સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માબાપ કેમ મારી પાછળ પડે છે?

માબાપ કેમ મારી પાછળ પડે છે?

યુવાનો પૂછે છે . . .

માબાપ કેમ મારી પાછળ પડે છે?

‘હું બહાર જઉં તો મારાં માબાપ કહેશે કે “આટલા વાગે પાછો આવી જજે.” એ મને જરાય ન ગમે! મારા ફ્રેન્ડ્‌ઝ તો હજુ મોડી રાત સુધી બહાર ફરે છે.’—એલન.

‘મમ્મી-પપ્પાની નજર મારા મૉબાઈલ પર હોય છે કે કોણ કોણ મને ફોન કરે છે. તેઓ મને નાના બાળકની જેમ રાખે છે!’—એલિઝાબેથ.

શું તમને એવું લાગે છે કે મમ્મી-પપ્પા તમારી પાછળ પડે છે? શું તમને એવું થાય છે કે માબાપને કશું પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યો જાઉં? સાચું નહિ, જૂઠું બોલવું છે? જો એમ હોય, તો તમને આ એક સત્તર વર્ષની છોકરી જેવું લાગે છે. તેને લાગે છે કે માબાપ તેને બાળકની જેમ રાખે છે. એટલે તેણે કહ્યું કે ‘મારા મમ્મી-પપ્પા મને થોડી છૂટ આપે તો સારું!’

માબાપે તમને જણાવવું જોઈએ કે તમે શું કરી શકો અને શું ન કરી શકો. જેમ કે સ્કૂલનું હોમવર્ક કરવું જ જોઈએ. ઘરમાં પણ કંઈક કામમાં મદદ કરવી જોઈએ. બહારથી પાછા કેટલા વાગે ઘરમાં આવી જવું જોઈએ. ટી.વી. જોવામાં, ફોન અને કૉમ્પ્યુટર પાછળ કેટલો ટાઇમ કાઢવો જોઈએ. સ્કૂલમાં તમારું વર્તન કેવું હોવું જોઈએ. કેવા ફ્રેન્ડ્‌ઝ રાખવા જોઈએ.

ઘણી વાર યુવાનો માબાપનું નહિ સાંભળે. એક સર્વે એનો પુરાવો આપે છે. એ જણાવે છે કે લગભગ ૬૬ ટકા યુવાનોને માબાપની સલાહ ન સાંભળવાથી ઠપકો મળ્યો હતો. ઠપકો મળવાના બીજા બધા કારણોમાં એ પહેલા નંબરે હતું.

મોટે ભોગે યુવાનોને ખબર છે કે માબાપનું સાંભળવું જોઈએ. શા માટે? તેઓને ખબર છે એનાથી પોતાને જ ફાયદો થશે. પણ શા માટે અમુક વખતે માબાપની સલાહ ગળે ઉતારવી સહેલી નથી? માબાપ બાળકની જેમ તમારું ધ્યાન રાખતા હોય તો તમે શું કરી શકો, જેનાથી તમને થોડી છૂટ મળી શકે?

“હું હવે નાનો નથી!”

એમીલી પૂછે છે કે “મમ્મી-પપ્પાને કેવી રીતે કહું કે હું હવે નાની નથી. મને વધારે છૂટ જોઈએ છે.” શું એમીલીની જેમ તમને પણ લાગે છે? માબાપ તમને બાળકની જેમ રાખતા હોય તો કંટાળો આવે, ખરું ને? પણ જો એ વિષે માબાપને પૂછશો તો તેઓને લાગી શકે કે એ વાત ખોટી છે. તેઓ તો ચાહે છે કે તમારું જીવન સીધા રસ્તે જાય. તમે મોટા થઈને અનેક જવાબદારીઓ ઉપાડો.

તમે મોટા થાવ તેમ દર વર્ષે કદાચ માબાપ તમને થોડી છૂટ આપે છે. તોપણ તમને લાગે છે કે હજી તેઓ તમારી સાથે બાળકની જેમ વર્તે છે. જો તમારા ભાઈ-બહેન હોય અને માબાપ તેઓને વધારે છૂટ આપે, તો તમને ખોટું લાગશે. દાખલા તરીકે સત્તર વર્ષની મારસી કહે છે કે ‘હું કંઈ ખોટું કરું તો તરત જ મમ્મી-પપ્પા મને ઠપકો આપે. જ્યારે કે મારા મોટા ભાઈ મારી ઉંમરના હતા, ત્યારે તેમને કંઈ જ કહેતા નહિ. બીજું કે મારે સાંજે ઘરે વહેલા આવવું જ જોઈએ! પણ મારા મોટા ભાઈ તેમની મરજી હોય ત્યારે પાછા આવતા.’ મેથ્યુનો દાખલો લઈએ. પોતાના નાનપણ વિષે તેણે કહ્યું કે ‘મારી નાની બહેન ને ફોઈની છોકરીઓએ કંઈક ખોટું કર્યું હોય તો, માબાપ તેઓને કંઈ નહિ કહે!’

માબાપ સલાહ ન આપે તો સારું કે નહિ?

તમે કદાચ એવા દિવસની રાહ જુઓ છો, જ્યારે માબાપનું સાંભળવું નહિ પડે અને મન ફાવે એમ જીવી શકશો. પણ શું માબાપનું ન સાંભળવાથી તમને ખરેખર ફાયદો થશે? તમે અમુક એવા યુવાનોને જાણો છો જેઓ મોડે સુધી બહાર રખડે છે. મન ફાવે એવા કપડાં પહેરે છે. પોતાના ફ્રેન્ડ્‌ઝ સાથે ગમે ત્યાં જાય છે. કદાચ એવા યુવાનોના માબાપ એકદમ બીઝી છે, એટલે નાનપણથી તેઓના છોકરાઓ પર ધ્યાન નથી રાખી શક્યા. પણ આ બાળકો માટે સારું નથી. શા માટે? એવાં બાળકો જ્યારે મોટા થાય, ત્યારે તેઓનું જીવન તકલીફોથી ભરાઈ જઈ શકે. (નીતિવચનો ૨૯:૧૫) માતા-પિતા શું કામ એ રીતે બાળકને મોટા કરે છે? એક કારણ એ હોય કે તેઓને એ જ રીતે મોટા કરવામાં આવ્યા હોઈ શકે. બીજું કે આજે દુનિયામાં કોઈને બીજાની પડી નથી.—૨ તીમોથી ૩:૧-૫.

હજી તમને લાગે છે કે માબાપ તમને કંઈ જ ન કહે અને તમે તમારી ઇચ્છા પ્રમાણે જ જીવો? તો ચાલો આપણે અમુક યુવાન સ્ત્રીઓ પર થયેલા અભ્યાસ પર નજર નાખીએ. તેઓ જ્યારે નાની હતી ત્યારે તેઓનાં મમ્મી-પપ્પાએ બહુ નિયમો મૂકી દીધા ન હતા. પણ ઘણી છૂટ આપી હતી. તેઓને પૂછવામાં આવ્યું કે એનાથી તેઓને ફાયદો થયો છે? તેઓએ સીધું જ કહ્યું કે ના. તેઓને લાગે છે કે માબાપને કંઈ પડી ન હતી. અથવા તો તેઓનાં માબાપને ખબર ન હતી કે બાળકો કેવી રીતે મોટાં કરવાં.

જે છોકરાઓ મન ફાવે એમ જીવે છે તેઓની અદેખાઈ ન કરો. તમારા મમ્મી-પપ્પાની નજરમાં તમે અતિપ્રિય છો. એના લીધે તેઓ દિલથી સંભાળ રાખે છે. તેઓ યહોવાહને પગલે ચાલે છે. યહોવાહ પોતાના ભક્તોને કહે છે કે “કયે માર્ગે તારે ચાલવું તે હું તને શીખવીશ તથા બતાવીશ; મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ.”—ગીતશાસ્ત્ર ૩૨:૮.

જે માર્ગદર્શન તમારા મમ્મી-પપ્પા આપે છે, એમાં તમને કંટાળો આવતો હોય, તો શું કરી શકો? તમે અમુક પગલાં લઈ શકો જેનાથી તમારું જીવન વધારે આનંદી બને. એ પગલાં કયાં છે? ચાલો આપણે એની વાત કરીએ.

માબાપને સમજવા ખુલ્લા મને વાત કરો

તમને વધારે છૂટ જોઈએ છે? જે નિર્ણયો તમે પોતે કરી શકો છો, એમાં માબાપ હજી તમને સલાહ આપે છે? એમ હોય તો તમે શું કરી શકો? મમ્મી-પપ્પા સાથે વાત કરો. અમુક યુવાનો કહેશે કે ‘મેં એમ કર્યું છે છતાં, કોઈ ફરક પડ્યો નથી.’ શું તમને એવું લાગે છે? જો એમ હોય તો વિચારો કે ‘હું મારા મમ્મી-પપ્પાને કઈ રીતે સમજાવી શકું?’ માનો કે તમારે કંઈક કરવું છે. માબાપને એના વિષે તમે સારી રીતે સમજાવશો તો કદાચ તેઓ રજા આપે. જો ના પાડે તો તમને ખબર પડશે કે શા માટે તેઓએ ના પાડી. માબાપની જેમ નિર્ણય લેવા હોય તો, તેઓની નજરે જોવું પડશે. તેઓની સાથે સારી રીતે વાત કરવી પડશે.

શાંત મગજ રાખો. બાઇબલ જણાવે છે કે “મૂર્ખ માણસ પોતાનો ક્રોધ બોલી બતાવે છે; પણ ડાહ્યો માણસ તેને દબાવીને સમાવી દે છે.” (નીતિવચનો ૨૯:૧૧) સારી રીતે વાત કરવી હોય તો, કચકચ, ફરિયાદ કે બડબડાટ ન કરો. અથવા ગુસ્સે ન થાઓ. એમ કરશો તો મમ્મી કે પપ્પા તમારા પર વધારે ખીજાશે. જો માબાપ તમને કોઈ બાબતમાં રજા ન આપે તો છણકા ન કરો. બારણું ન પછાડો. ધમ-ધમ કરતા ન ચાલો. એનાથી તો માબાપ છૂટ આપવાને બદલે વધારે રિસ્ટ્રિક્શન મૂકશે.

માબાપને સમજો. ટ્રેસી એની મમ્મી સાથે રહે છે. તે કહે છે, “હું વિચારું છું કે ‘શા માટે મમ્મીએ મને આમ કહ્યું.’ પછી હું જોઈ શકું છું કે એ મારા ભલા માટે જ છે.” (નીતિવચનો ૩:૧, ૨) એમ વિચારવાથી શું ફાયદો થશે? એનાથી તમે માબાપને હવે સારી રીતે સમજાવી શકશો કે તમારા મનમાં શું ચાલે છે. ચાલો એક દાખલો લઈએ. તમારા ફ્રેન્ડની પાર્ટીમાં તમારે જવું છે. મમ્મી-પપ્પા અચકાય છે. તમે શું કરી શકો? ગુસ્સે થવાને બદલે કદાચ તેમને જણાવી શકો કે ‘તેઓ સારી રીતે ઓળખે છે એવા તમારાથી મોટી ઉંમરના દોસ્તો પણ આવવાના છે.’ એવું નથી કે તમારા કહેવાથી માબાપ કાયમ તમારી વાત માની લેશે. પણ તેઓ કેમ ચિંતા કરે છે એ સમજવાથી, તમે તેઓને જણાવી શકો કે બીજું શું કરી શકાય.

માબાપને પુરાવો આપો. માબાપ તમારા પર ભરોસો મૂકીને વધારે છૂટ આપે, એ માટે તમારે તેઓને પુરાવો આપવો પડશે. દાખલા તરીકે, માબાપે તમને કંઈક કરવાની રજા આપી હોય. પણ તમે એકદમ ખોટો નિર્ણય લીધો હોય. તો, હવે મમ્મી-પપ્પા તમારામાં ભરોસો ગનહિ રાખી શકે. તેથી જરૂરી છે કે તમારાં વાણી-વર્તન સારાં રાખો. જેથી તમારા માબાપ પૂરો ભરોસો રાખી શકે કે તમે વધારે મોટા નિર્ણયો લઈ શકો છો.

મોટી મોટી આશા ન રાખો. મમ્મી-પપ્પાની જવાબદારી છે કે તમારી સારી રીતે સંભાળ રાખે. બાઇબલ છોકરાઓને સાફ જણાવે છે કે “તારા બાપની આજ્ઞા પાળ, અને તારી માની શિખામણનો ત્યાગ ન કર.” (નીતિવચનો ૬:૨૦) એના લીધે જ્યારે માબાપ તમને કહે કે ‘આમ કર,’ ‘આમ ન કર’ ત્યારે એ તમારા ભલા માટે જ છે. જો તમે મમ્મી-પપ્પાનું સાંભળશો, તો યહોવાહે કહે છે કે તમારું “કલ્યાણ” થશે, તમે સુખી થશો.—એફેસી ૬:૧-૩. (g 12/06)

“યુવાનો પૂછે છે . . . ” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઇટ જુઓ.

આના વિષે વિચારો કરો

▪ માબાપની કઈ સલાહ ગળે ઉતારવી અઘરી છે?

▪ આ લેખમાંથી કયા વિચારો મને મદદ કરશે?

▪ મારામાં મમ્મી-પપ્પાનો ભરોસો વધારવા હું શું કરી શકું?

[પાન ૧૧ પર બોક્સ/ચિત્રો]

તમે માબાપનું કહ્યું કર્યું ન હોય ત્યારે શું કરશો?

આ ત્રણ દાખલાનો વિચાર કરો. તમે દોસ્તો સાથે બહાર જાવ છો, પણ માબાપે નક્કી કરેલા ટાઇમે ઘરે પાછા આવતા નથી. અથવા માબાપે તમને કંઈક કામ સોંપ્યું છે, પણ તમે ભૂલી ગયા. કે માબાપે નક્કી કર્યું છે કે તમે ફોન કેટલો ટાઇમ વાપરશો. પણ તમે નહિ માન્યા. હવે મમ્મી-પપ્પાને તમે કેવી રીતે સમજાવશો, જેથી તેઓ તમારા પર તપી ન જાય?

સાચું બોલો. જે કંઈ બન્યું હોય, એ જ જણાવો. જૂઠ ન બોલો. (નીતિવચનો ૨૮:૧૩) જો તમે મીઠું-મરચું ઉમેરીને વાત કરશો, તો મમ્મી-પપ્પાને ખબર પડી જશે. પછી, તેઓ તમારામાં ભરોસો નહિ રાખી શકે. જે બન્યું એને નાની વાત ન ગણો. ધ્યાન રાખો કે “નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે.”—નીતિવચનો ૧૫:૧.

માફી માંગો. તમે કંઈ ખોટું કર્યું હોય તો માબાપને ચિંતા થશે, દુઃખી થશે. તેઓનું કામ વધી જશે. એટલે તમે દિલથી માફી માંગો. એનાથી તમારી સજા બહુ કડક નહિ હોય.—૧ શમૂએલ ૨૫:૨૪.

સજા સ્વીકારો. તમને લાગી શકે કે તમે જે કર્યું, એની આટલી મોટી સજા? મનમાં ને મનમાં કદાચ તમને ખીજ ચડે. (નીતિવચનો ૨૦:૩) પણ માબાપની સલાહ દિલમાં ઉતારશો તો, એ બતાવશે કે તમે ધીરે ધીરે જવાબદાર વ્યક્તિ બની રહ્યા છો. (ગલાતી ૬:૭) ખાસ તો તમે એવી કોશિશ કરો કે માબાપ તમારામાં ફરી ભરોસો મૂકે.

[પાન ૧૨ પર ચિત્ર]

તમારાં માબાપની ચિંતા સમજવા કોશિશ કરો