સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ટીનએજરને ઉછેરવા સમજી-વિચારીને માર્ગદર્શન આપો

ટીનએજરને ઉછેરવા સમજી-વિચારીને માર્ગદર્શન આપો

ટીનએજરને ઉછેરવા સમજી-વિચારીને માર્ગદર્શન આપો

“અમે બાળકોને ઘણું બધું માર્ગદર્શન આપીએ છીએ. એનાથી એવું લાગે છે કે જાણે અમે તેઓને ઠપકો આપી રહ્યા છીએ. જાણે તેઓના આત્મ-વિશ્વાસને તોડી રહ્યા છીએ. એટલે કેટલું માર્ગદર્શન છોકરાઓને આપીએ એ મોટો સવાલ છે.”​—જોસેફ અને લીના, ઑસ્ટ્રેલિયા.

ટીનએજરના જીવનમાં અનેક ફેરફારો થાય છે. તેઓના સ્વભાવમાં બદલાવ આવી રહ્યો છે. એ જોઈને માબાપને ઘણી ચિંતા થાય છે. એ ચિંતામાં સંતાનને યોગ્ય માર્ગદર્શન આપવું સહેલું નથી. આવી જ ચિંતા ઑસ્ટ્રેલિયાના એક પિતાને પણ છે. તે જણાવે છે કે ‘જ્યારે અમે વિચારીએ છીએ કે અમારા છોકરાઓ એક દિવસ લગ્‍ન કરીને બીજે રહેવા જશે ત્યારે દિલમાં દુઃખ થાય છે. જાણે કે તેઓને અમારા માર્ગદર્શનની જરૂર નહીં રહે.’

લીલી પણ એવું જ કંઈક વિચારે છે. તે કહે છે કે ‘મારો દીકરો પહેલી વાર સ્કૂલે ગયો હતો એ મને હજી યાદ છે. તે યુવાન બની રહ્યો હોવાથી પોતાની રીતે જીવશે, એ હું સ્વીકારી શકતી નથી. મારા માટે તો તે હજી નાનું બાળક જ છે.’

બધા બાળકો એક દિવસ યુવાન બનવાના જ છે. સંતાનો યુવાન બને ત્યારે માબાપની જવાબદારી છે કે તેઓને માર્ગદર્શન આપે. પણ સવાલ થાય કે માબાપે માર્ગદર્શન આપવું તો કેટલું આપવું. એના વિષે બાઇબલ સારી સલાહ આપે છે. (યશાયાહ ૪૮:૧૭, ૧૮) ચાલો એમાંથી અમુક વિચારો તપાસીએ.

માબાપે યુવાનો સાથે વાતચીત કરવી જોઈએ

બાઇબલ જણાવે છે કે ‘માણસે સાંભળવામાં ચપળ અને બોલવામાં ધીમા’ થવું જોઈએ. (યાકૂબ ૧:૧૯) ખાસ કરીને ઘરમાં ટીનએજર હોય ત્યારે માબાપે આ સલાહ લાગુ પાડવી જોઈએ. તેઓનું ધ્યાનથી સાંભળવું જોઈએ.

બ્રિટનના પરમે કહ્યું કે ‘જ્યારે મારા બે છોકરાઓ નાના હતા ત્યારે હું અને મારી પત્ની જે પણ કંઈ કહેતા તે તેઓ કરતા. પણ હવે તેઓ યુવાન થયા છે. એટલે અમારું કહ્યું કરે માટે તેઓને સમજાવવા પડે છે. ઘણી વખત તેઓ પોતાના વિચારો પણ જણાવે છે, જે અમે સાંભળીએ છીએ. અમે યાદ રાખીએ છીએ કે તેઓના દિલ સુધી પહોંચે એ રીતે માર્ગદર્શન આપીએ.’​—⁠૨ તીમોથી ૩:૧૪.

ઉપરના વિચાર પરથી જોવા મળે છે કે માબાપે યુવાન સંતાનોનું સાંભળવાની જરૂર છે. ખાસ કરીને જ્યારે માબાપને સંતાનો સાથે મતભેદ ઊભા થાય. (નીતિવચનો ૧૭:૨૭) બ્રિટનના દક્ષાએ કહ્યું કે “જ્યારે મારી દીકરીને કામ સોંપું ત્યારે મારી સામે થાય. મારી સામે કચકચ કરે. પણ એક દિવસ મારી દીકરીએ જણાવ્યું કે ‘હું તેની સાથે બૂમો પાડીને વાત કરું છું. અને નોકરની જેમ તેને કામ સોંપું છું.’ એટલે આ પ્રોબ્લેમને સોલ કરવા અમે ભેગા મળ્યા. અમે એકબીજાની વાત ધ્યાનથી સાંભળી. એ વાતચીતથી હું તેના વિચારોને સમજી શકી. તે પણ મારા વિચારોને સમજી શકી.

દક્ષાએ કબૂલ્યું કે તેણે ‘સાંભળવામાં ચપળ’ બનવાની જરૂર હતી. ધ્યાનથી સાંભળવાથી તેને ખબર પડી કે કેમ દીકરી સામે થતી હતી. દક્ષા કહે છે કે ‘પહેલા તો હું તેની સાથે બૂમો પાડીને વાત કરતી હતી, પણ હવે શાંતિથી વાત કરું છું. અમે એકબીજા સાથે દિલ ખોલીને વાત કરીએ છીએ.’

બાઇબલ જણાવે છે કે “સાંભળ્યા પહેલાં ઉત્તર આપવામાં મૂર્ખાઈ તથા લજ્જા છે.” (નીતિવચનો ૧૮:૧૩) ઑસ્ટ્રેલિયાના ગૌતમ કહે છે કે ‘અમુક વખતે જ્યારે છોકરીઓ કઈ ખોટું કરતી ત્યારે અમે તરત જ ઠપકો આપતા. પણ એ સારું ન હતું. એનાથી અમે પૂરેપૂરી રીતે સમજી નʼતા શકતા કે કેમ તેઓએ આમ કર્યું. પણ હવે જ્યારે છોકરીઓ કઈ ખોટું કરે ત્યારે ઠપકો આપવાને બદલે અમે તેઓની વાત ધ્યાનથી સાંભળીએ છીએ.’

યુવાનને કેટલી છૂટ આપવી જોઈએ?

ઘણા યુવાનો દલીલ કરે છે કે માબાપ તેમને છૂટ આપતા નથી. પણ માબાપે યુવાનોને કેટલી છૂટ આપવી જોઈએ? એ વિષે એક પિતાએ કહ્યું કે ‘મને ડર છે કે જો હું મારી દીકરીને વધારે છૂટ આપીશ તો તે મનફાવે એમ જીવશે.’

યુવાનો મનફાવે એમ જીવે એ સારું નથી. બાઇબલ જણાવે છે કે “સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું છોકરું પોતાની માને ફજેત કરે છે.” (નીતિવચનો ૨૯:૧૫) ખરેખર યુવાનોને માર્ગદર્શનની જરૂર છે. એ જવાબદારી ઈશ્વરે માબાપને સોંપી છે. માબાપે પ્રેમથી બાળકને યોગ્ય માર્ગદર્શન અને સલાહ આપવી જોઈએ. (એફેસી ૬:૪) માબાપે આ બધું ધ્યાનમાં રાખીને યુવાન સંતાનોને થોડી છૂટ આપવી જોઈએ. એનાથી તેઓ જીવનમાં સારા નિર્ણયો લઈ શકશે.

પણ કેટલી છૂટ આપવી જોઈએ? એ સમજવા એક દાખલો લઈએ. બાળક નાનું હોય ત્યારે મમ્મી-પપ્પા તેને ઊંચકીને ફરે છે. સમય જતા બાળક ઘૂંટણિયા ભરતા શીખે છે. એ વખતે તે ઘરની બહાર ન જતું રહે એ માટે આડ મૂકે છે. આ રીતે તેના પર હંમેશાં નજર રાખે છે. બાળક જ્યારે ચાલતા શીખે છે ત્યારે અમુક પગલાં ભરે છે અને પડી જાય છે. તોપણ માબાપ તેને ચાલવા દે છે. એમ કરવાથી તે ચાલતા શીખે છે.

આ દાખલામાંથી માબાપ સંતાનને કઈ રીતે છૂટ આપી શકે એ શીખવા મળે છે. બાળક નાનું હોય ત્યારે માબાપ કાયમ હાથમાં રાખે છે. એવી જ રીતે સંતાનો ટીનએજર ના બને ત્યાં સુધી માબાપ તેમના માટે નિર્ણયો લે છે. જ્યારે બાળક ઘૂંટણિયા ભરતા શીખે છે ત્યારે માબાપ તેને થોડી ઘણી છૂટ આપે છે. એવી જ રીતે સંતાન ટીનએજર બને છે ત્યારે માબાપ તેઓને જાતે નિર્ણયો લેવાની થોડી ઘણી છૂટ આપે છે. પણ માબાપ સંતાનોના બધા નિર્ણયો પર નજર રાખે છે. જેમ બાળક ચાલતા શીખે છે ત્યારે ઘણી વાર પડી જાય છે તેમ છતાં માબાપ તેને ચાલવા દે છે. કેમ કે આ રીતે તે ચાલતા શીખશે. એવી જ રીતે સંતાન યુવાન બને ત્યારે માબાપે તેને જાતે નિર્ણયો લેવા દે છે. ભલે તે શરૂઆતમાં ખોટા નિર્ણયો લે, પણ એમાંથી જ તેઓ સારા નિર્ણયો લેતા શીખશે. આ રીતે યુવાન એક જવાબદાર વ્યક્તિ બનશે.​—⁠ગલાતી ૬:⁠૫.

ઈસુના દાખલામાંથી શીખીએ

ઈસુ યુવાન હતા ત્યારે તેમના માબાપે તેમને છૂટ આપી હતી. આ રીતે ઈસુ એક જવાબદાર વ્યક્તિ બન્યા. બાઇબલ કહે છે કે તે ‘જ્ઞાનમાં તથા કદમાં, ને ઈશ્વરની તથા માણસોની પ્રસન્‍નતામાં વધતા ગયા.’ તે પોતાના માબાપને “આધીન” પણ રહ્યા.​—⁠લુક ૨:​૫૧, ૫૨

ઈસુના દાખલામાંથી માબાપો શીખી શકે કે યુવાનોને છૂટ આપી શકાય. જો તેઓ જવાબદાર બને તો તેઓને વધારે છૂટ આપી શકાય. એના વિષે અમુક માબાપે શું કહ્યું એ જોઈએ.

‘હું મારા છોકરાઓની નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખતી. તેઓને માટે બધા નિર્ણય હું જ લેતી. પણ એ સારું ન હતું. તેઓ જાતે નિર્ણય લઈ શકે માટે મેં તેઓને અમુક સિદ્ધાંતો જણાવ્યા. પછી તેઓ અમુક બાબતોમાં જાતે નિર્ણયો લેવા લાગ્યા. એનાથી મને જાણવા મળ્યું કે મારા છોકરાઓ સારા નિર્ણયો લઈ શકે છે.’​—⁠સૂ હ્યુન, કોરિયા.

“છોકરાઓને વધારે છૂટ આપવાનો અમને ડર લાગે છે. પણ જ્યારે તેઓ પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવે છે, ત્યારે અમને ખાતરી થાય છે કે તેઓ જવાબદાર બની રહ્યા છે. અને વધારે છૂટ આપવા લાયક છે.”​—⁠ડાઇના, બ્રાઝિલ.

“મારો છોકરો જાતે સારા નિર્ણયો લે છે ત્યારે હું તેના વખાણ કરું છું. જે સલાહ સંતાનોને આપું છું, એ પ્રમાણે હું પોતે પણ જીવું છું. દાખલા તરીકે હું તેમને જણાવું છું કે હું ક્યાં જાઉં છું ને હું શું કરીશ. જો હું મોડી આવવાની હોય તો હું પહેલેથી જણાવું છું.”​—⁠એની, ઇટાલી.

“અમે છોકરાઓને સાફ જણાવીએ છીએ કે જો તેઓ પોતાની જવાબદારી સારી રીતે નિભાવે તો જ તેમને વધારે છૂટ આપીશું.”​—⁠પરમ, બ્રિટન.

જેવું વાવશો તેવું લણશો

બાઇબલ જણાવે છે કે “યુવાવસ્થામાં ઝૂંસરી [જવાબદારી] ઉપાડવી એ માણસને વાસ્તે સારું છે.” (યિર્મેયાહનો વિલાપ ૩:૨૭) યુવાનીમાં પોતાની જવાબદારી ઉપાડવી જરૂરી છે. તેઓએ જાતે નિર્ણયો લેવા જોઈએ. એનાથી તેઓ પોતે શીખી શકશે કે “જે કંઈ વાવે તે જ તે લણશે.”​—⁠ગલાતી ૬:૭.

અમુક વખતે યુવાનો સારા નિર્ણયો લેતા નથી. એના લીધે ખરાબ પરિણામો આવે છે. પણ એ પરિણામો અમુક યુવાનો ભોગવતા નથી, કેમ કે માબાપ તેઓને ખુશીથી મદદ કરે છે. જોકે એ સારું તો નથી. એ સમજવા ચાલો એક દાખલો લઈએ. એક યુવાન શૉપિંગ કરે છે. બધી વસ્તુઓ તે ક્રૅડિટ કાર્ડથી ખરીદે છે. જ્યારે બિલ ભરવાનો સમય આવે છે ત્યારે તેની પાસે પૂરતા પૈસા નથી. એટલે મમ્મી-પપ્પા એ બિલ ભરી દે છે. આમ કરવાથી શું યુવાન એક જવાબદાર વ્યક્તિ બની શકશે? મમ્મી-પપ્પા એ યુવાનને એવી રીતે મદદ કરે જેથી તે પૈસા બચાવીને પોતે બિલ ભરી શકે. આ રીતે તે એક જવાબદાર વ્યક્તિ બનશે.

માબાપ જાણે છે કે યુવાનો અમુક વખતે ખરાબ નિર્ણય લેશે. એના ખરાબ પરિણામો આવશે. હકીકતમાં તો એ પરિણામો યુવાને ભોગવવા જોઈએ. જો તે નહિ ભોગવે તો તેના ખરાબ નિર્ણયમાંથી કઈ શીખી નહિ શકે. અથવા માબાપ તરત જ મદદ કરશે તો યુવાન કદીયે જવાબદાર નહિ બનશે. એટલે માબાપે સંતાનોને જે વાવશે એવું જ લણશે એ શીખવવું જોઈએ. આ રીતે તેઓ ધીરે ધીરે ‘ખરૂંખોટું પારખી’ શકશે.​—⁠હેબ્રી ૫:૧૪.

યુવાનોને સમજીને માર્ગદર્શન આપો

માબાપની જવાબદારી છે કે સંતાનને ‘ઈશ્વરના શિક્ષણમાં તથા બોધમાં ઉછેરે.’ (એફેસી ૬:⁠૪) પણ એ કરવું સહેલું નથી.

બધા માબાપની ઇચ્છા છે કે સંતાનોને સારા સંસ્કાર આપે. (પુનર્નિયમ ૬:૬-૯) એ માટે માબાપે સમજી-વિચારીને માર્ગદર્શન આપવું જોઈએ. ઑસ્ટ્રેલિયાના ગૌતમ એના વિષે કહે છે કે “યુવાનીમાં સંતાનોમાં અનેક ફેરફારો થાય છે. એટલે અમારી જવાબદારી છે કે તેઓની લાગણીઓને સમજીએ. પછી એ પ્રમાણે માર્ગદર્શન આપીએ.”

માબાપો માર્ગદર્શન આપો ત્યારે આ લેખના બાઇબલના વિચારો મનમાં રાખજો. યાદ રાખજો કે યુવાનો તમારું તરત નહીં સાંભળે. પણ કદીયે હાર ન માનતા. કદીએ એવું ન વિચારતા કે માર્ગદર્શન આપવાનો કઈ ફાયદો નથી. બાઇબલ જણાવે છે કે “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.”​—⁠નીતિવચનો ૨૨:⁠૬. (g 6/08)

[Blurb on page ૨૩]

જેમ બાળકને ચાલતા શીખવા સમય લાગે છે તેમ યુવાનને સારા નિર્ણય લેતા સમય લાગે છે

[Blurb on page ૨૪]

ઈસુ યુવાન હતા ત્યારે તેમના માબાપે તેમને છૂટ આપી હતી

[Box on page ૨૩]

‘યુવાનોને માર્ગદર્શન આપો’

બાળક નાનું હોય ત્યારે મોટે ભાગે માબાપનું કહ્યું કરતું હોય છે. પણ જ્યારે તે યુવાન બને છે ત્યારે તેને માબાપનું કહ્યું કરવું ગમતું નથી. તેણે પોતે નિર્ણયો લેવા હોય છે. આ જોઈને અમુક માબાપ યુવાનોને છૂટો દોર આપી દેતા હોય છે. પણ માબાપે હંમેશાં યાદ રાખવું જોઈએ કે યુવાનો હજુ નિર્ણય લેવામાં કાચા છે. તેઓને હજી માર્ગદર્શનની જરૂર છે.​—⁠નીતિવચનો ૨૨:૧૫.

એના વિષે જોન રોઝમોન્ડ ન્યૂ પેરેન્ટ પાવરમાં લખે છે, ‘અમુક યુવાનો માબાપનું માર્ગદર્શન સાંભળીને સામે દલીલ કરે છે. એટલે અમુક માબાપો યુવાનો શાંત રહે એ માટે વધારે છૂટ આપતા હોય છે. પણ એ સારું નથી. માબાપે હજી યુવાનોને માર્ગદર્શન આપવું જોઈએ. યુવાનોએ પણ યાદ રાખવું જોઈએ કે માબાપ તેઓનું ભલું ચાહે છે.’

[Box on page ૨૪]

યુવાનોને કેટલી છૂટ આપવી જોઈએ?

યુવાની આવે તેમ સંતાનોને જરૂર કરતાં વધારે છૂટ જોઈએ છે. પણ અમુક માબાપ જરૂર કરતાં વધારે પાબંધી મૂકે છે. આવા કિસ્સામાં સંતાનો અને માબાપ બંનેએ થોડું થોડું નમતું જોખવું જોઈએ. આમ કરશે તો બંને પોતાની જવાબદારી સારી રીતે નિભાવી શકશે. નીચે અમુક પ્રશ્નો આપેલા છે, એ વાંચીને વિચાર કરજો કે તમારું સંતાન કેવી રીતે એ જવાબદારી ઉપાડે છે.

❑ કેવા મિત્રો રાખે છે?

❑ કેવા કપડાં પસંદ કરે છે?

❑ પૈસા કેવી રીતે વાપરે છે?

❑ નક્કી કરેલા સમયે ઘરે પાછો આવે છે?

❑ સોંપેલું કામ કરે છે?

❑ સ્કૂલનું હોમવર્ક કરે છે?

❑ ભૂલ કરે તો માફી માંગે છે?

❑ બીજી જવાબદારીઓ કેવી રીતે ઉપાડે છે?

જો ઉપરની જવાબદારીઓ તમારું સંતાન સારી રીતે નિભાવે તો કદાચ તમે તેને અમુક બાબતોમાં વધારે છૂટ આપી શકો.

[Picture on page ૨૩]

યુવાનને સલાહ આપતા પહેલાં તેની વાત ધ્યાનથી સાંભળો