સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું બે પ્રેમીઓ લગ્‍ન પહેલાં શરીર-સુખ માણી શકે?

શું બે પ્રેમીઓ લગ્‍ન પહેલાં શરીર-સુખ માણી શકે?

બાઇબલ શું કહે છે

શું બે પ્રેમીઓ લગ્‍ન પહેલાં શરીર-સુખ માણી શકે?

આ વિષે યુવાનિયાઓ પર એક સર્વે થયો. એ પ્રમાણે ૯૦ ટકા માને છે કે જો છોકરો-છોકરી પ્રેમમાં હોય, તો લગ્‍ન પહેલાં સેક્સ કે શરીર-સુખની મજા માણે એમાં કશું ખોટું નથી. આજે દુનિયામાં એવી જ હવા ફેલાઈ છે. ટીવીમાં, ફિલ્મોમાં છૂટથી પ્રેમી-પંખીડાને ચુંબન કરતા, ભેટતા કે સેક્સ માણતા બતાવાય છે.

જોકે ઈશ્વરમાં માનનારા આ દુનિયાના રંગે રંગાતા નથી. દુનિયા તો શેતાનની મુઠ્ઠીમાં છે, એના ઇશારે નાચે છે. (૧ યોહાન ૫:૧૯) ઈશ્વરમાં માનનારા લાગણીના પૂરમાં ખેંચાઈ જતા નથી. તેઓ જાણે છે કે “હૃદય સહુથી કપટી છે, તે અતિશય ભૂંડું છે.” (યિર્મેયાહ ૧૭:૯) એટલે તેઓ ઈશ્વર પાસેથી માર્ગદર્શન શોધે છે, જે આપણને બાઇબલમાં મળે છે.—નીતિવચનો ૩:૫, ૬; ૨ તીમોથી ૩:૧૬.

સેક્સ, ઈશ્વરે આપેલી ભેટ

યાકૂબ ૧:૧૭ જણાવે છે કે ‘દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોના પિતા પાસેથી ઊતરે છે.’ લગ્‍ન પછી પતિ-પત્ની શરીર-સુખની મજા માણે, એ ઈશ્વરે આપેલી કીમતી ભેટોમાંની એક છે. (રૂથ ૧:૯; ૧ કોરીંથી ૭:૨,) એનાથી તેઓને બાળકો થઈ શકે છે. સાથે સાથે સેક્સની ભેટથી પતિ-પત્ની તન-મનથી એકબીજાના થઈ શકે છે. રાજા સુલેમાને લખ્યું કે ‘તારી જુવાનીની પત્નીમાં આનંદ માન. સર્વ પ્રસંગે તેનાં સ્તનોથી તું સંતોષ પામ.’—નીતિવચનો ૫:૧૮, ૧૯.

ઈશ્વર યહોવાહ ચાહે છે કે આપણે તેમની ભેટોથી ખુશ થઈએ અને એની મજા લઈએ. જોકે એના માટે તેમણે નિયમો અને સિદ્ધાંતો પણ આપ્યા છે. (ગીતશાસ્ત્ર ૧૯:૭, ૮) યહોવાહ ‘આપણા લાભને માટે શીખવે છે; જે માર્ગે જવું જોઈએ એના પર તે આપણને ચલાવે છે.’ (યશાયાહ ૪૮:૧૭) તો પછી શું એ જ ઈશ્વર આપણને આ ભેટની મજા નહિ માણવા દે, જે પોતે પ્રેમ છે?—ગીતશાસ્ત્ર ૩૪:૧૦; ૩૭:૪; ૮૪:૧૧; ૧ યોહાન ૪:૮.

લગ્‍ન પહેલાં શરીર-સુખ માણવું ખોટું છે

સ્ત્રી અને પુરુષ લગ્‍નના બંધનમાં બંધાય છે ત્યારે, તેઓ જાણે કે “એક દેહ” બને છે. પરંતુ લગ્‍ન કર્યા વિના સ્ત્રી-પુરુષ શરીર-સંબંધ બાંધે ત્યારે તેઓ વ્યભિચાર કરે છે. ભલે તેઓ શરીરે જાણે ‘એક’ બને છે, પણ ઈશ્વરની નજરે પાપ કરે છે. * એ કંઈ સાચા પ્રેમની નિશાની નથી, એનાથી તો ઘણું જ નુકસાન થાય છે. કેવી રીતે?—માર્ક ૧૦:૭-૯; ૧ કોરીંથી ૬:૯, ૧૦, ૧૬.

વ્યભિચાર કરનારા સેક્સ તો માણે છે, પણ પછી કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. તેઓ માન-મર્યાદા તોડે છે, તેઓનું સ્વમાન ગુમાવે છે. સાથે સાથે તેઓને જાતીય રોગો થઈ શકે છે. છોકરી કુંવારી મા બની જઈ શકે. કેટલીયે લાગણીઓ મારીને જીવવું પડે. ખાસ તો તેઓ ઈશ્વરના નીતિ-નિયમો તોડે છે. વ્યભિચાર કરનારા નથી એકબીજા માટે સાચો પ્રેમ બતાવી શકતા, નથી તેઓના સુખનો વિચાર કરી શકતા.

યહોવાહના ભક્તો જાણે છે કે વ્યભિચાર કરનાર સામેવાળી વ્યક્તિના હક્ક છીનવી લે છે. (૧ થેસ્સાલોનીકી ૪:૩-૬) જો કોઈ યહોવાહનો ભક્ત હોવાનો દાવો કરતું હોય ને લગ્‍ન કર્યા વગર કોઈની સાથે સેક્સ માણે, તો તે મંડળને અપવિત્ર કરે છે. (હેબ્રી ૧૨:૧૫, ૧૬) વ્યભિચારથી સામેવાળી વ્યક્તિનું દિલ પણ શુદ્ધ નહિ રહે. જો તેણે હજુ લગ્‍ન નહિ કર્યા હોય, તો હવે પોતે શુદ્ધ ન હોવાથી ભાવિમાં કઈ રીતે લગ્‍નના પવિત્ર બંધનમાં બંધાઈ શકશે? વ્યભિચારી વ્યક્તિ પોતાના અને સામેવાળી વ્યક્તિના કુટુંબનું નામ બદનામ કરે છે. તેઓ સૌથી વધારે તો ઈશ્વરને દુઃખી કરે છે, તેમના નીતિ-નિયમો તોડે છે. (ગીતશાસ્ત્ર ૭૮:૪૦, ૪૧) ઈશ્વર યહોવાહ એવાં કામો કરનાર, હઠીલા લોકોનો “બદલો લેનાર” છે. (૧ થેસ્સાલોનીકી ૪:૬) એટલે જ તો બાઇબલ આપણને ચેતવે છે કે “વ્યભિચારથી નાસો.”—૧ કોરીંથી ૬:૧૮.

શું તમે કોઈના પ્રેમમાં પડી ગયા છો? લગ્‍નની તૈયારી કરી રહ્યા છો? તો પછી એ સમય એવી રીતે વાપરો જેથી તમે એકબીજાનું માન રાખો, એકબીજામાં પૂરો ભરોસો મૂકી શકો. જરા વિચારો કે જે માણસ પોતાના તન-મનને કાબૂમાં રાખી શકતો ન હોય, એના પર સ્ત્રી કેવી રીતે ભરોસો મૂકી શકે? અથવા જે સ્ત્રી પોતાની લાગણી સંતોષવા કે પુરુષને ખુશ કરવા ઈશ્વરના નિયમો તોડવા તૈયાર હોય, તેને કોઈ માણસ કઈ રીતે ચાહી શકે, માન આપી શકે?

યહોવાહના નીતિ-નિયમો તોડનાર જે વાવશે તે જ લણશે. (ગલાતી ૬:૭) બાઇબલ જણાવે છે કે “વ્યભિચારી પોતાના શરીરની વિરૂદ્ધ પાપ કરે છે.” (૧ કોરીંથી ૬:૧૮; નીતિવચનો ૭:૫-૨૭) ખરું કે લગ્‍ન પહેલાં શરીર-સંબંધ બાંધ્યો હોય, એવી વ્યક્તિઓ દિલથી પસ્તાવો કરે તો ઈશ્વર તેમની ભક્તિ સ્વીકારશે. સાથે સાથે તેઓ એકબીજા પરનો ભરોસો વધારે તો, કદાચ ધીમે ધીમે કડવી યાદો ભૂલાઈ શકે. તોપણ જીવનમાં કરેલાં ખોટાં કામોનો ડાઘ તો રહેવાનો જ. એક યુવાન જોડું, જેઓ હવે પરણેલા છે, તેઓએ લગ્‍ન પહેલાં વ્યભિચાર કર્યો. તેઓને એનો ઘણો જ પસ્તાવો થાય છે. પતિ કોઈક વાર વિચારે છે કે ‘અમારા લગ્‍નજીવનમાં આવતી મુશ્કેલીઓ, અમે કરેલી ખોટી શરૂઆતને લીધે હોઈ શકે?’

સાચા પ્રેમમાં સ્વાર્થ નથી

ખરું કે સાચા પ્રેમમાં રોમેન્ટિક લાગણી તો હોય છે જ, પણ એ ‘અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનું જ હિત જોતો નથી.’ (૧ કોરીંથી ૧૩:૪, ૫) સાચો પ્રેમ સામેવાળી વ્યક્તિનું ભલું ચાહે છે, તેને સુખી જોવાની તમન્‍ના રાખે છે. એવા પ્રેમીઓ એકબીજાનું માન રાખે છે, મર્યાદા જાળવે છે. તેઓ શરીર-સુખનો ખરો આનંદ માણવા, લગ્‍ન થાય ત્યાં સુધી રાહ જુએ છે.—હેબ્રી ૧૩:૪.

સુખી સંસારમાં બાળક જન્મે ત્યારે તો, એકબીજામાં આવા ભરોસાની ખાસ જરૂર હોય છે. યહોવાહના દિલની તમન્‍ના છે કે બાળકો પ્રેમ અને સલામતીથી બંધાયેલા ઘરના માળામાં મોટાં થાય. (એફેસી ૬:૧-૪) લગ્‍ન કરેલી બે વ્યક્તિઓ જ એકબીજાની જવાબદારી ખરી રીતે સ્વીકારે છે. તેઓ એકબીજાની સંભાળ રાખવાનું અને ચાહવાનું દિલથી નક્કી કરે છે. અરે, એકબીજાને વચન આપે છે કે તેઓ હવે જિંદગીભર સુખ-દુઃખના હમસફર છે.—રૂમી ૭:૨, ૩.

એકબીજા સાથે સેક્સનો આનંદ માણીને પતિ-પત્નીનો નાતો પાકો બને છે. સુખી લગ્‍ન-જીવનમાં તેઓ બંને છૂટથી સેક્સનો આનંદ માણી શકે છે. તેઓના શરીર-સંબંધથી ન તેઓએ પસ્તાવું પડશે, ન તેઓનું દિલ ડંખશે કે ન તો તેઓ ઈશ્વરને દુઃખી કરશે. (g 11/06)

શું તમે કદી વિચાર્યું છે?

▪ લગ્‍ન પહેલાં સેક્સ વિષે ઈશ્વર શું કહે છે?—૧ કોરીંથી ૬:૯, ૧૦.

▪ વ્યભિચારથી કેમ નુકસાન જ થાય છે?—૧ કોરીંથી ૬:૧૮.

▪ એકબીજાને દિલોજાનથી ચાહનારા પ્રેમીઓ કેવી રીતે સાચો પ્રેમ બતાવી શકે?—૧ કોરીંથી ૧૩:૪, ૫.

[ફુટનોટ]

^ “વ્યભિચાર” ભાષાંતર થયેલા ગ્રીક શબ્દનો અર્થ આમ પણ થાય: જેની સાથે લગ્‍ન કર્યા ન હોય, તેના જાતીય અંગોને મોંથી કે હાથથી પંપાળવાં.—સજાગ બનો! ઑક્ટો.-ડિસે. ૨૦૦૪, પાન ૧૬ અને ચોકીબુરજ ફેબ્રુઆરી ૧૫, ૨૦૦૪, પાન ૧૩ જુઓ. આ મૅગેઝિનો યહોવાહના સાક્ષીઓ બહાર પાડે છે.