સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કામચાટકા પૅસિફિક મહાસાગરમાં આવેલો રશિયાનો સુંદર દ્વીપ

કામચાટકા પૅસિફિક મહાસાગરમાં આવેલો રશિયાનો સુંદર દ્વીપ

કામચાટકા પૅસિફિક મહાસાગરમાં આવેલો રશિયાનો સુંદર દ્વીપ

રશિયાના સજાગ બનો!ના લેખક તરફથી

આશરે ત્રણસો વર્ષ પહેલાંની વાત છે. નવી નવી જગ્યા શોધતા રશિયાના અમુક સંશોધકો એશિયા થઈને પૂર્વ તરફ જઈ રહ્યાં હતાં. આખરે તેઓ એક પહાડી દ્વીપકલ્પ પર આવી પહોંચ્યાં. એ દ્વીપ જાણે ઑખોટસ્ક સાગર અને બેરિંગ સાગરની વચ્ચે દીવાલ થઈને પ્રશાંત મહાસાગરમાં ઊભો હતો. વિસ્તારમાં એ ઇટલીથી થોડો મોટો. આ સુંદર જગ્યા વિષે આજે પણ બીજા દેશના લોકો અજાણ છે. એ દ્વીપકલ્પ એટલે કામચાટકા.

કામચાટકાની આબોહવા કેવી છે? ત્યાં બ્રિટન કરતાંય વધારે ઠંડી છે. જોકે ઠંડીની મોસમમાં દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં ઓછી ઠંડી પડે. જ્યારે કે અંદરના વિસ્તારો છએક મીટર જાડા બરફના થરથી ઢંકાઈ જાય. ઘણી વાર તો ૧૨ મીટર જેટલો બરફ જામેલો રહે. ઉનાળામાં આ દ્વીપ મોટાભાગે સમુદ્રના ધુમ્મસમાં છૂપાઈ જાય છે અને ત્યાં જોરથી હવા ફૂંકાય છે. અહીંની માટી જ્વાળામુખીના લાવાથી બનેલી હોવાથી બહુ ફળદ્રુપ છે. તેથી કામચાટકામાં વરસાદ પડે છે ત્યારે ચારે બાજુ હરિયાળી જોવા મળે છે. અહીં હની-સકલ, બિલબેરી અને ક્રેનબેરી જેવી નાની ઝાડીઓથી લઈને માણસની ઊંચાઈ જેટલું લાંબું ઘાસ ઊગે છે. અહીંના જંગલી ફૂલોની તો વાત જ ન પૂછો. એ ફૂલોની શાન કંઈ ઓર જ છે! એમાં એક પ્રકારનું ગુલાબ તો ‘મેદાનોની રાણી’ તરીકે ઓળખાય છે.

કામચાટકાનો લગભગ ત્રીજા ભાગનો વિસ્તાર પથ્થર કે મોટાં મોટાં એરમાન ભૂર્જવૃક્ષોથી ઢંકાયેલો છે. ત્યાં ભારે હવા ફૂંકાતી હોવાથી ને બરફ પડતો હોવાથી આ વૃક્ષોના થડ અને ડાળીઓ નમી ગયેલા જોવા મળે છે. આ મજબૂત અને ધીરે ધીરે વધનારા વૃક્ષો બહુ અડગ હોય છે. એના મૂળની પકડ પણ મજબૂત હોય છે. એ કારણે આ વૃક્ષ ગમે ત્યાં ઊગી શકે છે. એટલે સુધી કે ભેખડ પર પણ તે સીધાં ઊગી શકે છે! જૂન મહિનામાં એના પર પાંદડાં આવે. જોકે એ સમયે પણ ચારે બાજુ બરફ છવાયેલો હોય છે. ઑગસ્ટ મહિનામાં એ પાંદડાં પીળાં પડી જાય છે. એનાથી ખબર પડે છે કે શિયાળો નજીક છે.

જ્વાળામુખી, ગરમ પાણીના ફુવારા અને ઝરણાં

કામચાટકા જાણે ‘આગના કુંડાળાʼમાં (રિંગ ઑફ ફાયર) વસેલું છે. પૅસિફિક મહાસાગરનો આ એક એવો વિસ્તાર છે જેમાં સૌથી વધારે ભૂંકપ થાય છે. કામચાટકામાં ત્રીસેક સક્રિય જ્વાળામુખી છે, જે ગમે ત્યારે ફૂટી શકે. એમાંનો એક જ્વાળામુખી ક્લેઉચેફ્‌સ્કાયા છે. એના વિષે કહેવામાં આવે છે કે ‘એનો આકાર એકદમ શંકુ જેવો છે અને એ જોવામાં બહુ સુંદર છે.’ આ જ્વાળામુખી સમુદ્રની સપાટીથી ૪,૭૫૦ મીટર ઊંચો છે. એ આખા યુરેશિયામાં સૌથી મોટો જ્વાળામુખી છે. કામચાટકાનો રેકોર્ડ બતાવે છે કે રશિયાના સંશોધકોએ ૧૯૬૭માં ત્યાં પહેલીવાર પગ મૂક્યો ત્યારથી લઈને આજ સુધી કામચાટકામાં ૬૦૦ જ્વાળામુખી ફાટ્યા છે.

૧૯૭૫/૭૬માં ટોલબાચિક વિસ્તારમાં એક પહાડની તિરાડમાંથી જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. એનાથી ૨,૫૦૦ મીટરથી વધારે ઊંચી ‘મશાલ’ સળગતી હોય એવું લાગતું હતું! રાખના વાદળોમાં વીજળી ચમકતી હતી. આ જ્વાળામુખી દોઢેક વર્ષ સળગતો રહ્યો. એનાથી ચાર નવા જ્વાળામુખીના શંકુ નીકળી આવ્યા. સરોવરો અને નદીઓ ગાયબ થઈ ગયા. ગરમ રાખથી તો જંગલોના જંગલો બળીને ખાક થઈ ગયા. એનાં મૂળિયાં પણ સૂકાઈ ગયાં. ગામડાંના ગામડાં વેરાન થઈ ગયા. દૂર દૂર સુધીનો વિસ્તાર ઉજ્જડ બની ગયો.

સારી વાત છે કે લોકો રહેતા ન હતા એવી જગ્યાએ મોટા ભાગના જ્વાળામુખી ફાટ્યા હતા. એટલે બહુ ઓછા લોકોનો જીવ ગયો. પણ અહીં આવનાર પ્રવાસીઓએ બીજી બાબતમાં ખાસ સાવચેત રહેવું પડે છે. ખાસ કરીને તેઓ ‘મોતની ખીણ’ (વેલી ઑફ ડેથ) જોવા આવે છે ત્યારે. આ ખીણ કીખપીનચ નામના જ્વાળામુખીની બરાબર નીચે છે. હવા ન વાય અને વસંતઋતુમાં બરફ પીગળે ત્યારે જ્વાળામુખીમાંથી નીકળેલો ઝેરી ગેસ એ ખીણમાં જમા થાય છે. આમ આ ખીણ જંગલી પ્રાણીઓ માટે મોતનો ફાંદો બને છે. એક વાર તો આ ખીણમાં દસ રીંછ અને ઘણાં નાનાં પ્રાણીઓના શબ અહીં તહીં જોવા મળ્યા હતા.

કામચાટકામાં એક જ્વાળામુખીનું મુખ બહુ જ મોટું છે. એ ઉઝોન કાલ્ડેરા નામથી ઓળખાય છે. આ મુખમાં અમુક જગ્યાએ માટી ઊકળતી જોવા મળે છે. એ સિવાય અહીં એવાં તળાવ પણ છે જેમાંથી ગરમ વરાળ નીકળતી દેખાય છે. એ તળાવો રંગ-બે-રંગી લીલથી ભરેલા છે. આ કાલ્ડેરામાં ‘ગરમ પાણીના ફુવારાની ખીણ’ છે. એની શોધ ૧૯૪૧માં થઈ હતી. એમાં અમુક ફુવારા દર બે-ત્રણ મિનિટે ફૂટી નીકળે છે. જ્યારે બીજા અમુક ફુવારા થોડા થોડા દિવસે થાય છે. પેટ્રોપાલોસ્ક-કામચટસ્ટી શહેરની ઉત્તરે લગભગ ૧૮૦ કિલોમીટર દૂર ઉઝોન કાલ્ડેરા છે. આ જગ્યા બતાવવા માટે પ્રવાસીઓને હૅલિકોપ્ટરમાં લાવવામાં આવે છે. પણ અહીં અમુક સંખ્યામાં જ લોકોને લાવવામાં આવે છે. કેમ કે, એની સીધી અસર અહીંના પર્યાવરણ પર થઈ શકે છે. એ કારણે કામચાટકાના છ વિસ્તારોની ‘વર્લ્ડ હેરિટેજ સાઇટʼમાં ગણના થાય છે. એનું એ રીતે રક્ષણ કરવામાં આવે છે.

કામચાટકામાં ગરમ પાણીના ઘણા ઝરા છે. એમાંના મોટા ભાગના ઝરાના પાણીનું તાપમાન ત્રીસથી ચાળીસ ડિગ્રી સેલ્સિયસ હોય છે. પ્રવાસીઓને આ ઝરામાં નાહવાનું બહુ ગમે. એ ઝરાઓને લીધે ત્યાં રહેતા લોકોને પણ શિયાળાની કડકડતી ઠંડીમાં થોડી રાહત મળે છે. ધરતીમાં મળી આવતી ગરમી (જિઓથર્મલ હીટ)નો વીજળી ઉત્પન્‍ન કરવા ઉપયોગ કરવામાં આવે છે. રશિયામાં આ રીતે વીજળી ઉત્પન્‍ન કરવાનો પ્લાન્ટ સૌથી પહેલા આ દ્વીપ પર નાખવામાં આવ્યો હતો.

રીંછ, સૅમન માછલીઓ અને સમુદ્રી ગરુડ

કામચાટકામાં આજે પણ લગભગ ૧૦,૦૦૦ ભૂરા રંગના રીંછ છે. તેઓનું વજન ૧૫૦-૨૦૦ કિલો હોય છે. તેઓનો શિકાર કરવામાં ન આવે તો, તેઓનું વજન ત્રણ ઘણું વધી શકે છે. ઈટલમન નામના આદિવાસી લોકો કોઈ દંતકથામાં માનતા હોવાથી રીંછને “ભાઈ” જેવા ગણતા. તેઓ રીંછોને માન આપતા. પણ જ્યારથી ત્યાં બંદૂકનો ઉપયોગ થવા લાગ્યો ત્યારથી તેઓના દિલમાંથી ભાઈચારાની ભાવના ગાયબ થઈ ગઈ. હવે તો પર્યાવરણનું રક્ષણ કરનારાને ડર છે કે રીંછો ભવિષ્યમાં જોવા મળશે કે કેમ.

રીંછ સ્વભાવે શરમાળ હોય છે. તેથી બહુ ઓછી વાર બહાર જોવા મળે છે. પણ જૂન મહિનામાં સૅમન માછલીઓ નદીઓમાં ઈંડા મૂકવા આવે છે ત્યારે, રીંછો શરમ છોડી દે છે. રીંછોના ટોળેટોળાં ત્યારે માછલીઓની લિજ્જત ઉડાવવા નદીમાં દોડી આવે છે. રીંછ એક વારમાં જ બે ડઝન જેટલી માછલી સફાચટ કરી શકે છે! શા માટે રીંછ આટલું બધું ખાય છે? તેઓએ ઉનાળામાં પોતાના શરીરમાં બહુ ચરબી ભેગી કરવી પડે છે. કેમ કે શિયાળામાં કડકડતી ઠંડી પડતી હોય છે અને ખાવાના ફાંફાં પડી જાય છે. એ વખતે તેઓ પોતાની ચરબીને આધારે જીવતા રહી શકે છે. રીંછો આખો શિયાળો ગુફામાં સૂવામાં કાઢે છે, જેથી તેઓની શક્તિ વેડફાઈ ન જાય.

રીંછની જેમ ત્યાંના ગરુડને પણ સૅમન માછલી બહુ ભાવે. આ ગરુડ, સ્ટૈલર્સ સમુદ્રી ગરુડ નામથી ઓળખાય. એ બહુ સુંદર પક્ષી છે, જેની પાંખ અઢી મીટર સુધી ફેલાય છે. આ કાળા ગરુડની ખાંધ પર સફેદ રંગનો પટ્ટો હોય છે. એની પૂંછડી પણ સફેદ હોય છે. આજે આ પક્ષીઓની સંખ્યા કંઈક ૫,૦૦૦ છે, પણ ધીરે ધીરે એ ઓછા થઈ રહ્યાં છે. આવા ગરુડ કામચાટકામાં અને ક્યારેક અલાસ્કાના અલૂશન અને પ્રિબિલોફ ટાપુઓ પર જોવા મળે છે. આ ગરુડ વર્ષો સુધી એક જ માળામાં રહે છે. તે માળાને સારી રીતે જાળવે છે અને એને ધીમે ધીમે મોટો પણ બનાવે છે. એક માળો તો ત્રણ મીટર જેટલો પહોળો બનાવ્યો હતો! એ એટલો તો ભારે હતો કે જે ભૂર્જવૃક્ષ પર બનાવ્યો હતો એ વૃક્ષમાં જ તિરાડ પડી ગઈ!

કામચાટકાના લોકો

આજે કામચાટકાના મોટા ભાગના રહેવાસીઓ રશિયન છે. અહીં હજુ પણ હજારો આદિવાસીઓ રહે છે. તેઓમાં મોટાભાગના લોકો કોર્યાક જાતિના છે. તેઓ કામચાટકાના ઉત્તરી ભાગમાં રહે છે. એ સિવાય અહીં ચુકચી અને ઈટલમન જાતિના લોકો પણ રહે છે. આ બધી જાતિના લોકોની પોતાની અલગ ભાષા છે. કામચાટકાના મોટાભાગના લોકો પેટ્રોપાલોસ્ક-કામચટસ્ટી શહેરમાં રહે છે, એ વહીવટી કેન્દ્ર છે. કામચાટકાના બાકીના ભાગોમાં બહુ ઓછા લોકો રહે છે. દરિયાકાંઠે અને નદી કિનારે વસેલા મોટા ભાગના ગામડાંઓમાં સ્ટીમર કે વિમાનથી જ જઈ શકાય છે.

અહીંના મોટા ભાગના લોકો માછલી અને કરચલાં પકડીને બે પૈસા રળી લે છે. આ ઉદ્યોગ ત્યાંના અર્થતંત્ર માટે મહત્ત્વનો છે. અહીંના લાલ રંગના મોટા મોટા કરચલા બહુ પ્રખ્યાત છે. એના એક પંજાથી બીજા પંજાનો ફેલાવો જ ૧.૭ મીટર હોય છે. કરચલાને સજાવીને ટેબલ પર વેચવા માટે મૂક્યા હોય ત્યારે તમે જોતા જ રહી જાવ.

૧૯૮૯થી યહોવાહના સાક્ષીઓ બીજાં પ્રકારનાં માછલાં પકડવા કામચાટકામાં આવે છે. “માણસોને પકડનારા” તરીકે તેઓ કામચાટકામાં દૂર દૂરના વિસ્તારોમાં ઈશ્વરના રાજ્યનો સંદેશો પહોંચાડે છે. (માત્થી ૪:૧૯; ૨૪:૧૪) અમુક લોકોએ આ સંદેશો સ્વીકાર્યો છે. તેઓ હવે બીજા લોકોને પણ સર્જનહાર યહોવાહને ઓળખવા મદદ કરે છે. જેથી લોકો યહોવાહની ભક્તિ કરે, નહીં કે તેમના સર્જનની. પરિણામે ઘણા લોકો દુષ્ટ આત્માના ડરથી આઝાદ થયા છે. (યાકૂબ ૪:૭) તેઓ એ પણ શીખે છે કે ભાવિમાં આખી ધરતી પરથી દુષ્ટતા અને એને ફેલાવનાર લોકોનો સર્વનાશ કરવામાં આવશે. પછી “જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાહના જ્ઞાનથી ભરપૂર થશે.”—યશાયાહ ૧૧:૯. (g 3/07)

[Box/Pictures on page 18]

કમાલનો કાલ્ડેરા

ઉઝોન કાલ્ડેરા એ બહુ જૂના જ્વાળામુખીનું મુખ છે. દસ કિલોમીટર પહોળું તો એનું મુખ છે! એ મુખ ઊભી દીવાલોથી ઘેરાયેલું છે. એક પુસ્તક કહે છે કે, “કામચાટકા જે વસ્તુઓને લીધે પ્રખ્યાત છે એ બધું જ” આ કાલ્ડેરામાં મળી આવે છે. જેમ કે એમાં ગરમ અને ઠંડા પાણીના ઝરા, ઊકળતી માટી, શંકુ આકારના નાના નાના માટીના જ્વાળામુખી વગેરે. માછલીઓ અને હંસોથી ભરપૂર કાચ જેવા ચોખ્ખા પાણીના સરોવર જોવા મળે. પુષ્કળ વનસ્પતિ પણ જોવા મળે.

મિરેકલ ઑફ કામચાટકા પુસ્તક કહે છે કે, ‘પૃથ્વી પર ભાગ્યે જ એવી કોઈ જગ્યા હશે’ જ્યાં પાનખર ઋતુ બહુ નાની હોય પણ મસ્ત હોય. અહીંયા એક બાજુ ટુન્ડ્રા વિસ્તારમાં લાલ રંગની જમીન છે, જેના પર એકદમ પીળા અને સોનેરી રંગની છટા ફેલાવતા ભૂર્જવૃક્ષો જોવા મળે. જ્યારે બીજી બાજુ જ્યાં ને ત્યાં ઊકળતી માટીનાં કુંડ છે. એમાંથી નીકળતી સફેદ વરાળને જ્યારે ભૂરા આકાશની સામે જુઓ તો બસ જોતા જ રહી જાવ! વહેલી સવારે લાખો પાંદડાંઓ પર જામેલો બરફ નીચે પડે તો જાણે આખું જંગલ “સંગીતના સૂર રેલાવતું હોય” એમ લાગે. એનાથી જંગલ જાણે શિયાળાની મોસમ આવવાનો સંદેશો આપે છે.

[Box on page 19]

ખતરનાક સરોવર!

કારિમસ્કી સરોવર નીચે એક જ્વાળામુખી છે જેને મૃત જ્વાળામુખી માનવામાં આવતો હતો. પણ ૧૯૯૬માં એ જ્વાળામુખી અચાનક ફાટી નીકળ્યો. એમાંથી પાણીની દસેક મીટર ઊંચી લહેરો ધસી આવી અને આસપાસના જંગલો પર ફરી વળી. જંગલને હતું ન હતું કરી નાખ્યું. થોડી મિનિટોમાં જ કારિમસ્કી સરોવરનું પાણી તેજાબ બની ગયું જેનાથી જીવન ટકી જ ન શકે. સંશોધક એન્ડ્રુ લોગન સમજાવે છે કે જ્વાળામુખી ફાટવાથી ઊંચી લહેરોએ ભલે તબાહી મચાવી દીધી, પણ સરોવરની આસપાસ કોઈ પણ મરેલું પ્રાણી જોવા મળ્યું નહિ. તે કહે છે, ‘જ્વાળામુખી ફાટ્યો એ પહેલાં કારિમસ્કી સરોવરમાં લાખો માછલીઓ હતી. (ખાસ કરીને સૅમન અને ટ્રાઉટ) પરંતુ જ્વાળામુખી ફાટ્યા પછી સરોવર એકદમ ખાલી થઈ ગયું.’ જોકે ઘણી માછલીઓ બચી ગઈ હશે. કેવી રીતે? વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે માછલીઓને કોઈ રીતે ચેતવણી મળી હશે. જેમ કે, પાણીના રસાયણમાં કોઈ ફેરફાર આવ્યા હશે. એનાથી માછલીઓ પાસેની કારિમસ્કી નદીમાં ભાગી ગઈ હશે.

[Map on page 16]

(For fully formatted text, see publication)

રશિયા

કામચાટકા