સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ટોકિયોની કરીએ જરા વાત

ટોકિયોની કરીએ જરા વાત

ટોકિયોની કરીએ જરા વાત

જાપાનના સજાગ બનો!ના લેખક તરફથી

ઑગસ્ટ ૧૯૫૦. એ ગરમીના દિવસોમાં જાપાનના લશ્કરનો કમાન્ડર લાઈસુ ટોકુગાવા (જમણી બાજુ) પોતાની ફોજ લઈને નાનકડા ઈડો ગામમાં પ્રવેશે છે. થોડાં વર્ષો પછી એ ટોકુગાવા શોગૂન બન્યો. * ટોકિયોનો ઇતિહાસ જણાવે છે કે એ વખતે ઈડોમાં માંડ સોએક ઝૂંપડીઓ હતી. એ પણ ભાંગેલ તૂટેલ, કે જેમાં ખેડૂતો અને માછીમારો રહેતા. એ ગામમાં સોએક વર્ષ જૂનો ભાંગ્યો-ટૂટ્યો કિલ્લો પણ હતો. આવું નાનું નકામું, નજીવું, એ ગામડું હતું.

સદીઓ સુધી આ નાનકડું ઈદો ગામ ગુમનામ રહ્યું. પણ ધીમે ધીમે એ એટલું વધ્યું કે આજે જાપાનનું પાટનગર ટોકિયો બન્યું છે. આજે તો ટોકિયોનું નામ પડે તો એક નાનું ગામડું યાદ નથી આવતું. પણ ચહલ-પહલથી ભરેલા શહેરની યાદ આવે. આ શહેરની વસ્તી એક કરોડ વીસ લાખથી પણ વધારે છે. ટોકિયો નામ સાંભળતા જ આપણી નજરે ટેક્નૉલૉજી, મોટરકાર, પૈસા, વેપાર ધંધો એવું બધું યાદ આવી જાય છે. આ શહેરમાં જાણીતી બૅંકોના મુખ્યમથકો પણ છે. આ નાનકડું ગામ કઈ રીતે મોટું શહેર ટોકિયો બન્યું, એ જાણવા જેવું છે.

નાનકડું ગામ મોટું શહેર બન્યું

૧૪૬૭ પછી સોએક વર્ષ જાપાનમાં અંદરોઅંદર લડાઈઓ ચાલી. જમીનદારોએ લડીને જાપાનના ભાગલા પાડી દીધા અને પોતપોતાના વિસ્તારમાં રાજ કરવા લાગ્યા. છેવટે હાયોડોશી ટોયોટામીએ અમુક હદે લડાઈઓ બંધ કરીને જાપાનને પાછું એક કર્યું. તે એક ગરીબ ખેડૂતનો પુત્ર હતો, જે જોતજોતામાં એ જમાનાનો કાબેલ સેનાપતિ બની ગયો. તે ૧૫૮૫માં જાપાનના શહેનશાહ તરફથી રાજ કરવા લાગ્યો. શરૂઆતમાં તો લાઈસુ, હાયોડોશી સામે લડ્યો, પણ પછી તેઓ બંને એક થઈ ગયા. પછી લાઈસુ અને હાયોડોશીએ સાથે મળીને ઓડાવારા શહેરના કિલ્લાને ઘેરી લીધો. એના પર કબજો જમાવી દીધો. આ કિલ્લો શક્તિશાળી હોજો કુળનો મજબૂત ગઢ હતો. આ રીતે લાઈસુ અને હાયોડોશીએ પૂર્વ જાપાન કબજે કરી લીધું.

હાયોડોશીએ લાઈસુને પૂર્વના કાનટો પ્રદેશના આઠ પ્રાંતો સોંપ્યા. એ મોટો પ્રદેશ હતો. આમ હાયોદોશીએ હાથે કરીને લાઈસુને કોયોટોથી દૂર રાખ્યો. કોયોટોમાં તો જાપાનના શહેનશાહ રહેતા હતા. લાઈસુએ હાયોડોશીની વાત માની લીધી અને શરૂઆતમાં જોઈ ગયા તેમ, તે ઈડોમાં પ્રવેશ્યો. તે હવે એ મામૂલી ગામડાંને શહેર બનાવવાનું સપનું સાકાર કરવામાં લાગી ગયો.

હાયોડોશીના મરણ પછી, પૂર્વ જાપાનની મોટા ભાગની ફોજોને એક કરીને લાઈસુ પશ્ચિમ જાપાનની ફોજ સામે લડવા ગયો. અને ૧૬૦૦માં એક જ દિવસમાં તેણે જીત મેળવી. ૧૬૦૩માં લાઈસુને જાપાનનો શોગૂન બનાવવામાં આવ્યો અને તે હવે જાપાન પર રાજ કરવા લાગ્યો. હવે પેલું નાનકડું ગામ ઈડો સરકારી ચહલ-પહલની ખાસ જગ્યા બની ગયું.

લાઈસુએ જબરજસ્ત કિલ્લો બાંધવા જમીનદારોને હુકમ કર્યો કે તેઓ મજૂરો ને બાંધકામ સામગ્રી મોકલે. બાંધકામની સામગ્રી માટે તો ૩,૦૦૦ જહાજો આવજા કરતા, એમાં સોએક કિલોમીટર દૂર આવેલા પહાડોમાંથી મોટા મોટા પથ્થરો લાવતા. જ્યારે જહાજો કિનારે પહોંચતા ત્યારે સોએક માણસો ભેગા થઈને પથ્થરો કિલ્લો બાંધવા માટે લઈ જતા.

જાપાનમાં એ સૌથી મોટો કિલ્લો બંધાયો હતો. એને બાંધતા પચાસેક વર્ષ લાગ્યા. ત્યારે શોગૂન ત્રીજો રાજ કરતો હતો. એ કિલ્લામાં તો ખરેખર લાઈસુની સત્તા અને એની જીતની છાપ હતી. લાઈસુની ફૉજ પણ એ કિલ્લાની આસપાસ રહેવા લાગી. લાઈસુએ જમીનદારોને હુકમ આપ્યો હતો કે તેઓ પોતાના મહેલની સાથે સાથે શોગૂનના કિલ્લાની પણ દેખરેખ રાખે.

કિલ્લાની આસપાસ રહેતી ફોજની જરૂરિયાતો પૂરી પાડવા જાપાનના ખૂણે ખૂણેથી વેપારીઓ, કામદારો અને કારીગરો આવ્યા. પછી તો લાઈસુએ આ વિસ્તારમાં પગ મૂક્યો એના સોએક વર્ષમાં જ ઈડોની વસ્તી ૧૦ લાખ થઈ ગઈ! આમ, એ જમાનામાં ઈડો સૌથી વધારે વસ્તીવાળું શહેર બની ગયું.

લડવાનું ભૂલ્યા અને ગણવાનું શીખ્યા

શોગૂનની સરકાર સરસ હતી. એણે લડાઈઓ બંધ કરી. બધેય શાંતિ ફેલાઈ ગઈ. પછી તો ફોજના સૈનિકો પણ લડવાને બદલે ભણવા-ગણવાનું શીખ્યા. પછી તો ૧૦, ૨૦ કે ૩૦ વર્ષ સુધી નહિ, પણ ૨૫૦ વર્ષ શાંતિ રહી. આવા રાજ્યમાં તો પ્રજા અને વેપારીઓને ઘણી છૂટ મળી. વેપારીઓ વધારે ને વધારે આબાદ થવા લાગ્યા. એક નવો યુગ શરૂ થયો.

જાપાનની પ્રજા હવે નીત-નવા મનોરંજનનો આનંદ લેવા લાગી. તેઓને નાટકો કરવા ગમતા. કઠપૂતળીના ખેલ કરવા ગમતા. ગરમીના દિવસોમાં સાંજે લોકો ઈડો જ્યાં વસ્યું હતું એ સૂમિદા નદીને કાંઠે ભેગા થતા. તેઓ ફટાકડા ફોડવાનાં પણ શોખીન બન્યા, જે પરંપરા આજે પણ ચાલે છે.

તોપણ ઈડોનું નામ દુનિયાની આંખેથી લગભગ ૨૦૦ વર્ષ છૂપું રહ્યું. જાપાનની બહાર કોઈ ઈડોનું નામ જાણતું ન હતું. એનું પણ કારણ છે. મોટા ભાગે જાપાનીઓને પરદેશીઓ સાથે કોઈ પણ સંબંધ રાખવાની, કે હળવા-મળવાની મનાઈ હતી, ફક્ત ડચ, ચાઇનિઝ, અને કૉરિયન સાથે જ થોડી હદે હળવા-મળવાની રજા હતી. પણ એ બધાય કાયદાઓ રાતોરાત બદલાઈ ગયા, જેના લીધે ઈદો શહેર જ નહિ, પણ આખા દેશની રોનક બદલાઈ ગઈ.

ઈડો બન્યું ટોકિયો

એક દિવસ ઈડોનાં બંદરેથી માછીમારોને દૂર દૂર વિચિત્ર જહાજો જોવા મળ્યા. એ જહાજોમાંથી કાળો કાળો ધુમાડો નીકળતો હતો. પણ ત્યાંના માછીમારોને જહાજો વિષે કંઈ ખબર ન હતી. તેઓને થયું કે આ તો અમારી તરફ જ્વાળામુખી તરી રહ્યા છે! એ વાત આખા ઈડોમાં ફેલાઈ ગઈ અને ઘણા લોકો ઈડો શહેર છોડીને નાસી ગયા.

નʼતા એ કોઈ જ્વાળામુખી, કે નʼતા કોઈ જહાજો સળગતા. એ ધુમાડો તો ફક્ત ચાર જહાજોમાંથી નીકળતો હતો. એ જહાજોનાં કેપ્ટન અમેરિકન નેવીનાં મેથ્યુ સી પેરી હતા. એ જહાજોએ ૮ જુલાઈ, ૧૮૫૩ના રોજ ઈડોના અખાતમાં લંગર નાખ્યું. (ડાબી બાજુ) પેરીએ વિનંતી કરી કે અમેરિકાને જાપાન સાથે વેપાર કરવા રજા આપવામાં આવે. પેરી આવ્યા પછી જાપાની લોકો જોઈ શક્યા કે તેઓ ટેક્નૉલૉજીમાં કેટલા પાછળ રહી ગયા છે. એ તેઓથી ન સહેવાયું.

પછી તો એક ઉપર એક એવી ઘટનાઓ બની કે જેનાથી ટોકુગાવા સરકાર પડી ભાંગી અને જાપાનના શહેનશાહનું રાજ પાછું આવ્યું. ૧૮૬૮માં ઈડોનું નામ ટોકિયો રાખવામાં આવ્યું, જેનો અર્થ થાય, ‘પૂર્વનું પાટનગર.’ એ જગ્યા કૉયોટોના પૂર્વમાં આવી હોવાથી એ નામ પડ્યું. હવે શહેનશાહ કૉયોટોનો મહેલ છોડીને ઈડોના કિલ્લામાં રહેવા ગયા. એ કિલ્લાને પછી શહેનશાહનો મહેલ બનાવી દેવામાં આવ્યો.

પછી ધીમે ધીમે પશ્ચિમની અસર જાપાનમાં આવી. જાપાનને મૉડર્ન બનાવવાનાં પગલાં લેવામાં આવ્યાં. એ માટે ઘણી મહેનત કરવાની હતી. ઘણા લોકો એ સમયગાળાને ચમત્કારી યુગ પણ કહે છે. ૧૮૬૯માં ટોકિયો અને યોકોહામા વચ્ચે તાર કે ટેલિગ્રાફની સગવડ શરૂ થઈ. પછી બન્‍ને શહેરો વચ્ચે રેલવેના પાટા નંખાયા. જોતજોતામાં તો લાકડાંનાં ઘરો વચ્ચે ઈંટોની ઇમારતો ફૂટી નીકળી. હોટલો ઊભી થઈ. બૅંકો આવી ગઈ. રેસ્ટોરન્ટ બંધાઈ. મોટા મોટા સ્ટોરે પણ માથું ઊંચું કર્યું. સૌથી પહેલી યુનિવર્સિટી બનાવવામાં આવી. કાચા રસ્તા ગયા અને પાકા આવ્યા. સૂમિદા નદીમાં સ્ટિમ બોટ પણ ચાલવા લાગી.

જાપાનીઓના પહેરવેશમાં પણ પશ્ચિમી ફૅશનની ઝલક આવી. પહેલા તો તેઓ કીમોનો પહેરતા. એની જગ્યાએ વધુને વધુ લોકો પશ્ચિમી કપડાં પહેરવાં લાગ્યાં. એક તરફ પુરુષો ધોળિયાઓની જેમ મૂછો વધારવા લાગ્યા, લાંબી લાંબી ટોપીઓ પહેરવા લાગ્યા. હાથમાં ચાલવાની લાકડી રાખવી પણ એક જાતની ફૅશન બની ગઈ. તો બીજી બાજુ સ્ત્રીઓ પણ નીતનવા ડ્રેસ પહેરવા લાગી અને પશ્ચિમી ડાન્સ શીખવા માંડી.

પશ્ચિમની જેમ જાપાનને પણ બિયરનો ચસ્કો ચડ્યો. જાપાનની રાષ્ટ્રીય રમત, સૂમો કુસ્તીની જેમ જ તેઓને બેઝબોલ રમવાનોય શોખ જાગ્યો. આ રીતે ટોકિયો તરસ્યું હતું. નવી નવી રીતો શીખવાનું તરસ્યું હતું. ભણવા-ગણવાનું તરસ્યું હતું. આમ એ શહેર, નાના બીજમાંથી જાણે મોટુંમસ વૃક્ષ બનતું ગયું. આવા ફૂલતા ફાલતા શહેરમાં અચાનક એક દિવસ આફત આવી પડી.

ધૂળભેગું થયું તોય ઊભું થઈ ગયું

પહેલી સપ્ટેમ્બર, ૧૯૨૩ના રોજ લોકો બપોરે ખાવા-પીવાની તૈયારી કરતા હતા. એવામાં એક જબરજસ્ત ધરતીકંપ ત્રાટક્યો. પછી તો હજારો નાના નાના ધરતીકંપોના આંચકા આવ્યા. ચોવીસ કલાક પછી એક જોરદાર ધરતીકંપ આવ્યો. એનાથી અપાર નુકસાન થયું. ધરતીકંપથી જે આગ લાગી એમાં ટોકિયો મોટે ભાગે સળગીને રાખ થઈ ગયું. આ ધરતીકંપોમાં લગભગ ૧,૦૦,૦૦૦ લોકો મોતને હવાલે થયા. એમાંના ૬૦,૦૦૦ તો ટોકિયોના રહેવાસીઓ હતા.

તોપણ ટોકિયોના લોકો હિંમત ન હાર્યા, તેઓ ફરી એને ઊભું કરવા લાગ્યા. ટોકિયોને ફરીથી ઊભું કરવાનું કામ નાનુંસૂનું ન હતું. તોય તેઓએ ઊભું કર્યું. પણ એમાંય પાછી એક મોટી આફત નડી. વિશ્વયુદ્ધ બે શરૂ થયું ને એના બૉમ્બધડાકાથી શહેરને ઘણું નુકસાન થયું. સૌથી વધારે નુકસાન ૧૯૪૫માં માર્ચ ૯/૧૦ની રાતે થયું. એ રાતે લગભગ ૭,૦૦,૦૦૦ બૉમ્બ એ શહેર પર પડ્યા હતા. ત્યાં મોટા ભાગનાં ઘરો લાકડાંનાં બનેલાં હતાં. એ બધા જ સળગીને રાખ થઈ ગયા ને ૭૭,૦૦૦ માણસો મોતને હવાલે થયા. ઇતિહાસમાં એવો ખતરનાક બૉમ્બમારો ક્યારેય થયો નથી.

આફતો પર આફતો આવી છતાંય ટોકિયો ટકી ગયું. ધૂળભેગું થઈ ગયું છતાંય ઊભું થયું. વીસ જ વર્ષમાં શહેરની રોનક એટલી બદલાઈ ગઈ કે ૧૯૬૪માં ઉનાળામાં ત્યાં ઑલિમ્પિક રમતો યોજાઈ. છેલ્લા ચાલીસેક વર્ષમાં તો ટોકિયો મહાનગર બની ગયું છે. ગગનચુંબી ઇમારતો દિવસે નહિ એટલી રાત્રે ઊભી થઈ. આજે તો ટોકિયો જાણે ઇમારતોનું જંગલ બની ગયું છે.

ન હારે, ન હાંફે, ન થાકે એવું છે આ રંગીલું ટોકિયો

ભલે ટોકિયો શહેર ૪૦૦ વર્ષ જૂનું છે, પણ દુનિયાના મોટાં મોટાં શહેરોની સરખામણીમાં તો એ નવું જ કહેવાય. પહેલાં કરતાં ટોકિયો ઘણુંય બદલાઈ ગયું છે. પહેલાં કેવું હતું એની તો આપણને ખબરેય ન પડે. એ જમાનાના ગણ્યાં-ગાંઠ્યાં મકાનો જ જોવા મળશે. ભલે બદલાઈ ગયું હોય, તોપણ એમાં હજુયે ઈડોની છાપ છે.

ટોકિયો શહેરની વચ્ચે એક હર્યોભર્યો મોટો વિસ્તાર છે. પહેલાં જ્યાં ઈડોનો જૂનો કિલ્લો હતો ત્યાં આજે શહેનશાહનો મહેલ છે. એની આસપાસ બગીચો પણ છે. આ મહેલ ફરતેથી મોટા મોટા રસ્તાઓનાં ફાંટા નીકળે છે. જાણે કરોળિયાની જાળ જોઈ લો. એમાં પણ ઈડોની છાપ જોવા મળે છે. ઈડોમાં નામઠામ વગરના વાંકાચૂકા રસ્તાઓ હતા એવા જ નામઠામ વગરના વાંકાચૂકા રસ્તાઓ આજે જોવા મળે છે.

ટોકિયોની એક ખાસિયત છે. ટોકિયોમાં જે શીખવાની તરસ છે એ કદીયે બૂઝતી નથી. કોઈની પાસેથી કે કોઈ પણ પ્રજા, દેશમાંથી જાપાનીઓ નવું નવું શીખી શકે છે. ટોકિયોની બીજી પણ એક ખાસિયત છે. ટોકિયો હારમાં માનતું નથી. ધરતીકંપ આવ્યો, લાંબો સમય તંગી ચાલી, એની વધતી વસ્તીએ પણ અનેક મુશ્કેલીઓ ઊભી કરી, પણ ટોકિયોએ હાર ન માની. ભલે માથે ગમે એ આવે પણ જે કરવું એ કરવું જ. તેઓની આવી મીઠી હઠ હોય તો ટોકિયો ગમે એવી આફતમાં ટકી જાય એમાં નવાઈ નથી. તો આવો ને તમે પોતે ટોકિયોના લોકોને જુઓ. એક સમયના આ એક નાનકડા ગામે આજે દુનિયામાં મોટું નામ બનાવ્યું છે. (g 1/08)

[Footnote]

^ જાપાનની ફોજનો સેનાપતિ ‘શોગૂન’ નામે ઓળખાતો. આ પદ પિતા તરફથી તેમના દીકરાને વારસામાં મળતું. જાપાનના શહેનશાહના હાથ નીચે શોગૂન સત્તા ચલાવતો.

[Map on page 11]

જાપાન

ઑસાકા

કિયોટો

યોકોહામા

ટોકિયો (ઈડો)

[Picture on page 12, 13]

આજનું ટોકિયો

[Credit Line]

Ken Usami/​photodisc/​age fotostock

[Picture Credit Line on page 11]

© The Bridgeman Art Library

[Picture Credit Line on page 13]

The Mainichi Newspapers