સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ?

ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ?

ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ?

આજની દંતવિદ્યા આવી એ પહેલાં, લોકો દાંતના દુખાવાથી પીડાતા. લોકો નાની ઉંમરે બોખા થઈ જતા. ઘણાના દાંત ક્યાં તો કાળા પડી જતા, કે પછી વાંકા ઊગતા. અમુક દાંત પડી જતા. ઘરડા લોકોના દાંત ન હોવાથી તેઓ ચાવી ન શકતા. એટલે ભૂખે મરતા. પણ આજે દાંતના ડૉક્ટર કે ડેન્ટિસ્ટની મદદથી લોકો એ દુઃખથી આઝાદ થાય છે. હવે જીવનભર તેઓના દાંત સાચવી શકે છે. મોતી જેવા દાંત જોઈને આપણને પણ આનંદ થાય છે. આજના ડેન્ટિસ્ટો કઈ રીતે એ મહત્ત્વનું કામ કરે છે?

દાંતની સંભાળ રાખવા આપણને એના વિષે જાણકારી હોવી જોઈએ. નિયમિત ચેક-અપ કરાવીશું તો જલદી દાંત દુખશે નહિ ને પડશે નહિ. ઈસુએ કહ્યું: “જેઓ સાજાં છે તેઓને વૈદની અગત્ય નથી.” (લુક ૫:૩૧) અમુકને દાંતની સંભાળ રાખવા વિષે શિક્ષણ મળ્યું હોવાથી, તેઓને ક્યારેક જ દાંતના ડૉક્ટર પાસે જવું પડે છે. * ઘણાને ડેન્ટિસ્ટ પાસે જવાની જરૂર છે, પણ જતા નથી. અમુકને દાંતની બહુ પડી ન હોવાથી જતા નથી. ઘણાને ડેન્ટિસ્ટનો ખર્ચો પોસાતો નથી. અરે, ઘણાને તો ડેન્ટિસ્ટનું નામ સાંભળીને પણ પસીનો છૂટી જાય છે. તમારા સંજોગ ભલે ગમે તે હોય, પણ આ જાણવાની જરૂર છે: ડેન્ટિસ્ટ પાસે જવાથી શું ફાયદો થશે? એ જાણતા પહેલાં એ સમજવાની જરૂર છે કે ડેન્ટિસ્ટ કેવા રોગ દૂર કરવા મથે છે.

દાંત કેમ દુઃખે છે?

દાંતમાં દુખાવો ન થાય અને પડી ન જાય માટે ડેન્ટિસ્ટ તમને કઈ રીતે મદદ કરી શકે? તેમનું કહેવું કરવાથી. ડેન્ટિસ્ટ દાંત પર બાઝતી છારી કે પ્લાકમાં રહેતા બેક્ટિરિયા (જીવાણુ) દૂર કરવાનો પ્રયત્ન કરશે. દાંતમાં જ્યાં ખાવાનું ભરાયું હોય, ત્યાં બેક્ટિરિયા ફૂલેફાલે છે. તેઓ એમાં રહેલી મીઠાશને ઍસિડમાં બદલી નાખે છે. દાંત પર કઠણ મોતી જેવું ચમકતું આવરણ હોય છે, એને ઍસિડ નબળું બનાવી દે છે. છેવટે દાંત પોલો થઈને સડવા લાગે છે. શરૂઆતમાં તમને એની ખબર પણ ન પડે. જ્યારે સડો મૂળ સુધી પહોંચે, ત્યારે દાંત સણકા મારવા લાગે.

મોંમાં થતા બેક્ટિરિયાથી પ્લાક બને છે. એ બીજી રીતે પણ પરેશાન કરે છે. બ્રશ કરતી વખતે પ્લાક સંપૂર્ણ રીતે દૂર ન થાય, એટલે ધીમે ધીમે એ કઠણ થઈ જાય છે. એને ક્ષાર (કૅલક્યુલસ) પણ કહેવાય. એ જામવાથી અવાળાં કે પેઢાંમાં સોજો આવી શકે. પેઢાં સંકોચાઈ પણ શકે. દાંત ને અવાળાંમાં ખોરાક ભરાવા લાગે. એનાથી બૅક્ટિરિયાને મજા આવે. દાંત પર જામતી છારી કે પ્લાકને દૂર કરવા ડેન્ટિસ્ટ મદદ કરી શકે. સાથે સાથે તમારે પણ દાંત સાફ રાખવા જોઈએ. નહિતર દાંતનાં પેઢાંમાં રોગ લાગશે ને દાંત પડી જશે. લોકો પોતાના દાંતનું ધ્યાન રાખતા ન હોવાથી દાંત ગુમાવી બેસે છે.

દાંતને નુકસાન કરતા બેક્ટિરિયાથી લાળ રક્ષણ આપે છે. તમે જમો કે ફક્ત એક બિસ્કીટ ખાવ, મોંમાં રહેલા ખોરાક અને પ્લાકમાં રહેલા ઍસિડને સાફ કે ન્યુટ્રલાઇઝ કરવા લાળને ૧૫-૪૫ મિનિટ જોઈએ. તમે ખાધેલો ખોરાક ને ખાંડ તમારા દાંત સાથે કેટલા ચોંટેલા છે, એના પર એ આધાર રાખે છે. મોટા ભાગે એવા સમયે દાંતને નુકસાન થાય છે. તમે એકસાથે કેટલી મીઠી વસ્તુઓ ખાવ છો એ નહિ, પણ દિવસમાં કેટલી વાર ખાવ છો, એ પ્રમાણે દાંતને નુકસાન થાય છે. માનો કે રાતે તમે મીઠી વસ્તુ ખાધી અને દાંત બ્રશ કર્યા વગર સૂઈ જાવ. એનાથી દાંતને બહુ જ નુકસાન પહોંચે છે, કેમ કે તમે ઊંઘો ત્યારે મોંમાં બહુ લાળ થતી નથી. એવું ન થાય માટે જમ્યા પછી સુગર-ફ્રી ચૂઇંગ ગમ ચાવો. એનાથી મોંમાં વધારે લાળ થશે ને દાંતને રક્ષણ મળશે.

દાંતની સંભાળ

ડેન્ટિસ્ટનું કહેવું છે કે વર્ષમાં એકથી બે વાર દાંત ચેક-અપ કરાવવા જોઈએ. બાકી દાંતની હાલત કેવી છે, એ પ્રમાણે ચેક કરાવવું જોઈએ. તમે ચેક-અપ કરાવવા જશો ત્યારે મોટે ભાગે ડૉક્ટર ઍક્સ-રે લેશે. દાંતમાં સડો છે કે નહિ એ તપાસશે. દાંત સાફ કરતી વખતે દુખાવો ન થાય માટે જરૂર હોય તેમ, દાંતની આજુબાજુ ઇન્જેકશન આપશે. જો દાંત પોલો થયો હોય તો એ હાઇ-સ્પીડ ડ્રિલથી સાફ કરીને પોલાણ ભરશે. જો તમને ડર લાગતો હોય તો હવે ગભરાવાની જરૂર નથી. અમુક ડેન્ટિસ્ટ હવે લેસર કિરણો અથવા સડાને ઓગાળવાની દવા વાપરે છે. પછી ક્યારેક જ દર્દીને ઇન્જેકશન આપવાની જરૂર પડે છે. ડૉક્ટરો બાળકોના દાંતને ખૂબ જ ધ્યાનથી તપાસે છે. જેમ કે દાઢની સપાટી પર જો કોઈ ઇજા, તિરાડ કે ઉઝરડા પડ્યા હોય તો બ્રશથી એ સાફ રાખવું સહેલું નથી. ડૉક્ટર કદાચ સપાટી બંધ કરવા ત્યાં સીલંટ જેવો ગુંદર લગાવવાનું કહેશે. જેથી એ દાંત સાફ રાખવો સહેલું બને અને સડે નહિ.

ડેન્ટિસ્ટ હંમેશાં વિચારતા હોય છે કે મોટી ઉંમરના લોકોને દાંતના રોગ ન લાગે માટે શું કરી શકાય. ડેન્ટિસ્ટને તમારા દાંતની આસપાસ ક્ષાર કે છારી જામતી દેખાશે તો, તે ઘસીને એ સાફ કરી નાખશે. મોટે ભાગે લોકો બ્રશ કરે છે ત્યારે, દાંતનો અમુક ભાગ બરાબર સાફ થતો નથી. તમારા દાંતના ડૉક્ટર કદાચ તમને બતાવશે કે કેવી રીતે બ્રશ કરવાથી તમે દાંત સાફ રાખી શકો. અમુક ડેન્ટિસ્ટ પેશન્ટને ડેન્ટલ હાઇજિનિસ્ટ પાસે મોકલે છે. જેથી તેઓ સારી રીતે બતાવી શકે કે કેવી જગ્યાએ છારી બાઝે છે. એવી જગ્યાએ કઈ રીતે બ્રશ કરી શકાય.

દાંતની સારવાર

તમારા દાંત વાંકા ઊગે, કોઈ ઇજા થાય કે પડી જાય તો, હવે ચિંતા કરવાની જરૂર નથી. દાંતની સારવાર માટે અનેક રીતો શોધાઈ છે. જોકે એ કંઈ સસ્તી તો નથી. એટલે તમને પોષાય એમ ખરચો કરજો. તોપણ ઘણાનું માનવું છે કે મોતી જેવા દાંત રાખવા માટે ખરચો કરવામાં કંઈ ખોટું નથી. ડેન્ટિસ્ટ કદાચ તમારા દાંત સીધા કે રિપૅર કરી શકે, જેથી તમે બરાબર ખાય શકો. દાંત પરના ડાઘ દૂર કરી, મોતીની જેમ ચમકતા કરી આપી શકે. એમ કરવું સહેલું તો નથી, પણ પછી તમને એ સંતાડવા નહિ પડે.

જો આગળનો દાંત ભાંગી ગયો હોય કે એમાં ડાઘા પડી ગયા હોય તો ડૉક્ટર એના પર પોર્સેલિનનું પડ ચડાવવાનું કહેશે. એનો રંગ દાંતના જેવો જ હોવાથી, અસલ દાંત જ લાગશે. પણ જો દાંતને વધારે નુકસાન થયું હોય, તો ડેન્ટિસ્ટ એના પર મુકુટ કે ક્રાઉન પહેરાવવાનું કહેશે. આખો દાંત ઢંકાઈ જાય એવી રીતે એ ટોપી પોર્સેલિન કે સોનાની બનાવવામાં આવે છે. એનાથી તમને ચાવવા માટે નવી સપાટી મળે અને દાંત જેવો દાંત જ લાગે.

ડેન્ટિસ્ટ પડી ગયેલા દાંતનું કંઈ કરી શકે? દાંત પડી ગયો હોય તો એની જગ્યાએ કાઢી-પહેરી શકાય, એવું ચોકઠું બનાવી શકે. એકથી વધારે દાંત પડી ગયા હોય તો એની જગ્યાએ તે સાદો દંતસેતુ બનાવીને કાયમી રીતે પહેરાવી શકે. આજે બીજો એક ઇલાજ જાણીતો છે, જેને ઇમ્પ્લાન્ટ કહેવામાં આવે છે. એટલે કે પડી ગયેલા દાંતની જગ્યાએ નકલી દાંત બેસાડવો. નકલી દાંત પકડાવવા ડેન્ટિસ્ટ ત્યાં ટીટાનિયમ પ્લગ બેસાડે છે. જેથી રુઝ આવી ગયા પછી તે એમાં સ્ક્રૂની જેમ નકલી દાંત બેસાડી શકે. એ તમને અસલી દાંત જેવો જ લાગે.

વાંકાચૂંકા દાંત હોય તો વાત કરવાની કે છૂટથી હસવાની શરમ આવી શકે. સાફ રાખવા અઘરું બને. સહેલાઈથી રોગ લાગી શકે. ચાવવું અઘરું બની શકે. ચાવતી વખતે ઉપલા-નીચલા દાંત એકબીજાને બરાબર સ્પર્શે નહિ તો કદાચ દાંતમાં દુખાવો થઈ શકે. પણ ગભરાશો નહિ. ડેન્ટિસ્ટ વાંકા-ચૂંકા દાંતને તાર બાંધીને, બ્રેસ લગાવીને સીધા કરી શકે છે. આજે દંતવિદ્યામાં ખૂબ જ પ્રગતિ થઈ છે. દાંત બંધાવ્યા હોય તો મોટા ભાગે બીજાને ખબર પણ નથી પડતી. એને વારંવાર એડજસ્ટ પણ કરવા પડતા નથી.

ઘણી વાર મોંમાંથી વાસ આવે છે. અમુક ડેન્ટિસ્ટ હવે એના તરફ વધારે ધ્યાન આપવા લાગ્યા છે. અમુક ડેન્ટિસ્ટ પાસે એ પારખવાનાં સાધનો છે. મોટે ભાગે બધાના મોંમાંથી ક્યારેક તો વાસ આવે જ છે. અમુકના મોંમાંથી કાયમ વાસ આવે છે. એનાં ઘણાં કારણો છે. એક કારણ છે બેક્ટિરિયા. જીભ પર છેક પાછળ વધારે બેક્ટિરિયા હોય છે. જીભ પર બ્રશ કરવાથી કે ઊલ ઉતારવાથી મદદ મળી શકે. અથવા સુગર-ફ્રી ગમ ચાવવાથી લાળ વધે છે. દૂધ કે એમાંથી બનેલી વાનગી, માંસ-મચ્છી ખાધા પછી તો કોગળા કરવા જ જોઈએ.

ગભરાવ નહિ

ડેન્ટિસ્ટનું નામ સાંભળીને જ ગભરામણ થાય તો શું? ડેન્ટિસ્ટને જણાવો કે તમને શાનો ડર લાગે છે. તે તમને મદદ કરશે. તેમને પૂછો કે તે દાંતની સારવાર કરતા હોય અને તમને દુખાવો કે કંઈક થાય તો શું કરવું? એ જાણ્યા પછી ઘણાને સારવાર લેવા માટે હિંમત મળી છે.

તમને કદાચ ડર લાગે કે ડેન્ટિસ્ટ ખીજાશે. તમને તોડી પાડશે કે ‘તમારા દાંત સાવ બગડી ગયા છે. તમે બરાબર સાફ રાખતા નથી.’ પણ જો બધાને તેઓ એમ ખખડાવી નાખશે તો તેમની પાસે કોણ જશે? તેમનો ધંધો પણ પડી ભાંગશે. એટલે ગભરાવ નહિ. મોટે ભાગે ડેન્ટિસ્ટ ઘરાક સાથે પ્રેમથી બોલશે.

ઘણા લોકો ડેન્ટિસ્ટના બિલથી ગભરાતા હોય છે. જો થઈ શકે તો અવારનવાર દાંત ચેક કરાવો. હમણાં એમ કરશો તો જતા દિવસોમાં દાંતની સારવાર કરવા વધારે ખરચો નહિ કરવો પડે. આજે મોટે ભાગે બધે જ વ્યક્તિના ગજા પ્રમાણે દાંતની સારવાર મળી શકે છે. દાંતના સાદા ડૉક્ટર પાસે પણ દાંતનું ઍક્સ-રે મશીન અને હાઇ-સ્પીડ ડ્રિલ હોય છે. મોટા ભાગના ડેન્ટિસ્ટ એવી સારવાર આપે છે કે દર્દીને બહુ તકલીફ ન થાય. એ માટે તેઓ ઇન્જેક્શન આપે છે. એ પણ સસ્તાં હોય છે. અરે, ગરીબ લોકોને પણ એ પોષાઈ શકે છે.

ડેન્ટિસ્ટોનું કામ દુઃખ દૂર કરવાનું છે, વધારવાનું નહિ. બાપ-દાદાના જમાનામાં દર્દીને દાંતની સારવાર વખતે જે દુઃખ સહેવું પડતું, એવું આજે કોઈને સહેવું નથી પડતું. દાંત સારા રહેશે તો આપણે તંદુરસ્ત રહીશું. જીવનનો આનંદ માણીશું. ડેન્ટિસ્ટ આપણા દાંતનો દોસ્ત છે. એનાથી આપણને જ ફાયદો છે. તમે જાતે જ ડેન્ટિસ્ટને મળીને અનુભવી શકો. (g 5/07)

[Footnote]

^ આ લેખ બતાવે છે કે ડેન્ટિસ્ટ કઈ રીતે મદદ કરી શકે. પણ આપણે પોતે કઈ રીતે દાંતની સંભાળ રાખી શકીએ, એ વિષે નવેમ્બર ૮, ૨૦૦૫, અવૅક!માં આ લેખ હતો: “હાઉ કેન યુ પ્રોટેક્ટ યૉર સ્માઇલ.”

[Diagram on page 29]

(For fully formatted text, see publication)

સારા દાંતની રચના

મુકુટ

મીનાવરણ

દંતિન

મૃદુપેશી, ગુહાખંડમાં આવેલી નસો

મૂળ

પેઢું (જીન્જીવા)

હાડકું

[Diagram on page 29]

(For fully formatted text, see publication)

દાંતનો સડો

પોલાણ

પોલાણ ભરવાથી સડો અટકે છે

[Diagram on page 29]

(For fully formatted text, see publication)

પેઢાંનો રોગ

બ્રશ કે ફ્લૉસ કરીને પ્લાક દૂર કરવો જોઈએ

કેલક્યુલસ કે છારી જલદી દૂર થતી નથી. પેઢાં સંકોચાય છે

સંકોચાતાં અવાળાં

[Diagram on page 30]

(For fully formatted text, see publication)

દાંતની સારવાર

દાંત પર પડ ચોંટાડવું

ક્રાઉન

નકલી દાંત

કાયમી દંતસેતુ પકડી રાખવા, આજુબાજુના દાંત પર મુકુટ પહેરાવાય છે