સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું પૈસા પાછળ પડવું જોઈએ?

શું પૈસા પાછળ પડવું જોઈએ?

બાઇબલ શું કહે છે

શું પૈસા પાછળ પડવું જોઈએ?

બાઇબલ કહે છે કે “એ બધું પૈસાથી પ્રાપ્ત થાય છે.” એ માટે વ્યક્તિને ‘ધનથી સલામતી છે.’ (સભાશિક્ષક ૭:૧૨; ૧૦:૧૯, કોમન લેંગ્વેજ) રોટી, કપડાં, ને મકાન માટે પૈસા જોઈએ. કોઈ પણ ચીજ-વસ્તુ પૈસાથી ખરીદી શકાય. પૈસા હોય તો, ગરીબીની તકલીફોથી પણ દૂર રહી શકાય.

એટલે બાઇબલ કહે છે કે આપણે મહેનતુ બનીએ. જેથી આપણે કુટુંબ માટે રોજીરોટી પૂરી પાડી શકીએ. (૧ તીમોથી ૫:૮) મહેનત ને સચ્ચાઈની કમાણી આપણને સુખ-શાંતિ આપશે.—સભાશિક્ષક ૩:૧૨, ૧૩.

મહેનતની કમાણીથી બીજું શું કરી શકાય? પૈસાની તંગી હોય તેઓને રાજી-ખુશીથી મદદ કરી શકીએ. ઈસુએ કહ્યું કે “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) આપણે ગરીબ લોકોને અને ઈશ્વરભક્તોને મદદ કરીએ. સગાં-વહાલાંને ભેટ આપીએ. એમ કરવાથી ઈસુએ કહ્યું તેમ આપણે ખુશ થઈશું.—૨ કોરીંથી ૯:૭; ૧ તીમોથી ૬:૧૭-૧૯.

ઈસુએ એમ પણ કહ્યું કે આપણે ચિંગૂસ નહિ પણ ઉદાર બનીએ. (લુક ૬:૩૮) યહોવાહની ભક્તિ માટે પણ આપણે એમ જ કરવું જોઈએ. (નીતિવચનો ૩:૯) આમ આપણે યહોવાહ અને ઈસુના ‘મિત્રો’ બનીશું. એટલે કે તેઓની કૃપા પામીશું.—લુક ૧૬:૯.

‘પૈસાનો લોભ ન કરો’

કંજૂસ લોકો ભાગ્યે જ આપે. જો આપે તો સ્વાર્થને લીધે આપે. તેઓ કેમ એવા છે? તેઓ પૈસા પાછળ ગાંડા છે. તેઓને લાગે છે કે માલમિલકતથી તેઓ આનંદ મેળવશે. પણ બાઇબલ કહે છે કે “દ્રવ્યનો [પૈસાનો] લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે; એનો લોભ રાખીને કેટલાએક વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણાં દુઃખોથી તેઓએ પોતાને વીંધ્યા છે.” (૧ તીમોથી ૬:૧૦) લોકો કેમ પૈસા પાછળ પડવાથી દુઃખી થાય છે?

બાઇબલ કહે છે કે “રૂપાનો લોભી રૂપાથી તૃપ્ત થશે નહિ.” (સભાશિક્ષક ૫:૧૦) પૈસાના ભૂખ્યા છે, તેઓ કોઈ દિવસ ધરાશે નહિ. ખરેખર તેઓનું જીવન કેવું બની જાય છે? તેઓ ‘ઘણાં દુઃખોથી પોતાને વીંધે છે.’ જેમ કે કુટુંબ ને બીજાઓ વચ્ચે તકલીફો ઊભી થઈ શકે. ઊંઘ ઊડી જઈ શકે. એટલે જ બાઇબલ કહે છે કે ‘મજૂર ગમે તો થોડું અથવા વધારે ખાય, તોપણ તેની ઊંઘ મીઠી હોય છે; પણ ધનવાનનું ધન તેને ઊંઘવા દેતું નથી.’ (સભાશિક્ષક ૫:૧૨) પૈસાનો પ્રેમી યહોવાહની કૃપા ગુમાવશે!—અયૂબ ૩૧:૨૪, ૨૮.

પણ દુઃખની વાત છે કે વર્ષોથી લોકો પૈસા કમાવા કેટલાય કાળા-ધોળા કરે છે. ચોરી કરે. અન્યાય કરે. વેશ્યાગીરી કરે. બીજાઓને છેતરે. જૂઠું બોલે. અરે, કોઈને મારી નાખતા પણ અચકાતા નથી. (યહોશુઆ ૭:૧, ૨૦-૨૬; મીખાહ ૩:૧૧; માર્ક ૧૪:૧૦, ૧૧; યોહાન ૧૨:૬) બાઇબલમાંથી એક ધનવાન માણસનો દાખલો લઈએ. ઈસુએ તેને એક વખત કહ્યું કે ‘મારી પાછળ ચાલ.’ તે ધનવાન માણસે વિચાર્યું કે ‘ના ભાઈ, જો હું ઈસુનો શિષ્ય બનીશ તો મારે બધી ધનદોલત ગુમાવવી પડશે.’ એ માણસને પોતાની દોલત વધારે વહાલી હતી. ઈસુએ કહ્યું કે ‘જેઓની પાસે સંપત્તિ છે, તેઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું, કેવું અઘરું છે!’—લુક ૧૮:૨૨-૨૪.

બાઇબલ કહે છે કે આ દુષ્ટ જગતની ઘડીઓ ગણાઈ રહી છે. આ “છેલ્લા સમયમાં” અનેક લોકો “દ્રવ્યલોભી” કે પૈસાના પ્રેમી હશે. (૨ તીમોથી ૩:૧, ૨) આપણે એ લાલચમાં ન ફસાઈએ, એટલે શું કરવું જોઈએ? આપણે ઈશ્વરની ભક્તિમાં વધારે ધ્યાન આપીએ. એમ કરીશું તો આશીર્વાદ પામીશું.

પૈસા કરતાં વધારે કીમતી

આગળ જોયું તેમ બાઇબલમાં રાજા સુલેમાને કહ્યું કે ‘ધનથી સલામતી છે.’ પણ પછી તેણે કહ્યું કે ‘જ્ઞાનની સલામતી સારી છે; જ્ઞાન તો વ્યક્તિનું રક્ષણ કરે છે.’ (સભાશિક્ષક ૭:૧૨, કોમન લેંગ્વેજ) પણ કેવું જ્ઞાન? બાઇબલનું જ્ઞાન. એમાં ઈશ્વર યહોવાહની વાણી છે. યહોવાહના કહેવા પ્રમાણે જીવવાથી કેવા ફાયદા થશે? આપણે પૈસાના પ્રેમી નહિ બનીશું. એ સૌથી મહત્ત્વનું છે. વ્યક્તિ એના ફાંદામાં પડે છે ત્યારે તેને અનેક તકલીફો સહેવી પડે છે. અરે કામ, કામ ને કામ કરવાથી વ્યક્તિની તબિયત બગડી શકે. વર્ષો જતાં તે વહેલા મોતના મોંમાં સરી જઈ શકે. જ્યારે કે યહોવાહના કહેવા પ્રમાણે જીવવાથી લોકોમાં માન પણ વધે છે. (નીતિવચનો ૨:૧૦-૨૨; ૪:૫-૮) આપણે તેમની કૃપા પામીશું. બાઇબલ એ જ્ઞાનને “જીવનવૃક્ષ” કહે છે. એ દિલમાં ઉતારીશું તો યહોવાહ આપણને અમર જીવન આપશે.—નીતિવચનો ૩:૧૮.

આજે અનેક લોકો યહોવાહનું જ્ઞાન મેળવે છે. તેઓ તન-મનથી એ જ્ઞાન શોધીને દિલમાં ઉતારે છે. કેવી રીતે? બાઇબલ જણાવે છે: ‘મારા દીકરા, જો તું વિવેકબુદ્ધિને માટે ઘાંટો પાડશે, અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે; જો તું રુપાની પેઠે તેને ઢૂંઢશે, અને દાટેલા દ્રવ્યની પેઠે તેની શોધ કરશે; તો તને યહોવાહના ભયની સમજણ પડશે, અને દેવનું જ્ઞાન તારે હાથ લાગશે. કેમ કે યહોવાહ જ્ઞાન આપે છે; તેના મુખમાંથી વિદ્યા તથા બુદ્ધિ નીકળે છે.’—નીતિવચનો ૨:૧-૬.

યહોવાહના ભક્તો પૈસા કરતાં તેમના જ્ઞાનને વધારે મૂલ્યવાન ગણે છે. તેઓ જાણે છે કે પૈસા પાછળ પડવાથી સુખ-શાંતિ મળતી નથી. આપણે યહોવાહના કહેવા પ્રમાણે જીવવું જોઈએ. બાઇબલ કહે છે કે ‘તમે લોભી ન બનો; પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો; કેમ કે તેણે કહ્યું છે, કે હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.’ (હેબ્રી ૧૩:૫) યહોવાહ કહે છે કે માલમિલકત કરતાં, તેમના કહેવા પ્રમાણે જીવીએ તો આપણને સુખ-શાંતિ મળશે! (g 6/07)

શું તમે કદી વિચાર્યું છે?

▪ પૈસા કેવી રીતે આપણું રક્ષણ કરે છે?સભાશિક્ષક ૭:૧૨.

▪ શા માટે પૈસા કરતાં ઈશ્વરનું જ્ઞાન વધારે મહત્ત્વનું છે?નીતિવચનો ૨:૧૦-૨૨; ૩:૧૩-૧૮.

▪ શા માટે આપણે પૈસા પાછળ ન પડવું જોઈએ?માર્ક ૧૦:૨૩, ૨૫; લુક ૧૮:૨૩, ૨૪; ૧ તીમોથી ૬:૯, ૧૦.