સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વૅનૂઍતૂ જોવા જેવું છે

વૅનૂઍતૂ જોવા જેવું છે

વૅનૂઍતૂ જોવા જેવું છે

ન્યૂ કેલિડોનિયાના સજાગ બનો!ના લેખક તરફથી

સખત થાક! આરામ મળે તો કેવું સારું? એવું લાગતું હોય તો કલ્પના કરો કે તમે કોઈ ટાપુ પર છો. દરિયાના આસમાની પાણીમાં સ્વિમિંગ કરો છો. લીલા ઝાડ-પાનથી ભરેલાં જંગલમાં ફરો છો. સરસ સ્વભાવના ત્યાંના લોકો સાથે ગપ્પાં મારી રહ્યા છો. તમને થશે કે એવું કઈ રીતે બને? તો આવો તમને વૅનૂઍતૂ ટાપુની શેર કરાવીએ.

વૅનૂઍતૂ લગભગ ઑસ્ટ્રેલિયા અને ફીજીની વચ્ચે આવેલો ટાપુ છે. દક્ષિણ-પશ્ચિમ પૅસિફિકમાં લગભગ ૮૦ ટાપુઓ આવેલા છે. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે ત્યાં પૃથ્વીની અંદરના મોટા પોપડા કે ‘પ્લેટ્‌સ’ એકબીજા સાથે અથડાયા હતા. એનાથી મોટા ભાગે પાણીની અંદર જ મોટા પર્વતો ઉત્પન્‍ન થયા. એમાંના અમુક ઊંચા ઊંચા હતા, જેઓની ટોચ દરિયાના પાણીની ઉપર દેખાઈ આવી. એ બન્યા વૅનૂઍતૂના ખડકાળ ટાપુઓ! પૃથ્વીની અંદરના પોપડામાં ચાલતી હલચલને લીધે આજે પણ એ ટાપુઓમાં ભૂકંપના હળવા આંચકા આવે છે. એના લીધે ત્યાં આવેલા નવેક જ્વાળામુખી ગમે ત્યારે ફાટે છે! અરે, કોઈ હિંમતવાળા તો વળી એમાંથી નીકળતો લાવા નજીકથી જોવા પણ જાય છે.

આ ટાપુઓ લીલાછમ છે. એનો મોટો એરિયા વડના ઝાડથી ઢંકાયેલો છે. એ ટાપુઓ ૧૫૦થી વધારે જાતિના ઑર્કિડ અને ૨૫૦થી વધારે જાતિના હંસરાજથી શોભે છે. સુંદર દરિયા કિનારા. ઊંચા-નીચા ખડકોની હારમાળા. એની વચ્ચે ઘેરાયેલું દરિયાનું ચોખ્ખું પાણી, જે રંગબેરંગી માછલીઓનું ઘર છે. કુદરતની મઝા માણનારા દેશ-વિદેશથી અહીં આવે છે. તેઓ એપી ટાપુ પર શાંત, પણ તોફાની ડ્યુગોંગ નામની મોટી માછલી સાથે તરવાની મજા લે છે. *

માણસખાઉં અને વિચિત્ર માન્યતા માનનાર

૧૬૦૬માં યુરોપના લોકો સૌપ્રથમ વૅનૂઍતૂ આવી પહોંચ્યા. * જંગલી જેવા લોકો ત્યાં રહેતા અને માણસનું માંસ ખાવું તેઓ માટે સામાન્ય ગણાતું. ત્યાં સુખડના ઝાડના જંગલો ઊભા હતા. એના ખુશબોદાર લાકડાની એ વખતે એશિયામાં બહુ માંગ હતી. એનાથી ખેંચાઈ આવેલા યુરોપના વેપારીઓએ એક પછી એક ઝાડ કાપવા માંડ્યા. પછી, તેઓએ બીજો એક વેપાર શરૂ કર્યો.

એ વેપાર ત્યાંના લોકોનો હતો. તેઓને સામોઆ, ફીજી અને ઑસ્ટ્રેલિયામાં શેરડી અને કપાસની ખેતી માટે લઈ જવાયા. કહેવા પ્રમાણે લોકો મજૂરી કરવા રાજી-ખુશીથી ત્રણ વર્ષના કૉન્ટ્રૅક્ટ પર સહી કરતા. પણ હકીકતમાં તેઓને મોટે ભાગે ઉપાડી જવામાં આવતા. લગભગ સોએક વર્ષો પહેલાં તેઓનો વેપાર ધમધોકાર ચાલતો હતો. એ વખતે વૅનૂઍતૂના ટાપુઓ પરથી લગભગ અડધા જેટલા માણસો પરદેશમાં કામ કરતાʼતા. મોટા ભાગના ફરી જોવા મળ્યા નહિ. કેમ કે ફક્ત ઑસ્ટ્રેલિયામાં જ પૅસિફિક ટાપુઓના લગભગ ૧૦,૦૦૦ લોકો જાત જાતના રોગોનો ભોગ બન્યા.

યુરોપની બીમારીઓની ઝેરી હવા વૅનૂઍતૂ ટાપુઓમાં પણ ફરી વળી. બિચારા લોકો ઓરી-અછબડા, કૉલેરા ને બીજી બીમારીઓની દવા ક્યાંથી લાવે! એક પુસ્તક પ્રમાણે, હાલત એટલી ખરાબ હતી કે ‘શરદી-ખાંસીથી પણ આખી વસ્તી ખલાસ થઈ જાય.’

૧૮૩૯માં ચર્ચના મિશનરીઓ વૅનૂઍતૂ આવ્યા. ત્યાંના લોકોએ તરત જ તેઓને જમવા બોલાવ્યા. રિપોર્ટ પ્રમાણે લોકો તેઓને મારીને ખાઈ ગયા! એ મિશનરીઓ પછી આવેલા બીજા મિશનરીઓનું પણ એવું જ થયું. તોપણ સમય જતાં, પ્રોટેસ્ટંટ અને કૅથલિક ચર્ચો બધા ટાપુઓ પર છવાઈ ગયા. આજે વૅનૂઍતૂના ૮૦ ટકા લોકો ચર્ચના મેમ્બર હોવાનો દાવો કરે છે. પરંતુ, પોલ રાફાએલ નામનો લેખક કહે છે કે ‘ગામના લોકો હજુયે ભૂવાને પૂજે છે. તે લોકોને જંતર-મંતર કરેલા જાતજાતના પથ્થરો આપે છે. કહેવા પ્રમાણે એનાથી નવો પ્રેમી કે તગડું ભૂંડ મળી જાય, અરે દુશ્મનને પણ મારી નાખી શકાય.’

બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાના પાંચેક લાખ સૈનિકો પૅસિફિકમાં લડવા વૅનૂઍતૂ થઈને જતા. તેઓ સાથે જે માલસામાન લાવતા એ જોઈને ટાપુઓના લોકો મોંમાં આંગળા નાખી જતા. યુદ્ધ પૂરું થયું એટલે સૈનિકોએ તો ચાલતી પકડી. લાખો ડૉલરના વધારાનાં સાધનો દરિયા પાસે પડતાં મૂક્યાં. કાર્ગો કલ્ટ્‌સ કહેવાતા ધાર્મિક પંથના લોકોને લાગ્યું કે કદાચ સૈનિકો પાછા આવશે. એટલે તેઓએ વહાણ માટે બંદર બનાવ્યું. વિમાન માટે રનવે જેવું બનાવ્યું. પછી તેઓ એના પર ખાલી ખાલી લશ્કરના જેવા ચાળા કરતા. આજેય ટાન્‍ના ટાપુના ગામોમાં લોકો જોન ફ્રમ નામના એક અમેરિકન માણસને “મસીહા” માને છે. તેને પ્રાર્થના કરે છે. તેઓ માને છે કે એનાથી એક દિવસ તે પાછો આવશે અને ઢગલેબંધ માલ ભરી લાવશે.

જાતજાતના લોકો

વૅનૂઍતૂના લોકો અને રિવાજોમાં ઘણી વિવિધતા છે. એક ગાઇડબુક કહે છે: ‘વૅનૂઍતૂમાં કંઈ કેટલીયે ભાષાઓ છે.’ ત્યાંના ટાપુઓમાં બધું મળીને ઓછામાં ઓછી ૧૦૫ ભાષાઓ અને કંઈ કેટલીયે બોલીઓ બોલાય છે. બિસ્લામા રાષ્ટ્રીય ભાષા છે. અંગ્રેજી અને ફ્રેંચ પણ સરકાર માન્ય ભાષાઓ છે.

એ ટાપુઓમાં એક ચીજ પણ નથી બદલાઈ. કોઈ પણ પ્રસંગ ભલેને હોય, એમાં ધાર્મિક વિધિઓ તો હોવાની જ. પેન્તેકોસ્ત નામના ટાપુ પર દર વર્ષે વધારે અનાજ પાકે, એ માટે વિધિ થતી. જ્યારે રતાળું કે સૂરણ જેવા યામની ગાંઠો ઊગતી, ત્યારે ૨૦થી ૩૦ મીટર ઊંચા લાકડાના માંચડા પરથી માણસો અને છોકરાઓ નીચે પડતું મૂકતા. તેઓના પગમાં ફક્ત લાંબો વેલો બાંધવામાં આવતો, જે તેઓને મરતા બચાવે. તેઓ માથાથી જમીનને જરા અડતા અને આશા રાખતા કે આવતા વર્ષે એ જમીન તેઓ માટે પુષ્કળ ઉગાડશે. હવે બધી બાજુ લોકોને એનું ઘેલું લાગ્યું છે.

માલેકુલા ટાપુનાં અમુક ગામડાંમાં તો હજુ હમણાં હમણાં જ બીજા લોકોને આવવા દેવાય છે. ત્યાં મોટા નામ્બાસ અને નાના નામ્બાસ નામની બે જાતિઓ રહે છે. તેઓ એક જમાનામાં માણસનું જ માંસ ખાવામાં માનતા. કહેવા પ્રમાણે એવું છેલ્લું ‘ભોજન’ તેઓએ ૧૯૭૪માં લીધું હતું. તેઓનો એવો પણ રિવાજ હતો કે બાળપણથી જ છોકરાનું માથું કચકચાવીને બાંધે તો એનાથી ખોપરી લાંબી અને દેખાવડી થાય. હવે એ રિવાજ પણ વર્ષોથી બંધ થયો. આજના જમાનામાં નામ્બાસ લોકો બહુ જ મળતાવડા છે. બીજા લોકો સાથે હળી-મળીને રહે છે.

આવનાર દુનિયા કેવી હશે?

વૅનૂઍતૂ ફરવા જનારા લોકો કદાચ ટૂંકા વેકેશન માટે જ જતા હશે. પણ યહોવાહના સાક્ષીઓ ત્યાં ૭૦ વર્ષથી ગયા છે. “પૃથ્વીના છેડા સુધી” જઈને, તેઓએ લોકોને ઈશ્વરની ભક્તિ કરવા મદદ કરી છે. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૮) (“નશાના બંધાણી ઈશ્વરભક્ત બન્યા” બૉક્સ જુઓ.) ૨૦૦૬ની સાલમાં આ દેશમાં યહોવાહના લોકોનાં પાંચ મંડળે ૮૦,૦૦૦ કરતાં વધારે કલાકો બાઇબલનો સંદેશો જણાવ્યો. લોકોને આવનાર દુનિયા વિષે જણાવ્યું. (યશાયાહ ૬૫:૧૭-૨૫) આવનાર દુનિયામાં આજના જમાનાનું કોઈ ટેન્શન કે દુઃખ નહિ હોય!—પ્રકટીકરણ ૨૧:૪. (g 9/07)

[Footnotes]

^ ડ્યુગોંગ માછલી ઝાડપાન ખાઈને જીવે છે. એ લંબાઈમાં ૩.૫ મીટર જેટલી વધી શકે. એનું વજન ૪૦૦ કિલો જેટલું થઈ શકે છે.

^ વૅનૂઍતૂ ૧૯૮૦માં સ્વતંત્ર થયું એ પહેલાં ન્યૂ હેબ્રીડીસ કહેવાતું.

[Box/Picture on page 17]

ટાપુના સુખી લોકો

૨૦૦૬માં ન્યૂ ઇકૉનૉમિક્સ ફાઉન્ડેશન નામની એક બ્રિટિશ સંસ્થાએ ૧૭૮ દેશોને પસંદ કર્યા. એ દેશોના લોકો સુખી હતા, લાંબું જીવતા હતા. કુદરતી ચીજોની સંભાળ રાખતા હતા. એમાં ‘વૅનૂઍતૂ પહેલો નંબર લઈ ગયું. ત્યાંના લોકો સુખી છે. ૭૦ જેટલાં વર્ષો જીવે છે અને પૃથ્વીને નુકસાન કરતા નથી.’ આમ વૅનૂઍતૂ ડેઈલી પોસ્ટ ન્યૂઝપેપરે કહ્યું.

[Picture]

વૅનૂઍતૂનો પોશાક

[Credit Line]

© Kirklandphotos.com

[Box/Picture on page 17]

“નશાના બંધાણી ઈશ્વરભક્ત બન્યા”

વીલી નામના ભાઈ પેન્તેકોસ્ત ટાપુ પર રહે છે. તે બહુ નાની ઉંમરે કાવા નામના દારૂની લતે ચડી ગયા. એ કડક દારૂ મરીના છોડના મૂળિયાં વાટીને, આથીને બનાવવામાં આવતો. એ ભાઈ રોજ રાતે કાવા બારમાંથી ઘરે લથડિયાં ખાતા આવતા. માથે ઘણું દેવું ચઢ્યું હતું. તે મોટે ભાગે પોતાની પત્ની ઇદાને મારઝૂડ કરતા. વીલીભાઈને નોકરી પર એક ભાઈએ બાઇબલ સ્ટડી કરવા કહ્યું, જે યહોવાહના સાક્ષી હતા. વીલીએ એમ જ કર્યું. ઇદાને પહેલાં તો ન ગમ્યું. પણ પછી તેણે પોતાના પતિમાં સુધારો જોયો. એટલે તે પોતે પણ સ્ટડી કરવા લાગી. ધીમે ધીમે વીલીભાઈએ બૂરી લત છોડી. ૧૯૯૯માં, તેમણે પત્ની ઇદા સાથે બાપ્તિસ્મા લીધું ને યહોવાહના ભક્ત બન્યા.

[Map on page 15]

(For fully formatted text, see publication)

ન્યૂ ઝીલૅન્ડ

ઑસ્ટ્રેલિયા

પૅસિફિક મહાસાગર

ફીજી

[Picture on page 16]

ધરતી વધારે અનાજ પકવે એ માટે માણસો જાનનું જોખમ લેતા

[Credit Line]

© Kirklandphotos.com

[Picture Credit Line on page 15]

© Kirklandphotos.com

[Picture Credit Line on page 15]

© Kirklandphotos.com

[Picture Credit Line on page 16]

© Kirklandphotos.com