સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું યહોવાહ આપણાં ઘોર પાપને માફ કરે છે?

શું યહોવાહ આપણાં ઘોર પાપને માફ કરે છે?

બાઇબલ શું કહે છે

શું યહોવાહ આપણાં ઘોર પાપને માફ કરે છે?

યહોવાહ ખૂબ દયાળુ છે. (ગીતશાસ્ત્ર ૮૬:૧૫) એક ભક્તની પ્રાર્થના સાંભળો, ‘નોંધમાં જો તું લે અમ અપરાધ, તો તુજ આગે કોણ ટકી શકે, નાથ? કિન્તુ તારી પાસ ક્ષમાનું દાન, અમે રાખીએ તેથી તારું માન.’ (સ્તોત્રસંહિતા [ગીતશાસ્ત્ર] ૧૩૦:૩, ૪, સંપૂર્ણ) યહોવાહ વિષે બાઇબલ જણાવે છે કે, ‘પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર છે, એટલાં આપણાં પાપ તેમણે આપણાથી દૂર કર્યાં છે. જેમ બાપ પોતાનાં છોકરાં પર દયાળુ છે, તેમ યહોવાહ પોતાના ભક્તો પર દયાળુ છે. કેમકે તે આપણું બંધારણ જાણે છે. આપણે માત્ર ધૂળ છીએ.’—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૨-૧૪.

યહોવાહ આપણને પૂરેપૂરી માફી આપે છે. તે ઉદારતાથી માફી આપે છે. યહોવાહ જાણે છે કે આપણે માત્ર ધૂળ છીએ. અરે ભૂલને પાત્ર છીએ. યહોવાહે કઈ હદ સુધી માફી આપી એના અમુક દાખલા જોઈએ.

પહેલો દાખલો પીતરનો છે. પીતરે તો ત્રણ વખત જાણીજોઈને કહ્યું કે તે ઈસુને નથી ઓળખતા. (માર્ક ૧૪:૬૬-૭૨) બીજો દાખલો પાઊલનો છે. પાઊલે યહોવાહના ભક્ત બન્યા પહેલાં ખ્રિસ્તીઓને ખૂબ જ હેરાન કર્યા હતા. તેઓને મારી નાખવામાં પણ પાઊલનો હાથ હતો. (પ્રેરિતોનાં કૃત્યો ૮:૧, ૩; ૯:૧, ૨, ૧૧; ૨૬:૧૦, ૧૧; ગલાતી ૧:૧૩) ત્રીજો દાખલો કોરીંથીઓનો છે. કોરીંથમાં ઘણાય લોકો પાપી હતા. દારૂડિયા હતા. ચોરી કરતા. પૈસા પડાવતા. પછી તેઓએ પસ્તાવો કર્યો અને ખ્રિસ્તી બન્યા, સીધે રસ્તે ચાલ્યા. (૧ કોરીંથી ૬:૯-૧૧) પીતર અને પાઊલે પણ પસ્તાવો કર્યો અને યહોવાહે તેઓનાં પાપ માફ કર્યાં.

યહોવાહની માફી પામવા શું કરવું જોઈએ?

યહોવાહ શા માટે દયા બતાવે છે એ જોઈએ. પાઊલે કહ્યું કે “મને દયા બતાવવામાં આવી, કારણ કે તે વખતે મને ખ્રિસ્ત પર વિશ્વાસ નહિ હોવાથી મેં અજ્ઞાનપણે તે કર્યું હતું.” (૧ તીમોથી ૧:૧૩) લોકો પાપ કરે છે કેમકે તેઓ યહોવાહ વિષે નથી જાણતા. યહોવાહની દયા મેળવવી હોય, માફી મેળવવી હોય તો સૌથી પહેલાં આપણે તેમનું જ્ઞાન લેવું જોઈએ, તેમના વિષે જાણવું જોઈએ. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) યહોવાહનું જ્ઞાન લેવાથી ખબર પડશે કે આપણે કયા માર્ગે જવું. કઈ રીતે જીવન જીવવું. તેમ જ, એનાથી ખબર પડશે કે પાપ એટલે શું. સૌથી પહેલું પગલું એ છે કે આપણે યહોવાહનું જ્ઞાન લઈએ. ઈસુએ કહ્યું કે “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.”—યોહાન ૧૭:૩.

બીજું પગલું છે કે આપણે પસ્તાવો કરીએ. આપણે યહોવાહ વિષે શીખીએ છીએ. તેમનું જ્ઞાન લઈએ છીએ. એ પછી આપણી આંખો ખૂલે છે. એનાથી આપણે પોતાની ભૂલો જોઈ શકીશું અને પસ્તાવો કરી શકીશું. બાઇબલ જણાવે છે કે ‘તમે પાપથી પાછા ફરો, ઈશ્વર તરફ વળો જેથી તમારાં પાપ ધોઈ નાખવામાં આવે.’—પ્રેષિતોનાં કાર્યો ૩:૧૯, IBSI.

ત્રીજું, આપણે ઈશ્વર તરફ વળવું જોઈએ. બાઇબલ જણાવે છે કે આપણે પાપથી પાછા ફરવું જોઈએ. પસ્તાવો કરવો જોઈએ. અને ઈશ્વર જે કહે છે એ પ્રમાણે કરવું જોઈએ. (પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨૦) આપણે ખરેખર યહોવાહની માફી માંગવી જોઈએ.

શું યહોવાહ બધાંય પાપ માફ કરે છે?

ઘણાયનાં પાપો યહોવાહ માફ નથી કરતા. બાઇબલ જણાવે છે કે, “સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે જાણીજોઈને પાપ કરીએ, તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી, પણ ઇન્સાફની ભયંકર અપેક્ષા તથા વૈરીઓને ખાઇ જનાર અગ્‍નિનો કોપ એ જ રહેલો છે.” (હેબ્રી ૧૦:૨૬, ૨૭) “જાણીજોઈને પાપ કરીએ,” એટલે કે આપણને પાપ કરવું ગમે, પાપ કર્યા વગર આપણે રહી ન શકીએ, એ યહોવાહ માફ નથી કરતા.

યહુદા ઈસકારીઓત પાપી હતો. તેને પાપ કરવું ગમતું હતું. ઈસુએ કહ્યું કે ‘તે જન્મ્યો ન હોત, તો સારૂં.’ (માત્થી ૨૬:૨૪, ૨૫) ઈસુના જમાનાના ગુરુઓ પણ પાપી હતા. પાપમાંથી પાછા ફરતા ન હતા. તેઓ વિષે ઈસુએ કહ્યું કે ‘તમે તમારા બાપ શેતાનના છો, જ્યારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે; કેમ કે તે જૂઠો, અને જૂઠાનો બાપ છે.’ (યોહાન ૮:૪૪) એ ગુરુઓ શેતાન જેવા જ પાપી હતા. પાપથી ધરાતા ન હતા. તેઓને પાપનો પસ્તાવો કરવો ન હતો. * ખરું કે આપણે બધાય ભૂલો કરીએ છીએ, પાપ કરીએ છીએ, પણ એનો અર્થ એવો નથી કે આપણે જાણીજોઈને પાપ કરીએ છીએ કે પછી આપણને પાપ કરવું ગમે છે. —ગલાતી ૬:૧.

ઈશ્વરની દયાનો કોઈ પાર જ નથી

આપણે પાપ તો કરી બેસીએ. અરે કદાચ ભૂલથીયે કરી બેસીએ. પણ એના વિષે આપણને કેવું લાગે છે એ યહોવાહ જુએ છે. આપણને પસ્તાવો થાય છે કે નહિ, એના પર યહોવાહ ધ્યાન આપે છે. (યશાયાહ ૧:૧૬-૧૯) ઈસુને વધસ્તંભે જડ્યા હતા. તેમની આજુબાજુ બે પાપીઓ પણ હતા. એકે કહ્યું કે ‘આપણે તો પાપ કર્યું છે એની સજા ભોગવીએ છીએ, પણ ઈસુએ કંઈ પણ ખોટુ કર્યું નથી.’ એ પાપીના શબ્દો બતાવે છે કે તે ઈસુ વિષે કંઈક જાણતો હતો. એ જાણ્યા પછી તેણે પસ્તાવો કર્યો હશે. તેણે ઈસુને કહ્યું કે “તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભારજે.” ઈસુએ જવાબ આપ્યો કે હા જરૂર.—લુક ૨૩:૪૧-૪૩.

ઈસુએ તેનાં પાપની માફી આપી. તે જોઈ શક્યા કે એ માણસ પાપી હતો, મોતની સજા થવાને લાયક હતો પણ તેણે સાચા દિલથી પસ્તાવો કર્યો હતો. આપણે જ્યારે સાચા દિલથી પસ્તાવો કરીએ છીએ, ત્યારે યહોવાહ આપણને માફ કરે છે. આપણાં પાપ ધોઈ નાખે છે. ભલે ગમે એ પાપ કર્યાં હોય, યહોવાહ દયાળુ છે, માફ કરે છે.—રૂમી ૪:૭. (g08 02)

[Picture on page 30]

શું તમે કદી વિચાર્યું છે

▪ યહોવાહ કેટલા દયાળુ છે?—ગીતશાસ્ત્ર ૧૦૩:૧૨-૧૪; ૧૩૦:૩, ૪.

▪ આપણે પાપ કર્યાં હોય તો શું કરવું જોઈએ?—યોહાન ૧૭:૩; પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯.

▪ શા માટે ઈસુએ એક માણસનાં પાપ માફ કર્યાં?—લુક ૨૩:૪૩.

[Footnote]

^ ઑગસ્ટ ૧, ૨૦૦૭ ચોકીબુરજના પાન ૧૨-૧૫ પર “શું તમે પવિત્ર આત્મા વિરુદ્ધ પાપ કર્યું છે?” લેખ જુઓ.