સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મહા મેકૉંગ નદીને મળો

મહા મેકૉંગ નદીને મળો

મહા મેકૉંગ નદીને મળો

મેકૉંગ નદી એશિયાના છ દેશોમાંથી પસાર થાય છે. એ દેશોના લગભગ સોએક જાતિના લોકો અને પરદેશીઓ એના પર નભે છે. બધા મળીને દસ કરોડ જેટલા લોકો એના પર નભે છે. ઇંગ્લૅંડ અને યુરોપ વચ્ચે આવેલા ઉત્તર સમુદ્રમાંથી લોકો વર્ષમાં જેટલી માછલી પકડે છે એનાથી ચાર ઘણી મેકૉંગ નદીમાંથી પકડે છે. આશરે તેર લાખ ટન જેટલી! દક્ષિણ-પૂર્વ એશિયામાં આવેલી નદીઓમાં મેકૉંગ નદી સૌથી લાંબી છે. એની લંબાઈ ૪,૩૫૦ કિલોમીટર છે. ઘણા દેશોમાંથી પસાર થતી હોવાથી એ અનેક નામથી ઓળખાય છે. એમાં મેકૉંગ નામ સૌથી વધારે જાણીતું છે. થાઇલૅન્ડની ભાષામાં એને મેકૉંગ કહે છે. એનું ખરું નામ તો મે નૉમ કૉંગ છે. પણ ટૂંકમાં એને મેકૉંગ કહે છે.

મેકૉંગ નદી હિમાલય પર્વતમાંથી નીકળે છે. એ ધસમસતી નાચતી-ગાતી ઉછળતી-કૂદતી પહાડોના ઢોળાવો પરથી ઊંડી ખીણમાં વહેતી આવે છે. ચીનમાં એ લાંસાન્ગ નામથી ઓળખાય છે. મેકૉંગનું પાણી ચીન દેશ છોડે છે ત્યારે એણે લગભગ અડધો પંથ કાપ્યો હોય છે. એ શરૂ થાય છે ત્યાંથી લઈને ચીનની બૉર્ડર સુધી પહોંચે છે ત્યારે એણે ૪,૫૦૦ મીટર નીચે કૂદકો માર્યો હોય છે. જ્યારે કે ચીનની બૉર્ડરથી લઈને સાગરને મળે ત્યાં સુધી એ ફક્ત ૫૦૦ મીટરનો નીચે કૂદકો મારે છે. એટલે કે એનું વહેણ બહુ શાંત થઈ જાય છે. ચીનમાંથી નીકળ્યા પછી એ મ્યાનમાર (બર્મા) ને લાઓસ દેશની વચ્ચેથી પસાર થાય છે. મેકૉંગ બંને દેશોની સરહદ છે. પછી આગળ એ લાઓસ અને થાઇલૅન્ડ વચ્ચેથી પસાર થાય છે. એ દેશોમાં પણ તે સરહદની ગરજ સારે છે. કૅમ્બોડિયામાં પહોંચ્યા પછી એના બે ફાંટા પડે છે. આ બન્‍ને ફાંટા વિયેતનામમાં વહે છે તેમ એનાય ઘણા નાના નાના ફાંટા બનીને છેવટે દક્ષિણ ચીન સાગરમાં મળી જાય છે.

૧૮૬૦ના દાયકાના અંત ભાગમાં ફ્રાંસના લોકોએ મેકૉંગ નદીમાં થઈને ચીનમાં જવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તેઓની આશા પર પાણી ફરી વળ્યું. શા માટે? કેમ કે કૅમ્બોડિયાના ક્રૉત્યે ગામ પાસે તેઓ પહોંચ્યા ત્યારે નદીમાં પાણી પૂરા જોશથી વહેતું હતું. એટલું જ નહિ, ત્યાં અનેક મોટા મોટા ધોધ છે જે પાર કરવા બહુ મુશ્કેલ હતું. એ જોઈને તો રૂવાંડા ઊભા થઈ જાય. દક્ષિણ લાઓસમાં એ ધોધ ખૉન નામથી ઓળખાય છે. એની સામે અમેરિકા-કૅનેડાની સરહદે આવેલો નાયૅગ્રા ધોધ તો નાનું બચ્ચું લાગે. નાયૅગ્રા ધોધ કરતાં ખૉન ધોધમાંથી બમણું પાણી વહે છે.

દેશની જીવાદોરી મેકૉંગ નદી

મેકૉંગ નદી દેશની જીવાદોરી સમાન છે. લાઓસનું પાટનગર વ્યેનતિયાન અને કૅમ્બોડિયાનું પાટનગર નોમ પેન્હ મેકૉંગ નદી પર આવેલા છે. નદીને કારણે આ બન્‍ને શહેરો પર બંદર છે. વિયેતનામના લોકો મેકૉંગ નદી પર જ જીવે છે. ત્યાં મેકૉંગ નદી સાત ફાંટાઓમાં વહેંચાઈ જાય છે. એ આશરે ૪૦,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો ડેલ્ટા બનાવે છે. એ ડેલ્ટા બનાવતા બધા ફાંટાની લંબાઈ આશરે ૩,૨૦૦ કિ.મી. થાય છે. આ પાણીમાં અમૂલ્ય કાંપ ખેંચાઈ આવે છે. એનાથી ખેડૂતોને ફાયદો થાય છે. તેઓ એ પાણીમાં ચોખાનું વાવેતર કરે છે. તેઓ વર્ષમાં ત્રણવાર ચોખાનો પાક લે છે. વિયેતનામ ચોખાના ઉત્પાદન અને નિકાસમાં દુનિયામાં બીજા નંબરે છે. થાઇલૅંડ પહેલા નંબરે છે.

મેકૉંગ નદીમાં આશરે ૧,૨૦૦ જાતની માછલીઓ છે. એમાંથી અમુક જાતની માછલી અને ઝીંગાનો વેપાર કરવા એને ઉછેરવામાં આવે છે. એમાં ખાસ કરીને ટ્રૅ રિઆલ ત્યાં લોકપ્રિય છે. કૅમ્બોડિયાએ એ માછલી પરથી પોતાના દેશના નાણાનું નામ રિઆલ પાડ્યું છે. મેકૉંગમાં બિડાલ-મીન જેવી કૅટફિશ માછલી પણ છે. એની લંબાઈ નવ ફૂટ જેટલી હોઈ શકે. એ જાત આજે બહુ રહી નથી. ૨૦૦૫માં માછીમારોએ ૨૯૦ કિલોની એક કૅટફિશ પકડી હતી. દુનિયાના મીઠાં પાણીમાંથી એના જેવી બીજી કોઈ માછલી કદી મળી હોય એવું લાગતું નથી! મેકૉંગમાં મળી આવતી ઇરાવાડી ડૉલ્ફિન સામે પણ આજે ખતરો છે. એનો અભ્યાસ કરતા લોકોનું કહેવું છે કે આજે મેકૉંગ નદીમાં સો જેટલી પણ એ ડૉલ્ફિન રહી નથી.

મેકૉંગ નદી લાખો લોકોને ખોરાક પૂરો પાડે છે. એટલું જ નહિ, પણ મેકૉંગ નદીમાં ઘણા નાના-મોટા વહાણો આવ-જા કરે છે. જેમ કે, લોકોને અપ-ડાઉન કરાવતી હોડી, માલ-સામાનની હેરફેર કરતા વહાણ, કે સમુદ્રી જહાજ વગેરે. ટૂરિસ્ટોમાં મેકૉંગ લોકપ્રિય છે. ઘણા લોકો ખૉન ધોધ જ નહિ, પણ એની સાથે વ્યેનતિયાન શહેર પણ જોવા જાય છે. આ શહેર બૌદ્ધ મંદિરો, નહેરો અને લાકડાંના ઊંચા થાંભલા પર બાંધેલા ઘરો માટે જાણીતું છે. એ છેલ્લા એક હજાર વર્ષથી વેપાર ધંધા, રાજકારણ અને ધર્મનું મુખ્ય કેન્દ્ર છે. વ્યેનતિયાનથી તમે મેકૉંગ નદી પર ઉપરવાસમાં મુસાફરી કરો તો લુઆંગ પ્રબાંગ શહેરમાં આવશો. ત્યાં પણ બંદર છે. વર્ષો પહેલાં સદીઓ સુધી થાઇ-લાઓસ અને ફ્રાંસ સરકારે લુઆંગ પ્રબાંગને લાઓસનું પાટનગર બનાવ્યું હતું. આજે પણ આ શહેરમાં ફ્રાંસના સંસ્કારોની અસરો જોવા મળે છે.

થોડાંક વર્ષોથી મેકૉંગ નદી અને એની આસપાસના વિસ્તારને લોકોએ અનેક રીતે નુકસાન કર્યું છે. જેમ કે, માછીમારો માછલી તો પકડે છે, પણ એ સાથે બીજા સમુદ્રી જીવોને પણ નુકસાન પહોંચાડે છે. જંગલો કપાઈ રહ્યા છે. અને વીજળી પેદા કરવા મોટા મોટા ડૅમ બંધાઈ રહ્યા છે. લોકો એ બધું જોઈને આભા થઈ રહ્યા છે. જોકે એવું લાંબો સમય નહિ ચાલે.

આપણા સર્જનહારે બાઇબલમાં વચન આપ્યું છે કે તે પોતાની સરકાર લાવશે અને બધું જ સુધારશે. (દાનીયેલ ૨:૪૪; ૭:૧૩, ૧૪; માત્થી ૬:૧૦) ઈશ્વરની સરકારની દોરવણીથી આખી ધરતી સ્વર્ગ જેવી બની જશે. ‘નદીઓ કે પ્રવાહો’ જાણે ખુશીથી ‘તાળી પાળશે.’ (ગીતશાસ્ત્ર ૯૮:૭-૯) મેકૉંગ નદી પણ આનંદથી હરખાશે. (g 11/06)

[પાન ૨૪ પર નકશા]

(For fully formatted text, see publication)

ચીન

મ્યાનમાર

લાઓસ

થાઇલૅન્ડ

કૅમ્બોડિયા

વિયેતનામ

મેકૉંગ નદી

[પાન ૨૪ પર ચિત્ર]

મેકૉંગ નદીમુખ, ડાંગરનાં ખેતરો

[પાન ૨૪ પર ચિત્ર]

મેકૉંગ નદીમાં ૧,૨૦૦ જાતની માછલીઓ છે

[પાન ૨૫ પર ચિત્ર]

હોડીઓ પર ભરાયેલું માર્કેટ, વિયેતનામ

[પાન ૨૪ પર ચિત્રની ક્રેડીટ લાઈન્સ]

ડાંગરનાં ખેતરો: ©Jordi Camí/age fotostock; માછલી પકડે છે: ©Stuart Pearce/World Pictures/age fotostock; background: © Chris Sattlberger/Panos Pictures

[પાન ૨૫ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

માર્કેટ ©Lorne Resnick/age fotostock; સ્ત્રી: ©Stuart Pearce/World Pictures/age fotostock