શરાબની જંજીરથી આઝાદ
શરાબની જંજીરથી આઝાદ
શરાબ! જમતી વખતે કે કોઈ પાર્ટીમાં વાઇન હોય તો મહેફિલ વધારે જામે છે. પણ એ જ અમુક લોકોનું જીવન ઝેર જેવું બનાવી દે છે. એક ભાઈનો અનુભવ વાંચો, જે શરાબની જંજીરમાંથી આઝાદ બન્યો.
ઘરનું એ ભારેખમ વાતાવરણ. આજેય એની વાત કરતા મારું દિલ રડી ઊઠે છે. મમ્મી-પપ્પા ચિક્કાર પીતા. પપ્પા પીને મમ્મીને મારતા. મોટે ભાગે મને પણ મેથીપાક મળતો. આખરે તેઓએ જુદા રહેવાનું નક્કી કર્યું ત્યારે, હું માંડ ચારેક વર્ષનો હતો. મને નાનીમાના ઘરે મોકલી દેવામાં આવ્યો.
મને થતું, મારું કોણ? ઘરમાં નીચે ભોંયરું હતું. એમાં દેશી દારૂ રાખતા. સાત વર્ષનો હતો ત્યારે, હું છાનો-માનો નીચે પહોંચી જતો. થોડો દારૂ પીવાથી દિલને ટાઢક વળતી. ૧૨ વર્ષનો થયો ત્યારે મારા વિષે મારી મમ્મી અને નાનીમા વચ્ચે મોટો ઝઘડો થયો. મમ્મીનો ગુસ્સો આસમાને ચડી ગયો. તેણે મારી તરફ ઘાસ ઉપાડવાની દંતાળી છૂટી ફેંકી. હું કૂદીને છટકી ગયો. અરે, શરીરના જખમ તો કંઈ જ નહિ કહેવાય! મારું દિલ જુઓ તો ખબર પડશે કે કેટકેટલા ઘા પડ્યા છે.
ચૌદેક વર્ષનો થયો ત્યાં સુધીમાં તો હું શરાબી બની ગયો હતો. સત્તરેક વર્ષે હું ઘરેથી નાસી છૂટ્યો. શરાબ પીને હું જાણે આઝાદ પંછી બની જતો. નાની-નાની વાતમાં હું ઊકળી ઊઠતો. શરાબખાનામાં ધમાલ કરતો. શરાબ જ મારો સહારો. દિવસમાં મારે પાંચેક લિટર વાઇન, થોડી બોટલ બિયર ને અમુક પાવરફુલ દારૂ તો જોઈએ.
મેં લગ્ન કર્યા. શરાબે અમારા જીવનમાં પણ તકલીફો ઊભી કરી. મારી પત્નીએ ઘણું સહેવું પડ્યું. હું તેને અને બાળબચ્ચાંને મારતો. હું પણ મારા પપ્પાની જેમ વર્તતો. જે કમાતો એનો દારૂ પી જતો. અમારી પાસે ઘરમાં બહુ કંઈ હતું નહિ. મારી પત્ની અને હું નીચે જ સૂઈ જતા. જિંદગીમાં કંઈ જ લેવાનું ન હતું. મને એમાં કંઈ સુધારો કરવાનું મન ન હતું.
એક દિવસ મને યહોવાહના સાક્ષીનો ભેટો થઈ ગયો. મેં તેમને પૂછ્યું કે ‘કેમ આટલાં દુઃખો? કેમ તકલીફો?’ તે ભાઈએ મને બાઇબલમાંથી બતાવ્યું કે ઈશ્વર એકેએક દુઃખ-તકલીફ મિટાવી દેશે. આખી દુનિયા સુખી થશે. એટલે હું યહોવાહના સાક્ષીઓની મદદથી બાઇબલ વિષે વધારે શીખવા લાગ્યો. એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરતો. ચમત્કાર થયો હોય એમ, ધીમે ધીમે હું શરાબ ઓછી પીવા લાગ્યો. કુટુંબની હાલત સુધરવા માંડી. મને ભાન થયું કે
મારે દિલથી યહોવાહને ભજવું હોય તો શરાબની દોસ્તી છોડવી પડશે. ત્રણ ત્રણ મહિનાની સખત મહેનત પછી, હું શરાબની જંજીર તોડી શક્યો. છ મહિના પછી, મેં જિંદગી આખી યહોવાહની ભક્તિ કરવાનો નિર્ણય કર્યો. બાપ્તિસ્મા પામ્યો.શરાબની ગુલામીથી આઝાદ થયા પછી, મેં મારું બધું દેવું ચૂકવી દીધું. ઘર લીધું. અરે, કાર પણ લીધી. એ કારથી અમે મિટિંગ ને પ્રચારમાં જઈએ છીએ. આખરે, હું સારો ઇન્સાન બન્યો.
અમુક વાર પાર્ટીમાં મને શરાબનો જામ ઑફર કરવામાં આવે છે. ‘ના’ કહેવા મારે મન સાથે કેટલી કુસ્તી કરવી પડે છે, એનાથી ઘણા અજાણ છે. મને હજુય શરાબની ઘણી તલપ લાગે છે. યહોવાહ ઈશ્વરને કરેલી ઘણી પ્રાર્થના અને મક્કમ મન જ મને ટકાવી રાખે છે. નહિ તો એ એક જ જામ મને પાછો એનો ગુલામ બનાવી દઈ શકે. મને તલપ લાગે ત્યારે હું શરાબ સિવાય જે કંઈ હાથ લાગે એ પુષ્કળ પી લઉં છું. છેલ્લાં દસ વર્ષોથી મેં શરાબને હાથેય લગાડ્યો નથી!
મેં સપનામાંયે ધાર્યું ન હતું કે હું કદીયે દારૂની લત છોડી શકીશ. પણ યહોવાહે એ ચમત્કાર કરી બતાવ્યો છે! ખરું કે બચપણની કડવી યાદો હજુયે ભૂલાતી નથી. પણ મારા આશીર્વાદો તો જુઓ! હું યહોવાહ સાથે પાકો નાતો બાંધી શક્યો છું. મંડળમાં મારા જિગરી દોસ્તો છે. મારા સુખ-દુઃખનું સાથી, મારું કુટુંબ યહોવાહને ભજે છે. શરાબ સામે લડવા મારી વહાલી પત્ની ને બાળકોનો મને પૂરો સાથ છે. મારી પત્ની કહે છે કે “પહેલાં મારી જિંદગી બળતી ભઠ્ઠી જેવી હતી. એ તો યહોવાહનો લાખ-લાખ શુકર માનું કે મારી જિંદગીમાં જાણે ખુશીઓની બહાર આવી. આજે હું મારા પતિ અને બે બાળકો સાથે સુખેથી જીવું છું.”—એક ભાઈનો અનુભવ. (g 5/07)
[Blurb on page 11]
૧૪ વરસની ઉંમરે તો હું શરાબી હતો
[Blurb on page 12]
ઈશ્વર યહોવાહે ચમત્કાર કર્યો
[Box/Pictures on page 12]
બાઇબલ અને શરાબ
▪ બાઇબલ વાઇન પીવાને પાપ ગણતું નથી. એ જણાવે છે કે એ તો “માણસના હૃદયને આનંદ આપનાર” છે. ઈશ્વર પાસેથી એક ભેટ છે. (ગીતશાસ્ત્ર ૧૦૪:૧૪, ૧૫) બાઇબલ પ્રમાણે વાઇન સુખ-સાહેબીની નિશાની કહેવાતી. (મીખાહ ૪:૪) ઈસુએ લગ્નમાં પાણીનો વાઇન બનાવીને પહેલો ચમત્કાર કર્યો હતો. (યોહાન ૨:૭-૯) ઈશ્વરભક્ત પાઊલને ખબર પડી કે તેમનો જિગરી દોસ્ત તીમોથી ‘વારંવાર માંદો’ પડતો હતો. તેમણે તીમોથીને થોડો વાઇન પીવાની સલાહ આપી.—૧ તીમોથી ૫:૨૩.
▪ બાઇબલ ખાસ જણાવે છે કે શરાબી ન બનો:
‘દારૂડિયાને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.’—૧ કોરીંથી ૬:૯-૧૧.
“દારૂ પીને છાકટા [મસ્ત] ન બનો, એનાથી તો બરબાદી જ થશે.”—એફેસી ૫:૧૮, કોમન લેંગ્વેજ.
“કોણ અફસોસ કરે છે? કોણ ગમગીન છે? કોણ ઝઘડે છે? કોણ ફરિયાદ કરે છે? કોણ વગર કારણે ઘવાય છે? કોની આંખ લાલચોળ છે? જેઓ દારૂ ઢીંચ્યા કરે છે, જેઓ શરાબનાં નવાં નવાં મિશ્રણોની શોધમાં હોય છે, તેઓ. લાલચટક દારૂને પ્યાલામાં ચળકતો જોઈ મોહી ન પડીશ, કારણ, એ સહેલાઈથી ગળે ઊતરી જાય છે, પણ આખરે એ સાપની જેમ કરડે છે, નાગની જેમ ડંખે છે. તારી આંખો ચિત્રવિચિત્ર વસ્તુઓ જોશે અને તારે મોઢેથી ઊલટસૂલટ વાણી નીકળશે.”—સુભાષિતો [નીતિવચનો] ૨૩:૨૯-૩૩, સંપૂર્ણ.
આ સાથેનો લેખ બતાવે છે તેમ, અમુકને શરાબે બોટલમાં પૂરી રાખ્યા હતા. તેઓ એનાથી આઝાદ રહેવા, એને અડતાયે નથી.—માત્થી ૫:૨૯.