સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દુનિયાના છેલ્લા દિવસો ક્યારે?

દુનિયાના છેલ્લા દિવસો ક્યારે?

દુનિયાના છેલ્લા દિવસો ક્યારે?

સ્કાય એન્ડ ટેલિસ્કોપ મૅગેઝિને કહ્યું, “આજથી લગભગ એક અબજ વર્ષ પછી, પૃથ્વી બળીને ઉજ્જડ થઈ જશે. કશું જ બચશે નહિ.” કેમ એવું? ઍસ્ટ્રૉનૉમી મૅગેઝિને કહ્યું: “આપણા સૂર્યનો તાપ ધીમે ધીમે એટલો વધશે કે સમુદ્રોનું પાણી ઊકળી ઊઠશે. પૃથ્વીના ખંડો શેકાઈને કોકડું વળી જશે. આ એક કડવી હકીકત છે.”

પરંતુ, બાઇબલ જણાવે છે કે “કદી ખસે નહિ એવો પૃથ્વીનો પાયો તેણે [ઈશ્વરે] નાખ્યો છે.” (ગીતશાસ્ત્ર ૧૦૪:૫) પૃથ્વીનો બનાવનાર તેને ટકાવી પણ જાણે છે. તેમણે ‘પૃથ્વીને વસ્તીને સારૂં બનાવી છે.’ (યશાયાહ ૪૫:⁠૧૮) પણ તેમણે દુષ્ટ લોકોને માટે પૃથ્વી બનાવી નથી. ઈશ્વર જલદી જ પોતાનું રાજ પૃથ્વી પર લઈ આવશે અને દુષ્ટોનો નાશ કરશે.​—⁠દાનીયેલ ૨:⁠૪૪.

ઈસુએ પણ એ રાજ્ય વિષે પ્રચાર કર્યો. તેમણે જણાવ્યું કે સર્વ લોકોનો ન્યાય કરવામાં આવશે. તેમણે એક એવી આફત વિષે જણાવ્યું, જે પહેલા કદી આવી નથી. દુષ્ટ જગતનો અંત આવ્યા પહેલાં, કેવા કેવા બનાવો બનશે, એ પણ જણાવ્યું.​—⁠માત્થી ૯:૩૫; માર્ક ૧૩:૧૯; લુક ૨૧:૭-૧૧; યોહાન ૧૨:૩૧.

ઈસુએ જે કહ્યું એનાથી લોકો જાતજાતનાં અનુમાનો કરે છે. એ બધું ક્યારે બનશે? ઘણાએ એ જાણવા બાઇબલની ભવિષ્યવાણીઓનો અભ્યાસ કર્યો છે. એમાંના એક સર આઇઝેક ન્યૂટન હતા. તે ૧૭મી સદીના ગણિતશાસ્ત્રી હતા. તે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધનાર હતા.

જોકે અંત ક્યારે આવશે એ વિષે ઈસુએ શિષ્યોને કહ્યું: “જે કાળ તથા સમય બાપે પોતાના અખત્યારમાં [અધિકારમાં] રાખ્યા છે, તે જાણવાનું તમારૂં કામ નથી.” (પ્રેરિતોનાં કૃત્યો ૧:૭) ઈસુએ પોતે રાજા તરીકે “આવવાની તથા જગતના અંતની” નિશાની આપતા કહ્યું: “તે દહાડા તથા તે ઘડી સંબંધી બાપ વગર કોઈ પણ જાણતો નથી, આકાશના દૂતો નહિ તેમ જ દીકરો પણ નહિ.” (માત્થી ૨૪:૩, ૩૬) ઈસુએ એ સમયને નુહના જમાના સાથે સરખાવ્યો હતો. તેમણે જણાવ્યું કે નુહના જમાનામાં દુષ્ટ લોકોનો નાશ થયો અને આપણા જમાનામાં ફરીથી થશે. એટલે તેમણે કહ્યું: “જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે.”​—⁠માત્થી ૨૪:૩૯, ૪૨.

ખરું કે દુષ્ટ ‘જગતના અંતનો’ દિવસ કે તારીખ આપણે જાણતા નથી. પણ ઈસુએ આપેલી “નિશાની” બતાવશે કે આપણે “છેલ્લા સમયમાં” છીએ કે નહિ. (૨ તીમોથી ૩:૧) એમાંથી બચવા આપણે શું કરવું જોઈએ? ઈસુએ કહેલા બનાવો વિષે ‘જાગતા રહીએ.’ આમ, ‘આ બધું જે થવાનું છે, તેમાંથી કદાચ બચી જઈશું.’​—⁠લુક ૨૧:૩૬.

ઈસુએ એ નિશાની જણાવતા પહેલાં ચેતવણી આપી: “કોઈ તમને ના ભુલાવે માટે સાવધાન રહો; કેમ કે મારે નામે ઘણા આવીને કહેશે, કે તે હું છું; અને સમય પાસે આવ્યો છે; તમે તેઓની પછવાડે જશો મા. જ્યારે તમે લડાઈઓ તથા હુલ્લડોના સમાચાર સાંભળશો ત્યારે ગભરાશો મા; કેમ કે આ બધું પ્રથમ થવું જોઈએ; પણ એટલેથી જ અંત નથી.”​—⁠લુક ૨૧:૮, ૯.

ઈસુએ કઈ નિશાની આપી?

દુષ્ટ જગતના છેલ્લા દિવસોમાં શું થશે એ વિષે ઈસુએ કહ્યું: ‘પ્રજા પ્રજાની વિરૂદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરૂદ્ધ ઊઠશે; મોટા મોટા ધરતીકંપો થશે, દુકાળો પડશે, બીમારીઓ ફેલાશે; અને આકાશમાંથી ભયંકર, મોટાં મોટાં ચિહ્‍નો થશે.’ (લુક ૨૧:૧૦, ૧૧) ઈસુએ એમ પણ જણાવ્યું: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.” (માત્થી ૨૪:⁠૧૪) કોઈ કહેશે કે લડાઈઓ, બીમારીઓ, ધરતીકંપો જેવા બનાવો તો બનતા જ આવે છે, એમાં શું નવું છે? નવું એ છે કે ઈસુએ જણાવેલા બધા બનાવો એક જ સમયગાળામાં બનશે અને વધતા જ જશે.

એ બનાવો ક્યારથી બની રહ્યા છે? ૧૯૧૪ના વર્ષથી ઇન્સાને આવા આવા બનાવો જોયા છે: ખતરનાક વિશ્વયુદ્ધો; સુનામી અને મોટા મોટા ધરતીકંપો; મૅલેરિયા, સ્પૅનિશ ફ્લુ અને એઇડ્‌સ જેવા રોગો; ખોરાકની અછતને લીધે ભૂખે ટળવળીને મરતા લાખો લોકો; આતંકવાદ અને અણુશસ્ત્રોથી ડરી ડરીને જીવતા લોકો. એ જ સમયે યહોવાહના સાક્ષીઓ આખી દુનિયામાં ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવે છે. ઈસુના કહેવા પ્રમાણે જ આ બધા બનાવો બની રહ્યા છે.

ઈશ્વરભક્ત પાઊલે પણ લખ્યું કે “છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે, એ વાત ધ્યાનમાં રાખ.” તેમણે જણાવ્યું કે લોકો સ્વાર્થી, ઘમંડી, ગુસ્સાવાળા, નિંદા કરનારા અને દગાખોર હશે. દયા અને પ્રેમ વગરના હશે. પૈસા અને મોજશોખના પ્રેમી હશે. માબાપનું નહિ માનનારા, ધર્મને નામે ધતિંગ કરનારા હશે. (૨ તીમોથી ૩:૧-૫) આખી દુનિયા પર “સંકટના વખતો” આવશે. ઈશ્વરનો કોઈનેય ડર નહિ હોય. *

અમુક કહેશે કે દુષ્ટ જગતનો અંત આવવાને તો હજુ બહુ વાર છે. શું બીજા કોઈ પુરાવા છે કે આપણે એ જ સમયમાં જીવીએ છીએ?

‘જગતના અંતનો’ સમયગાળો ક્યારે શરૂ થયો?

ઈશ્વરે પોતાના ભક્ત દાનીયેલને ‘આખરના સમય’ વિષે જણાવ્યું. (દાનીયેલ ૧૧:૪૦) ઈશ્વરે એમ પણ કહ્યું: “તે સમયે મહાન સરદાર મીખાએલ [ઈસુ], જે તારા લોકોના પક્ષમાં” છે, તે ઊભા થશે. (દાનીયેલ ૧૨:૧) એનો શું અર્થ થાય?

ઈશ્વરના રાજ્યના રાજા ઈસુ બનશે. એના પછી તે શું કરશે? બાઇબલ જણાવે છે: “આકાશમાં લડાઈ જાગી; મીખાએલ [ઈસુ] તથા તેના દૂતો અજગરની [શેતાનની] સાથે લડ્યા; અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા; તોપણ તેઓ તેમને જીત્યા નહિ, ને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહિ. તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે તે જૂનો સર્પ જે . . . શેતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો; અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા. એ માટે, ઓ આકાશો તથા તેઓમાં રહેનારાંઓ, તમે આનંદ કરો. પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ! કેમ કે શેતાન તમારી પાસે ઊતરી આવ્યો છે, ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.”​—⁠પ્રકટીકરણ ૧૨:૭-૯, ૧૨.

આ લડાઈ પછી, શેતાન અને તેના દૂતોને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા. તેથી શેતાન ક્રોધે ભરાયો છે. તે જાણે છે કે પૃથ્વી પર રાજ કરવાની તેની ઘડીઓ ગણાઈ રહી છે. આ છેલ્લા દિવસોમાં તો તે ગુસ્સાથી લાલ-પીળો થઈ ગયો છે. જ્યારે ઈશ્વર આર્માગેદનના યુદ્ધમાં દુષ્ટ જગતનો અંત લાવશે, ત્યારે શેતાનની પૂરેપૂરી હાર થશે.​—⁠પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬; ૧૯:૧૧, ૧૫; ૨૦:૧-૩.

૧૯૧૪માં સ્વર્ગમાં થયેલી લડાઈમાં ઈસુની જીત થઈ. * તે ઈશ્વરના રાજ્યના રાજા બન્યા. બાઇબલ જણાવે છે: “આકાશમાં મેં મોટી વાણી બોલતી સાંભળી, કે હવે તારણ, પરાક્રમ, અમારા દેવનું રાજ્ય તથા તેના ખ્રિસ્તનો અધિકાર આવ્યાં છે; કેમ કે અમારા ભાઈઓ પર દોષ મૂકનાર, જે અમારા દેવની આગળ રાતદહાડો તેઓના પર દોષ મૂકે છે, તેને [શેતાનને] નીચે ફેંકવામાં આવ્યો છે.” (પ્રકટીકરણ ૧૨:⁠૧૦) એટલે પૃથ્વી પર હમણાં શેતાનનું રાજ ચાલે છે. ગીતશાસ્ત્ર ૧૧૦:૨ પ્રમાણે ઈસુ સ્વર્ગમાં રાજ કરતા હશે ત્યારે, ‘શત્રુઓ’ પૃથ્વી પર રાજ કરતા હશે. પણ નજીકમાં ઈસુ શત્રુઓનો અંત લાવશે અને સ્વર્ગની જેમ પૃથ્વી પર રાજ કરશે.​—⁠માત્થી ૬:⁠૧૦.

દાનીયેલને ઈશ્વરે આગળ જણાવ્યું: “હે દાનીયેલ, તું છેક અંતના સમય સુધી એ વાતો બંધ કરીને પુસ્તક પર મહોર સિક્કો કર; ઘણાઓ અહીંતહીં દોડશે, ને જ્ઞાનની વૃદ્ધિ થશે.” (દાનીયેલ ૧૨:⁠૪) આ હજુ વધારે પુરાવો આપે છે કે આપણે હમણાં ‘છેક અંતના સમયમાં’ છીએ. એ જ્ઞાનની ખરી સમજણ વિષે આખી દુનિયામાં પ્રચાર કરવામાં આવે છે. *

“છેલ્લા” દિવસો ક્યારે પૂરા થશે?

દુષ્ટ જગતના છેલ્લા દિવસો ક્યારે પૂરા થશે? એની તારીખ બાઇબલ આપતું નથી. પણ શેતાનની છેલ્લી ઘડીઓ ગણાય તેમ, પૃથ્વી પરની હાલત વધારે ને વધારે બગડતી જશે. ઈશ્વરભક્ત પાઊલે ચેતવણી આપી કે “દુષ્ટ માણસ તથા ધુતારાઓ ઠગીને તથા ઠગાઈને” વધારે દુષ્ટ બનતા જશે. (૨ તીમોથી ૩:⁠૧૩) ઈસુએ પણ જણાવ્યું: “તે દહાડાઓમાં જેવી વિપત્તિ થશે, તેવી વિપત્તિ દેવે સૃજેલી સૃષ્ટિના આરંભથી તે હજી સુધી થઈ નથી ને થશે પણ નહિ. અને જો પ્રભુએ એ દહાડાઓને ઓછા કર્યા ન હોત, તો કોઈ માણસ બચત નહિ; પણ જે પસંદ કરેલાઓને તેણે પસંદ કર્યા તેઓને લીધે તેણે એ દહાડાઓને ઓછા કર્યા છે.”​—⁠માર્ક ૧૩:૧૯, ૨૦.

યહોવાહની દોરવણી પ્રમાણે હજુ અમુક બનાવો બનવાના છે. જેમ કે, “મોટી વિપત્તિ” આવશે. આર્માગેદનનું યુદ્ધ થશે. શેતાન અને તેના દૂતોને કેદ કરવામાં આવશે. પછી તેઓ પૃથ્વી પર લોકોને હેરાન કરી શકશે નહિ. (માત્થી ૨૪:⁠૨૧) યહોવાહ ગૅરંટી આપે છે કે આ બધું થશે, થશે ને થશે જ. તે ‘કદી જૂઠું બોલી શકતા નથી.’​—⁠તીતસ ૧:⁠૨.

ઈશ્વરે પાઊલને પણ આપણા “સમયો તથા પ્રસંગો વિષે” જણાવ્યું. વિનાશ આવ્યા પહેલાં શું બનશે, એના વિષે પાઊલે લખ્યું: ‘રાતે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવે છે. કેમ કે જ્યારે તેઓ કહેશે, કે શાંતિ તથા સલામતી છે, ત્યારે પ્રસૂતાની પીડાની જેમ તેઓનો અકસ્માત નાશ થશે; અને તેઓ બચી નહિ જ જશે.’ (૧ થેસ્સાલોનીકી ૫:૧-૩) લોકો કયા કારણથી ‘શાંતિ તથા સલામતીનો’ પોકાર કરશે? બાઇબલ એ જણાવતું નથી. એના જવાબ માટે આપણે રાહ જોવી પડશે. પણ યહોવાહે જે ધાર્યું છે, તે જરૂર કરશે!

હવે તમે શું કરશો? આટલું જાણીને બેસી ન રહો, પણ યોગ્ય પગલાં લો. કઈ રીતે? ઈશ્વરભક્ત પીતરે કહ્યું: ‘એ સર્વ નાશ પામનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ? ઈશ્વરના એ દિવસના આવવાની આતુરતાથી તમારે રાહ જોવી.’ (૨ પીતર ૩:૧૧, ૧૨) એમ કરવાથી શું ફાયદો થશે? હવે પછીનો લેખ એ જણાવશે. (g 4/08)

[Footnotes]

^ ‘છેલ્લા સમયની’ વધારે માહિતી માટે જુઓ, સજાગ બનો! જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૦૭, પાન ૮-૧૦; બાઇબલ શીખવે છે પુસ્તકનું નવમું પ્રકરણ; ચોકીબુરજ, ઑક્ટોબર ૧ ૨૦૦૫, પાન ૪-૭. આ યહોવાહના સાક્ષીઓનું સાહિત્ય છે.

^ વધુ માહિતી માટે જુઓ, બાઇબલ શું શીખવે છે? પુસ્તક, પાન ૨૧૫-૧૭. એ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

^ દાનીયેલની ભવિષ્યવાણીને ધ્યાન આપો! અને યહોવાહના સાક્ષીઓની ૨૦૦૮ની યરબુક, પાન ૩૧-૩૯ જુઓ. આ પુસ્તકો યહોવાહના સાક્ષીઓનાં છે.

[Caption on page ૫]

ઈસુએ કહ્યું હતું કે ઈશ્વર જ ‘તે દિવસ ને ઘડી’ જાણે છે

[Caption on page ૪]

સર આઇઝેક ન્યૂટન

[Caption on page ૪]

© A. H. C./age fotostock

[Caption on page ૭]

ઈસુએ આપેલી નિશાની ૧૯૧૪થી પૂરી થઈ રહી છે

[Credit Lines]

© Heidi Bradner/Panos Pictures

© Paul Smith/Panos Pictures