સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ગર્ભનિરોધક વાપરવું ખોટું છે?

શું ગર્ભનિરોધક વાપરવું ખોટું છે?

બાઇબલ શું કહે છે

શું ગર્ભનિરોધક વાપરવું ખોટું છે?

તમને શું લાગે છે? શું પતિ-પત્ની નક્કી ન કરી શકે કે તેમને કેટલાં બાળકો હોય અને ક્યારે હોય? ઘણી વાર ધાર્મિક માન્યતા પર એનો આધાર રહેલો હોય છે. જેમ કે કૅથલિક ચર્ચ શીખવે છે કે ગર્ભ ન રહે એ માટે કોઈ ગમે તે રીત અપનાવે, એ ‘પાપ છે.’ પતિ-પત્ની જ્યારે પણ જાતીય સંબંધ બાંધે, તો બાળક થતા અટકાવવું ન જોઈએ. કૅથલિક ચર્ચ પ્રમાણે ગર્ભનિરોધક ‘વાપરી જ ન શકાય.’

ઘણાને આ વાત ગળે ઉતારવી અઘરી લાગે છે. એક ન્યૂઝપેપરમાં પીટ્‌સબર્ગ પોસ્ટ-ગેઝેટ લેખે આ વિષે જણાવ્યું: ‘અમેરિકાના ૭૫ ટકા જેટલા કૅથલિકોનું કહેવું છે કે ચર્ચે ફૅમિલી પ્લાનિંગ કરવા દેવું જોઈએ. લાખો કૅથલિકો દરરોજ ગર્ભનિરોધક વાપરે છે.’ લીન્ડા નામની કૅથલિક સ્ત્રી ત્રણ બાળકોની મમ્મી છે. તે ખુલ્લેઆમ જણાવે છે કે પોતે ગર્ભનિરોધક વાપરે છે. તે કહે છે કે ‘મને એમ નથી લાગતું કે મેં કોઈ પાપ કર્યું છે.’

એ વિષે જીવનદાતા ઈશ્વર શું જણાવે છે?

જીવન કીમતી છે

ભગવાનને મન બાળકનું જીવન બહુ જ કીમતી છે. અરે, હજુ તો માની કૂખમાં બીજ રોપાયું હોય ત્યારથી જ જીવનની શરૂઆત થઈ જાય છે. ઈશ્વરભક્ત દાઊદે લખ્યું કે ‘મારી માના પેટમાં તેં મારી રચના કરી છે. મારો ગર્ભ તારી આંખોએ જોયો છે, અને મારા સર્વ અંગો વિષે તારા પુસ્તકમાં લખેલું હતું.’ (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૩, ૧૬) ઈશ્વરે પહેલાંના જમાનામાં પોતાના લોકોને નિયમો આપ્યા હતા. એક નિયમ એ હતો કે માના પેટમાંના બાળકને કોઈ નુકસાન કરે તો તેણે એનો હિસાબ આપવો પડશે. નિર્ગમન ૨૧:૨૨, ૨૩માં આવો નિયમ છે: માનો કે બે માણસ લડતા હોય. તેઓને કારણે મા બનનાર સ્ત્રી કે તેના પેટમાંના બાળકનો જીવ જાય. એનો ન્યાય ન્યાયાધીશો કરતા. તેઓ સંજોગો જોઈને નક્કી કરતા કે એ જાણીજોઈને થયું છે કે કેમ. કોઈ વાર એની સજા “જીવને બદલે જીવ” પણ અપાતી.

એ સિદ્ધાંત ફૅમિલી પ્લાનિંગને પણ લાગુ પડે છે. ગર્ભનિરોધની અમુક રીતો ગર્ભપાત કરવા કે માના પેટમાંનું છોકરું પાડી નાખવા વપરાય છે. એ રીતો જીવનને નકામું ગણે છે. એ ઈશ્વરની નજરમાં પાપ છે. પરંતુ, મોટા ભાગનાં ગર્ભનિરોધનાં સાધનો ગર્ભપાત કરવા માટે નથી. શું એવાં સાધનો વાપરવાં ખોટું છે?

“સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો.” (ઉત્પત્તિ ૧:૨૮; ૯:૧) ઈશ્વરે એ આજ્ઞા પહેલી માનવજોડીને આપી હતી. ઈશ્વરભક્ત નુહ અને તેમના કુટુંબને પણ એ આજ્ઞા આપી હતી. પણ આપણને એ આજ્ઞા આપી નથી. એટલે પતિ-પત્ની નક્કી કરી શકે કે પોતે મમ્મી-પપ્પા બનશે કે નહિ. જો હા તો કેટલાં બાળકો અને ક્યારે? બાઇબલ ગર્ભનિરોધક વાપરવાની ના પાડતું નથી, પણ એનાથી ગર્ભપાત ન થવો જોઈએ. જો પતિ-પત્ની નક્કી કરે કે ફૅમિલી પ્લાનિંગ માટે પોતે ગર્ભનિરોધક વાપરશે, તો એ તેમની મરજી છે. પણ કૅથલિક ચર્ચ કેમ ફૅમિલી પ્લાનિંગની ના પાડે છે?

કોનું માનશો? ઇન્સાનનું કે ઈશ્વરનું?

ન્યૂ કૅથલિક એન્સાઇક્લોપીડિયા સમજાવે છે કે એની શરૂઆત સ્ટોઈકની ફિલસૂફી પરથી થઈ. બીજી સદીમાં ચર્ચના ખ્રિસ્તીઓએ પહેલી વાર આવી માન્યતા અપનાવી: પતિ-પત્નીએ ફક્ત બાળકને જન્મ આપવા જ શરીર-સંબંધ બાંધવો જોઈએ. એ માન્યતાને બાઇબલનો નહિ, પણ ફિલસૂફીનો સાથ હતો. એ જ્ઞાન ઈશ્વર પાસેથી નહિ પણ ઇન્સાન પાસેથી હતું. લોકો સદીઓથી એ ફિલસૂફી માનતા આવ્યા. અરે, ઘણા કૅથલિક ધર્મગુરુએ તો એને નવા રૂપરંગ આપ્યા. * આખરે એક એવી માન્યતા લોકોમાં ઘર કરી ગઈ કે જો પતિ-પત્ની બાળકને જન્મ આપવાના ન હોય તો સેક્સ માણવું ખોટું છે. પાપ છે. પણ શાસ્ત્ર એવું શીખવતું નથી.

પતિ-પત્ની એકબીજા સાથે કેવું શરીર-સુખ માણી શકે છે? કવિની ભાષામાં બાઇબલ જણાવે છે: ‘તારા પોતાના ટાંકામાંથી પાણી પી, તારા પોતાના ઝરામાંથી વહેતું પાણી પી. તારો ઝરો આશીર્વાદ પામો, અને તારી જુવાનીની પત્નીમાં આનંદ માન. પ્રેમાળ હરણી તથા મૃગલી જેવી તે તને લાગો, સર્વ પ્રસંગે તેનાં સ્તનોથી તું સંતોષ પામ; અને તેના જ પ્રેમમાં તું હંમેશાં મસ્ત રહે.’—નીતિવચનો ૫:૧૫, ૧૮, ૧૯.

પતિ-પત્ની સેક્સનો આનંદ માણે એ તો ભગવાને આપેલો આશીર્વાદ છે. સેક્સ સંબંધ ફક્ત બાળકને જન્મ આપવા માટે જ નથી. એનાથી મિયાં-બીબી એકબીજાને પ્યાર, મહોબ્બતથી લાડ લડાવે છે. જો તેઓ ફૅમિલી પ્લાનિંગ કરી નાનો પરિવાર રાખે તો એ તેઓની મરજી છે. એમાં બીજા કોઈએ શું કામ માથું મારવું જોઈએ?—રૂમી ૧૪:૪, ૧૦-૧૩. (g 9/07)

શું તમે કદી વિચાર્યું છે?

▪ શું પતિ-પત્ની સેક્સ સંબંધ બાંધે એ પાપ કહેવાય?—નીતિવચનો ૫:૧૫, ૧૮, ૧૯.

▪ યહોવાહના ભક્તે ગર્ભનિરોધક વાપરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ?—નિર્ગમન ૨૧:૨૨, ૨૩.

▪ કોઈ પતિ-પત્ની ગર્ભનિરોધક વાપરે, એમાં બીજા કોઈએ માથું મારવું જોઈએ?—રૂમી ૧૪:૪, ૧૦-૧૩.

[Footnote]

^ તેરમી સદીના પોપ ગ્રેગરી નવમા ‘સૌથી પહેલા હતા, જેમણે ગર્ભનિરોધક વાપરવા સામે મનાઈ કરી.’ એવું ન્યૂ કૅથલિક એન્સાઇક્લોપીડિયા કહે છે.

[Blurb on page 11]

“સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો.” ઈશ્વરે એ આજ્ઞા પહેલી માનવજોડીને અને ઈશ્વરભક્ત નુહના કુટુંબને આપી હતી. પણ આપણને એ આજ્ઞા આપી નથી