સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

હું જ કેમ એકલો રહી જાઉં છું?

હું જ કેમ એકલો રહી જાઉં છું?

યુવાનો પૂછે છે . . .

હું જ કેમ એકલો રહી જાઉં છું?

‘રવિવારે બધા જ જલસા કરે છે અને હું જ રહી જાઉં છું.’—રિની.

‘ફ્રેન્ડ્‌સ ભેગાં મળીને હરે-ફરે છે, મઝા-મસ્તી કરે છે, પણ મને તો કોઈ પૂછતું જ નથી.’—જર્મિ.

બહુ જ મઝાનો દિવસ છે. બીજા-બધાં દોસ્તો જલસા કરે છે પણ તમારો કોઈએ ભાવ પૂછ્યો નહિ. ફરી એક વાર તમે ઘરે એકલા રહી જાવ છો!

જો તમારી સાથે આવું થાય તો તમે ચોક્કસ દુઃખી થશો ખરું ને ! એવું બને ત્યારે તમને થાય કે ‘મારામાં કંઈક ખોટું છે?’ અથવા ‘મારી દોસ્તી કેમ કોઈને ગમતી નથી?’

કેમ લાગી આવે છે?

આપણને બધાને દોસ્તો સાથે હળવા-મળવાનું ગમે છે. આદમ એકલો હતો ત્યારે યહોવાહે કહ્યું: “માણસ એકલો રહે તે સારૂં નથી.” (ઉત્પત્તિ ૨:૧૮) એકબીજાની જરૂર પડે એ રીતે જ યહોવાહે આપણને બનાવ્યા છે. એટલે જ આપણે એકલા પડી જઈએ છીએ ત્યારે દુઃખી થઈએ છીએ.

વારંવાર એકલા પડવાથી ઉદાસી આપણને ઘેરી લે છે. આપણને લાગે કે ‘મારામાં કંઈક ખામી છે અને હું એ દોસ્તો જેવો નથી.’ મરિ કહે છે કે ‘મંડળમાં પણ યુવાનોનું ગ્રૂપ છે. તેઓ ઘણો સારો પ્રોગ્રેસ કરી રહ્યા છે. તેઓ વિચારે છે કે તમે તેઓ જેટલું નહિ કરી શકો. એટલે તેઓ તમારાથી દૂર જ રહે છે.’ આ રીતે તમે એકલા પડી જાવ છો અને દુઃખી થાવ છો.

ઘણા બધા લોકોની વચ્ચે પણ તમને એકલું લાગી શકે. નિકોલ કહે છે કે ‘ગેટ-ટુ-ગેધરમાં ઘણા બધા હતા, છતાં જાણે મારું કોઈ જિગરી દોસ્ત ન હતું.’ ઍસેમ્બલીમાં પણ અમુકને એકલું લાગે છે. મેગેન કહે છે કે “બધા એકબીજાને ઓળખે છે પણ મને કોઈ ઓળખતું નથી.” મારિયાને પણ એવું જ લાગે છે. ‘ઍસેમ્બલીમાં મારી આજુબાજુ ઘણા ફ્રેન્ડ્‌સ તો હોય છે, પણ દિલની વાત કરવા કોઈ નથી.’

જેઓ ખુશ દેખાય છે તેઓએ પણ જીવનમાં અમુક વખત આવું અનુભવ્યું છે. બાઇબલ જણાવે છે: ‘હસતી વેળાએ પણ હૃદય દુઃખી હોય છે.’ (નીતિવચનો ૧૪:૧૩) કોઈને પણ એકલું રહેવું ગમતું નથી. વારંવાર એકલા પડી જવાથી લાગણીઓને ઠેસ પહોંચે છે. બાઇબલ જણાવે છે: ‘હૃદય દુઃખી થવાથી મન ભાંગી જાય છે.’ (નીતિવચનો ૧૫:૧૩) તમે પણ આ રીતે દુઃખી થાવ, તો શું કરશો?

એકલતા સામે લડત

એકલા પડી જવાથી દુઃખી થવાય છે. એ દુઃખ દૂર કરવા આપણે આમ કરી શકીએ:

સારા ગુણો અને આવડત જુઓ. (૨ કોરીંથી ૧૧:૬) પોતાને પૂછો કે ‘મારામાં કયા સારા ગુણો કે આવડત છે?’ એને નીચે લખી લો.

 

 

 

આપણે જાણીએ છીએ કે પોતાનામાં સુધારો કરવાની જરૂર છે. અને ધીરે ધીરે ફેરફાર કરીએ પણ છીએ. જ્યારે એકલું લાગે ત્યારે ઉપર જણાવેલા સારા ગુણો કે આવડતને યાદ કરો. એ બતાવશે કે તમારો સ્વભાવ સારો છે. એનાથી તમને ફાયદો થશે.

બધા સાથે હળો-મળો. (૨ કોરીંથી ૬:૧૧-૧૩) બીજાને સામેથી મળવા જાવ. જોકે આમ કરવું કઈ સહેલું નથી. ૧૯ વર્ષની લીઝ કહે છે, ‘આપણે ગ્રૂપ જોઈને વાત શરૂ કરતા અચકાઈએ કે ડરીએ છીએ. પણ એમાંથી જો કોઈને હાઈ અથવા કેમ છો કહેશો, તો બીજા બધા પણ તમારી સાથે વાત કરશે.’ (વાતચીત શરૂ કરવાના સૂચનો) આપણે પણ ધ્યાન રાખીએ કે કોઈને એકલા ના પાડી દઈએ. જેમ કે વૃદ્ધ લોકો, દાદા-દાદી વગેરે. ૧૭ વર્ષની કૉરી યાદ કરે છે, ‘હું જ્યારે દસેક વર્ષની હતી ત્યારે મારા એક ફ્રેન્ડ હતા. તે મારાથી ઉંમરમાં મોટાં હતાં, છતાં તે મારા બેસ્ટ ફ્રેન્ડ હતા.’

મંડળમાં તમારાથી મોટા હોય એવા બે ભાઈ કે બહેનનો વિચાર કરો. તમે તેઓને સારી રીતે ઓળખવા માંગો છો. તેઓના નામ નીચે લખી લો.

 

 

હવે પછીની મિટિંગમાં કોઈ પણ એકને સામેથી મળવા જાવ. વાતચીત શરૂ કરવા તમે આવું કંઈક પૂછી શકો, ‘તમને કેમ બાઇબલમાંથી શીખવાનું મન થયું?’ તમે ‘મંડળમાં ભાઈ-બહેનો’ સાથે વધારે હળશો-મળશો તેમ એકલા નહિ પડો.—૧ પીતર ૨:૧૭.

દિલની વાત કરો. (નીતિવચનો ૧૭:૧૭) મમ્મી-પપ્પા કે બીજા કોઈ મોટાને તમારા દિલની વાત કરો. આમ કરવાથી તમને મદદ મળશે, અને એકલું નહિ લાગે. એક દાખલો જોઈએ. એક ૧૬ વર્ષની યુવતીને એકલા પડી જવાની ઘણી ચિંતા હતી. તે કહે છે, ‘હું વિચાર કરતી કે એવું શું થયું કે જેના લીધે હું એકલી પડી ગઈ. આ વિચાર મારા મગજમાં ઘૂમરાયા કરતો હતો. પણ પછી મેં મમ્મી સાથે આ વિષે વાત કરી. તેમણે મને સારી સલાહ આપી. સાચે જ વાતચીત કરવાથી મારું દિલ હળવું થયું.’

દિલની વાત કરવાનું મન થાય તો તમે કોની સાથે વાત કરશો? એ વ્યક્તિનું નામ નીચે લખી લો.

 

બીજાનો વિચાર કરો. (૧ કોરીંથી ૧૦:૨૪) બાઇબલ કહે છે કે આપણે ‘પોતાના હિત પર જ નહિ, બીજાઓના હિત પર પણ ધ્યાન આપીએ.’ (ફિલિપી ૨:૪) એકલા પડી જવાથી તમે ઉદાસ કે દુઃખી થઈ શકો. પણ દુઃખમાં ડૂબી જવાને બદલે, જરૂર હોય તેને મદદ કરો. આમ કરવાથી તમે નવા મિત્રો બનાવી શકશો.

મંડળમાં કે ઘરમાં કોઈ એકનો વિચાર કરો, જેને તમારી મદદની જરૂર હોય. તેમનું નામ નીચે લખી લો. અને એ પણ લખી લો કે તમે કેવી રીતે મદદ કરશો.

 

જ્યારે તમે બીજાને મદદ કરો છો ત્યારે તમને એકલું લાગતું નથી. આ રીતે તમારા સ્વભાવમાં સુધારો થશે અને બીજાઓને તમારી સાથે દોસ્તી બાંધવાનું મન થશે. નીતિવચનો ૧૧:૨૫ જણાવે છે કે ‘ઉદાર માણસ ધનવાન થશે; અને પાણી પાનાર પોતે પણ પુષ્કળ પીશે.’

સારી સોબત પસંદ કરો. (નીતિવચનો ૧૩:૨૦) ધ્યાન રાખવું જોઈએ કે કોણ કોણ આપણા ફ્રેન્ડ્‌સ છે. જો ખરાબ સોબત કરીશું તો આપણાં વાણી-વર્તન બગડી જશે. (૧ કોરીંથી ૧૫:૩૩) બાઇબલ સમયના યુવાન શમૂએલનો વિચાર કરો. તે પ્રમુખ યાજકના દીકરાઓ હોફની અને ફીનહાસ સાથે મંદિરમાં કામ કરતા હતા. બંને ભાઈઓનું વર્તન ખરાબ હતું, તેથી શમૂએલે તેમની દોસ્તી રાખી નહીં. જો દોસ્તી રાખી હોત તો તેમની શ્રદ્ધા તૂટી જાત. તેમના વિષે બાઇબલ જણાવે છે: “બાળક શમૂએલ મોટો થતો ગયો, ને યહોવાહની તેમ જ માણસોની કૃપા તેના પર હતી.” (૧ શમૂએલ ૨:૨૬) કેવા લોકો શમૂએલને ગમતા હતા? યહોવાહના નીતિ-નિયમો પાળતા હોય એવા લોકો. આપણે પણ એવા જ મિત્રો બનાવીએ જે યહોવાહને દિલથી ચાહે છે.

સારા વિચારો રાખો. (નીતિવચનો ૧૫:૧૫) દરેકને કોઈને કોઈ સમયે તો એકલું લાગતું હોય છે. આવા સમયે આપણને શું મદદ કરી શકે? પોતાનામાં કંઈ ખોટું છે એ વિચારવાને બદલે જીવનમાં જે સારું કર્યું છે એનો વિચાર કરો. હંમેશાં યાદ રાખો કે જીવનમાં જે પણ બને છે એ આપણા હાથમાં નથી. પણ સારું વિચારવું આપણા હાથમાં છે.

જ્યારે તમને એકલું લાગે ત્યારે સંજોગોમાં ફેરફાર કરો. અથવા જે વિચારો છો એમાં બદલાવ કરો. યાદ રાખો, યહોવાહે પોતે તમને બનાવ્યા છે. તેથી તે તમારી સંભાળ રાખશે. તમારી એકલતા વિષે યહોવાહને દિલ ખોલીને પ્રાર્થના કરો કેમ કે યહોવાહ ‘તમને નિભાવી રાખશે’—ગીતશાસ્ત્ર ૫૫:૨૨. (g 7/07)

“યુવાનો પૂછે છે . . . ” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ. www.watchtower.org/ype

આના વિષે વિચાર કરો

▪ મને એકલું લાગે ત્યારે કયાં સારાં કામ કરવાં જોઈએ?

▪ મનમાં ખરાબ વિચારો ન આવે એ માટે કઈ કલમો મદદ કરી શકે?

[Box/Picture on page 14]

વાતચીત શરૂ કરવાના સૂચનો

સ્માઇલ આપો. તમારા ચહેરા પર સ્માઇલ હશે તો બીજાને તમારી સાથે વાત કરવાનું મન થશે.

પોતાની ઓળખ આપો. પહેલા તમારું નામ અને ક્યાંના છો એ જણાવો.

પ્રશ્ન પૂછો. વાતચીત શરૂ કરવા પૂછી શકો, ‘તમારું નામ શું છે? તમે ક્યાંના છો? શું કરો છો?’

વ્યક્તિને ધ્યાનથી સાંભળો. તમે હવે શું કહેશો એના પર વધારે ચિંતા ન કરો. એને બદલે વ્યક્તિનું ધ્યાનથી સાંભળો. એમાંથી જ તમને વાત કરવા કે પ્રશ્ન પૂછવા કોઈ મુદ્દો મળી જશે.

રીલેક્સ રહો. શાંતિથી વાત કરવાથી તમે નવા મિત્રો બનાવી શકશો.