સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અજોડ મૃત સરોવર!

અજોડ મૃત સરોવર!

અજોડ મૃત સરોવર!

ઇઝરાયલના સજાગ બનો!ના લેખક તરફથી

મૃત સમુદ્ર દુનિયામાં સૌથી નીચાણમાં આવેલો છે. એ સૌથી ખારો છે. ઘણાનું માનવું છે કે તંદુરસ્તી માટે એનું પાણી સારું છે. દુનિયામાં એવો સાગર બીજે ક્યાંય નથી. સદીઓથી લોકો એને અનેક નામથી ઓળખે છે. જેમ કે મૃત સરોવર, ગંધાતું સરોવર, શેતાનનું સરોવર અને ડામરનું સરોવર. બાઇબલ એને ખારો સમુદ્ર કે અરાબાહના સમુદ્રથી ઓળખે છે. (ઉત્પત્તિ ૧૪:૩; યહોશુઆ ૩:૧૬) ધાર્મિક રિવાજ પ્રમાણે બાઇબલના પંડિતોનું માનવું છે કે સદોમ તથા ગમોરાહ શહેર ખારા સમુદ્રમાં ડૂબેલાં છે. એટલે અમુક લોકો એને સદોમનો કે લોતનો સાગર પણ કહે છે. લોત કોણ હતા? તે બાઇબલના જમાનામાં એક ઈશ્વરભક્ત હતા. એ શહેરો પર એક મોટી આફત આવી હતી, એના તે સાક્ષી હતા.—૨ પીતર ૨:૬, ૭.

ઉપર જણાવેલાં નામો સાંભળતા જ બધાને ત્યાં ફરવા જવાનું મન નહિ થાય. તોપણ કદાચ નવાઈ લાગશે કે દર વર્ષે હજારો લોકો એ સરોવર જોવા જાય છે. એનું પાણી કેમ એટલું ખારું છે? શું તે સાચે જ મૃત સરોવર છે? શું એનું પાણી તંદુરસ્તી માટે સારું છે?

સૌથી નીચાણમાં આવેલો ખારો સમુદ્ર

ખારો સમુદ્ર ગ્રેટ રિફ્ટ વેલીની ઉત્તરે આવેલો છે. એ રિફ્ટ વેલીનો બીજો છેડો પૂર્વ આફ્રિકાની દક્ષિણ સુધી ફેલાયેલો છે. યરદન નદી ઉત્તરથી-દક્ષિણ સાપની જેમ વાંકી-ચૂકી વહેતી મૃત સરોવરને જઈને મળે છે. આ સરોવર દરિયાની સપાટીથી લગભગ ૧,૩૭૦ ફૂટ નીચે, એટલે કે સૌથી નીચે આવેલું છે. એની બન્‍ને બાજુ દીવાલની જેમ ઊંચા ઊંચા ડુંગરો ઊભા છે, પશ્ચિમ બાજુ યહુદાહના ડુંગરો ને પૂર્વ બાજુ મોઆબના ડુંગરો.

એ સમુદ્ર શાના લીધે આટલો બધો ખારો છે? યરદન નદી, બીજી નાની નદીઓ અને ઝરણાંમાંનાં પાણી ખારા સમુદ્રમાં આવે છે. એમાંના નિમક, મૅગ્‍નેશિયમ, સોડિયમ ને કૅલ્શિયમ ક્લોરાઇડ ખારા સમુદ્રમાં જમા થાય છે. દર વર્ષે યરદન નદી લગભગ ૮,૫૦,૦૦૦ ટન મીઠું ખેંચી લાવે છે. પણ સવાલ થાય કે ખારો સમુદ્ર સૌથી નીચાણમાં હોવાથી એનું પાણી ક્યાં જાય છે? સખત તાપને લીધે એક જ દિવસમાં લગભગ સિત્તેર લાખ ટન જેટલું પાણી વરાળ થઈને ઊડી જાય છે. એટલે સમુદ્ર કદીયે છલકાઈ જતો નથી. પાણીમાંના નિમક અને ક્ષાર ત્યાં જ રહે છે. મૃત સરોવરનાં પાણીમાં લગભગ ૩૦ ટકા ખારાશ છે. એટલે કે બીજા દરિયાનાં પાણી કરતાં એનું પાણી સૌથી વધારે ખારું છે.

સદીઓથી લોકો મૃત સરોવરનાં પાણીથી નવાઈ પામ્યા છે. એના વિષે ગ્રીક તત્ત્વજ્ઞાની ઍરિસ્ટોટલે આમ સાંભળ્યું હતું: ‘એનું પાણી એટલું ખારું છે કે એમાં માછલી જીવી શકતી નથી.’ પણ એ પાણીની ખૂબી એ છે કે તમને તરતા આવડતું ન હોય, તોપણ તમે ડૂબો નહિ. એ સાચું છે કે નહિ એ જાણવા રોમનો જનરલ વેસ્પેસીઅન દુશ્મનોને મૃત સરોવરમાં ફેંકતો. પણ તેઓ ડૂબતા નહિ! આવું યહુદી ઇતિહાસકાર ફ્લેવીઅસ જોસેફસે લખ્યું.

હવે સવાલ એ છે કે મૃત સરોવરનું પાણી તંદુરસ્તી માટે કેવી રીતે સારું?

તંદુરસ્તી માટે એ પાણી કેટલું સારું?

સદીઓ પહેલાંના નાવિકો પોતાના દેશમાં એવી વાતો ફેલાવતા કે મૃત સરોવરમાં કંઈ ઊગતું નથી. એમાં માછલાં કે પક્ષીઓ નથી. એવું પણ માનવામાં આવતું કે એનું પાણી સડેલા માંસની જેમ ગંધાતું. અરે, એટલું ગંધાતું કે શ્વાસ રુંધાઈ જાય. ખરું છે કે એમાં બેહદ ખારાશ છે. એટલે ભાગ્યે જ કોઈ બૅક્ટેરિયા જીવે. જો કોઈ માછલી તણાઈને સરોવરમાં આવે તો ઝાઝું જીવે નહિ.

ખારા સમુદ્રમાં જીવજંતુ નથી. ઝાડપાન ઊગતાં નથી. તોપણ એની આજુબાજુ ઝાડપાન ઊગે છે. પશુ-પંખી રહે છે. મોટા ભાગે એની આજુબાજુનો વિસ્તાર ઉજ્જડ છે. તોપણ અનેક જગ્યાઓ લીલીછમ છે. પાણીના ધોધ વહે છે. ઝાડપાન ઊગે છે. ત્યાં ચોવીસેક જાતનાં સસ્તન પ્રાણીઓ આરામથી જીવે છે. જેમ કે રણ બિલાડી, અરબી વરુ ને બકરી. તેમ જ મીઠાં પાણીમાં સાપ, દેડકાં અને માછલાં રહે છે. ઘણાં પક્ષીઓ શિયાળામાં મૃત સરોવર પરથી ઊડીને ગરમ દેશમાં જાય છે. તેઓ ઉનાળામાં પાછાં આવે છે. એ કારણથી ત્યાં ૯૦થી વધુ જાતનાં પક્ષીઓ જોવા મળે છે. જેમ કે કાળા બગલા, સફેદ બગલા. ઇજિપ્તનું ગીધ અને જિફૉન ગીધ પણ ત્યાં રહે છે.

મૃત સરોવરનું પાણી કઈ રીતે તંદુરસ્તી માટે સારું? કહેવામાં આવે છે કે સદીઓ પહેલાં લોકો એમાંથી પાણી પીતા. તેઓ માનતા કે એમાં ગુણકારી તત્ત્વો છે. પણ આજે એમાંથી પાણી પીવામાં ખતરો છે! એમાં સ્નાન કરવું અલગ વાત છે. લોકોનું કહેવું છે કે ચામડીના રોગ મટાડવા ખારા સરોવરમાં સ્નાન કરવાથી ફાયદો થાય છે. એ ખૂબ નીચાણમાં હોવાથી સારો ઑક્સિજન મળે છે. હવામાનમાં ઘણું બ્રોમાઇડ હોવાથી રિલેક્સ થવા મદદ કરે છે. એની કાળી માટીમાં અનેક મિનરલ્સ છે. કિનારા પર ગરમ ગંધકના ફુવારા નીકળે છે, જે ચામડીના રોગ ને વાની સારવાર માટે કામ આવે છે. સરોવરની આસપાસ પહેલાં એવાં વૃક્ષો ઊગતાં, જેમાંથી બામ બને છે. એ દવા ને કૉસ્મેટિક માટે વપરાતાં, એટલે બહુ કીમતી ગણાતાં.

સાગરમાંથી આવતો ડામર

મૃત સરોવરમાં એક અજોડ બનાવ બને છે. એ શું છે? એ જ કે સરોવરમાંથી ડામરના પોપડા ઉપર તરી આવે છે. ૧૯૦૫માં બાઇબલની દુનિયા (અંગ્રેજી) પરના એક રિપોર્ટે જણાવ્યું કે ૧૮૩૪માં ૨,૭૦૦ કિલો જેટલો ડામરનો પોપડો સરોવર કિનારે તરી આવ્યો હતો. એવું પણ કહેવામાં આવે છે કે ‘ઇન્સાને પહેલી વાર પૅટ્રોલિયમમાંથી આવતો ડામર વાપર્યો હતો.’ (સાઉદી આરમકૉ વર્લ્ડ, નવેમ્બર-ડિસેમ્બર ૧૯૮૪) ઘણા માનતા કે મૃત સરોવરના પેટાળમાં ધરતીકંપ થવાથી ડામરના પોપડા છૂટા પડીને ઉપર તરી આવે છે. જોકે એવું તો નથી. પણ એવું બની શકે કે જમીનની ફાટોમાંથી ડામર દરિયાના તળિયામાં નિમકના પથ્થરો સાથે ચોંટી જાય છે. સમય જતાં મીઠાના પથ્થરો ઓગળે ત્યારે ડામર ઉપર તરી આવે છે.

સદીઓથી અનેક રીતે ડામરનો વપરાશ થતો આવ્યો છે. જેમ કે હોડી કે વહાણમાં પાણી અંદર ન આવે માટે ડામરથી એ રંગવામાં આવે છે. બાંધકામમાં વપરાય છે. તેમ જ જીવજંતુ દૂર રાખવા પણ ડામર વપરાય છે. એવું લાગે છે કે લગભગ ઈ.સ. પૂર્વે ૩૫૦માં ઇજિપ્તના લોકો મૃતદેહો સાચવવા પુષ્કળ ડામર વાપરતા. એ સમયમાં નાબાટિઆના આદિવાસીઓ મૃત સરોવરની આસપાસ રહેતા. તેઓ ડામરનો વેપાર કરતા. તેઓ સરોવરમાંથી ડામર કાઢીને ઇજિપ્ત લઈ જતા. જોકે એ વાત સાથે અમુક પંડિતો સહમત નથી.

મૃત સરોવર સાચે જ બધી રીતે અજોડ છે. એ સાચે જ સૌથી ખારો સમુદ્ર છે. દુનિયામાં સૌથી નીચાણમાં છે. એ ખતરનાક છે. એ જ સમયે કદાચ તંદુરસ્તી માટે સૌથી સારો પણ હોઈ શકે! (g 1/08)

ખારા પાણીએ સાચવ્યું

ઇતિહાસકારોનું કહેવું છે કે એક સમયે દરિયાખેડુ વેપાર કરવા મૃત સરોવરની સફર કરતા. એના પુરાવા પણ છે. ઇતિહાસકારોને લાકડાંનાં બે લંગર મળ્યાં છે.

વર્ષો પહેલાં મૃત સરોવરના કાંઠે એન-ગેદી શહેર હતું. એ બાજુનું પાણી ઊતરી ગયું હોવાથી એ લંગર મળ્યાં. એમાંનું એક લંગર લગભગ ૨,૫૦૦ વર્ષ જૂનું છે. હજી સુધી મૃત સરોવરમાંથી એટલું જૂનું લંગર મળ્યું નથી. બીજું લંગર લગભગ ૨,૦૦૦ વર્ષ જૂનું છે. એના પરથી લાગે છે કે રોમન લોકો એ જમાનામાં લંગર બનાવવા સૌથી સારી ટેકનૉલૉજી વાપરતા.

મોટે ભાગે મીઠાં પાણીના સરોવરમાં લાકડાંનું લંગર સડી જાય, પણ લોખંડનું લાંબું ટકે. મૃત સરોવરનું પાણી જ એટલું ખારું છે કે એમાં ઑક્સિજન પહોંચી શકતો નથી. એ કારણથી લાકડાંનાં લંગર ને એમાં બાંધેલું દોરડું સડ્યા ન હતા.

[Picture]

ઈ.સ. પૂર્વે સાતથી પાંચમી સદીમાં બનાવેલું લાકડાનું લંગર

[Credit Line]

Photograph © Israel Museum, Courtesy of Israel Antiquities Authority

[Picture on page 26]

ઇબેક્સ બકરો

[Picture on page 26]

ગરમ પાણીના ધોધ

[Picture on page 26]

પાણીમાં ડૂબતા નથી