સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યુવાનો પૂછે છે . . . કેમ મારા ભાઈ કે બહેને આપઘાત કર્યો?

યુવાનો પૂછે છે . . . કેમ મારા ભાઈ કે બહેને આપઘાત કર્યો?

યુવાનો પૂછે છે . . . કેમ મારા ભાઈ કે બહેને આપઘાત કર્યો?

કવિતાની બહેન શીલાએ આપઘાત કર્યો. તેના પપ્પા કવિતાને એટલું જ કહી શક્યા કે ‘શીલા તો ગઈ!’ તેના પપ્પા આગળ બોલી ન શક્યા. કવિતાને ભેટીને રડી પડ્યા. કવિતાની દુનિયા જ બદલાઈ ગઈ. તેઓને સમજાયું નહિ કે શીલાએ કેમ એવું કર્યું! *

જ્યારે એવું કંઈ થાય ત્યારે, સગાં⁠-​વહાલાં મોટે ભાગે યુવાનના માબાપને દિલાસો આપવા આવે છે. આપઘાત કરનારના ભાઈ-બહેનને પૂછશે કે ‘મમ્મી-પપ્પાને કેમ છે?’ પણ એમ નથી પૂછતા કે ‘તને કેમ છે?’ ઘણી વાર શોક પાળતાં બાળકોને ભૂલી જવામાં આવે છે.

રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે ભાઈ કે બહેનના મોતથી બીજાં બાળકો પર ઊંડી અસર પડે છે. ડૉક્ટર પી. ગીલ વ્હાઈટ કહે છે: ‘એવા બનાવથી બાળકની તંદુરસ્તી, સ્વભાવ, લાગણી, સ્કૂલ અને જીવન પર ઊંડી અસર પડે છે.’​—⁠ભાઈ કે બહેનના મોતનું દુઃખ સહેવું અંગ્રેજી પુસ્તક.

યુવાનોને પણ પોતાના ભાઈ કે બહેનના આપઘાતનું ઘણું દુઃખ થાય છે. શરૂઆતમાં આપણે કવિતાની વાત કરી. તે ૨૨ વર્ષની હતી ત્યારે, તેની નાની બહેન શીલાએ આપઘાત કર્યો. કવિતા કહે છે કે એ દુઃખ સહેવું બહુ કઠિન હતું. ‘હું એમ નથી કહેતી કે મમ્મી-પપ્પા કરતાં મને વધારે દુઃખ થતુંʼતું. પણ એ સહેવું મને અઘરું લાગતુંʼતું.’

શું તમે પણ એવું દુઃખ અનુભવો છો? તમને ઈશ્વરભક્ત દાઊદ જેવું થતું હોય શકે: “હું લથડી ગયો છું, હું ઘણો વાંકો વળી ગયો છું; હું આખો દિવસ શોક કર્યા કરૂં છું.” (ગીતશાસ્ત્ર ૩૮:૬) એવું દુઃખ સહેવા તમને શું મદદ કરી શકે?

‘મારો જ બધો વાંક છે’

પોતાના ભાઈ કે બહેને આપઘાત કર્યો હોય તો ઘણી વાર આપણે પોતાને દોષ આપવા લાગીએ. કદાચ કહીએ કે ‘જો હું સારી રીતે વર્ત્યો હોત તો એણે એવું ન કર્યું હોત.’ એમ લાગવાનું કોઈ કારણ પણ હોઈ શકે. કિરણ નામના યુવાનને એવું લાગ્યું. તે ૨૧ વર્ષનો હતો ત્યારે, તેના ૧૮ વર્ષના ભાઈએ આપઘાત કર્યો. કિરણ કહે છે: ‘છેલ્લે મેં જ તેની સાથે વાત કરી હતી. મને કેમ ખબર ન પડી? મેં સારો સંબંધ રાખ્યો હોત, તો તેણે મને વાત કરી હોત.’

કિરણ પોતાનો વાંક કાઢતો હતો, કેમ કે તેના ભાઈ સાથે તેનું બહુ બનતું નહિ. કિરણે કહ્યું: ‘મારા ભાઈએ આપઘાત કરતા પહેલાં ચિઠ્ઠી લખી હતી. એમાં મને કહ્યું કે “તારે સારો વર્તાવ કરવાની જરૂર હતી.” મને ખબર છે કે તેને બહુ સારું ન હતું. તોપણ, એ શબ્દો મને કોરી ખાય છે.’ આ રીતે કદાચ કોઈ ઝઘડો થયો હોય. એવું બને કે એ વ્યક્તિ ગુજરી જાય પછી પણ એની યાદ આવ્યા કરે, સતાવ્યા કરે. ડૉ. વ્હાઇટે સજાગ બનો!ને કહ્યું: ‘ઘણા યુવાનો કહે છે કે અમુક મહિનાઓ, અરે વર્ષો પહેલાં તેઓનો ભાઈ કે બહેન સાથે ઝઘડો થયો હતો. એની યાદ તેઓને હજી સતાવ્યા કરે છે.’

કદાચ તમારા ભાઈ કે બહેને આપઘાત કર્યો હોય અને તમે પોતાને દોષ આપતા હોવ. પણ જરા વિચારો કે ‘કોણ બીજાનું જીવન કંટ્રોલમાં રાખી શકે છે?’ કવિતાએ કહ્યું, ‘દુઃખમાંથી છૂટકારો મેળવવા વ્યક્તિ જીવન ટૂંકાવે, એ ઘણા અફસોસની વાત છે. છતાંય તેમને રોકવા એ તમારા હાથ બહારની વાત છે.’

તોયે, તમે તમારા ભાઈ કે બહેનને જે કહ્યું હોય એ ભૂલી શકતા નથી. એવા સંજોગોમાં યાદ રાખો કે “આપણે સઘળા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી, તો તે સંપૂર્ણ માણસ છે.” (યાકૂબ ૩:૨; ગીતશાસ્ત્ર ૧૩૦:૩) તમે ગઈ ગુજરી વાત વિચાર્યા જ કરશો તો, તમારા દુઃખનો કોઈ પાર નહિ આવે. ખરું કે એ કડવી યાદો જલદી ભૂલાતી નથી. તોપણ એવું નથી કે તમે જે કહ્યું એ કારણે તેમણે આપઘાત કર્યો. *

દુઃખ સહેવા શું કરવું?

બધા પોતપોતાની રીતે શોક પાળે છે. એમાં કંઈ ખોટું નથી. કોઈક રડીને શોક પાળે છે. ઈશ્વરભક્ત દાઊદનો દીકરો આમ્નોન ગુજરી ગયો ત્યારે, તે “પોક મૂકીને રડ્યા.” (૨ શમૂએલ ૧૩:૩૬) ઈસુનો મિત્ર લાજરસ મરણ પામ્યો ત્યારે, તે પણ ‘રડ્યા.’​—⁠યોહાન ૧૧:૩૩-૩૫.

જ્યારે કે અમુક લોકો જલદી રડી શકતા નથી. કવિતા કહે છે કે ‘મારી લાગણી જાણે બહેર મારી ગઈ. મારું જીવન જાણે થંભી ગયું.’ ભાઈ કે બહેન આત્મહત્યા કરે ત્યારે આવું થઈ શકે છે. ડૉ. વ્હાઈટે સજાગ બનો!ને કહ્યું, ‘કોઈ આપઘાત કરે એનાથી જોરદાર આઘાત લાગે છે. એમાંથી બહાર નીકળ્યા પછી, વ્યક્તિ શોક કરી શકે છે. પ્રોફેશનલ મદદ આપતા અમુક લોકો આવાં કુટુંબોને રડવાનું ઉત્તેજન આપે છે. પણ તેઓ આઘાતમાં હોવાથી રડી શકતા નથી.’

એવા આઘાતમાંથી બહાર આવતા ટાઇમ લાગે છે. કિરણ કહે છે: ‘અમારું કુટુંબ ફૂલદાની કે ફ્લાવર-વાઝ જેવું છે. એક વાર તૂટી ગયા પછી જાણે કે ગુંદરથી ચોંટાડી રાખ્યું છે. હવે જરા પણ ટૅન્શન આવે તો બધાની આંખો છલકાઈ જાય છે.’ આવા સંજોગો સહન કરવા શું કરી શકાય?

બાઇબલમાંથી દિલાસો આપતી કલમોની નોંધ રાખો. દિવસમાં એ અનેક વાર વાંચો.​—ગીતશાસ્ત્ર ૯૪:⁠૧૯.

તમારા ફ્રૅન્ડ સાથે વાત કરો. એનાથી દિલ હળવું થઈ શકે.​—નીતિવચનો ૧૭:⁠૧૭.

ગુજરી ગયેલાને જીવતા કરવામાં આવશે, એવી કલમો પર વિચાર કરો.​—યોહાન ૫:૨૮, ૨૯.

કદાચ તમે ડાયરી રાખી શકો. એમાં તમારા દિલની લાગણી લખી લઈ શકો. નીચે આપેલા બૉક્ષનો ઉપયોગ કરી શકો.

તમારા ભાઈ કે બહેને કેમ આપઘાત કર્યો, એના વિષે ઈશ્વર બધું જ જાણે છે. ભૂલશો નહિ કે ‘આપણા દિલ કરતાં ઈશ્વર મહાન છે, અને તે સઘળું જાણે છે.’ (૧ યોહાન ૩:⁠૨૦) તમે પોતાને જાણો, એથીયે વધારે તે તમને જાણે છે. (ગીતશાસ્ત્ર ૧૩૯:૧-૩) ઈશ્વર આપણી લાગણીઓ સારી રીતે સમજે છે. ગમે એવા મુશ્કેલ સંજોગોમાં પણ ‘તમારો બોજો યહોવાહ પર નાખો, એટલે તે તમને નિભાવી રાખશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.’​—⁠ગીતશાસ્ત્ર ૫૫:⁠૨૨. (g 6/08)

[Caption on page ૩૧]

“યુવાનો પૂછે છે . . . ” વિષય પર વધારે લેખો માટે આ વેબ સાઇટ જુઓ www.watchtower.org/ype

આના વિષે વિચારો કરો

◼ તમે ઉદાસ હોવ ત્યારે કોની સાથે વાત કરશો?

◼ કોઈ યુવાન શોકમાં ડૂબેલો હોય તો તમે તેને શું કહેશો?

[Footnotes]

^ નામ બદલેલાં છે.

^ જેમ કે કોઈનું બીમારી કે ઍક્સિડન્ટથી મરણ થાય તો એમાં તમે શું કરી શકો? તમે તેમને ખૂબ જ ચાહતા હોવ તોપણ, “એ બધું [અણધાર્યા] સમય અને સંજોગોને આધીન હોય છે.”​—⁠સભાશિક્ષક ૯:​૧૧, કોમન લૅંગ્વેજ.