સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સાયન્સ પાસે ઇલાજ છે?

સાયન્સ પાસે ઇલાજ છે?

સાયન્સ પાસે ઇલાજ છે?

શું બાઇબલ એવું શીખવે છે કે ઇન્સાન બીમારી પર જીત મેળવશે? શું મૉડર્ન સાયન્સ બધી બીમારીઓ મિટાવી દેશે? આજે સાયન્સની પ્રગતિ જોતા, ઘણા માને છે કે એક દિવસ એવો આવશે જ્યારે બીમારી હશે જ નહિ.

આજે અનેક સરકારો ને સંસ્થાઓ બીમારી મિટાવવા યુનાઈટેડ નેશન્સને જે રીતે સાથ આપે છે, એવું પહેલાં બન્યું નથી. જેમ કે, ગરીબ દેશોનાં બાળકોને બીમારી સામે લડવા રસી આપવા, તેઓ ઘણી મહેનત કરે છે. યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડના કહેવા પ્રમાણે, જો બધા જ ગરીબ દેશોમાં આમ થશે, તો ૨૦૧૫ સુધીમાં સાત કરોડથી વધારે બાળકોને દર વર્ષે એવી રસી મળશે. તેઓ આવી બીમારીના મોંમાંથી બચી જઈ શકે: ટીબી, ગળાનો રોગ (ડિપ્થેરિયા), ધનુર્વા (ટેટ્‌નસ), મોટી ઉધરસ (વ્હૂપિંગ કૉફ), ઓરી, અછબડા, કમળો, મેનિન્જાઇટિસ, રક્તનો રોગ (હિમોફિલિયા ટાઇપ બી), યકૃતનો સોજો (હૅપટાઇટિસ બી), પોલિઓ, ઝાડા થવા (રોટાવાઈરસ), ન્યુમોનિયા, મેનિંગોક્સ અને મગજ પર સોજો (જાપાની ઈનસિફૈલાઈટિસ). એ સાથે સારા ખોરાક-પાણી પૂરા પાડીને, ચોખ્ખાઈનું શિક્ષણ પણ આપવામાં આવે છે.

જોકે વૈજ્ઞાનિકો એથી પણ વધારે કરવા ચાહે છે. આજની ટેક્નૉલૉજીના યુગમાં તેઓ રોગો સામે લડવા નવાં નવાં સાધનો શોધી રહ્યા છે. કહેવામાં આવે છે કે દર આઠ વર્ષે વૈજ્ઞાનિકોનું જ્ઞાન ડબલ થાય છે. જુદી જુદી બીમારીઓ સામે લડવા તેઓએ અમુક સાધનો શોધ્યાં છે. એમાંનાં અમુક આ રહ્યાં:

ઍક્સ-રે છેલ્લાં ત્રીસેક વર્ષોથી ડૉક્ટરો હૉસ્પિટલોમાં સી.ટી. સ્કેન લે છે. સી.ટી. સ્કેન એટલે કૉમ્પ્યુટૅડ ટોમૉગ્રાફી. સી.ટી. સ્કેન લેતું મશીન શરીરની ત્રણેય બાજુથી ઍક્સ-રે લઈ શકે છે. એ રીતે શરીરનો અંદરનો ભાગ જોઈને ડૉક્ટરોને દરદીની બીમારી પારખવા મદદ મળે છે.

ઘણા માને છે કે ઍક્સ-રેનાં કિરણો દરદીને નુકસાન કરે છે. તોપણ મેડિકલ ઍક્સપર્ટોનું માનવું છે કે જતા દિવસે એવાં ઍક્સ-રે મશીનો નીકળશે, જેનાથી વધારે ફાયદો થશે. મીખાએલ વનીર શિકાગો યુનિવર્સિટીની હૉસ્પિટલમાં રેડિયોલૉજીના પ્રોફેસર છે. તેમણે કહ્યું: “ગયાં થોડાંક જ વર્ષમાં એટલી પ્રગતિ થઈ છે કે મગજ કામ ન કરે.”

આજે સી.ટી. સ્કેનનાં મશીન વધારે ઝડપી, ઍક્યુરેટ અને સસ્તાં છે. ઝડપી મશીનોથી બહુ જ ફાયદો થાય છે. ખાસ કરીને જ્યારે હૃદયનો સ્કેન કે ફોટો લેવાનો હોય. હૃદયના ધબકારા ચાલુ જ હોવાથી, પહેલાં ઍક્સ-રે એટલા ચોખ્ખા આવતા નહિ. ધૂંધળા કે ઝાંખા આવતા. એટલે હૃદયમાં શું તકલીફ છે એ નક્કી કરવું અઘરું બનતું. ન્યૂ સાયન્ટિસ્ટ મૅગેઝિન કહે છે કે હવેનાં સી.ટી. સ્કેન મશીન તો ‘ચપટી વગાડતા શરીર ફરતેનો સ્કેન લઈ લે છે. એટલી ઝડપે તો હૃદય પણ ધબકતું નથી.’ એટલે ઍક્સ-રે એકદમ ચોખ્ખો આવે છે.

શરીરમાં જ્યાં દુઃખાવો હોય એવી જગ્યાએ ડૉક્ટરો એકદમ ઝીણવટથી ઍક્સ-રે લઈ શકે છે. તેઓ એ પણ જોઈ શકે છે કે એટલા ભાગમાં શરીરના કૅમિકલ કેવી રીતે કામ કરી રહ્યા છે, ત્યાં શું થઈ રહ્યું છે. લાગે છે કે વ્યક્તિને કૅન્સરની શરૂઆત થાય એવામાં જ આવા મશીનથી પારખી શકાશે.

રૉબોટની મદદથી થતી સર્જરી વર્ષો પહેલાં વૈજ્ઞાનિકોનું સપનું હતું કે રૉબોટ ડૉક્ટરોને સર્જરી કરવા મદદ કરશે. આજે એ સાચું પડી રહ્યું છે. રૉબોટની મદદથી હજારો લોકોની સર્જરી થઈ છે. અમુક સર્જનો રિમોટ કંટ્રોલથી ઘણા હાથવાળું રૉબોટ વાપરે છે. એના હાથમાં ઑપરેશન કરવાનું ચપ્પું, કાતર, કેમેરા અને ડામ દેવા કે બાળવાનાં અનેક સાધન હોય છે. આવી ટેક્નૉલૉજીથી સર્જનો અટપટાં ઑપરેશન સહેલાઈથી કરી શકે છે. ન્યૂ સાયન્ટિસ્ટ મૅગેઝિન કહે છે: “આ રીતે સર્જરી કરતા ડૉક્ટરોએ અનુભવ્યું છે કે એમાં દરદી ઓછું લોહી ગુમાવે છે. ઓછો દુખાવો થાય છે. જોખમો ઘટી જાય છે. હૉસ્પિટલમાં ઓછો સમય રહેવું પડે છે. રૉબોટ સર્જરીથી મોટા કાપ મૂકવા પડતા નથી. એટલે દરદી જલદી સાજો થઈ જાય છે.”

નેનૉમેડિસિન એ શું છે? દરદીને સારવાર આપવા વપરાતાં રેતીના કણથી પણ નાનાં હોય, એવા મશીન. જેઓને આવી ટેક્નૉલૉજી પ્રિય છે તેઓનું માનવું છે કે આવતા દિવસોમાં સાયન્ટિસ્ટ આંખે જોઈ પણ ન શકાય એવાં ટચૂકડાં સાધનો બનાવશે. એ કૉમ્પ્યુટરથી ચાલશે. એના વડે દરદીને સારવાર આપી શકાશે.

ડૉક્ટરોનું માનવું છે કે જતા દિવસે એ સાધન બહુ જ ઉપયોગી થશે. એ સાધન નસમાં મૂકવામાં આવશે. નસમાં કચરો આવી ગયો હોય, મગજના કોશમાં છારી બાજી ગઈ હોય એ એનાથી શોધી ને કાઢી શકાશે. ખરાબ વાઈરસ, બૅક્ટેરિયા કે જીવાણુ મારી શકાશે. શરીરમાં જ્યાં ખરાબી હોય ત્યાં એનાથી ઑક્સિજન અને દવા પણ પહોંચાડી શકાશે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે વ્યક્તિને કૅન્સર થવા લાગે, એની શરૂઆતમાં જ, એ સાધનથી પારખી શકાશે. ડૉ. શમૂએલ વિકલાઇન મેડિસિન, ફિઝિક્સ અને બાયોમેડિસીનના પ્રોફેસર છે. તેમણે કહ્યું: “વ્યક્તિમાં કૅન્સરનો ફણગો ફૂટે એ પહેલાં પારખવાની, યોગ્ય જગ્યાએ જોઈતી દવા પહોંચાડવાની અનેક શક્યતાઓ રહેલી છે. દવાથી થતી આડી અસરો પણ ઘટાડવાની શક્યતા છે.”

કદાચ આપણને લાગશે કે આ તો બધાં સપનાં જ છે. પણ સાયન્ટિસ્ટો એવું માનતા નથી. તેઓનું માનવું છે કે દસેક વર્ષમાં આવાં સાધનો આવશે. એનાથી શરીરના કોષ રિપૅર કરીને એમાં સુધારો કરી શકાશે. એક સાયન્ટિસ્ટનું કહેવું છે: ‘નેનૉમેડિસિન નામનું એ ટચૂકડું મશીન વીસમી સદીના બધા જ રોગને, દુઃખ-દરદને દફનાવી દેશે. ઇન્સાન પોતાની કળા વધુ સારી રીતે વિકસાવી શકશે.’ પ્રાણીને સારવાર આપતા વૈજ્ઞાનિકો એ મશીન વાપરે છે અને સફળ થયા છે.

જીનોમિક્સ જીન કે જનીનના અભ્યાસને જીનોમિક્સ કહેવાય. મનુષ્યનો દરેક કોષ અનેક ભાગોનો બનેલો હોય છે, જે જીવન માટે મહત્ત્વના છે. એમાંનો એક છે જીન કે જનીન. આપણા દરેકમાં ૩૫,૦૦૦ જેટલા જનીન હોય છે. એમાં જાણે વ્યક્તિનો નકશો હોય છે. જેમ કે વાળ ને ચામડીનો રંગ, ઊંચાઈ, દેખાવ અને એવી અનેક બાબતો જીન્સમાં હોય છે. આપણા અંગો કેવાં કામ કરશે, એ પણ જીન્સ નક્કી કરતું હોય છે.

ઘણા સંશોધકોનું માનવું છે કે જનીનને નુકસાન થાય ત્યારે, આપણી તંદુરસ્તી બગડે છે. બીમારી થાય છે. માબાપ પાસેથી આપણને એવા જીન્સ વારસામાં મળ્યા હોય શકે. આપણી આસપાસનું વાતાવરણ, પાણી કે હવામાન ખરાબ હોવાને કારણે અમુક જનીનને નુકસાન પહોંચ્યું હોઈ શકે.

વૈજ્ઞાનિકો આશા રાખે છે કે થોડા જ સમયમાં રોગ ફેલાવતા જીન્સ તેઓ પારખી શકશે. પછી, આપણે બીમાર થઈએ એ પહેલાં ચેતવણી આપી શકશે. ડૉક્ટરો એ પણ સમજી શકશે કે અમુકને બીજા કરતાં કૅન્સર થવાની શક્યતા કેમ વધારે રહેલી છે. કૅન્સર કેમ અમુક લોકોને વધારે હેરાન કરે છે. જીનોમિક્સ કદાચ એ સમજવા મદદ કરશે કે અમુક દવા કેમ કોઈના પર કામ કરે ને કોઈના પર નહિ.

જીન્સ વિષે જાણવાથી ડૉક્ટરો દરેક દરદીને જરૂરી હોય, એ પ્રમાણે દવા આપી શકશે. આવી ટેક્નૉલૉજીથી આપણને શું ફાયદો થશે? દરદીના જીન્સને માફક આવે એવી જ દવા બનાવીને આપી શકાશે. એક દાખલો લઈએ. તમે હજી બીમાર પડ્યા નથી. પણ ડૉક્ટરો કદાચ તમારા જીન્સ પરથી પારખી શકશે કે કેવી બીમારી થવાની શક્યતા છે. જરૂરી સારવાર, ડાયેટ અને જીવનમાં જરૂરી ફેરફારો કરવાથી, કદાચ એ રોગને ભગાડી પણ શકાય.

કદાચ ડૉક્ટરો એનાથી જોઈ શકશે કે કેવી દવા તમને માફક આવશે ને કેવી નહિ. ધ બોસ્ટન ગ્લોબ ન્યૂઝપેપરે કહ્યું: “૨૦૨૦ સુધીમાં આપણે ધારીએ છીએ એના કરતાં વધારે પ્રગતિ થશે. દરેક વ્યક્તિના જીન્સ પ્રમાણે, તેને જરૂર હોય એવી જ દવા બનાવીને આપવામાં આવશે. આજે સમાજમાં લોકોને ભરખી રહી છે, એવી અનેક ખતરનાક બીમારીઓ માટે દવા બનાવવામાં આવશે. જેમ કે, ડાયાબિટીસ, હૃદયરોગ, ઍલ્ઝાઈમર, સ્કિઝોફ્રેનિયા.”

વિજ્ઞાન તો ઘણાં જ વચનો આપે છે. એમાંથી આપણે અમુકની જ ચર્ચા કરી છે. ખરું કે બીમારી વિષેની સમજણ ઘણી વધી રહી છે. તોપણ વૈજ્ઞાનિકોને લાગતું નથી કે કોઈ જ બીમારીઓ નહિ હોય, એવી દુનિયા જલદી જ આવશે. તેઓએ હજી ઘણી નડતરો દૂર કરવાની બાકી છે.

મોટી મોટી નડતરો

ઇન્સાનના જીવન પરથી એવું લાગે છે કે છે બીમારી ન હોય એવી દુનિયા આવતા વાર લાગશે. એક દાખલો લઈએ. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઇન્સાને પૃથ્વીના વાતાવરણને બહુ નુકસાન કર્યું છે. એનાથી નવા નવા ખતરનાક રોગો આવ્યા છે. ન્યૂઝવીક મૅગેઝિને, વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના પ્રેસિડન્ટ મેરી પર્લનું ઇન્ટર્વ્યૂં લીધું. તેમણે કહ્યું: “૧૯૭૫થી આજ સુધી ત્રીસેક નવા રોગો આવ્યા છે. જેમ કે, એઇડ્‌સ, ઇબૉલા વાઇરસ, લાઇમ રોગ અને સાર્સ. એમાંના મોટા ભાગના રોગો ઇન્સાનને પ્રાણીઓમાંથી થયા છે.”

એ ઉપરાંત લોકો પૂરતું શાક-ભાજી ને ફળો ખાતા નથી. વધારે ને વધારે ગળ્યું, ખારું અને તેલવાળું ખાય છે. શરીર કસાય એવું કામ કરતા નથી. આવાં કારણોથી હૃદયની બીમારીઓ થાય છે. લાખો લોકો સ્મોકિંગ કરે છે, દારૂ ને ડ્રગ્સ લે છે. એટલે તંદુરસ્તી બગાડે છે ને લાખો મરણ પણ પામે છે. દર વર્ષે બે કરોડથી વધારે લોકોને ઍક્સિડન્ટમાં વાગે છે, અપંગ થાય છે. અમુક તો મરણ પણ પામે છે. યુદ્ધો ને લડાઈ-ઝઘડામાં અસંખ્ય લોકો મરે છે અથવા અપંગ બની જાય છે.

મેડિકલ રીતે ભલે ગમે એટલી પ્રગતિ થઈ હોય, છતાં અલગ-અલગ કારણથી બીમારી થયા કરે છે. એમાંની ઘણી બીમારીઓ લોકોનો ભોગ લે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના કહેવા પ્રમાણે ‘૧૫ કરોડથી વધારે લોકો ડિપ્રેશનની મુઠ્ઠીમાં છે. ૨ કરોડ ૫૦ લાખ મગજની બીમારીના (સ્કિઝોફ્રેનિઆ) ગુલામ છે. ૩ કરોડ ૮૦ લાખ લોકો એપીલેપ્સી કે ખેંચ આવવાના રોગથી પીડાય છે.’ એચઆઇવી/એઇડ્‌સ, ઝાડા કે મરડો, મૅલેરિયા, ઓરી, ન્યુમોનિયા, ટીબીથી પણ લાખો લોકો પીડાય છે. અરે, નાનાં-મોટાં લાખો બાળકોને પણ મારી નાખે છે.

બીજી પહાડ જેવી અનેક નડતરો પણ છે. સરકારો ને ગરીબી. એ મોટી નડતરો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના કહેવા પ્રમાણે, જો સરકાર પૂરતા પૈસા આપે ને પ્રજાને સારવાર આપવા મદદ કરે, તો લાખો લોકો ચેપી રોગોથી બચી જાય.

શું મૉડર્ન સાયન્સ ને ટેક્નૉલૉજીથી પહાડ જેવી નડતરો દૂર થશે? આપણા જીવનમાં એવો ટાઇમ આવશે, જ્યારે બીમારી જ નહિ હોય? આપણે અહીં સુધી જે જોયું એના પરથી લાગતું નથી. પણ બાઇબલમાં ઈશ્વરે વરદાન આપ્યું છે કે એવો ટાઇમ ચોક્કસ આવશે જ. ચાલો આપણે એના વિષે જોઈએ. (g 1/07)

[Box/Pictures on page 7]

ઍક્સ-રે

ઍક્સ-રે ચોખ્ખા ને એક્યુરેટ હોવાથી, બીમારીની શરૂઆતમાં જ એ કદાચ પારખી શકાય

[Credit Lines]

© Philips

Siemens AG

રૉબોટની મદદથી થતી સર્જરી

રૉબોટની મદદથી અટપટાં ઑપરેશન આસાનીથી થઈ શકે

[Credit Line]

© 2006 Intuitive Surgical, Inc.

નૅનોમેડિસિન

રેતીના કણથી પણ નાનાં મશીનથી ડૉક્ટરો કદાચ દરદીને સારવાર આપી શકશે. અહીં બતાવે છે તેમ રક્તકણોની જેમ એ સાધન કામ કરશે

[Credit Lines]

Artist: Vik Olliver (vik@diamondage.co.nz)/Designer: Robert Freitas

જીનોમિક્સ

વૈજ્ઞાનિકો આશા રાખે છે કે એક દિવસ વ્યક્તિના જિન્સની સ્ટડી કરીને, તે બીમાર થાય એ પહેલાં સારવાર આપી શકાશે

[Credit Line]

Chromosomes: © Phanie/Photo Researchers, Inc.

[Box on page 8, 9]

છ શિકારી રાક્ષસો

આજે મેડિકલ અને ટેક્નૉલૉજીમાં દુનિયા બહુ આગળ નીકળી ગઈ છે. છતાં પણ ચેપી રોગો આપણો પીછો છોડતા નથી. નીચે જણાવેલા છ રોગો જાણે ભૂખ્યા રાક્ષસની જેમ લોકોનો શિકાર કરે છે.

એચઆઈવી/એઇડ્‌સ

લગભગ છ કરોડ લોકોને એચઆઈવીનો ચેપ લાગ્યો છે. લગભગ બે કરોડ લોકો એઇડ્‌સના ભોગ બની ચૂક્યા છે. ૨૦૦૫ની સાલમાં બીજા ૫૦ લાખ લોકોને એનો ચેપ લાગ્યો છે. ૩૦ લાખથી વધારે લોકો એઇડ્‌સને લીધે માર્યા ગયા. એમાં પાંચ લાખથી વધારે બાળકો હતાં. એચઆઈવીનો શિકાર બનેલા મોટા ભાગના લોકોને પૂરતી સારવાર મળી શકે તેમ નથી.

ઝાડા થવા

દર વર્ષે ઝાડા કે ડાયેરિયાને લીધે ચાર અબજ લોકો બીમાર પડે છે. ગરીબ દેશોનો એ જાની દુશ્મન. ઝાડા શાને લીધે થાય છે? ચોખ્ખું પાણી કે ખોરાક ન મળવાથી. વ્યક્તિ પોતે ચોખ્ખી ન હોય એના લીધે પણ ઝાડા જેવા ચેપી રોગો થઈ શકે છે. એનાથી દર વર્ષે વીસેક લાખ લોકોએ મોતને શરણે થવું પડે છે.

મૅલેરિયા

મૅલેરિયાને લીધે દર વર્ષે ત્રીસેક કરોડ લોકો બીમાર થાય છે. દર વર્ષે દસેક લાખ લોકો જાન ગુમાવે છે, જેમાં ઘણાં બાળકો છે. આફ્રિકામાં મૅલેરિયાનો રાક્ષસ દર ૩૦ સેકન્ડે એક બાળક ઓહિયાં કરી જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના કહેવા પ્રમાણે, ‘સાયન્સ પાસે મૅલેરિયાનો કોઈ ઇલાજ નથી. કદીયે એવો ઇલાજ શોધાશે, એની ઘણાને શંકા છે.’

અછબડા

૨૦૦૩માં પાંચેક લાખ લોકો અછબડાથી માર્યા ગયા. એ બહુ જ ચેપી છે. એના લીધે ફૂલ જેવાં ઘણાં બાળકોની જિંદગી ખીલતા પહેલાં જ કરમાઈ ગઈ છે. છેલ્લાં ૪૦ વર્ષોથી એના માટેનું ઇંજેક્શન શોધાયું છે. એ કામયાબ ને સસ્તું છે. તોપણ, દર વર્ષે ત્રણેક કરોડ લોકોને અછબડા થાય છે.

ન્યુમોનિયા

વિશ્વ આરોગ્ય સંસ્થા દાવો કરે છે કે ન્યુમોનિયા જેવો ચેપી રોગ બીજો કોઈ નહિ. એનો સૌથી વધારે ભોગ બાળકો બને છે. દર વર્ષે પાંચ વર્ષથી નાની ઉંમરે વીસેક લાખ બાળકો ન્યુમોનિયામાં ગુજરી જાય છે. મોટે ભાગે આફ્રિકા અને દક્ષિણપૂર્વ એશિયામાં આવું બને છે. દુનિયામાં ઘણી જગ્યાએ દવાદારૂની પૂરતી સગવડ ન હોવાને લીધે, તેઓને જીવન બચાવનારી સારવાર મળતી નથી.

ક્ષયરોગ (ટીબી)

૨૦૦૩માં ટીબીના રોગે ૧૭ લાખ લોકોના જાન લીધા. આરોગ્ય ખાતાની મોટી ચિંતા એ છે કે ટીબીના બેક્ટેરિયા દવાથી ટેવાતા જાય છે, એટલે દવાની અસર ઓછી થાય છે. અમુક બેક્ટેરિયા પર તો ટીબીની મોટા ભાગની દવાની કોઈ અસર થતી નથી. એવા બેક્ટેરિયા ખાસ કરીને એવા દરદીઓમાં જોવા મળે છે જેઓને સારી સારવાર મળતી નથી અથવા પૂરેપૂરી સારવાર મળતી નથી.

[Box/Picture on page 9]

જાત-જાતની દવાઓ

આજ-કાલ ડૉક્ટરો વાપરતા ન હોય એવી ઘણી દવાઓ કે ઇલાજો પણ નીકળ્યા છે. એમાં દાદીમાનું વૈદું હોય છે, જ્યારે કે ઘણી બીજી સારવારો હોય છે. ગરીબ દેશોમાં લોકો મોટે ભાગે બીમારીના ઘરગથ્થુ ઉપાય કરતા હોય છે. એમાંના ઘણાને ડૉક્ટરનું બિલ પોષાય નહિ, કે પછી અમુકને ઘરની દવા જ માફક આવતી હોય.

હવે તો એવા ઇલાજો અમીર દેશોમાં બહુ ચાલે છે. ખાસ કરીને ઇલાજ માટે શરીરને સોયો ભોંકી સારવાર કરવાની ચીની રીત [એક્યુપંક્ચર], કરોડની કસરતથી થતી સારવાર [કિરોપ્રૅક્ટિક], હોમિયોપથી, કુદરતી સારવાર [નેચરોપથી] અને વનસ્પતિ કે મૂળિયાની દવા. એમાંની અમુક સારવાર પર વૈજ્ઞાનિક શોધ થઈ છે. અમુક દરદી માટે એ સારી પણ સાબિત થઈ છે. તોપણ, એનાથી બધાય દરદીઓને ફાયદો થશે એવી કોઈ ગૅરંટી નથી. દિવસે-દિવસે વધારે લોકો આવા ઇલાજો કરાવવા માંડ્યા છે. એટલે એવી સારવારો અને એના જોખમો વિષે સવાલ ઊભા થયા છે. ઘણા દેશોમાં એવી કઈ સારવાર આપવી, કેટલી આપવી, એવું કંઈ નક્કી નથી હોતું. એવા સંજોગોમાં જોખમ ઊભાં થઈ શકે. જેમ કે, લોકો ઘરના ડૉક્ટર બની જાય, ઊંટવૈદું કરવા માંડે, નકલી દવાથી છેતરાઈ જવાય. ભલે સગાં કે મિત્રો આપણું ભલું જ ચાહતા હોય, પણ તેઓ ડૉક્ટર તો નથી જ ને! એમ કરવા જતાં ‘ઊલમાંથી ચૂલમાં પડાય.’

અમુક દેશોમાં એવી સારવારો માટે નિયમો છે. એ સંજોગોમાં ડૉક્ટરો પણ એવી સારવારની કદર કરે છે. અરે, પોતાના દરદીઓને જરૂર હોય તો એવી સારવાર આપે પણ છે. તોપણ, એવી કોઈ આશા નથી કે એવી સારવારો એક દિવસ દુનિયામાંથી બીમારી મીટાવી દેશે.