરજ ને સજાગ બનો! (અંગ્રેજી) મૅગેઝિન આવ્યા. એ વાંચીને મને થયું કે આજ ઈશ્વરનું સત્ય શીખવે છે. જોકે હું યહોવાહના સાક્ષીઓને કદી મળી ન હતી. એટલે અમારા ફોનના પિનકોડ પરથી અમારા વિસ્તારમાં યહોવાહના સાક્ષીઓના નંબર હું ટેલિફોન ડિરેક્ટરીમાં શોધવા લાગી. મને ગેનરિકભાઈનો નંબર મળ્યો. તે મારા ઘરની નજીકમાં જ રહેતા હતા. મેં ફોન કરીને તેમને જણાવ્યું કે ‘હું કદી યહોવાહના સાક્ષીઓને મળી નથી.’ એ જાણીને તેમને નવાઈ લાગી.” *

દુઃખભરી કહાની

સુઝાને પત્રમાં જણાવ્યું કે તે દસ વર્ષની હતી ત્યારે મમ્મીએ તેને કનેક્ટિકટમાં માસીને ત્યાં રહેવા મોકલી. ત્યાં એ થોડો જ સમય રહેવાની હતી. પણ અમુક સમય પછી સુઝાને ફ્લોરિડામાં રહેતી તેની મમ્મીને ફોન કરીને કહ્યું કે તેને હજી માસી સાથે રહેવું છે. તેણે પત્રમાં જણાવ્યું કે “મારી માનસિક હાલત (સ્ટોકહોલ્મ સિંડ્રમ) ખરાબ થઈ ગઈ હતી. * તેથી મને મારા દુશ્મનો સાથે જ રહેવું હતું.” સુઝાન સાથે ક્રૂર વર્તાવ થયો હતો.

તેણે લખ્યું: “મારી માસી લગ્‍ન કર્યા વગર જે પુરુષ સાથે રહેતી હતી તે મારા પર સખત જુલમ ગુજારતો. ભાગ્યે જ કોઈ અમારા ઘરે આવતું. તેઓ મને જ્યારે સ્કૂલે જવાની રજા આપતા ત્યારે હું સ્કૂલ જતી. પણ ઘરેથી મને બપોરે ખાવા માટે સ્કૂલે કંઈ લઈ જવા મળતું નહિ. હું ભૂખી રહેતી. મારી પાસે કોઈ સારાં કપડાં પણ ન હતાં. ખરું કહું તો મારી પાસે ફક્ત એક જોડી જ અંદરનાં કપડાં હતાં. મારા ભરણ-પોષણ માટે પૈસાની જરૂર હોય એના કરતાં પણ વધારે પૈસા મારી મમ્મી માસીને મોકલતી. જ્યારે કે માસીની બે છોકરીઓ મારા કરતાં થોડાં વર્ષો નાની હતી, તોય તેઓ પાસે બધું જ હતું.” સુઝાન જાણતી હતી કે જો તેની માસીને ખબર પડશે કે પોતે બાઇબલ વિષે શીખે છે, તો તે તેનો સખત વિરોધ કરશે. તેણે ધાર્યું હતું તેમ જ થયું. એટલે તે પત્રથી સ્પષ્ટ જણાવવા ચાહતી હતી કે તેના પર શું શું વીત્યું છે.

અમૃતની જેમ સુઝાન બાઇબલનું જ્ઞાન પીતી

સુઝાને લખ્યું: “ગેનરિકભાઈએ મને લૉરાબહેન સાથે મળાવી. તે પૂરી શ્રદ્ધાથી યહોવાહને ભજતાં હતાં. તેમણે મારા પ્રશ્નોના બાઇબલમાંથી જવાબો આપ્યા હતા. મારી સાથે ઘણો સમય વિતાવ્યો હતો. એ માટે અમે ઘણી વાર મશીનમાં પૈસા નાખીને કપડાં ધોવાની લૉન્ડ્રીમાં મળતા.” સુઝાને જણાવ્યું કે તેણે કદીયે કોઈ પણ બાબતમાં પોતાની જાતે નિર્ણય લીધો ન હતો. પણ બાઇબલ પર ઘણી ચર્ચાઓ કર્યા પછી અને બાઇબલ સમજાવતું સત્ય જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તક વાંચ્યા પછી તે જાતે નિર્ણયો લેવા માંડી. એ સમયે તે પંદર વર્ષની હતી.

સુઝાનનો પત્ર આગળ જણાવે છે: “એક શુક્રવાર સાંજે મેં માસીને કહ્યું કે ‘હું યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ વિષે ચર્ચા કરું છું.’ એ જાણીને માસી ખૂબ જ ગુસ્સે થયા. તેમણે મને રસોડામાં વચ્ચોવચ આખી રાત ઊભી રાખી. સૂવા પણ ન દીધી. એ બનાવ પછી મેં દિલમાં ગાંઠ વાળી કે હું યહોવાહની સાક્ષી બનીને જ જંપીશ.”

એ બનાવ પછી પણ ગેનરિકભાઈ સુઝાનને બાઇબલ સમજાવતા પુસ્તકો પૂરા પાડતા રહ્યા. સુઝાને લખ્યું કે “૧૯૭૪ યરબુક ઑફ જેહોવાહ્ઝ વીટનેસીસ મને બરાબર યાદ છે. પૂર્વ જર્મનીમાં બીજા વિશ્વયુદ્ધ પહેલાં અને પછી નાઝી સરકારે યહોવાહના સાક્ષીઓ પર જે જુલમ ગુજાર્યો હતો, . . . એમાં તેઓના અનુભવો વાંચીને મને હોંશ થઈ કે હું પણ ૧૯૬૬માં બહાર પડેલી (સીંગીંગ ઍન્ડ અક્મ્પનિઇંગ યોરસેલ્વ્સ વીથ મ્યુઝિક ઇન યોર હાર્ટ્‌સ) ગીત પુસ્તિકામાં આપેલાં ૧૧૯ ભજનો મોઢે કરીશ. મેં એક વડીલને એ ભજનો મારી કૅસેટમાં રેકોર્ડ કરી આપવાનું કહ્યું. એ ગીત પુસ્તિકામાં આપેલાં ૧૧૯ ભજનો હું ક્રમ પ્રમાણે એક વર્ષમાં મોઢે ગાતા શીખી.”

“એ દરમિયાન ગેનરિકભાઈ મારી માટે બાઇબલ પ્રવચનો અને બાઇબલ ડ્રામા કૅસેટમાં રેકોર્ડ કરીને, દસ નંબરના રસ્તા પર આવેલા ટેલિફોન બૉક્સ પાસે મૂકી જતા. ત્યાંથી હું એ લઈ લેતી. . . . મારા સંજોગોને કારણે મને દુઃખ થતું. મારાથી થઈ શકે એમ હું યહોવાહ પરમેશ્વર વિષે એકલી એકલી ઘણું શીખી હતી. પણ હું મિટિંગ કે સત્સંગમાં જઈ શકતી ન હતી. હું એમાં ન જાઉં તો કેવી રીતે યહોવાહની ભક્તિમાં વધારે ભાગ લઈ શકું, એ મને સમજાતું ન હતું.”

સુઝાનનો પત્ર આગળ જણાવે છે, “બેએક વર્ષો સુધી મારું જીવન ઝેર જેવું બની ગયું. મેં ગેનરિકભાઈ અને લૉરાબહેનનો સંબંધ કાપી નાખ્યો હતો. જે ભજનો મને મોઢે આવડતાં હતાં એનાથી મને દિલાસો ન મળ્યો. શા માટે? કેમ કે એમાંના એક ભજનના શબ્દો હતા કે યહોવાહના સેવકો એશઆરામથી નથી જીવતા. હું જાણતી હતી કે જર્મનીમાં યહોવાહના સાક્ષીઓએ બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લીધો ન હોવાથી તેઓને સરકારે મોતની સજા માટે જુલમી છાવણી કે કૉન્સનટ્રેશન કૅમ્પમાં મૂક્યા હતા. એવા કઠિન સંજોગોમાં તેઓએ યહોવાહને વફાદાર રહેવા એ ભજનો લખ્યા હતા. જ્યારે કે મારા પર જરાક દુઃખ આવ્યું એનાથી હું ડરી ગઈ. એવું લાગ્યું કે યહોવાહે મને તજી દીધી છે.” *

છેવટે આઝાદ

“મારા અઢારમા જન્મદિવસે એક એવો બનાવ બન્યો જેનાથી મારું જીવન બદલાઈ ગયું. માસીના કુટુંબમાંથી કોઈએ યહોવાહના સાક્ષીઓને મનાઈ કરી હશે કે ‘અમારા ઘરે તમારા ધર્મનો પ્રચાર કરવા ન આવશો.’ એટલે વર્ષો સુધી અમારા ઘરે કોઈ આવતું નહિ. પણ મારા જન્મદિવસે યહોવાહના સાક્ષીઓના બીજા એક મંડળમાંથી એક બહેન અમારા ઘરે પ્રચાર કરતા આવ્યા. ઘરમાં મારા સિવાય બીજું કોઈ જ ન હતું. મેં તેમની સાથે વાત કરી. ઘણા સમય પછી પહેલી વાર એવું બન્યું કે એ શનિવારે હું એકલી જ ઘરે હતી. મને દિલમાં ખાતરી થઈ કે યહોવાહે મને તજી દીધી નથી. એટલે મેં પેલા ગેનરિકભાઈને ફોન કર્યો, જેમને મેં સૌથી પહેલી વાર ફોન કર્યો હતો. મેં તેમને પૂછ્યું કે હું ક્યાં જાઉં? હું શું કરું? તેથી તેમણે બીજે રહેવા જવા મને મદદ કરી.”

એપ્રિલ, ૧૯૭૭માં સુઝાન બીજે રહેવા ગઈ. તેનો પત્ર આગળ કહે છે: “ત્યારથી હું બધી જ મિટિંગો કે સત્સંગમાં, સંમેલનોમાં જઈ શકતી. યહોવાહના સાક્ષીઓ સાથે લોકોના ઘરે ઘરે પ્રચાર કરવાની પણ શરૂઆત કરી. પછી મેં મારી મમ્મી સાથે સંપર્ક સાધ્યો. તે જાણતી ન હતી કે મારા પર આટલાં વર્ષો કેવો જુલમ ગુજારવામાં આવ્યો હતો. મારી કહાની સાંભળીને તે છક થઈ ગઈ. તેણે તરત જ મને મદદ કરવાની ગોઠવણ કરી, જેથી મને કશાની ખોટ ન પડે. એ સમયે મમ્મી અમુક વર્ષથી અલાસ્કામાં રહેતી હતી. તેને પણ બાઇબલમાંથી શીખવાની હોંશ હોવાથી, ૧૯૭૮માં હું તેની સાથે અલાસ્કા રહેવા ગઈ. સમય જતાં તે પણ યહોવાહની સાક્ષી બની. આજે પણ તે યહોવાહની ભક્તિ કરે છે.”

સુઝાને પત્રમાં લખ્યું કે “હું મિટિંગોમાં જવા લાગી ત્યારે ગેનરિકભાઈએ અમુક ભાઈ-બહેનો સાથે ન્યૂ યૉર્ક, બ્રુકલિનમાં યહોવાહના સાક્ષીઓની હૅડઑફિસ જોવા જવાની ટ્રિપ ગોઠવી હતી. તેમણે મને પણ તેઓ સાથે જવાનું કહ્યું. હું ગઈ. એ મારા માટે અનોખો અનુભવ હતો. એવી ભેટ તો મને કોઈએ આપી ન હતી. એ ટ્રીપથી યહોવાહની સંસ્થા માટે મારા દિલમાં ઊંડી અસર થઈ. એ કેમ ભૂલાય! બસ મારે એટલું જ ટૂંકમાં કહેવું હતું. કેમ કે મારી પાસે સમય થોડો છે.”

સુઝાને નાના અક્ષરોમાં સાડા છ પાનાનો એ પત્ર લખ્યો હતો. ઉપર જણાવેલી અમુક વિગતો સીધે-સીધી એમાંથી ટાંકવામાં આવી છે. એના અંતમાં સુઝાને લખ્યું: “ગયા મહિને હૉસ્પિટલમાં મારી તબિયત એટલી બગડી ગઈ કે મને થયું કે બસ હું ગઈ. . . . મેં યહોવાહને દુઆ કરી. કે ‘મને બે અઠવાડિયાં માટે સારી તંદુરસ્તી આપ. મને અમુક બાબતો થાળે પાડવા દે.’ . . . હું લાંબું જીવીશ નહિ. મને એટલું જ કહેવું છે કે યહોવાહ ઈશ્વરનું સત્ય શીખીને, મેં જેટલાં વર્ષો તેમની સેવા કરી, એના જેવું જીવનમાં બીજું કંઈ જ નથી.”

એ પત્ર અધૂરો હતો. નીચે સહી ન હતી. પોસ્ટ પણ થયો ન હતો. જેઓના હાથમાં એ પત્ર આવ્યો તેઓને પણ સૂઝતું ન હતું કે એ કોને મોકલવો? શરૂઆતમાં જણાવ્યું તેમ સુઝાનની મમ્મીને છેવટે એ પત્ર સોંપવામાં આવ્યો.

સુઝાન વિષે થોડી જાણકારી

સુઝાન એપ્રિલ ૧૪, ૧૯૭૯ના રોજ બાપ્તિસ્મા લઈને યહોવાહની ભક્ત બની. પછી તેની મમ્મી પાછી ફ્લોરિડા રહેવા ગઈ. જ્યારે સુઝાન અલાસ્કામાં જ રહી. કેમ કે યહોવાહના સાક્ષીઓના નૉર્થ પોલ મંડળમાં તેના ઘણા મિત્રો હતા. સમય જતા તે લોકોને યહોવાહ પરમેશ્વરના રાજ્ય વિષે ફુલ ટાઇમ પ્રચાર કરીને શીખવવા લાગી. આવા ફુલ ટાઇમ સેવકોને પાયોનિયર કહેવામાં આવે છે. અમુક વર્ષો પછી તે પણ ફ્લોરિડા રહેવા ગઈ. ૧૯૯૧માં તેણે જૅમ્સભાઈ સાથે લગ્‍ન કર્યાં. તે પણ યહોવાહના ભક્ત હતા. જૅમ્સભાઈ એક મંડળમાં વડીલ તરીકે સેવા આપતા હતા. ફુલ ટાઇમ યહોવાહનો પ્રચાર કરતા. સુઝાન ગુજરી ગઈ એના અમુક સમય પછી જૅમ્સભાઈ પણ ગુજરી ગયા.

બધાને સુઝાન અને જૅમ્સભાઈ બહુ જ ગમતા. સુઝાન બીમાર થઈ ત્યાં સુધી તેઓ બંને જણ ફુલ ટાઇમ લોકોને યહોવાહના રાજ્ય વિષે પ્રચાર કરતા ને શીખવતા. સુઝાને વીસ વર્ષથી વધારે આ રીતે સેવા આપી. તે ગુજરી ગઈ ત્યારે તેની અંતિમ વિધિ ફ્લોરિડામાં રાખવામાં આવી હતી. એમાં એક પ્રવચન પણ આપવામાં આવ્યું. એવી ગોઠવણ પણ કરવામાં આવી કે અલાસ્કામાં આવેલ નૉર્થ પોલ મંડળના ભાઈ-બહેનો ફોન પર એ સાંભળી શકે.

સુઝાનના પત્રમાંથી આપણને ઘણું શીખવા મળે છે. જેઓ યહોવાહની સેવા કરે છે તેઓ પર ઘણા આશીર્વાદો આવે છે. આપણને યહોવાહમાં અતૂટ શ્રદ્ધા છે કે જેઓ તેમની સેવા કરતા ગુજરી જશે તેઓને તે ફરી જીવતા કરશે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) સુઝાનનો અનુભવ બતાવે છે કે જેઓ યહોવાહ સાથે નાતો બાંધવા ચાહે છે તેઓ પાસે યહોવાહ પણ આગળ આવીને નાતો બાંધશે.—યાકૂબ ૪:૭, ૮. (g 12/06)

[ફુટનોટ્‌સ]

^ ૧૯૯૩માં ગેનરિકભાઈ અને તેમના પત્ની એક ખતરનાક ઍક્સિડન્ટમાં ગુજરી ગયાં.

^ ડિસેમ્બર ૨૨, ૧૯૯૯, પાન ૭, અવૅક! જુઓ.

^ સીંગ પ્રેઈઝીસ ટુ જેહોવાહ, ગીત ૨૯, “સાક્ષીઓ આગળ વધો!”

[પાન ૨૩ પર બ્લર્બ]

“યહોવાહ ઈશ્વરનું સત્ય શીખીને મેં જેટલાં વર્ષો તેમની સેવા કરી, એના જેવું જીવનમાં બીજું કંઈ જ નથી”

[પાન ૨૧ પર ચિત્ર]

સુઝાન દસ વર્ષની હતી ત્યારનો ફોટો

[પાન ૨૩ પર ચિત્ર]

સુઝાનનો પતિ જૅમ્સ શિમોર