સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

‘બ્રિટનમાં સરેરાશ છ વર્ષનું બાળક, એક આખું વર્ષ ટીવી જોવામાં કાઢી નાખે છે. અને બ્રિટનમાં ત્રણેક વર્ષનાં જેટલાં પણ બાળકો છે એમાંથી ૫૦ ટકાથી વધારે બાળકોનાં રૂમમાં ટીવી હોય છે.’— ધ ઈન્ડિપેન્ડન્ટ, બ્રિટન. (g 1/08)

ચીનમાં ૧૬ વર્ષથી વધારે વયના લોકોનો એક સર્વે થયો. એમાંથી જાણવા મળ્યું કે ૩૧.૪ ટકા લોકો પોતાને ધાર્મિક ગણે છે. જો એ આંકડો સાચો હોય તો “લગભગ ૩૦,૦૦,૦૦,૦૦૦ લોકો ધાર્મિક ગણાય. પણ સરકારી આંકડા બતાવે છે કે ફક્ત ૧૦,૦૦,૦૦,૦૦૦ લોકો જ ધાર્મિક છે.”—ચાઇના ડેઇલી, ચીન. (g 1/08)

ફાયદા કરતાં નુકસાન વધારે

થોડાં વર્ષો અગાઉ, ડચ દેશના રાજનેતાઓ અને વાતાવરણનું રક્ષણ કરનારાને લાગ્યું કે તેઓને એવું તેલ (બાયોફ્યુઅલ) મળી ગયું છે, જેનાથી વાતાવરણને જરાય નુકસાન નહીં થાય અને વીજળી ઉત્પન્‍ન કરી શકાશે. એ બાયોફ્યુઅલ તાડનું તેલ હતું, જે જનરેટરમાં વપરાવાનું હતું. પણ તેઓની આશાઓ પર પાણી ફરી વળ્યું. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ જણાવે છે કે ‘એ તેલ વાતાવરણ માટે ખૂબ જ જોખમી હતું. જેમ તાડના તેલની વધારેને વધારે માંગ ઊભી થઈ તેમ ઇન્ડોનેશિયામાં વધુને વધુ ઝાડો કાપવામાં આવ્યાં. મોટાં મોટાં જંગલો ઉજ્જડ થઈ ગયા. તાડના ઝાડ ઉગાડવા માટે રાસાયણિક ખાતરનો પણ હદબહાર ઉપયોગ થયો.’ વધારે ને વધારે તાડ ઉગાડવા જંગલો સળગાવ્યા. ટાઇમ્સ જણાવે છે કે, એના પરિણામે ઇન્ડોનેશિયા રાતોરાત સૌથી વધારે કાર્બન ગેસ પેદા કરનારો ત્રીજો દેશ બની ગયો. અને વૈજ્ઞાનિકો કહે છે કે આ કાર્બન ગેસ પૃથ્વીના વધતા તાપમાન માટે જવાબદાર છે. (g 1/08)

હવે આ દુનિયાની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે

બુલેટિન ઑફ ઍટમિક સાયન્ટિસ્ટBAS) મૅગેઝિનના પહેલા પાન પર વર્ષોથી એક ઘડિયાળનો ફોટો છપાય છે, જે દુનિયાની છેલ્લી ઘડીઓ વિષે જણાવે છે. આ ઘડિયાળ બતાવે છે કે અણુબૉમ્બથી દુનિયાનો નાશ થવાને હવે કેટલી વાર છે. આ ઘડિયાળ બારને ટકોરે આવી પહોંચે એટલે જાણે જગતનો અંત સમજી લો. તાજેતરમાં એ ઘડિયાળનો કાંટો બે મિનિટ આગળ બતાવવામાં આવ્યો છે, એટલે બારમાં પાંચ મિનિટની જ વાર છે. બુલેટિન મૅગેઝિનમાં છપાતી આ ઘડિયાળમાં છેલ્લા ૬૦ વર્ષમાં ફક્ત ૧૮ વખત ફેરફાર કરવામાં આવ્યા છે. ન્યૂયોર્કનું, વર્લ્ડ ટ્રેડ સેન્ટર ધૂળભેગું થઈ ગયું ત્યારે, એનાં કાંટા આગળ કરવામાં આવ્યા હતા. બુલેટિન ઑફ ઍટમિક સાયન્ટિસ્ટ જણાવે છે કે “હવે તો અણુશસ્ત્રોનો ખતરો પણ આપણી માથે ઝઝૂમે છે. નવાં નવાં શસ્ત્રો બનતા જાય છે. એને સલામત રાખી શકાતા નથી. એ બહુ જ ખતરનાક છે. આ સમસ્યાનો રસ્તો કાઢવામાં માણસ નિષ્ફળ ગયો છે. હવે વાતાવરણમાં થયેલા બદલાવથી પણ એટલું જ જોખમ ઊભું થયું છે, જેટલું આ અણુશસ્ત્રોથી થયું છે.” (g 1/08)

સગર્ભાવસ્થા દરમિયાન તણાવ

તાજેતરમાં થયેલા એક સંશોધન પ્રમાણે જો પ્રૅગનન્સી દરમિયાન સ્ત્રીનો પતિ તેની સાથે બોલાચાલી કરે કે તેને મારે તો એનાથી સ્ત્રી ઘણો તણાવ અનુભવે છે. એની સીધી અસર ગર્ભમાં રહેલા બાળકના માનસિક વિકાસ પર પડે છે. લંડનની ઇમ્પેરીઅલ કૉલેજના પ્રોફેસર વિવિટી ગૉવર કહે છે: ‘અમને જોવા મળ્યું છે કે જો પતિ સગર્ભા પત્નીની લાગણીઓને સમજે નહીં અને ક્રૂર રીતે વર્તે તો, એની અસર ગર્ભમાં રહેલા બાળકના વિકાસ પર થાય છે. પિતા પણ ગર્ભમાં રહેલા બાળકના વિકાસ માટે ઘણો મોટો ભાગ ભજવે છે. પતિ-પત્નીના સંબંધોની અસર માતા પર અને એના ગર્ભમાં રહેલા બાળક પર પડે છે. પતિ-પત્નીનો સંબંધ સારો હોય તો, માતાના શરીરના હોર્મોન્સ અને રાસાયણિક સમતોલન જળવાઈ રહે છે. એનાથી બાળકના મગજનો વિકાસ સારો થઈ શકે છે.’ (g 1/08)

પોતાની ધૂનમાં જ ગાડી ચલાવતા લોકો

જર્મન યુનિવર્સિટી ઑફ ડ્યીસ્બર્ગ-ઈસાનના ટ્રાફિક વિજ્ઞાની માઈકલ શેરકેનબર્ગ જણાવે છે કે ‘જે લોકો દરરોજ એક જ રસ્તા પરથી આવ-જા કરતા હોય છે, તેઓ સામાન્ય રીતે પોતાની ધૂનમાં જ ગાડી ચલાવતા હોય છે. રસ્તાઓને સારી રીતે જાણતા હોવાથી તેઓ ટ્રાફિક પર ધ્યાન આપવાને બદલે, બીજી જ કોઈ બાબતમાં ડૂબેલા હોય છે. તેથી જો સામે કોઈ ખતરો આવી જાય તો તેઓ તરત જ પગલાં લઈ શકતા નથી. શેરકેનબર્ગ, બધાને અને ખાસ કરીને એક જ રસ્તેથી આવતા-જતા ડ્રાઇવરોને રસ્તા પર ધ્યાન રાખવાનું કહે છે. (g 1/08)