સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગબૉન પશુ-પંખીઓનું ઘર

ગબૉન પશુ-પંખીઓનું ઘર

ગબૉન પશુ-પંખીઓનું ઘર

ગબૉનના સજાગ બનો!ના લેખક તરફથી

કલ્પના કરો કે તમે ગરમ પ્રદેશમાં દરિયાકાંઠે બેઠા છો. દરિયાકાંઠાને અડીને જ જંગલ છે. એ દરિયાકાંઠે હાથીઓનું ઝુંડ મસ્તી કરતું ચરે છે. પાણીમાં હિપોપૉટેમસનું ટોળું મજા માણી રહ્યું છે. વ્હેલ અને ડૉલ્ફિન તો છેક દરિયાકિનારા પાસે પાણીમાં ઊંચી છલાંગો મારી રહી છે. એ જોવાની કેવી મજા આવે! પશ્ચિમ આફ્રિકામાં સોએક કિલોમીટર લાંબા આવા તો અનેક દરિયાકિનારા છે, જ્યાં આજેય આવાં સુંદર દૃશ્યો જોવા મળે છે!

એવું જ વાતાવરણ કાયમ રહે તો કેવી મજા આવે! આવા અજોડ દરિયાકિનારા સાચવવા માટે પગલાં લેવાં જ જોઈએ. ખુશીની વાત છે કે સપ્ટેમ્બર ૪, ૨૦૦૨માં આ વિસ્તારને સુરક્ષિત રાખવાની ગોઠવણ કરવામાં આવી હતી. ગબૉનના પ્રમુખે એ દિવસે જાહેર કર્યું કે ગબૉન દેશના દસ ટકા વિસ્તારને નેશનલ પાર્ક બનાવી દેવામાં આવશે. એમાં દરિયાકાંઠાના વિસ્તાર પણ આવી જાય છે.

આ ઝાડીવાળો ગીચ પ્રદેશ ૩૦,૦૦૦ ચોરસ કિલોમીટર એરિયામાં ફેલાયેલો છે, જે મિઝોરમથી થોડો મોટો છે. આ જંગલોમાં જાત-જાતનાં પશુ-પંખીઓ ને વૃક્ષો છે. ગબૉનના પ્રમુખ ઓમર બૉનગો ઉનડિબાએ કહ્યું, ‘ગબૉનના જંગલ જેવું કોઈ જંગલ નથી. દુનિયાના ચારે ખૂણામાંથી લોકો ગબૉનનાં હર્યાં-ભર્યાં જંગલો અને નામશેષ થવા આવેલાં પશુ-પંખીઓ તેમ જ વનસ્પતિઓ જોવા આવે છે.’

આ નેશનલ પાર્કમાં એવું તે વળી શું છે, જેના લીધે એને આટલું મહત્ત્વ અપાઈ રહ્યું છે? ગબૉનમાં લગભગ ૮૫ ટકા ગીચ જંગલો છે. અહીં ઊગતી વીસેક ટકા જેટલી વનસ્પતિ દુનિયામાં બીજે ક્યાંય જોવા મળતી નથી. એ ઉપરાંત વિષુવવૃત્તની નજીક આવેલાં ગીચ જંગલોમાં ગોરીલા, ચિમ્પાન્ઝી, હાથી અને દુનિયામાં લુપ્ત થઈ રહેલાં અનેક પ્રાણીઓ સુખેથી રહે છે. ગબૉનમાં બનેલા નવા નેશનલ પાર્કમાં આફ્રિકાના અનેક પશુપંખીઓ આરામથી રહી શકશે.

લૉઓંગો દરિયાકાંઠા જેવો બીજો કોઈ નહિ

આફ્રિકામાં લૉઓંગો નેશનલ પાર્ક પશુ-પંખીઓ જોવા માટેની સૌથી સારી જગ્યા છે. પ્રાણીઓ માટે મોટા મોટા વિસ્તારો રાખવામાં આવ્યા છે. ત્યાં દરિયાકિનારેથી જ જંગલો શરૂ થાય છે અને એમાં મીઠાં પાણીનાં સરોવરો પણ છે. લૉઓંગો દરિયાકાંઠાની એક ખાસ વાત એ છે કે ત્યાં જંગલી પ્રાણીઓ છૂટથી ફરી શકે છે. જેમ કે હિપો, હાથી, ભેંસ, દીપડો ને ગોરીલા.

એ પ્રાણીઓ કેમ દરિયાકાંઠે જાય છે? લૉઓંગોના દરિયાકાંઠે ચાંદી જેવી રેતીમાં હિપો ને ભેંસ માટે પુષ્કળ ઘાસચારો છે. આફ્રિકાના દરિયાકાંઠે રોન્યા નામના તાડ પણ ઊગે છે. એના પર પુષ્કળ ફળ થાય છે. જેમ બાળકોને આઇસક્રીમ ગમે, તેમ હાથીને પણ એનાં ફળો ભાવે. અહીં માણસોની અવર-જવર નથી. એટલે દરિયાકાંઠાની રેતીમાં તમને ફક્ત પ્રાણીઓનાં જ પગલાં દેખાશે!

આ દરિયાકિનારે લેધરબૅક કાચબા આવે છે, જેઓની જાતિ જોખમમાં છે. પણ અહીં કોઈ માણસ ન હોવાથી તેઓ છૂટથી હરીફરી શકે છે અને રેતીમાં ઈંડાં મૂકે છે. એ જ રીતે રૉઝી નામનું પતરંગો (બી-ઈટર) પક્ષી પણ રેતીમાં ઊંચી જગ્યાએ ઈંડાં મૂકે છે. પછી મોટાં મોટાં મોજાં આવે તોપણ ઈંડાને હાનિ ન પહોંચે. ઉનાળાના મહિનાઓમાં ખૂંધવાળી વ્હેલનાં ટોળેટોળાં લૉઆંગોના શાંત પાણીમાં સમાગમ માટે આવે છે.

લૉઆંગો દરિયાકાંઠો અને વિષુવવૃત્તના જંગલ વચ્ચે બે મીઠાં પાણીનાં સરોવર છે. એમાં તો મગર ને હિપોને બસ મજા જ મજા. આ સરોવરમાં પુષ્કળ માછલીઓ છે. એની આજુબાજુ ગીચ ઝાડી પણ છે. માછલી પર નભતા આફ્રિકાના ગરૂડ અને બાજ, સરોવર ઉપર શિકારની શોધમાં ઊડતા જ હોય છે. જ્યારે કે રંગબેરંગી કિંગફિશર પંખીઓ છીછરાં પાણીમાં માછલી પકડતા જોવા મળે. હાથીઓને તો પાણી મળે એટલે પૂછવું જ શું! તેઓને તરવાની મજા પડી જાય છે. પછી દરિયાકાંઠે મનગમતાં ફળની મહેફિલ જમાવે છે.

વિષુવવૃત્તીય જંગલોમાં વાનરો પણ ઝાડ પર કુદાકૂદ કરતા જોવા મળે છે. રંગબેરંગી પતંગિયા તડકામાં આમતેમ ઊડાઊડ કરતા જોવા મળે છે. ચામાચીડિયાની તો વાત જ કંઈક અલગ છે. આખો દિવસ ઊંઘે ને રાત્રે મનપસંદ ફળો ખાય. જંગલમાં જ્યાં જાય ત્યાં એનાં બી ફેંકતા જાય. એ જ એનું કામ! જંગલના કિનારે કિનારે ઝગઝગાટ મારતા શકરખોર પક્ષીઓ ઝાડ-પાનનાં ફૂલોમાંથી રસ પીતા જોવા મળે છે. લૉઆંગો દરિયાકાંઠા વિષે કહેવાય છે કે ‘આ એક એવી જગ્યા છે, જ્યાં આફ્રિકાના વિષુવવૃત્તીય જંગલોનાં પશુપંખીનો અસલી રંગ જોવા મળે છે.’

લૉપિમાં સૌથી વધારે ગોરીલા

લૉપિ નેશનલ પાર્કમાં મોટું વરસાદી જંગલ છે. એ પાર્કની ઉત્તરે લીલીછમ જમીન છે. એમાં વહેતાં ઝરણાં અને નદીના કિનારે ઝાડ ઊગે છે. ત્યાં ગોરીલા, ચિમ્પાન્ઝી, માનડ્રિલ કે બબૂન વાનરને જોવા ઘણા લોકો આવે છે. લૉપિ નેશનલ પાર્ક લગભગ ૫,૦૦૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. એમાં ૩,૦૦૦થી ૫,૦૦૦ જેટલા ગોરીલા કૂદાકૂદ કરતા જોવા મળે છે.

આ પાર્કમાં ઑગસ્ટીન નામે માણસ ઑફિસર હતો. ૨૦૦૨માં ગોરીલા સાથે થયેલો પોતાનો અનુભવ તે જણાવે છે: “હું જંગલમાં ચાલવા નીકળ્યો. અચાનક એક ગોરીલાનું કુટુંબ મારી આગળ આવ્યું. એમાં ચાર મેમ્બર હતા, પાંત્રીસેક વર્ષનો એક નર ગોરીલો હતો. તેની પીઠના વાળ ચાંદીની જેમ ચમકતા હતા. તે રાક્ષસ જેવો મોટો હતો ને મારી સામે આવીને ઊભો રહ્યો. તેનું વજન ઓછામાં ઓછું મારા કરતાં ત્રણ ગણું વધારે હશે. આવા સંજોગોમાં શું કરવું એ અમને શીખવવામાં આવ્યું હતું. એ પ્રમાણે હું તરત જ જમીન પર માથું નમાવીને બેસી ગયો. એ બતાવે કે હું તેને શરણે છું. ગોરીલો પણ મારી બાજુમાં બેસી ગયો. મારા ખભા પર પોતાનો હાથ મૂક્યો. પછી તેણે મારો હાથ પકડીને મુઠ્ઠી ખોલીને જોયું. તેને ખાતરી થઈ કે તેના કુટુંબને કોઈ ખતરો નથી. પછી તેઓ ધીમે ધીમે પાછા જંગલમાં ચાલ્યા ગયા. એ દિવસ ભૂલાય જ કેમ! જંગલમાં જનાવરો સાથેના અનુભવમાંથી મને ઘણું શીખવા મળ્યું. જો કે ઘણી વાર લોકો માની લે છે કે ગોરીલા ખતરનાક છે. એટલે તેઓનો શિકાર કરે છે. અમુક વખતે ખોરાક માટે તેઓનો શિકાર થાય છે. પણ હકીકતમાં ગોરીલા શાંત સ્વભાવના હોય છે. તેઓને ખરેખર આપણા રક્ષણની જરૂર છે.”

લૉપિ નેશનલ પાર્કમાં માનડ્રિલ કે બબૂન મોટા મોટા ટોળામાં રહેતા હોય છે. અમુક વાર હજારથી પણ વધારે વાનરોનું મોટું ટોળું હોય છે. આના જેટલું મોટું ટોળું દુનિયામાં બીજે ક્યાંય જોવા નથી મળ્યું. એ ટોળાનો કલબલાટ કાન ફાડી નાખે એવો હોય છે. કૅમરૂનથી ફરવા ગયેલી એક વ્યક્તિ પોતાનો અનુભવ જણાવે છે:

‘લૉપિ નેશનલ પાર્કનાં ઘણાં જાનવરોને રેડિયો કોલર પહેરાવવામાં આવે છે. એનાથી અમારા ટુરગાઇડને ખબર પડી કે માનડ્રિલ કે બબૂન વાનરોનું ટોળું નજીકથી પસાર થશે. તેઓ આવી પહોંચે એ પહેલાં જ અમે જલદી-જલદી જંગલના એક ખૂણામાં સંતાવાની જગ્યા બનાવીને એમાં બેસી ગયા. વીસેક મિનિટ અમે પક્ષીઓનો કલરવ ને જીવજંતુઓનો મધુર અવાજ સાંભળ્યો. અચાનક એ શાંતિમાં ભંગ પડ્યો. બબૂન વાનર સેના નજીક આવી પહોંચી હતી. તેઓમાંથી માદા અને નાનાં બચ્ચાં એકથી બીજી ડાળી પર હીંચકા ખાતાં આવતાં હતાં. વૃક્ષની ડાળીઓ ભાંગવાના અવાજથી મને થયું કે જાણે ભારે વાવાઝોડું આવી રહ્યું છે. એવામાં મારી નજર એક મોટા બબૂન પર પડી. લશ્કરમાં આગેવાન સૈનિકની જેમ સૌથી મોટા બબૂન ટોળાંની આગળ ચાલતા હતા. અચાનક મોટો બબૂન ઊભો રહી ગયો. તેને શંકા ગઈ. તે આમતેમ જોવા લાગ્યો. હકીકતમાં ડાળીઓ પર હીંચકા ખાતો આવતો નાનો બબૂન અમને જોઈ ગયો હતો. તેણે ચીસાચીસ કરી મૂકી. આખું ટોળું ફટાફટ ભાગવા લાગ્યું. તેઓની ચીસોથી જાણે ગર્જના થતી હતી. તેઓ ગુસ્સે ભરાયા હતા. પછી અમુક પલમાં આ વાનર સેના જંગલમાં ગાયબ થઈ ગઈ. મારા ગાઇડના હિસાબે એ ટોળામાં લગભગ ૪૦૦ બબૂન હતા.’

ચિમ્પાન્ઝી વાંદરા પણ બબૂન જેવી જ ધમાલ મચાવે છે. પણ તેઓની ઝલક ભાગ્યે જ મળે. તેઓ ખાવાનું શોધવા લગાતાર એકથી બીજે ઝાડ ઉતાવળે ફરતા હોય છે. તેઓ જલદીથી દેખાતા નથી. જ્યારે બીજી બાજુ સફેદ નાકવાળા (પટી-નૉઝ્ડ) વાંદરા બધે જ જોવા મળે છે. ઘણી વાર તો સાવન્‍નાં જંગલની સરહદે જોવા મળે છે. લૉપિ નેશનલ પાર્કમાં સફેદ પૂંછડીવાળા સન-ટેલ વાંદરા સંતાઈને રહે છે. આ વાંદરા ગબૉનના અમુક વિસ્તારમાં જ જોવા મળે. લગભગ વીસેક વર્ષ પહેલાં જ એ જાતિના વાંદરા વિષે જાણવા મળ્યું છે.

અહીં જંગલમાં મોટાં મોટાં રંગબેરંગી પક્ષીઓ પણ જોવા મળે છે. જેમ કે આફ્રિકાનું ટુરાકોસ પંખી અને ચિલોત્રો (હૉર્નબિલ). તેઓ મોટેથી કલબલાટ કરતા હોય છે. આ પાર્કમાં ૪૦૦ જેટલી જાતિનાં પક્ષીઓ જોવા મળે છે. એ કારણે પક્ષીઓનો અભ્યાસ કરતા લોકોની આ મનપસંદ જગ્યા છે.

રંગબેરંગી પક્ષીઓનું ઘર

ગબૉનમાં ૧૩ નેશનલ પાર્ક છે. એમાંના બે લૉઆંગો ને લૉપિ નેશનલ પાર્ક છે. બીજા અનેક પાર્કમાં ઝાડપાન, રંગબેરંગી ફૂલો ને બીજા દેશોમાંથી આવ-જાવ કરતા પક્ષીઓનું રક્ષણ કરવામાં આવે છે. વન્ય જીવ સંરક્ષણ સંસ્થા માટે કામ કરતા લિ વાઇટ કહે છે, ‘આખા ગબૉન દેશમાં એવા ઘણા એરિયાને અલગ રાખવામાં આવ્યા છે, જ્યાં સૌથી ઉત્તમ વાતાવરણ હોય. એરિયા કેટલો મોટો કે નાનો છે એ મહત્ત્વનું નથી. પણ કેવો છે એ મહત્ત્વનું છે. ૨૦૦૨માં દેશના બધાં પશુ-પંખીઓ માટે સરકારે જાણે કે રાતોરાત સૌથી સારો સફારી પાર્ક ઊભો કર્યો.’

ગબૉનના પ્રમુખ ઓમર બૉનગો ઉનડિબા પોતે સ્વીકારે છે કે હજી ઘણી મુશ્કેલીઓ પાર કરવાની બાકી છે. તે કહે છે: ‘જીવ-જંતુઓનું રક્ષણ કરવાનું મિશન આખી દુનિયામાં ચલાવવાની જરૂર છે. એ માટે આપણે થોડો જ સમય નહિ, પણ ઘણા લાંબા સમય સુધી અમુક ભોગ આપવા પડશે. એ પછી જ આપણે આવનારી પેઢીઓને આ કુદરતી વારસો ભેટમાં આપી શકીશું, જેથી તેઓ પણ એનો આનંદ લઈ શકે.’ (g 1/08)

[Maps on page 17]

લૉઆંગો નેશનલ પાર્ક

લૉપિ નેશનલ પાર્ક

ગબૉનમાં ૧૩ નેશનલ પાર્ક છે

આફ્રિકા

ગબૉન

[Picture on page 16, 17]

લૉઆંગોમાં ખૂંધવાળી વ્હેલનો ઉપરથી લીધેલો ફોટો

[Credit Line]

Whale: Wildlife Conservation Society

[Picture on page 16, 17]

માનડ્રિલ કે બબૂન (ડાબી બાજુ) અને ગોરીલો (જમણી બાજુ)

[Picture Credit Line on page 15]

Robert J. Ross