વિશ્વ પર નજર
વિશ્વ પર નજર
▪ “દરિયામાં એક ચોરસ કિલોમીટર પર લગભગ ૧૮,૦૦૦ જેટલા પ્લાસ્ટિકના નાના નાના ટુક્ડા કે નકામો કચરો તરતો હોય છે.”—યુનાઇટેડ નેશન્સ ઍન્વાયરમેન્ટ પ્રોગ્રામ. (g 7/07)
▪ દક્ષિણ આફ્રિકાની કોર્ટમાં રોજ બાળકો સામે આશરે ૮૨ જેટલા કેસ નોંધાય છે. એમાં આબરૂ લૂંટવાના અને મારા-મારીના કેસ હોય છે. અમુક સાઇકોલૉજિસ્ટ કહે છે કે ‘ટીવીમાં આવી ખરાબ બાબતો જોવાને લીધે આ છોકરાંઓ આમ કરતા હોય છે.’—ધ સ્ટાર, સાઉથ આફ્રિકા. (g 8/07)
▪ હોટલમાં રહેનારાઓ પોતાના રૂમમાં ટીવીનું રીમોટ કન્ટ્રોલ દબાવે, લાઇટ ચાલુ કરે, ફોન પર વાત કરે કે દરવાજાનું હૅન્ડલ પકડે તો તેઓને ‘શરદી થવાની શક્યતા ૫૦ ટકા વધી જાય છે.’—મૅક્લિન્સ, કૅનેડા. (g 9/07)
દોસ્તી જિગરી, તો લાંબી જિંદગી
એક સાયન્સ મૅગેઝિન (જર્નલ ઑફ એપીડીમોલૉજી એન્ડ કૉમ્યુનિટી હેલ્થ) જણાવે છે કે જે વ્યક્તિને જિગરી દોસ્તો હોય તે લાંબું જીવી શકે છે. આ વિષે ઑસ્ટ્રેલિયામાં રિસર્ચ થયું હતું. એમાં તેઓએ દસેક વર્ષ માટે લગભગ ૧,૫૦૦ લોકો પર સર્વે કર્યો. સર્વેની શરૂઆતમાં લોકોની ઉંમર ૭૦થી વધારે હતી. દસ વર્ષ પછી જોયું કે જેઓને મિત્રો ન હતા તેઓ કરતાં જેઓને ગાઢ મિત્રો હતા તેઓ ૨૨ ટકા લાંબું જીવ્યા. એટલું જ નહિ, તેઓએ એ પણ જોયું કે ‘આવા લોકો ઘડપણમાં પણ બહુ નિરાશ થતા નથી. મુશ્કેલીઓનો સામનો કરી શકે છે. સ્વભાવ પણ બહુ સારો હોય છે.’ (g 7/07)
ઈંધણ તરીકે અનાજ વપરાય?
જર્મન પેપર (ફ્રેન્કફર્ટર એલજીમીની સોન્ટેગઝીટન) જણાવે છે કે ઘઉંનો ભાવ ઘટે છે અને ઈંધણનો ભાવ વધે છે. તેથી ખેડૂતો માટે ઘઉં વેચીને ઈંધણ ખરીદવાને બદલે ઈંધણ તરીકે ઘઉં બાળવા એ સસ્તું પડે છે. દાખલા તરીકે ૨.૫ કિલો ઘઉં ઉગાડવા માટે ૨૦ સેન્ટનો (આઠેક રૂપિયા) ખર્ચ થાય છે. જો એ ઘઉંને ઈંધણ તરીકે બાળવામાં આવે તો, એ એક લિટર ઈંધણ તેલ બાળવા બરાબર છે. અને એક લિટર ઈંધણનો ભાવ ૬૦ સેન્ટ (ચોવીસેક રૂપિયા) છે. એટલે પેપરે આવો સવાલ ઊભો કર્યો કે ‘લોકો ભૂખ્યા મરે છતાં ખેડૂતો અનાજ બાળે, શું એ સારું કહેવાય?’ (g 8/07)
ઍમેઝોનના જંગલોમાં જીવડાંની ગણતરી
ઍમેઝોનના જંગલમાં ૨૦ વૈજ્ઞાનિકો જાત-જાતના જીવડાં પર રિસર્ચ કરે છે. અત્યારે તેઓને લગભગ ૬૦,૦૦૦ જેટલાં જુદી જુદી જાતનાં જીવડાં મળ્યાં છે. પણ ફોહલા ઑનલાઇન પ્રમાણે એ જંગલમાં લગભગ ૧,૮૦,૦૦૦ જીવડાં હોઈ શકે. રિસર્ચ બતાવે છે કે દર વર્ષે તેઓ લગભગ ત્રણ નવાં જીવડાંની જાતિ શોધે છે. આ રીતે જો તેઓમાંના દરેક ૩૫ વર્ષ સુધી કામ કરે તો તેમને આશરે ૯૦ પેઢીઓ સુધી કામ કરવું પડે. આ શોધ-ખોળ પૂરી કરવા બધા મળીને લગભગ ૩,૩૦૦ વર્ષ થાય. (g 9/07)
વીજળીની અછત
યુનાઇટેડ નેશન્સ ઍન્વાયરમેન્ટ પ્રોગ્રામે બહાર પાડેલું મૅગેઝિન અવર પ્લાનેટ જણાવે છે કે “દુનિયાભરમાં આશરે ૧.૬ અબજ લોકો પાસે વીજળી નથી. અને ૨.૪ અબજ લોકો કોલસા, છાણ કે લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. આ ઘરગથ્થું બળતણના ધુમાડાને લીધે દર વર્ષે ૫ લાખ સ્ત્રીઓ અને બાળકો મૃત્યુ પામે છે.” (g 9/07)