સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સ્ત્રીઓ વિષે ઈશ્વર શું વિચારે છે?

સ્ત્રીઓ વિષે ઈશ્વર શું વિચારે છે?

સ્ત્રીઓ વિષે ઈશ્વર શું વિચારે છે?

પરમેશ્વર યહોવાહ સ્ત્રીઓ સાથે કેવી રીતે વર્તે છે, એ જાણવું હોય, એ શીખવું હોય તો એ પાઠ આપણે ઈસુ પાસેથી શીખી શકીએ. કેમ કે ઈસુ તો “તે અદૃશ્ય દેવની પ્રતિમા” છે. (કોલોસી ૧:૧૫) ઈસુ ધરતી પર હતા ત્યારે સ્ત્રીઓ સાથે માન-સન્માનથી વર્ત્યા. આજે સ્ત્રીઓ પર જે જુલમ થાય છે એ યહોવાહને અને ઈસુને પસંદ નથી.

દાખલા તરીકે, એક વખત ઈસુ એક કૂવા પાસે કોઈ સ્ત્રી સાથે વાત કરતા હતા એ કિસ્સાનો વિચાર કરો. “એક સમરૂની સ્ત્રી પાણી ભરવાને આવી; ઈસુ તેને કહે છે, કે મને પાણી પા.” આ સ્ત્રી સમરૂની જાતિની હતી. એ જમાનામાં યહુદીઓ સમરૂનીઓને હલકા ગણતા. ઈસુ યહુદી હતા, તોપણ એ સ્ત્રી સાથે વાત કરતા અચકાયા નહિ. ઇન્ટરનેશનલ બાઇબલ એન્સાઇક્લોપીડિયા જણાવે છે કે “સ્ત્રીઓ સાથે બહાર બેસીને વાત કરવાને તો યહુદીઓ એક જાતનું પાપ ગણતા.” જ્યારે ઈસુએ તો આ સ્ત્રી સાથે માનથી વાત કરી. ઈસુના દિલમાં કોઈ જાતનો ભેદભાવ ન હતો. અરે, એમણે ફક્ત વાત જ ન કરી પણ પહેલી વખત આ સ્ત્રીને જણાવ્યું કે ઈશ્વરે તેમને ધરતી પર મોકલ્યા છે.—યોહાન ૪:૭-૯, ૨૫, ૨૬.

બીજો દાખલો લઈએ. એક બાઈને બીચારીને ૧૨ વર્ષથી રક્તસ્ત્રાવની બીમારી હતી. બહેનોને આવી તકલીફ હોય ત્યારે ન તો કોઈને કહેવાય કે ન તો એ સહેવાય. પણ એ સ્ત્રી ઈસુને અડકી ને તરત જ સાજી થઈ ગઈ. “ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કહ્યું, કે દીકરી, હિમ્મત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે. અને તે સ્ત્રી તે જ ઘડીથી સાજી થઈ.” (માત્થી ૯:૨૨) એ જમાનામાં મુસાનો નિયમ હતો કે સ્ત્રીઓને જ્યારે એવી તકલીફ હોય ત્યારે એણે બહાર નીકળવું નહિ અને કોઈને અડવું પણ નહિ. ભલે એ નિયમ હતો, પણ ઈસુએ એ સ્ત્રીને તોડી ન પાડી. એને બદલે દયા બતાવી. “દીકરી” કહીને બોલાવી. એ સાંભળીને બીચારીને કેટલી હિંમત મળી હશે. ઈસુએ તેને રાજી-ખુશીથી સાજી કરી.

ઈસુ સજીવન થયા પછી સૌથી પહેલાં મરિયમને તથા બીજી સ્ત્રીઓને મળ્યા, જે તેમની શિષ્યાઓ હતી. આ બીજી સ્ત્રીઓને બાઇબલ “બીજી મરિયમ” પણ કહે છે. ઈસુ સૌ પ્રથમ પીતર, યોહાન કે બીજા ભાઈઓને દર્શન આપી શક્યા હોત. પણ તે તો સજીવન થયા પછી બહેનોને મળ્યા. બહેનોને માન આપ્યું. ઈસુ સજીવન થયા એની ખબર સૌથી પહેલી બહેનોને પડી. સ્વર્ગદૂતે બહેનોને કહ્યું કે તેઓ જઈને ભાઈઓને જણાવે. ઈસુએ પણ બહેનોને કહ્યું કે “જાઓ, મારા ભાઈઓને કહો.” (માત્થી ૨૮:૧, ૫-૧૦) એ જમાનામાં યહુદીઓ એવું માનતા કે સ્ત્રીઓ કોઈ જાતની જુબાની આપી ન શકે. પણ ઈસુને તો એની કોઈ પરવા ન હતી.

ઈસુ એવું માનતા ન હતા કે પુરુષ જ કંઈક છે. ઈસુ તો સ્ત્રીઓ સાથે માન-સન્માનથી વર્ત્યા. તેમણે સ્ત્રીઓની કદર કરી. પછી એમાં જુલમની તો વાત જ ક્યાં આવી. એ બધુંય ઈસુ યહોવાહ પાસેથી શીખ્યા. આપણે ઈસુના જીવનમાંથી યહોવાહના વિચારો જાણી શકીએ છીએ.

પરમેશ્વરની છત્રછાયા હેઠળ સ્ત્રીઓ

બાઇબલનો એક શબ્દકોશ જણાવે છે કે, અગાઉના જમાનામાં “પૂર્વની સ્ત્રીઓને પશ્ચિમની સ્ત્રીઓ જેટલી છૂટ મળતી ન હતી. પૂર્વની સ્ત્રીઓએ બસ પોતાના પતિનું કહ્યું કરવાનું હતું. છોકરીઓ કરતાં છોકરાઓની વધારે કિંમત હતી. એટલું જ નહિ, કોઈ કોઈ વાર તો છોકરીઓને મારી નાંખવામાં આવતી.” સ્ત્રીઓને તો જાણે નોકરાણી જ ગણતા.

ભલે મોટા ભાગે લોકો એવું માનતા કે સ્ત્રીઓ તો કંઈ જ નથી. લોકો જે માનતા હતા એનાથી સાવ ઊંધું યહોવાહે જણાવ્યું અને સ્ત્રીઓની બહુ જ કદર કરવાનું શીખવ્યું. લોકો જે માનતા હતા એનાથી સાવ ઊલટું.

પરમેશ્વર યહોવાહ સ્ત્રીઓનું રક્ષણ કરતા હતા. ઈબ્રાહીમની સુંદર પત્ની સારાહની બે વખત કોઈ ઇજ્જત લૂંટવાનું હતું પણ યહોવાહે સારાહનું રક્ષણ કર્યું. (ઉત્પત્તિ ૧૨:૧૪-૨૦; ૨૦:૧-૭) યાકૂબ પોતાની પત્ની લેઆહનો ભાવ પૂછતો ન હતો. પણ યહોવાહે લેઆહને આશીર્વાદ આપ્યા અને ‘તેને ઘેર બાળકો જનમ્યા.’ (ઉત્પત્તિ ૨૯:૩૧, ૩૨) રાજાએ મિસરમાં બાળકોને મારી નાખવાનો હુકમ ફરમાવ્યો ત્યારે બે સ્ત્રીઓએ હિંમત ભેગી કરીને છોકરાઓને બચાવ્યા. યહોવાહે એ સ્ત્રીઓને આશીર્વાદ આપ્યા અને તેઓનાં “ઘરો સ્થાપ્યાં.” (નિર્ગમન ૧:૧૭, ૨૦, ૨૧) હાન્‍નાએ ખૂબ પ્રાર્થના કરી. યહોવાહે એને પણ સાંભળી. (૧ શમૂએલ ૧:૧૦, ૨૦) એક લેણદાર બીચારી એક વિધવાના બાળકો છીનવી લેવાનો હતો. અને એ બાળકો પાસે મજૂરી કરાવીને પૈસા વસૂલ કરવાનો હતો. પણ યહોવાહે એવું થવા ન દીધું. યહોવાહે એલીશાને મોકલ્યો અને પછી ચમત્કાર થયો. એ વિધવાનું રાંધવાનું તેલ ખૂટ્યું જ નહિ. તેલ વેચીને તે લેણદારનાં પૈસા ચૂકવી શકી અને તેના કુટુંબ માટે પણ તેલ બચાવી શકી. ઈશ્વરે કેટલો સરસ ન્યાય કર્યો!—નિર્ગમન ૨૨:૨૨, ૨૩; ૨ રાજાઓ ૪:૧-૭.

યહોવાહના સેવકોએ વારંવાર લોકોને જણાવ્યું કે સ્ત્રીઓ પર જુલમ ન કરવો જોઈએ. પયગંબર યિર્મેયાહે ઈસ્રાએલીઓને જણાવ્યું કે “ન્યાયથી તથા પ્રામાણિકપણાથી ચાલો, અને લૂંટાએલાને જુલમગારના હાથમાંથી છોડાવો; પરદેશી, અનાથ તથા વિધવા પર અન્યાય કે બલાત્કાર ન કરો, ને આ સ્થાનમાં નિર્દોષ રક્ત ન પાડો.” (યિર્મેયાહ ૨૨:૨, ૩) ઈસ્રાએલમાં ઘણાય શ્રીમંતોએ અને મોટા મોટા માણસોએ ઘરમાંથી સ્ત્રીઓને કાઢી મૂકી હતી અને તેઓનાં બાળકો પર જુલમ કર્યો હતો. યહોવાહે એવા માણસોને આકરો ઠપકો આપ્યો. (મીખાહ ૨:૯) ઈશ્વર સાચો ન્યાય કરે છે અને કોઈ સ્ત્રીઓ પર અથવા તેઓનાં બાળકો પર જુલમ કરે એ તેમની નજરે પાપ છે.

“સદ્‍ગુણી સ્ત્રી”

નીતિવચનોના પુસ્તકમાં યહોવાહે સદ્‍ગુણી સ્ત્રીનું સરસ વર્ણન કર્યું છે. એમાં સ્ત્રીઓને જરાય નીચી ગણવામાં આવી નથી. એને બદલે તેઓને ખૂબ માન આપવામાં આવ્યું છે. તેઓની કદર કરી છે. એ પુસ્તક તેઓ પર ભરોસો મૂકવાનું શીખવે છે.

નીતિવચનો ૩૧માંની સદ્‍ગુણી સ્ત્રી ખૂબ મહેનતુ છે. “રાજીખુશીથી પોતાને હાથે કામ કરે છે.” પોતે વેપાર ધંધો પણ કરે છે. જમીનની લેણ-દેણ કરે છે. કપડાં સીવીને વેચે છે. રાત-દિવસ કામ કરે છે. એના હોઠે ડહાપણની વાતો ટપકે છે. પ્રેમ ટપકે છે. એનો પતિ તેની ખૂબ જ કદર કરે છે. પરમેશ્વર યહોવાહ પણ તેને માન આપે છે.

ઈશ્વરે એટલા માટે સ્ત્રીઓને નથી બનાવી કે પુરુષ તેના પર જુલમ કરે, અન્યાય કરે, નીચી ગણે કે હલકી ગણે. ઈશ્વરે એટલા માટે સ્ત્રીને બનાવી છે કે તે પોતાના પતિની સરસ “સહાયકારી” બને. તેને સથવારો આપે.—ઉત્પત્તિ ૨:૧૮.

સ્ત્રીઓને માન આપો

પતિએ પોતાની પત્ની સાથે કેવી રીતે વર્તવું જોઈએ? યહોવાહે શીખવ્યું કે ‘પતિઓ, સ્ત્રીને . . . માન આપો.’ (૧ પીતર ૩:૭) ‘માન આપો’ એનો અર્થ એ થાય કે વ્યક્તિની કિંમત કરવી. કદર કરવી. ખૂબ કદર કરવી. જે પતિ પોતાની સ્ત્રીને માન આપે છે એ કદીયે પોતાની પત્નીને બીજા લોકોની સામે તોડી નથી પાડતો. કે નથી તેની પત્ની પર હાથ ઉપાડતો કે નથી કોઈ જાતનો જુલમ ગુજારતો. પણ હર વખત, પછી ઘરની બહાર હોય કે અંદર, તે પોતાની પત્ની સાથે પ્રેમભાવથી વર્તે છે.

પત્નીને માન આપવાની ઘર સુખથી ભરાઈ જાય છે. લગ્‍નજીવનમાં પણ સુખ રહે છે, આનંદ રહે છે. કારલૂસ અને સેસીલયાનો વિચાર કરો. આ બન્‍નેય પતિ-પત્ની બહુ ઝઘડો કરતા. એકબીજા સાથે બોલતા પણ નહિ. બન્‍નેયને શું કરવું એ સૂઝતું ન હતું. કારલૂસ વારે વારે ગુસ્સે થઈ જાય તો સેસીલયા વાત વાતમાં રોફ જમાવે. બસ, મને આ જોઈએ, મને તે જોઈએ. પછી બન્‍નેય બાઇબલમાંથી શીખવા લાગ્યા. જે શીખતા હતા એ જીવનમાં ઉતારવા લાગ્યા. એનાથી તેઓના જીવનમાં સુખ જાગવા લાગ્યું. સેસીલયાએ જણાવ્યું કે, “ઈસુએ જે શીખવ્યું એ જીવનમાં ઉતારવાથી મારો સ્વભાવ બદલાયો છે. મારા પતિનો પણ સ્વભાવ બદલાયો છે. હું વધુ નમ્ર સ્વભાવની થઈ છું. સમજુ થઈ છું. હવે યહોવાહને પ્રાર્થના કરું છું ને મદદ માંગું છું. કારલૂસ પણ ઘણા ઠંડા મગજના થયા છે. મને માન આપે છે. યહોવાહ જે શીખવે છે એ રીતે હવે અમે જીવીએ છીએ.”

તેઓનું લગ્‍નજીવન સાવ સીધે પાટે જતું નથી, પણ સુખદુઃખમાં તેઓ હવે એકબીજાને સથવારો આપવાનું શીખ્યા છે. તાજેતરમાં કારલૂસ બેકાર થઈ ગયો અને તેને કૅન્સર પણ થયું હતું. આવા આકરા સંજોગોમાં પતિ-પત્નીએ એકબીજાને સથવારો આપ્યો. એનાથી તેઓમાં પ્રેમ વધ્યો.

ઈશ્વરે માણસને બનાવ્યો એના થોડા જ સમયમાં એણે પાપ કર્યું. ત્યારથી સ્ત્રીઓ પર અત્યાચાર થાય છે. જુલમ થાય છે. બળાત્કાર થાય છે. પણ યહોવાહને એ જરાય પસંદ નથી. બાઇબલ સાફ જણાવે છે કે ભલે લોકો ગમે એ માનતા હોય, બધી જ સ્ત્રીઓને માન આપવું જ જોઈએ. તેઓ સાથે આદરથી વર્તવું જોઈએ. એ તેઓનો હક્ક છે, જે ખુદ ઈશ્વરે તેઓને આપ્યો છે. (g 1/08)

[Picture on page 45]

૧૨ વર્ષથી રિબાતી સ્ત્રી

[Picture on page 4, 5]

સમરૂની સ્ત્રી

[Picture on page 4, 5]

મરિયમ

[Picture on page 6]

યહોવાહે બે વાર સારાહનું રક્ષણ કર્યું

[Picture on page 7]

કારલૂસ અને સેસીલયાના લગ્‍ન તૂટવાની અણીએ હતા

[Picture on page 7]

કારલૂસ અને સેસીલયા હવે સુખી છે