સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે બીજી ભાષા શીખી શકો!

તમે બીજી ભાષા શીખી શકો!

તમે બીજી ભાષા શીખી શકો!

“મારી આગળ આખી દુનિયાની દોલત મૂકવામાં આવે તોપણ હું એના બદલે આવો અનુભવ લેવાનું ન છોડું,” માઇક કહે છે. “મેં જે નિર્ણય લીધો, એ જીવનમાં સૌથી સારા નિર્ણયોમાંનો એક હતો,” ફેલ્પ્સ કહે છે. તેઓ શાની વાત કરી રહ્યા હતા? ભાષા શીખવાની. હા, તેઓએ નવી ભાષા શીખી એની વાત કરી રહ્યા હતા.

આજે ઘણા દેશોમાં વધુને વધુ લોકો નવી નવી ભાષા શીખે છે. એનાં અનેક કારણો છે. કોઈ ખાલી શોખ ખાતર શીખે છે. તો કોઈ વધારે પૈસા કમાવા શીખે છે. તો અમુક લોકો ધર્મના કામ માટે નવી ભાષા શીખે છે. સજાગ બનો! મૅગેઝિને બીજી ભાષા શીખતા અમુક લોકોનો ઇન્ટરવ્યૂ લીધો હતો. તેઓને આવા અમુક સવાલો પૂછવામાં આવ્યા: મોટા થઈ ગયા પછી નવી ભાષા શીખવી શાના જેવું લાગે છે? વ્યક્તિને નવી ભાષા શીખવા શું મદદ કરી શકે? તેઓએ જે જવાબો આપ્યા એને આધારે નીચે માહિતી રજૂ કરી છે. જો તમે નવી ભાષા શીખી રહ્યા હો, કે પછી એનો વિચાર કરતા હો તો આ માહિતી તમને ઘણી મદદ કરશે. તમને નવી ભાષા શીખવા વિષે ઘણું જાણવા મળશે. આ માહિતીથી બધાને લાભ થાય છે. દાખલા તરીકે, બીજી ભાષા સારી રીતે શીખવા માટે અમુક ગુણો હોવા જરૂરી છે. એ જ ઇન્ટરવ્યૂ આપનારાએ પણ અનુભવ્યું. એ ગુણો કયા છે?

ધીરજ, નમ્રતા, અને સંજોગો મુજબ પોતાને ઢાળવા તૈયાર રહેવું

સામાન્ય રીતે નાનાં બાળકો એક જ સમયે બેથી વધારે ભાષાઓ આસાનીથી શીખી જાય છે. ઘણી વાર તો નવી ભાષા સાંભળીને પણ તેઓ એ શીખી જાય છે. પણ મોટાઓ માટે નવી ભાષા શીખવી સહેલું નથી. એનું એક કારણ છે, તેઓમાં ધીરજ નથી. નવી ભાષા શીખતા ઘણો સમય લાગી શકે. એ માટે ધીરજ હોવી જ જોઈએ. યુવાન કે પુખ્ત વયના રોજના કામમાં બીઝી હોવાથી, જોઈતો સમય આપી શકતા નથી. નવી ભાષા શીખવા તેઓએ બીજાં કામો કે મોજશોખને બાજુ પર મૂકવા જ પડે.

‘નમ્રતા બહુ જ જરૂરી છે,’ જ્યોર્જ કહે છે. ‘જો તમને નવી ભાષાનો ક, ખ પણ ખબર ન હોય તો, તમારે નાનાં બાળકની જેમ બોલવાની તૈયારી રાખવી જોઈએ. એ ભાષા જાણનારા તમારી સાથે બોલવામાં બાળક જેવો વર્તાવ કરે તો, એ સહેવાની પણ તૈયારી રાખવી જોઈએ.’ હાઉ ટુ લર્ન એ ફોરેન લેંગ્વેજ પુસ્તક જણાવે છે: “જો તમારે ભાષા શીખવી હોય તો, તમારે નમ્ર બનવું પડશે. કોઈ વાર પોતાનો માન-મોભો પણ ભૂલી જવું પડે.” એટલે નવી ભાષા બોલવામાં કોઈ ભૂલ કરી બેસો તો શરમાશો નહિ. એને હસવામાં લઈ લો. બૅન કહે છે, “જો તમે કોઈ ભૂલ જ ન કરો તો, તમે શીખી રહ્યા છો એ ભાષાનો જોઈએ એટલો ઉપયોગ કરી રહ્યા નથી.”

જો તમારી ભૂલ પર બીજાઓ હસી પડે તો ચિંતા ન કરતા. તેઓની સાથે તમે પણ હસો! અરે, એક દિવસ એવો આવશે કે તમે પોતે બીજાઓને એમ કહીને હસાવશો કે તમે નવી નવી ભાષા શીખતાʼતા ત્યારે કેવી ભૂલો કરીʼતી, શું કહી બેઠા હતા, કેવો અર્થનો અનર્થ થયો હતો. બીજાઓને સવાલ પૂછતા પણ અચકાશો નહિ. અમુક વાક્ય કેમ અમુક રીતે જ કહેવામાં આવે છે એ સમજો. એનાથી તમને એ યાદ રહી જશે.

નવી ભાષા શીખવી એટલે નવા સમાજ વિષે જાણવું, નવી સંસ્કૃતિમાં ડોકિયું કરવું. એટલે એ સમાજમાં હળીમળી જવાથી પણ તમને ભાષા શીખવામાં મદદ મળશે. ખુલ્લા મનના બનો. જુલી કહે છે, “બીજી ભાષા શીખવાથી મને બીજું ઘણું જાણવા મળ્યું છે. જેમ કે, કોઈ પણ બાબતને અનેક રીતે જોઈ શકાય છે. કોઈ પણ કામ અનેક રીતે કરી શકાય છે. અને તમે કોઈ બાબતને એક રીતે વિચારો કે કરો તો, એ જરૂરી નથી કે એ બીજી રીતોથી ચઢિયાતું છે. એ તો બસ બીજી બાબતથી અલગ જ છે, ચઢિયાતું નહિ.” જય સલાહ આપે છે, “તમે જે નવી ભાષા શીખો છો એને સારી રીતે જાણતા હોય એવા મિત્રો બનાવો. તેઓ સાથે સમય વિતાવો. આનંદ માણો.” જોકે, યહોવાહના ભક્તોએ અહીંયા ધ્યાન રાખવાનું છે કે સારા મિત્રો પસંદ કરે. એવા મિત્રો જેમના વાણી-વર્તન સારા હોય. (૧ કોરીંથી ૧૫:૩૩; એફેસી ૫:૩, ૪) જય આગળ કહે છે, “જ્યારે તેઓ જોશે કે તમને તેઓનો સાથ ગમે છે, તેઓનો ખોરાક અને સંગીત વગેરેમાં તમને મજા આવે છે ત્યારે, તેઓને પણ તમારી સાથે રહેવાનું ગમશે.”

તમે ભાષા શીખવામાં જેટલો વધારે સમય આપશો, ખાસ કરીને એ ભાષા વાતચીતમાં પણ વાપરશો, એટલા જલદી તમે એને શીખી શકશો. જ્યોર્જ કહે છે, “તમે મરઘીના બચ્ચાને ચણતું જોયું હશે. તે એક એક દાણાને ધીમે ધીમે ચણતું હોય છે! એ જ રીતે, અમે ધીમે ધીમે ભાષાની એક એક કળાને શીખીએ છીએ. એ તો ‘ટીપે ટીપે સરોવર ભરાય’ જેવું છે. એટલે કે ધીમે ધીમે જ ભાષા શીખાય છે.” એકથી વધારે ભાષાઓ શીખનાર મિશનરી બીલ કહે છે: “હું જે તે ભાષાનાં શબ્દોનું એક લીસ્ટ બનાવું અને જ્યાં પણ જાઉં એ સાથે જ રાખું. જ્યારે પણ થોડી મિનિટો મળે ત્યારે હું એમાં નજર નાખતો જાઉં.” ઘણાને જોવા મળ્યું છે કે, નિયમિત થોડો થોડો સમય ભાષા શીખવામાં કાઢવાથી સારું પરિણામ મળ્યું છે. પણ અમુક દિવસને અંતરે ભાષા શીખવામાં એક સામટો સમય આપીએ ત્યારે એટલું કામ નથી કરતું.

આજે તો નવી નવી ભાષા શીખવા માટે ઘણી મદદ મળી આવે છે. જેમ કે, નવી ભાષા શીખવતા ઘણાં પુસ્તકો બજારમાં મળે છે. ઓડિયો કે વિડીયોથી પણ તમે ભાષા શીખી શકો. નંબર, ચિત્રો કે શબ્દોથી ભાષા શીખવતાં ઘણાં કાર્ડથી પણ મદદ મળી શકે. ખરું કે આવી ઘણી રીતોથી ભાષા શીખી શકાય. પણ ઘણા લોકોને લાગે છે કે ક્લાસરૂમ જેવા માહોલમાં સારી રીતે ભાષા શીખી શકાય છે. ત્યાં શાંતિથી, વ્યવસ્થિત રીતે શીખવા મળે છે. તમારા માટે ઉપયોગી હોય એ રીત વાપરો. પણ યાદ રાખો, ભાષા શીખવામાં કોઈ શોર્ટ કટ નથી. એ માટે તમારે મહેનત તો કરવી જ પડશે. સતત મંડ્યા રહેવું પડશે. એ એટલું મુશ્કેલ નથી. એવી ઘણી રીતો છે જેનાથી તમે આસાનીથી અને મજા આવે એ રીતે ભાષા શીખી શકશો. એક રીત છે, જે તે ભાષાના ટચમાં રહો, એ ભાષાના સમાજમાં બને એટલો વધારે ટાઈમ કાઢો. એનો વધારે ને વધારે અનુભવ લો.

“નવી ભાષાની પાયાની બાબતો અને મહત્ત્વના શબ્દો શીખી લીધા પછી, તમે થોડો સમય એ ભાષા બોલાતી હોય એ દેશમાં જઈને રહો તો સારું,” જ્યોર્જ કહે છે. તેની સાથે સહમત થતા બાર્બ કહે છે: “તમે એ દેશમાં જાવ છો ત્યારે વધારે સારી રીતે જાણી શકશો કે એ ભાષા કેવી રીતે બોલાય છે.” સૌથી મોટી વાત એ કે તમે એ ભાષાના માહોલમાં ડૂબી જવાથી એ જ ભાષામાં વિચારવા લાગો છો. ખરું કે મોટા ભાગના લોકો માટે બીજા દેશમાં જવું શક્ય નહિ હોય. પણ પોતાના જ દેશમાં રહીને નવી ભાષા શીખવા, અને એ ભાષાની સંસ્કૃતિમાં તલ્લીન થઈ જવાની બીજી ઘણી તકો મળી શકે છે. દાખલા તરીકે, તમે જે ભાષા શીખતા હોવ, એ ભાષામાં કોઈ સારું સાહિત્ય મળી આવતું હોય. અથવા તમે રેડિયો કે ટીવી પર એ ભાષાના સારા કાર્યક્રમો સાંભળી શકો કે જોઈ શકો. જો આ રીતે મદદ મળતી હોય તો, એનો લાભ લો. તમારા વિસ્તારમાં એવા લોકોને શોધો જેઓ એ ભાષા સારી રીતે બોલે છે. પછી તેઓ સાથે વાત કરો. હાઉ ટુ લર્ન એ ફોરેન લેંગ્વેજ પુસ્તક કહે છે: ‘પ્રગતિ કરવા માટે છેલ્લે પ્રેક્ટિસ કરવી બહુ જ જરૂરી છે.’ *

ભાષા શીખતા અટકી જાવ તો?

નવી ભાષા શીખતી વખતે કોઈ વાર તમને લાગી શકે કે તમે જોઈએ એટલી પ્રગતિ કરી શકતા નથી. કે પછી કોઈ એક જગ્યાએ અટકી ગયા છો. એવા સમયે તમે શું કરશો? સૌથી પહેલાં, વિચાર કરો કે શા માટે તમે આ ભાષા શીખવાનું નક્કી કર્યું હતું. યહોવાહના ઘણા સાક્ષીઓ બીજાઓને બાઇબલમાંથી શીખવા મદદ કરવા નવી નવી ભાષા શીખ્યા છે. તમે પણ યાદ કરો કે કયા ધ્યેયથી નવી ભાષા શીખવાનું શરૂ કર્યું હતું. એના પર વિચાર કરવાથી તમારો ઇરાદો વધારે મજબૂત થશે.

બીજું, પોતાની પાસેથી વધારે પડતી આશા ના રાખો. હાઉ ટુ લર્ન એ ફોરેન લેંગ્વેજ પુસ્તક કહે છે: “જે વ્યક્તિની માતૃભાષા હોય તેના જેવું તમે કદાચ જ બોલી શકશો. પણ એ ધ્યેયથી તમે ભાષા શીખતા નથી. તમે ચાહો છો કે લોકો તમારી વાત સમજે.” તેથી તમે નવી ભાષાને માતૃભાષાની જેમ બોલી શકતા નથી એ વાતે રોદણાં ન રડશો. પણ તમે જે શીખ્યા છો એનો ઉપયોગ કરીને સારી રીતે બોલવા પર ધ્યાન આપો.

ત્રીજું, એવા કોઈ ખાસ બનાવને યાદ કરી શકો જેને સરખાવીને જોઈ શકાય કે તમે કેટલી પ્રગતિ કરી છે. નવી ભાષા શીખવી એ ઘાસને વધતું જોવા બરાબર છે. ઘાસ કેવી રીતે ધીમે ધીમે વધે છે એ તમને નહિ દેખાય. પણ એ ચોક્કસ થોડું થોડું વધતું હોય છે. એ જ રીતે તમે નવી ભાષા શીખવાનું શરૂ કર્યું એ દિવસનો વિચાર કરશો તો, ચોક્કસ જોઈ શકશો કે તમે ઘણી પ્રગતિ કરી છે. બીજાઓ સાથે પોતાને સરખાવશો નહિ. ગલાતી ૬:૪માં આપેલા બાઇબલના સિદ્ધાંત પ્રમાણે ચાલો. એ કલમ કહે છે: “દરેક માણસે પોતાની રહેણીકરણી તપાસી જોવી, અને ત્યારે તેને કોઈ બીજા વિષે નહિ, પણ કેવળ પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે.”

ચોથું, એમ વિચારો કે બીજી ભાષા શીખવી એ લાંબા સમય માટે પૈસાનું રોકાણ કરવા બરાબર છે. વિચાર કરો: ત્રણ-ચાર વર્ષનું બાળક કેવી રીતે વાત કરશે? શું તે મોટા મોટા શબ્દો અને અઘરું વ્યાકરણ વાપરશે? બિલકુલ નહિ! તોપણ એ બાળક બીજાઓ સાથે વાત કરી શકે છે. ખરું જોઈએ તો, બાળકને પણ ભાષા શીખતા કેટલાંય વર્ષો લાગે છે.

પાંચમું, બની શકે એમ નવી ભાષામાં જ બોલો. બૅન કહે છે: ‘હું નિયમિત નવી ભાષા વાપરવાનું બંધ કરું ત્યારે જાણે વચ્ચે અટકી ગયો હોઉં એમ મને લાગે છે.’ તેથી નવી ભાષાનો હંમેશા ઉપયોગ કરો. એ જ ભાષામાં વાત કરો. વારંવાર વાત કરો! ખરું કે નાનાં બાળકો બોલતા હોય એટલા જ શબ્દો તમને આવડતા હશે. એનાથી બીજાઓ સાથે વાત કરતી વખતે નિરાશ પણ થઈ જવાય. મીલેવી દુઃખી થઈને કહે છે: ‘મને જ્યારે જે કહેવું હોય એ કહી શકતી નથી ત્યારે મને બહુ ચીડ ચડે છે.’ પણ ભૂલો નહિ, એ નિરાશા જ તમને ભાષા શીખતા રહેવા પ્રેરે છે. માઈક યાદ કરે છે: ‘એક સમયે મને કોઈ જોક્સ કે વાર્તા સમજાતી ન હતી ત્યારે બહુ ગુસ્સો આવતો. પણ એવી લાગણીએ જ મને ભાષા શીખવા વધારે મહેનત કરવા ઉત્તેજન આપ્યું અને આજે હું એ સમજી શકું છું.’

બીજાઓ કઈ રીતે મદદ કરી શકે

નવી ભાષા શીખનારને એ ભાષા જાણતા લોકો કઈ રીતે મદદ કરી શકે? અગાઉ ઉલ્લેખ કર્યો હતો એ બીલ સલાહ આપે છે: ‘ધીરે ધીરે વાત કરો. પણ નાના બાળકોની જેમ બોલશો નહીં.’ જુલી કહે છે: ‘ધીરજ ધરો અને શીખનારને પોતાનું વાક્ય પૂરું કરવા દો.’ ટોની જૂના દિવસો યાદ કરતા કહે છે: ‘જે લોકો બે ભાષા જાણતા હતા તેઓ મારી માતૃભાષામાં જ મારી સાથે વાત કરતા હતા. એનાથી મારી પ્રગતિ ધીમી થઈ ગઈ.’ તેથી અમુક લોકોએ પોતાના મિત્રોને જણાવ્યું છે કે અમુક સમયે તેમની સાથે ફક્ત નવી ભાષામાં વાત કરે. તેમ જ, ક્યાં સુધારો કરવાની જરૂર છે એ પણ જણાવે. નવી ભાષા શીખનારની કોઈ દિલથી તારીફ કરે તો તેઓને બહુ સારું લાગે છે. જ્યોર્જ કહે છે: ‘મારા મિત્રોના પ્રેમ અને ઉત્તેજનથી હું આજે સફળતાની સીડી ચડી શક્યો છું.’

શું નવી ભાષા શીખવાથી ખરેખર ફાયદો થાય છે? બીલ જે ઘણી ભાષા બોલે છે તે એનો જવાબ આપે છે: “ચોક્કસ! એ કારણે હું હવે જીવનને અનેક પાસાંઓથી જોઈ શકું છું, વિચારી શકું છું. હવે હું દરેક બાબતને અલગ અલગ રીતે જોઈ શકું છું. સૌથી મોટી વાત એ છે કે હું બીજી ભાષા બોલતા લોકો સાથે બાઇબલ સ્ટડી કરું છું. તેઓને બાઇબલનું સત્ય સ્વીકારતા તથા ઈશ્વરની સેવામાં આગળ વધતા જોઉં છું ત્યારે મને ઘણી ખુશી થાય છે. એની આગળ નવી ભાષા શીખવા મેં જે કડી મહેનત કરી એ સાવ નહિવત્‌ લાગે છે. અરે, એક વાર તો બાર ભાષાઓ બોલતી એક વ્યક્તિએ મને કહ્યું હતું કે, ‘મને તારી અદેખાઈ આવે છે. હું તો શોખ ખાતર ભાષા શીખું છું. પણ તું તો ખરેખર લોકોને મદદ કરવા ભાષા શીખે છે.’ ” (g 3/07)

[Footnote]

^ ફેબ્રુઆરી ૮, ૨૦૦૦ના સજાગ બનો!ના પાન ૧૨-૧૩ જુઓ.

[Blurb on page 13]

બીજાઓને મદદ કરવાની તમન્‍ના નવી ભાષા શીખવા જબરજસ્ત પ્રેરણા આપે છે