સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરફ્યુમ બનાવનારનું માનીતું ફળ

પરફ્યુમ બનાવનારનું માનીતું ફળ

પરફ્યુમ બનાવનારનું માનીતું ફળ

ઇટલીના સજાગ બનો!ના લેખક તરફથી

સદીઓથી અત્તર કે સેન્ટ વપરાય છે. બાઇબલના જમાનામાં જેઓને પોષાય, તેઓ અત્તર વાપરતા. તેઓનાં ઘરો, કપડાં, ચાદર, તકિયામાંથી પણ મંદ મંદ ખુશબૂ આવતી. અત્તર બનાવવા કુંવારપાઠું, ખુશબોદાર તેલ, તજ અને બીજી સુગંધી ચીજો વપરાતી હતી.—નીતિવચનો ૭:૧૭; ગીતોનું ગીત ૪:૧૦, ૧૪.

આજે પણ ફળ-ફૂલોના રસ પરફ્યુમ બનાવવામાં વપરાય છે. હું અને મારી પત્ની ઇટલીના દક્ષિણ તરફના દ્વીપકલ્પ, કલાબ્રિયા આવ્યા છીએ, જ્યાં અત્તર બનાવવાનું એક એવું જ ફળ ઊગે છે. કદાચ તમે બર્ગામોટ નામના ફળ વિષે જાણતા નહિ હોવ. પણ કહેવામાં આવે છે કે આ ફળની ખુશબૂ સ્ત્રીઓ માટેના લગભગ ત્રીજા ભાગના સેન્ટમાં અને પુરુષો માટેના અડધા જેટલા સેન્ટમાં હોય છે. ચાલો અમે તમને બર્ગામોટ વિષે થોડું જણાવીએ.

બર્ગામોટ મોસંબી કે ઓરેન્જ જેવું ફળ છે. એનું ઝાડ કાયમ લીલું રહે છે. એના પર માર્ચ-એપ્રિલમાં ફૂલો ખીલવા માંડે છે. ઑક્ટોબર-ડિસેમ્બર સુધી ફળો લાગે છે. ઘણા ઍક્સ્પર્ટનું માનવું છે કે બર્ગામોટ હાઈબ્રીડ છે. એની મૂળ જાતિ વિષે કંઈ ખબર નથી. બર્ગામોટનાં ઝાડ જેમતેમ ઊગી નીકળતા નથી કે એને બીમાંથી ઉગાડી શકાતા નથી. એની ડાળીને ત્રાંસી કાપીને કલમ કરવી પડે. એનાં જેવાં જ લીંબુ, મોસંબી કે નારંગીનાં ઝાડ સાથે બાંધવી પડે.

સેન્ટ બનાવનારા માટે તો બર્ગામોટમાં જે છે એ બીજા કશામાં નથી. એ વિષે એક પુસ્તક સમજાવે છે: ‘એના સેન્ટની ખૂબી એ છે કે બીજી સુગંધ સાથે એ સહેલાઈથી ભળી જાય છે. એક જુદી જ ખુશબૂ બનાવે છે. દરેક ચીજ જેમાં એ ભળે, એનાથી તાજગી મહેસૂસ કરાવે છે.’ *

કલાબ્રિયામાં પેદાશ

ઇતિહાસ જણાવે છે તેમ, કલાબ્રિયામાં બર્ગામોટ લગભગ ૧૮મી સદીની શરૂઆતથી ઊગે છે. કોઈ કોઈ વાર ત્યાંના લોકો એનું અત્તર પરદેશી મુસાફરોને વેચતા. પણ એનો ધંધો તો કલોન નામના સેન્ટ કે પરફ્યુમથી શરૂ થયો. ઇટલીનો વતની જીયાન પાઊલો ફેમીનીસ ૧૭૦૪માં જર્મનીમાં જઈને વસ્યો. ખાસ બર્ગામોટમાંથી તેણે જેને આક્વા એડમાઈરેબીલીસ કહ્યું, એવું ‘પાણી’ બનાવ્યું. એ પરફ્યુમ કલોન શહેરમાં તૈયાર થયું હોવાથી, ઔ દે કલોન, “કલોન વોટર” કે કલોન નામથી જાણીતું થયું.

લગભગ ૧૭૫૦માં ઇટલીના રેજ્જો શહેરમાં બર્ગામોટની સૌથી પહેલી વાડી થઈ. બર્ગામોટના સેન્ટથી જે પૈસો મળ્યો એ જોતા, એની વાડીઓ વધતી ને વધતી જ ગઈ. બર્ગામોટનાં ઝાડને ન બહુ ઠંડી કે ન બહુ ગરમી જોઈએ. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનથી રક્ષણ મળે, એવી દક્ષિણ તરફની જગ્યા જોઈએ. એ ઝાડને વારંવાર મોસમ બદલાય, સખત પવન વાય કે બહુ બફારો થાય એ ન ગમે. એવી જ જગ્યા ઇટલીની છેક દક્ષિણે આવેલી છે. એ પાંચેક કિલોમીટર પહોળી અને ૧૫૦ કિલોમીટર લાંબી છે. એ રેજ્જો શહેરનો એરિયા છે, જે દરિયા સુધી જાય છે. બીજી બાજુયે બર્ગામોટ ઉગાડવાના પ્રયત્નો થયા છે. તોપણ આખી દુનિયામાં વધારે તો રેજ્જોમાં જ થાય છે. ફક્ત આફ્રિકાનો કોટ ડીવાંર દેશ જ બીજી એવી જગ્યા છે, જ્યાં બર્ગામોટ થાય છે.

લીલા-પીળા રંગનું બર્ગામોટનું તેલ, એની છાલમાંથી નીકળે છે. એ કેવી રીતે કાઢવામાં આવે છે? એ ફળને બે ભાગમાં કાપીને એમાંનો માવો કાઢી લે. પછી એની છાલને એવી રીતે દબાવવામાં આવે કે બહારની બાજુથી એનો રસ કુદરતી સ્પંજ ઉપર સ્પ્રે થાય. લગભગ સોએક કિલો જેટલા બર્ગામોટ હોય તો, માંડ પાંચસો ગ્રામ જેટલો રસ નીકળે. આજે તો ફળ છોલવા, રસ કાઢવા મોટે ભાગે ચક્ર કે રોલરવાળાં મશીનો વપરાય છે.

બહુ જાણીતું નહિ, છતાં છૂટથી વપરાતું

કલાબ્રિયાની બહાર આ ફળ વિષે ઘણા જાણતા પણ નહિ હોય. તોયે, કહેવા પ્રમાણે “ઍક્સ્પર્ટ માટે, બર્ગામોટ જાણે જાદુઈ શબ્દ છે.” એનું સેન્ટ અનેક ચીજોમાં હોય છે. જેમ કે, પરફ્યુમ, સાબુ, ડીઓડરન્ટ, ટૂથપેસ્ટ અને ક્રીમ. એમાં એવું તત્ત્વ હોય છે જેના લીધે એ સનસ્ક્રીન લોશનમાં પણ હોય છે. એમાં એવા ગુણ છે કે જે બેક્ટિરિયા સામે લડી શકે. એટલે મેડિકલ રીતે પણ એ વપરાય છે. ઑપરેશનમાં, આંખ અને તેના રોગોની સારવારમાં, ચામડી અને એના રોગોની સારવારમાં ચેપ ન લાગે માટે દવા તરીકે વપરાય છે. બર્ગામોટમાં રહેલું જિલેટીન જેવું દ્રવ્ય લોહી બંધ કરવા પણ કામ લાગે છે અને ઝાડા કે મરડાની દવામાં પણ કામ આવે છે. સ્વાદની વાત કરીએ તો એ ચા, આઇસક્રીમ, ચૉકલેટ અને ડ્રિંક્સમાં પણ વપરાય છે.

ઍક્સ્પટ્‌ર્સે બર્ગામોટની કંઈક ૩૫૦ ખૂબીઓ શોધી કાઢી છે, જે એને ઘણી રીતોએ અજોડ બનાવે છે. આ એક જ ફળની કેટલી ખૂબીઓ!

બર્ગામોટના ફળ વિષે બાઇબલ લખનારને કંઈ ખબરેય નહિ હોય. પણ જો કોઈ વ્યક્તિ આ નારંગી-મોસંબી જેવા ફળની કદર કરે, તો તે એના બનાવનારની પણ કદર કરે છે. તે આ શબ્દોમાં સૂર પુરાવશે: ‘ફળવૃક્ષો, યહોવાહની સ્તુતિ કરો.’—ગીતશાસ્ત્ર ૧૪૮:૧,. (g 6/07)

[Footnote]

^ અમુક લોકોને ઘાસ કે ફૂલોની પરાગરજની એલર્જી હોય છે. એ રીતે લોકોને અમુક સેન્ટની પણ એલર્જી હોય છે. સજાગ બનો! કોઈ પણ પરફ્યુમના વખાણ કે જાહેરાત કરતું નથી.

[Picture on page 25]

બર્ગામોટની છાલ છીણીને એનું ઍસેન્સ કાઢવામાં આવે છે

[Credit Line]

© Danilo Donadoni/Marka/age fotostock