સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુંબઈની આફતથી માંડ માંડ બચ્યા

મુંબઈની આફતથી માંડ માંડ બચ્યા

મુંબઈની આફતથી માંડ માંડ બચ્યા

ભારતના સજાગ બનો!ના લેખક તરફથી

મુંબઈની વસ્તી એક કરોડ એંસી લાખથી વધારે છે. મુંબઈના જુદા જુદા એરિયાના લોકો લોકલ ટ્રેનમાં નોકરી-ધંધે, સ્કૂલ-કૉલેજ કે શોપિંગ કરવા જાય. શહેરમાં ફરવા જાય. રોજના સાઠથી સિત્તેર લાખ લોકો મુસાફરી કરે છે. નવ ડબ્બાવાળી એક ટ્રેનમાં ૧,૭૧૦ લોકો આરામથી મુસાફરી કરી શકે. પણ નોકરી-ધંધા કે સ્કૂલ-કૉલેજના ટાઇમે એ ૫,૦૦૦ જેટલા લોકોથી ખીચોખીચ ભરેલી હોય છે. એવા બીઝી ટાઇમે ત્રાસવાદીઓએ આતંક મચાવ્યો. ૧૧ જુલાઈ, ૨૦૦૬, મંગળવારે મુંબઈની ટ્રેનોમાં ધડાધડ, ધડાધડ બૉમ્બ ફૂટ્યા. પંદર મિનિટની અંદર મુંબઈની અલગ અલગ ટ્રેનોમાં સાત બૉમ્બધડાકા થયા. ૨૦૦ લોકો માર્યા ગયા અને ૮૦૦ ઘાયલ થયા.

મુંબઈ અને એની આજુબાજુના એરિયામાં યહોવાહના સાક્ષીઓનાં બાવીસ મંડળો છે. એમાંના ઘણા ભાઈ-બહેનો દરરોજ ટ્રેનોમાં અપ-ડાઊન કરે છે. અમુકને ટ્રેનોમાં થયેલા એ બૉમ્બ-બ્લાસ્ટથી ઈજા થઈ છે, માંડ માંડ તેઓ મોતના મોંમાંથી બચી ગયા છે. અનિતા જૉબ પરથી ઘરે જતી હતી. ટ્રેનમાં બહુ જ ભીડ હોવાથી, તે ફર્સ્ટક્લાસના ડબ્બામાં દરવાજા પાસે ઊભી રહી. જેથી, ટ્રેન ઊભી રહે એટલે તે તરત ઊતરી જઈ શકે. ટ્રેન ઊપડી. ઝડપ પકડી ને ધડામ્‌! અચાનક બૉમ્બ ફૂટ્યો. ડબ્બામાં કંઈ જ દેખાતું ન હતું, ધુમાડો ધુમાડો થઈ ગયો હતો. અનિતાએ ટ્રેનમાંથી જમણી તરફ બહાર ડોકિયું કર્યું. બાજુનો ડબ્બો જાણે વચમાંથી ચિરાઈ ગયો હતો અને જાણે કાટખૂણે લટકી રહ્યો હતો. લોકોના શરીર અને અંગો ટ્રેક પર ફેંકાતા જતા હતા. એ જોઈને તેને જાણે તમ્મર આવવા લાગ્યા. ભલે અમુક સેકન્ડોમાં જ ટ્રેન ઊભી રહી, પણ અનિતાને લાગ્યું કે જાણે કલાકો વીતી ગયા. ટ્રેન ઊભી રહી કે તરત બીજા પેસેન્જરોની જેમ, અનિતા પણ કૂદીને ટ્રેનથી દૂર નાસી છૂટી. અનિતાએ તરત જ તેના પતિ જોનને મૉબાઇલથી ફોન કર્યો. ફોન તરત જ લાગી ગયો. અનિતા ત્યાં સુધી મક્કમ હતી. પણ પતિ સાથે વાત કરતા કરતા તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. જે બન્યું હતું એ જોનને જણાવીને કહ્યું કે ‘મને આવીને લઈ જા.’ અમુક જ મિનિટોમાં એક સાથે ઘણા કૉલ કરતા હોવાથી ટેલિફોન લાઇનો જામ થઈ ગઈ. અનિતા પોતાના પતિની રાહ જોતી હતી. ધોધમાર વરસાદ પડવા લાગ્યો. ત્રાસવાદીઓને પકડવા માટેના પુરાવાઓ ધોવાઈ રહ્યા હતા.

ક્લોડીઅસ પણ યહોવાહનો એક સાક્ષી છે. એ દિવસે તે ઘરે જવા સામાન્ય કરતાં ઑફિસેથી વહેલો નીકળ્યો. તે ચર્ચગેટથી ભાયંદર જતો હતો. તે સાંજે ૫:૧૮ વાગ્યાની પશ્ચિમ રેલવે, લોકલ ટ્રેનના ફર્સ્ટકલાસ કમ્પાર્ટમેન્ટમાં ચડી ગયો. એક કલાકની મુસાફરી હતી. તે બેસવા માટે સીટ શોધતો હતો. એવામાં તેને પોતાના મંડળની બાજુના મંડળનો જોસેફ દેખાયો. બંને દોસ્તો ગપાટા મારવા લાગ્યા. ટાઇમ ઝડપથી જતો હતો. જોસેફ કામેથી થાકી ગયો હોવાથી સૂઈ ગયો. ટ્રેન ભરચક હતી. એટલે ક્લોડીઅસ પોતાના સ્ટેશનથી એક સ્ટેશન આગળ ઊભો થઈને ધીમે ધીમે દરવાજા તરફ જવા લાગ્યો. દરવાજા પાસે આવીને તે ઊભો રહ્યો. એવામાં જોસેફ જાગી ગયો અને સીટ પર નમીને ક્લોડીઅસને આવજો કહેવા લાગ્યો. ક્લોડીઅસે પણ તેની સાથે વાત કરવા સીટનો સળિયો પકડ્યો ને આગળ નમ્યો. એવામાં જ કાનના પડદા ફાડી નાખે એવો ધડાકો સંભળાયો. આખો ડબ્બો ધ્રૂજી ઊઠ્યો. ધુમાડાથી જાણે અંધકાર છવાઈ ગયો. ક્લોડીઅસ સળિયો પકડીને આગળ નમ્યો, કદાચ એનાથી જ તે બચી ગયો. તે દડાની જેમ ફંગોળાઈને સીટોની બે લાઈન વચ્ચે પડ્યો. તેના કાનમાં તમરાં બોલી રહ્યા હતા. પડદા કે ડ્રમ ડેમેજ થઈ ગયા. એમને તમ્મર આવી ગયેલાં. બીજું કંઈ સંભળાતું ન હતું. તે જે દરવાજા પાસે ઊભો હતો ત્યાં મોટું ગાબડું પડી ગયું હતું. તેની સાથે ઊભેલા પેસેન્જરો ક્યાં તો ટ્રેક પર ઊડીને પડ્યા હતા, કે પછી તેઓની લાશો જમીન પર પડી હતી. એ દિવસે મુંબઈની લાઇફલાઇન ગણાતી ટ્રેનોમાં થયેલા સાત બૉમ્બ ધડાકામાંથી આ પાંચમો હતો.

ક્લોડીઅસને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો. તેનાં કપડાં લોહીલુહાણ થઈ ગયાં હતાં. પણ એ તેને વાગવાથી નહિ, બીજા પેસેન્જરોના લોહીથી ખરડાયેલાં હતાં. ક્લોડીઅસના કાનનો પડદો તૂટી ગયો, હાથ દાઝી ગયો, ને વાળ બળી ગયા. હૉસ્પિટલમાં ક્લોડીઅસ, જોસેફ અને તેની પત્ની એંજલા મળ્યા. એંજલા પણ એ જ ટ્રેનમાં લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં હતી. એંજલાને કોઈ ઈજા થઈ ન હતી. જોસેફને જમણી આંખ પર ઉઝરડો થયો. કાને બહેરાશ આવી ગઈ. આ ત્રણેય જણ બચી ગયા હોવાથી, તેઓએ યહોવાહ ઈશ્વરનો લાખ લાખ શુકર માન્યો. ક્લોડીઅસ કહે છે કે પોતે હોશમાં આવ્યો ત્યારે પહેલો વિચાર એ આવ્યો કે ‘એક પલમાં તમે જીવન ગુમાવી શકો. એવી દુનિયામાં પૈસા પાછળ દોડવું, એ સાવ મૂર્ખાઈ છે!’ તેને એ વાતની ખુશી છે કે તેણે ઈશ્વર યહોવાહ સાથે અતૂટ નાતો બાંધ્યો છે. યહોવાહની ભક્તિ જ તેના જીવનમાં પહેલા નંબરે છે!

થોડા જ સમયગાળામાં મુંબઈને માથે ઘણી આફતો આવી પડી છે. મોટું પૂર, હુલ્લડો, હવે બૉમ્બબ્લાસ્ટ! તોય ત્યાંના ૧,૭૦૦થી વધારે યહોવાહના સાક્ષીઓની શ્રદ્ધા ડગી નથી. તેઓ લોકોને આ ખુશખબર જણાવતા રહે છે: યહોવાહ ઈશ્વરનું રાજ જલદી જ આતંક અને હિંસા વિનાની દુનિયા લાવશે. આપણે કોઈ ડર વગર જીવી શકીશું.—પ્રકટીકરણ ૨૧:૧-૪. (g 6/07)

[Blurb on page 23]

તે પહેલાં જે દરવાજા પાસે ઊભો હતો ત્યાં મોટું ગાબડું પડી ગયું હતું

[Picture on page 23]

અનિતા

[Picture on page 23]

ક્લોડીઅસ

[Picture on page 23]

જોસેફ ને એંજલા

[Picture Credit Line on page 22]

Sebastian D’Souza/AFP/Getty Images