સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઓ નીલગગનના પંખેરુ

ઓ નીલગગનના પંખેરુ

ઓ નીલગગનના પંખેરુ

નીલગગનના પંખેરુ! તમે કદી જોયા છે ગગનમાં? પાંખો ફફડાવીને પલભરમાં ગગનને ચૂમે છે. અમુક પંખી તો જાણે અધ્ધર લટકતાં હોય એમ ગગનમાં સ્થિર રહી શકે છે!

પક્ષીઓને પીંછાં ઊગે છે. જે પીંછાં આપણે જોઈ શકીએ છીએ એ એકદમ સુંવાળા હોય છે. એના લીધે પક્ષીઓને ઊડવામાં જરાય તકલીફ પડતી નથી. તમને ખબર છે પંખીને કેટલા પીંછાં હોય છે? નાનકડી ચકલીબાઈ જેવા હમિંગબર્ડ પંખીને લગભગ હજારેક પીંછાં હોય છે અને હંસરાજને તો લગભગ ૨૫,૦૦૦ પીંછાં હોય છે.

ઈશ્વરે પીંછાંની તો શું રચના કરી છે! પીંછાંની વચ્ચેની દાંડી હળવી છતાં અક્કડ હોય છે. પીંછાંના નાના વાળ જેવા તાંતણા એકબીજા સાથે ગુંથાયેલા હોય છે. સરસ મઝાની જાળી જ જોઈ લો. એ તાંતણાનીયે એક ખૂબી. જો એ છુટા પડી જાય તો પંખી એને તરત જ પાછાં ગૂંથી શકે છે.

પાંખના પીંછાંની પણ એક ખૂબી છે. પાંખનું એક પીંછું પણ જાણે બીજી એક નાની પાંખ હોય એવી રીતે ઈશ્વરે રચના કરી છે. એનાથી ઊડવાનું આસાન બની શકે. પાંખનાં પીંછાંની પાછળ જોઈએ તો દાંડીમાં નાનો કાપો હોય છે. એ કાપાને લીધે એ પીંછાં મજબૂત રહે છે. એને વાળો એમ વળી પણ શકે છે.

પીંછાં કઈ કઈ રીતે મદદ કરે છે?

ઘણાં પંખીનાં શરીરમાં બીજા ખાસ પીંછાં હોય છે. એ પીંછાંઓ દ્વારા પંખી હવામાન વિષે જાણી શકે છે. હવામાનમાં કંઈ પણ ફેરફાર થાય તો પંખીને પીંછાં દ્વારા ખબર પડે છે. પંખી કેટલી ઝડપથી ઊડે છે એ પણ પીંછાં દ્વારા જ ખબર પડે છે. હવામાં ઊડતી વેળાએ ક્ષણવારમાં એ દિશા બદલી શકે. અમુક પીંછાં ખરતા નથી પણ પાઉડર બની જાય છે અને એ પાઉડર પંખીને પાણીમાં પલળતા રોકે છે.

કકડતી ઠંડીમાં પંખીને પીંછાંથી રક્ષણ મળે છે. ધમધોકાર ગરમીમાંયે પીંછાંથી રક્ષણ મળે છે. નુકસાન કરતા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી નાજુક ચામડીનું રક્ષણ પણ પીંછાં જ કરે છે. દાખલા તરીકે, આપણા બતકભાઈ તો મારી નાખે એવી ઠંડી સહન કરી શકે. કઈ રીતે? એમના શરીર ઉપર પીંછાંનો ડગલો હોય છે. એની અંદર પણ બીજા પીંછાંનો ડગલો હોય છે. એ પીંછાંના ધાબળાથી બતકભાઈને જરાય ઠંડી લાગતી નથી. અરે આવો કોટ તો માણસોયે ન બનાવી શકે, બોલો કેવી છે ઈશ્વરની કરામત!

છેવટે પંખીઓ વરસમાં એક વાર એમનો પીંછાંનો ડગલો નવો બનાવી લે છે. પંખીઓના પીંછાં એક પછી એક ખરે છે. એ પણ ટાઇમસર. આમ, પંખીનાં બધાં પીંછાં એકસાથે ખરી પડતા નથી. એની પાસે હરવખત એટલાં પીંછાં તો હોય છે જ કે તે આસાનીથી ઊડી શકે. કેવી અજબ જેવી વાત!

“ઈશ્વરની કરામત નહિ તો કોની”

માણસે ઍરોપ્લેનની ડિઝાઇન કરી છે. એ કેટલું સરસ ઊડે છે. તો જરા વિચાર કરો, પંખીની ડિઝાઇન તો ખુદ ઈશ્વરે કરી છે. પછી એમાં કોઈ ખોટ હોય જ નહિ. પરંતુ જેઓ ઉત્ક્રાંતિમાં માને છે તેઓ ઈશ્વરમાં નથી માનતા. તેઓને મન એમ કે પીંછાં આપમેળે આવ્યાં છે. તેઓ માને છે તો ખરા કે પીંછાં આપમેળે આવ્યાં, પણ કેવી રીતે આવ્યાં એની તેઓને ખબર પડતી નથી. એના વિષે તેઓ વિચાર કરે તો માથું ખંજવાળવા માંડે છે. અને ઉત્ક્રાંતિવાદીઓમાં અંદરોઅંદર પીંછાં વિષે દલીલોની રમઝટ ચાલે છે. ઉત્ક્રાંતિના એક પ્રોફેસરે કહ્યું: “મને તો સપનેય ખ્યાલ ન હતો કે પીંછાંની ઉત્ક્રાંતિ થઈ છે એવું સાબિત કરવું આટલું કઠિન હશે.” જો પીંછાં આપમેળે જ આવી ગયા હોય તો આટલી બધી દલીલો શાને માટે? એ સાબિત કરવું તો સહેલું હોવું જોઈએ. હકીકત એ છે કે પીંછાં આપમેળે નથી આવ્યાં. ઈશ્વરે એને બનાવ્યાં છે.

પીંછાંની ઉત્ક્રાંતિ થઈ છે એ સાબિત કરવામાં એક વાંધો છે. એ વાંધો બહુ જ મોટો છે. વાંધો એ જ કે પીંછાંમાં કોઈ જાતનો સુધારો થયો નથી અને થવાની જરૂર પણ નથી. જૂના જમાનાનાં પીંછાં આજના પીંછાં સાથે સરખાવીએ તો એમાં કંઈ ફેર નથી પડ્યો. * ઉત્ક્રાંતિવાળા એવું માને છે કે પીંછાં આપમેળે ઊગ્યા અને એમાં ધીમે ધીમે સુધારો થયો છે. જો પીંછાંમાં સુધારો થયો હોય તો, જૂના જમાનાનાં પીંછાં અને આજના પીંછાંના નમૂનામાં કેમ કોઈ જાતનો ફેર જોવા નથી મળતો!

અરે, પંખીની કે એનાં પીંછાંની ઉત્ક્રાંતિ થઈ જ ન શકે. ઉત્ક્રાંતિ થઈ હોય તો જૂના જમાનાના પીંછાંઓમાં કંઈક ખોટ હોવી જોઈએ. પણ પીંછાંઓમાં કોઈ જાતની ખોટ નથી. પીંછાં આપમેળે આવ્યા હોઈ શકે એ સાબિત કરવામાં ઘણા ઉત્ક્રાંતિવાદીઓએ હવે હાથ ધોઈ નાખ્યા છે.

આ પીંછાંની ઉત્ક્રાંતિ થઈ હોત તો એની સાબિતી પથ્થરોમાં જરૂર હોત. પણ એવી કોઈ સાબિતી મળી નથી. અને પથ્થરોમાં જે કંઈ છાપ તેઓને મળી છે એ આખેઆખા પીંછાંની છાપ મળી છે. પીંછાંનો ધીમે ધીમે વિકાસ થયો હોય એવી તો એકેય છાપ મળી નથી. મેન્યુઅલ નામનું પુસ્તક જણાવે છે કે “પીંછાંની ઉત્ક્રાંતિ થઈ છે એ સાબિત કરવું એકદમ અઘરું છે.”

પંખીનું એકેએક અંગ ઊડવાનું આસાન બનાવે છે

પંખી ઊડી શકે, એ રીતે જ ઈશ્વરે રચ્યું છે. ગગનમાં રમી શકે એ રીતે જ ઈશ્વરે ઘડ્યું છે. એનાં હાડકાં હળવાફૂલ હોય છે. પંખી પોતે દરેક પીંછાંને કંટ્રોલ પણ કરી શકે છે. નાનકડું પંખી, એનું નાનકડું મગજ ગગનને ચૂમી શકે એ કંઈ નાનકડી વાત નથી.

એક પંખી ઈંડાંમાંથી એવી ક્ષમતા સાથે જ બહાર નીકળે છે કે થોડા દિવસોમાં ગગનમાં રમવા માટે તૈયાર હોય. આ કંઈ આપમેળે નથી બન્યું. આટલા સુંદર પંખીઓની રચના કરવાવાળો કોઈ તો છે જ. આપણે તો એની વાહ વાહ કરવી જોઈએ.—રૂમી ૧:૨૦. (g 7/07)

[Footnote]

^ એક પથ્થરમાં સૌથી જૂના એવા પીંછાંની છાપ છે. ઘણા વૈજ્ઞાનિકો એવું માનતા કે એ પંખીના પીંછાં છે અને એ ઉત્ક્રાંતિને સાચું સાબિત કરે છે. પણ હવે વધુ અભ્યાસ કરવાથી તેઓ જોઈ શક્યા કે એ પંખીનું પીંછું નથી.

[Box/Picture on page 24]

બનાવટી માલની કમાલ

પક્ષીઓની ઉત્ક્રાંતિ થઈ છે એની સાબિતી મળી હતી, પણ એ બનાવટી હતી. નેશનલ જીઓગ્રાફિક મૅગેઝિને ૧૯૯૯માં એક લેખ છાપ્યો હતો. એમાં જણાવ્યું હતું કે એક પથ્થરમાં ડાઇનાસોર જેવા પીંછાંવાળા એક પ્રાણીની છાપ મળી છે. એ મૅગેઝિનમાં જણાવ્યું હતું કે એ “પ્રાણીમાંથી કદાચ પક્ષીઓ બન્યા હશે.” એ પથ્થરમાં છાપ તો મળી, પણ એ બનાવટી માલ હતો. પક્ષીઓની ઉત્ક્રાંતિ થઈ હોય એની આજ સુધી કોઈ સાબિતી મળી નથી.

[Credit Line]

O. Louis Mazzatenta/National Geographic Image Collection

[Box on page 25]

એક પંખીની નજર

પંખીઓનાં પીંછાં રંગબેરંગી હોય છે. પંખીઓને એકબીજાના પીંછાંમાં આપણને દેખાય છે એનાથીયે વધુ રંગો દેખાય છે. અમુક પંખીઓની આંખમાં રંગો પારખવા માટે આપણાથી વધુ ઇન્દ્રિયો હોય છે. એને લીધે તેઓ અલ્ટ્રાવાયોલેટ કિરણો જોઈ શકે છે, જે આપણે નથી જોઈ શકતા. અમુક પંખીઓમાં ચકલીબાઈ કોણ અને ચકલાભાઈ કોણ એ આપણને નહિ ખબર પડે, કેમ કે આપણને તો બન્‍નેય સરખા જ દેખાય છે. પણ ચકલાભાઈના પીંછામાં અલ્ટ્રાવાયોલેટ રંગો હોય છે. એ ચકલીબાઈના પીંછાથી અલગ રંગના હોય છે, જે ફક્ત તેઓ જ જોઈ શકે છે. ઉપરવાળાની કેવી કરામત!

[Diagram on page 23]

(For fully formatted text, see publication)

પીંછાંના તાંતણા

તાંતણાથી બનેલી જાળ

દાંડી

[Picture on page 24]

ઉપર ઉપરના પીંછાં

[Picture on page 24]

પાતળા વાળ જેવાં પીંછાં

[Picture on page 25]

પંખીને પલળતાં રોકતાં પીંછાં

[Picture on page 25]

રુંવાટીવાળાં સુંવાળાં પીંછાં

[Picture on page 25]

ગેનિટ દરિયાઈ પક્ષી