સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નરમ સ્વભાવની વ્યક્તિ કમજોર છે?

નરમ સ્વભાવની વ્યક્તિ કમજોર છે?

બાઇબલ શું કહે છે

નરમ સ્વભાવની વ્યક્તિ કમજોર છે?

આજે જગતમાં અભિમાની લોકોનું જ રાજ. પણ નમ્ર લોકોને રોતલ ગણવામાં આવે છે. જાણે “હા-જી-હા” કહેનારા. પણ તમે શું માનો છો? શું નમ્રતા નબળાઈ છે? અભિમાન કરવું એ સારું કહેવાય? બાઇબલ એના વિષે શું કહે છે?

એ જાણવું જરૂરી છે કે બાઇબલ પ્રમાણે અમુક બાબતોમાં અભિમાન કરવું સારું છે. દાખલા તરીકે, આપણે વિશ્વના માલિક યહોવાહને ભજીએ છીએ. તે આપણને ઓળખે છે. શું એ જાણીને આપણી છાતી ગર્વથી ફુલાઈ જતી નથી? (ગીતશાસ્ત્ર ૪૭:૪; યિર્મેયાહ ૯:૨૪; ૨ થેસ્સાલોનીકી ૧:૩, ૪) જ્યારે બાળકો ઈશ્વરનું જ્ઞાન દિલમાં ઉતારે, હિંમતથી યહોવાહને પકડી રાખે, ત્યારે માબાપ પણ ગર્વથી ફુલાઈ જાય છે. (નીતિવચનો ૨૭:૧૧) ગર્વ અને અભિમાનનું એક બીજું રૂપ પણ છે. આ રૂપ કંઈ સારુ નથી.

કોણ ચઢિયાતું, અભિમાની કે નમ્ર?

અભિમાન શબ્દનો એક અર્થ એ છે કે પોતાને મહાન માનવું. આવા લોકો પોતાને બીજાઓથી ઊંચા ગણે છે. તેઓ કેમ આમ ફુલાઈ જતા હોય શકે? કદાચ તેઓને લાગે કે તેઓ દેખાવડા છે. ઊંચી નાત-જાતના છે. સમાજમાં મોટું નામ છે. ખૂબ હોશિયાર અથવા પૈસાદાર છે. (યાકૂબ ૪:૧૩-૧૬) બાઇબલ “અભિમાનથી ફુલાઈ” જતા માણસો વિષે વાત કરે છે. (૨ તીમોથી ૩:૪, પ્રેમસંદેશ) કોઈ કારણ વગર તેઓ માનવા લાગે કે પોતે જ કંઈક છે.

નમ્ર સ્વભાવના લોકો વિષે શું? તેઓ પોતાને બીજાઓ કરતાં ઊંચા નથી ગણતા. પોતાને મામૂલી ગણે છે, ભૂલને પાત્ર ગણે છે. (૧ પીતર ૫:૬) બીજાઓના સારા સારા ગુણો પારખી શકે છે અને એ જોઈને તેઓને આનંદ થાય છે. (ફિલિપી ૨:૩) બીજાઓની સફળતા જોઈને અદેખાઈ કરતા નથી. ઇર્ષાની આગમાં સળગી ઊઠતા નથી. (ગલાતી ૫:૨૬) આપણે સમજી શકીએ છીએ કે નમ્ર લોકો શા માટે સારા સંબંધો બાંધી શકે છે. તેઓ પોતાની લાગણીઓ પર કાબૂ રાખે છે. જીવ બાળતા નથી.

ઈસુનો વિચાર કરો. પૃથ્વી પર આવ્યા પહેલાં તે સ્વર્ગમાં શક્તિશાળી દૂત હતા. પૃથ્વી પર આવ્યા ત્યારે પણ તે પવિત્ર હતા. તેમનામાં જરાય બૂરાઈ ન હતી. (યોહાન ૧૭:૫; ૧ પીતર ૨:૨૧, ૨૨) ઈસુની આવડત, હોશિયારી અને જ્ઞાનની તોલે કોઈ ન આવી શકે. છતાં તે ફુલાઈ ન ગયા, પણ નમ્ર રહ્યા. (ફિલિપી ૨:૬) વિશ્વના માલિકના પુત્ર હતા છતાં તેમણે શિષ્યોના પગ ધોયા. અરે, નાનાં નાનાં બાળકોને પણ પ્રેમ બતાવ્યો. (લુક ૧૮:૧૫, ૧૬; યોહાન ૧૩:૪, ૫) ઈસુએ એક નાના બાળકને બોલાવીને લોકોની વચ્ચે ઊભું રાખીને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: જ્યાં સુધી તમે પાછા નહિ ફરો, અને બાળકોના જેવા નહિ બનો, ત્યાં સુધી તમે આકાશના રાજમાં પ્રવેશ પામશો નહિ. જે કોઈ પોતાને આ બાળકના જેવું નમ્ર બનાવે છે તે જ આકાશના રાજમાં મહાન છે.” (માત્થી ૧૮:૨-૪) ઈસુની અને ઈશ્વરની નજરમાં, ઘમંડી નહિ, પણ નમ્ર લોકો મહાન છે.—યાકૂબ ૪:૧૦.

નમ્રતામાં બળ

ઈસુ સર્વ માણસો કરતાં ખૂબ જ નમ્ર હતા. છતાં તે નબળા કે “હા-જી-હા” કરનારા ન હતા. તેમણે હિંમતથી લોકોને સત્ય શીખવ્યું. સત્ય શીખવવામાં માણસનો ડર ન રાખ્યો. (માત્થી ૨૩:૧-૩૩; યોહાન ૮:૧૩, ૪૪-૪૭; ૧૯:૧૦, ૧૧) નમ્ર સ્વભાવથી લોકોનાં દિલ જીતી લીધાં. અરે વિરોધીઓ પણ તેમને માન આપતા હતા. (માર્ક ૧૨:૧૩, ૧૭; ૧૫:૫) ઈસુએ કોઈના પર હુકમ ચલાવ્યો નહીં. એને બદલે ઈસુએ પ્રેમ, દયા અને નમ્રતાથી લોકોનાં દિલ જીત્યાં. એવી જીત કોઈ ઘમંડી કે અભિમાની માણસ ન મેળવી શકે. (માત્થી ૧૧:૨૮-૩૦; યોહાન ૧૩:૧; ૨ કોરીંથી ૫:૧૪, ૧૫) આજે પણ લાખો ઈસુને પગલે ચાલી રહ્યા છે, કારણ કે તેઓ તેમને ખૂબ ચાહે છે.—પ્રકટીકરણ ૭:૯, ૧૦.

બાઇબલ આપણને નમ્ર બનવા માટે ઉત્તેજન આપે છે. શા માટે? કારણ કે યહોવાહ આપણને તેમની રીતે ઘડી શકે. નમ્ર લોકોને સત્ય શીખવામાં ઘણો આનંદ મળે છે. (લુક ૧૦:૨૧; કોલોસી ૩:૧૦, ૧૨) આપોલસ નામના એક ઈશ્વરભક્તનો વિચાર કરો. તે પોતે બીજાઓને સરસ રીતે શીખવી શકતા હતા. તોપણ, તે પોતે શીખવા તૈયાર હતા. નમ્ર લોકો પોતે શીખવા તૈયાર હોય છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૨૪-૨૬) તેઓ કંઈ જાણતા ન હોય તો પૂછવામાં શરમાતા નથી. જ્યારે કે અભિમાની વ્યક્તિ, પોતાની અજ્ઞાનતા છુપાવવા માટે પ્રશ્ન નહિ પૂછે.

પ્રથમ સદીના ઇથિયોપિયાના એક ખોજા વિષે વિચાર કરો. તે બાઇબલના અમુક ભાગ વાંચતો હતો. એટલામાં ઈશ્વરભક્ત ફિલિપ તેની પાસે જઈને પૂછે છે: “તું જે વાંચે છે તે શું તું સમજે છે?” તે જવાબ આપે છે કે “કોઈના સમજાવ્યા સિવાય હું કેમ કરીને સમજી શકું?” આ જ ખરી નમ્રતા કહેવાય! આ ખોજો કોઈ મામૂલી માણસ ન હતો. તે પોતાના દેશનો મોટો અધિકારી હતો. તે નમ્ર હતો એટલે જ તેને ઈશ્વરનું સત્ય જાણવા મળ્યું.—પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૬-૩૮.

આ ખોજાનો સ્વભાવ અને યહુદી ધર્મગુરુઓનો સ્વભાવ, બંનેમાં આભ-જમીનનો ફરક! ધર્મગુરુઓ પોતાને જ મહાન ગણતા, જાણે દેશના બાદશાહ ના હોય. (માત્થી ૨૩:૫-૭) ઈસુ અને તેમના શિષ્યોનું નમ્રતાથી સાંભળવાને બદલે, તેઓએ ફરિયાદ કરી. તેઓને નકામા કચરા જેવા ગણ્યા, તેઓની મશ્કરી કરી. ઘમંડના લીધે તેઓ અંધકારમાં ભટકતા રહ્યા, ઈશ્વરનું ખરૂં જ્ઞાન જાણી ન શક્યા.—યોહાન ૭:૩૨, ૪૭-૪૯; પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯-૩૩.

તમે નરમ માટી કે કઠણ માટી જેવા છો?

બાઇબલ યહોવાહને કુંભાર અને આપણને માટી સાથે સરખાવે છે. (યશાયાહ ૬૪:૮) આપણે નરમ માટી જેવા હોઈશું તો યહોવાહ આપણને જેવો ઘાટ આપવો હોય એવો આપી શકશે. ઘમંડીઓની વાત જુદી છે. તેઓ કઠણ માટી જેવા છે. એવી માટીને ફેંકી દેવી પડે છે. ઇજિપ્તના રાજા ફારૂનનું એવું જ થયું. તેણે પોતાનું હૃદય કઠણ કર્યું, યહોવાહનું ન માન્યું. તેથી પોતાનો જીવ ગુમાવ્યો. (નિર્ગમન ૫:૨; ૯:૧૭; ગીતશાસ્ત્ર ૧૩૬:૧૫) ફારૂનના મોતમાંથી આપણે શું શીખી શકીએ? બાઇબલ કહે છે: “અભિમાન વિનાશને નોતરે છે, અને ઘમંડ પડતીને.”—સુભાષિતો (નીતિવચનો) ૧૬:૧૮, સંપૂર્ણ.

ખરું કે યહોવાહના ભક્તોમાં પણ અમુક અભિમાની હોય શકે. ઈસુના શિષ્યો ઘણી વખત ઝઘડી પડતા કે તેઓમાં મોટો કોણ. (લુક ૨૨:૨૪-૨૭) શું તેઓ અભિમાનની જાળમાં જ ફસાઈ રહ્યા? ના, તેઓએ ઈસુનું માન્યું અને પોતાનો સ્વભાવ બદલ્યો.

રાજા સુલેમાને લખ્યું: “ધન, આબરૂ તથા જીવન એ નમ્રતાનાં અને યહોવાહના ભયનાં ફળ છે.” (નીતિવચનો ૨૨:૪) નમ્રતા કેળવવામાં આપણું જ ભલું છે! નમ્રતામાં બળ છે. પ્રીતિ છે. એ આપણને યહોવાહ સાથે અતૂટ નાતો બાંધવા મદદ કરે છે. અમર જીવનની આશા આપે છે.—૨ શમૂએલ ૨૨:૨૮; યાકૂબ ૪:૧૦. (g 3/07)

શું તમે કદી વિચાર્યું છે?

▪ શું બાઇબલ દરેક બાબતમાં અભિમાન કરવાને ખરાબ ગણે છે? ૨ થેસ્સાલોનીકી ૧:૩, ૪.

▪ શું યહોવાહના ભક્તોએ પણ નમ્રતા કેળવવાની જરૂર છે?લુક ૨૨:૨૪-૨૭.

▪ શીખવા માટે કેમ નમ્રતાની જરૂર છે?પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૬-૩૮.

▪ નમ્ર લોકોનું ભાવિ કેવું છે?નીતિવચનો ૨૨:૪.

[Picture on page 20, 21]

ઈસુ નમ્ર હતા એટલે જ બાળકો તેમની ગોદમાં આવી જતા