સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રંગાટી કામની કાલ ને આજ

રંગાટી કામની કાલ ને આજ

રંગાટી કામની કાલ ને આજ

બ્રિટનના સજાગ બનો!ના લેખક તરફથી

તમે નોંધ કરી છે કે જાત-જાતના રંગો જોઈને લોકોને કેવું લાગે છે? એટલે જ લોકો સદીઓથી એક-એકથી ચડિયાતી રીતે કાપડને રંગેબેરંગી બનાવે છે.

આપણે એવાં કપડાં કે કાપડ લઈએ છીએ, જેનો રંગ પાક્કો હોય. ધોવાથી કે તાપથી જેનો રંગ ઝાંખો ન પડી જાય. અમને જાણવું હતું કે કાપડને એવો રંગ ચડાવવા શું કરવામાં આવે છે? કાપડ રંગવાની શરૂઆત કઈ રીતે થઈ? એ જાણવા અમે ઉત્તર ઇંગ્લૅંડમાં આવેલા બ્રેડફર્ડ ગયા. ત્યાં રંગાટી કામનું મ્યુઝિયમ છે. * સદીઓથી કલર કરવામાં વપરાતી જાતજાતની ચીજો ત્યાં જોઈ.

સદીઓ પહેલાં વપરાતો રંગ

લગભગ ૧૮૫૦ સુધી રંગકામમાં વપરાતા રંગ તંતુઓ કુદરતી ચીજોમાંથી મળતા. જેમ કે વનસ્પતિ, જીવડાં, છીપ માછલી વગેરે. દાખલા તરીકે, એક જાતનો રાઈ કે સરસવના છોડમાંથી વાદળી રંગ બનતો (૧). યુરોપમાં ઊગતા વૅલ્ડ છોડમાંથી પીળો રંગ મળતો (૨). મજીઠના છોડમાંથી (મૅડર પ્લાન્ટ) રાતો રંગ મળતો. અમેરિકાના લૉગ વુડમાંથી કાળો રંગ આવતો. ઝાડ ને પથ્થર પર જામતી લીલ, જેમ કે લાઇકન જેવા અર્ચિલમાંથી જાંબલી રંગ મળતો. મૃદુકાય કે મોલસ્કા માછલીમાંથી મળતો જાંબુડિયો રંગ સૌથી મોંઘો હતો. તુરના અમુક લોકો એ રંગને રાજા-મહારાજાનો જાંબુડિયો કહેતા (૩). રોમના સમ્રાટો મોલસ્કા માછલીમાંથી મળતા જાંબુડિયા રંગનાં કપડાં પહેરતાં.

રોમના સમ્રાટો આવ્યા એના ઘણા સમય પહેલાં, રાજા-મહારાજા અને અમીર લોકો કુદરતી તત્ત્વોથી રંગાયેલાં કપડાં પહેરતાં. (એસ્તેર ૮:૧૫) દાખલા તરીકે કિરમજ કીડાની માદામાંથી કિરમજી રંગ બનતો (૪). ઈસ્રાએલી લોકોએ યહોવાહની ભક્તિ માટે વપરાતા મંડપ અને પ્રમુખ યાજકના કપડાં કિરમજી રંગથી રંગ્યાં હતાં.—નિર્ગમન ૨૮:૫; ૩૬:૮.

રંગવાની રીત

કાપડ કે દોરા પર કઈ રીતે રંગ ચડાવવામાં આવે છે? એ અહીં મ્યુઝિયમમાં બતાવે છે. જોકે આપણે ધારીએ એટલું એ સહેલું નથી. કાપડ કે દોરાનું આકર્ષણ વધારવા એના પર ઘણી વાર મૉરડન્ટ રંગ ચડાવવો પડે છે. એનાથી કાપડમાં રંગ બરાબર લાગે છે. પાક્કો થાય છે. કાપડ ધોવાથી એ ઝાંખો પડતો નથી. મૉરડન્ટ બનાવવા ઘણા રસાયણો કે કૅમિકલ જોઈએ. એમાંના અમુક તો ખતરનાક હોય છે.

અમુક રંગ પદાર્થોની એટલી વાસ આવે કે વાત ન પૂછો. એમાંનો એક છે ટર્કી રેડ. એ કંઈ સહેલું ન હતું. બહુ જ સમય લાગતો. તેઓ લોહી જેવા લાલ રંગથી સુતરાઉ કાપડ રંગતા. એ રંગ તાપ કે પ્રકાશથી, ધોવાથી કે બ્લીચથી પણ ઝાંખો ન પડતો. એક વાર તો કાપડ રંગવા માટે ૩૮ ક્રિયાઓ કરવી પડી. એમાં ચારેક મહિના લાગ્યા હતા! આ મ્યુઝિયમમાં ટર્કી રેડથી રંગાયેલું સૌથી સુંદર કાપડ શોમાં રાખ્યું હતું (૫).

બનાવટી રંગનો જન્મ

વિલિયમ હેનરિ પર્કિને ૧૮૫૬માં પહેલી વાર બનાવટી રંગ બનાવ્યો. તેણે એનું નામ મોવ આપ્યું. આ મ્યુઝિયમમાં બતાવે છે કે તેમણે કઈ રીતે ઘાટો જાંબુડિયો રંગ બનાવ્યો. લગભગ ૧૮૯૦ના અંત સુધીમાં લોકો અનેક ઘાટા રંગ બનાવવા લાગ્યા. આજે આઠ હજારથી પણ વધારે બનાવટી રંગ બને છે (૬). તેમ છતાં આજે પણ રંગ બનાવવા કુદરતી ચીજો વપરાય છે. જેમ કે લૉગ વુડ ને કૉચિનીલ જીવડા કે જંતુ.

કલર મ્યુઝિયમની કલર અને ટેક્ષટાઈલ્સ ગૅલેરીમાં બતાવે છે કે રૅયોન જેવા બનાવટી રેશમને રંગ ચડાવવા શું કરવું પડે છે. આજે વિસ્કોસ રૅયોન લોકપ્રિય છે. એની શરૂઆત ૧૯૦૫માં થઈ હતી. સુતરાઉ કાપડ જેવું જ વિસ્કોસ રૅયોન બનાવવામાં આવે છે. એટલે એ સમયમાં મળતા મોટા ભાગના રંગ એમાં વપરાતા. તોપણ નવા નવા બનાવટી કાપડ બનવા લાગ્યા. જેમ કે એસિટેટ રૅયોન, પૉલિયેસ્ટર, નાયલૉન ને એક્રેલિક. એ સુતરાઉ કાપડથી અલગ હોવાથી એના માટે અમુક જુદો રંગ બનાવવાની જરૂર પડી.

પાક્કો રંગ બનાવવાની ચૅલેન્જ

આપણને પાક્કા રંગનાં કાપડ કે કપડાં ગમે. આજે ઘણાં કાપડનો રંગ ધોવાથી, તાપથી ઝાંખો પડી જાય છે, ખરું ને? અમુક રંગ તો પસીનાથી પણ બગડી જાય છે. બીજાં કપડાં સાથે ધોવાથી અમુકનો રંગ બદલાઈ જાય છે. કપડાં ધોતી વખતે એનો રંગ નીકળશે કે નહિ એ શાનાથી કહી શકાય? એના પરથી કે મૂળ કાપડ પર રંગ કેટલી સારી રીતે લાગ્યો છે. વારંવાર ડાઘા કાઢવાનો સાબુ વાપરવાથી ને વારંવાર ધોવાથી એનો રંગ ઝાંખો પડી જશે. કાપડનો રંગ બનાવતી કંપનીઓ નવો રંગ બહાર પાડે એ પહેલાં તેઓ તપાસે છે. તેઓ જુએ છે કે થોડા ટાઇમમાં એ તાપ કે પ્રકાશથી, ધોવાથી, સાબુથી અને પસીનાથી ઝાંખો પડતો નથી ને?

આ મ્યુઝિયમની ટૂરમાં અમે ઘણું શીખ્યા. રંગ કેવી રીતે બને છે, કાપડ પર કેવી રીતે ચડાવાય છે. આપણાં કપડાંના રંગો શામાંથી બને છે એ જાણવા મળ્યું. ખાસ કરીને એ જાણવા મળ્યું કે કાપડ ગમે એટલી વાર ધોવાય તોય એનો રંગ ન જાય માટે શું કરવામાં આવે છે. (g 4/07)

[Footnote]

^ સોસાયટી ઑફ ડાયર્સ એન્ડ કલરિસ્ટ, જેઓ રંગાટી કામમાં શોધખોળ કરનારા છે.

[Picture Credit Line on page 26]

Photos 1-4: Courtesy of the Colour Museum, Bradford (www.colour-experience.org)

[Picture Credit Lines on page 27]

Photo 5: Courtesy of the Colour Museum, Bradford (www.colour-experience.org); Photo 6: Clariant International Ltd., Switzerland