પલટાયેલા વાતાવરણ માટે જવાબદાર કોણ?
પલટાયેલા વાતાવરણ માટે જવાબદાર કોણ?
ધ ન્યૂઝી લૅન્ડ હેરાલ્ડ ન્યૂઝ પેપર જણાવે છે કે “ટુવાલુ દેશના એક ગામમાં ૭૩વર્ષની એક વ્યક્તિ રહે છે. તેમણે પોતાનું આખું જીવન દરિયા કિનારે ગાળ્યું છે. વૈજ્ઞાનિકોએ તો ફક્ત રિપોર્ટ જ આપ્યો છે કે દરિયાની સપાટી વધી રહી છે, જ્યારે કે આ વ્યક્તિએ તો પોતાની નજર સામે એ જોયું છે. તે જણાવે છે કે ‘દરિયાના પાણી ખેતરમાં આવવા લાગ્યા. એ ખારા પાણીને લીધે મારો બધો પાક નાશ પામ્યો. એપ્રિલ ૨૦૦૭માં એટલી મોટી ભરતી આવી કે મારા ઘરમાં દરિયાના પાણી ભરાઈ ગયા.’ એટલે તેમણે પોતાનું ઘર છોડવું પડ્યું.”
ટુવાલુ દેશમાં અનેક ટાપુઓ છે. એ ટાપુઓ દરિયાની સપાટીથી ચાર મીટરની (તેર ફૂટ) ઊંચાઈએ આવેલા છે. ગ્લોબલ વૉર્મિંગને લીધે દરિયાની સપાટી ધીમે ધીમે વધી રહી છે. * હેરોલ્ડ છાપું જણાવે છે કે એ જોઈને હજારો લોકો ટુવાલુ છોડીને જતાં રહ્યા છે. અને બીજા અમુક છોડવાની તૈયારીમાં છે.
ઑસ્ટ્રેલિયાના બ્રિઝબન શહેરમાં સખત દુકાળ પડ્યો. એના લીધે ત્યાં પાણીની સખત તંગી પડવા લાગી. પોતાના કુટુંબ માટે એક સ્ત્રીએ પાણી લાવવા ઘણા કિલોમીટર દૂર જવું પડતું. આવું તેણે દરરોજ કરવું પડતું. શું આ દુકાળ પડવાનું કારણ પણ ગ્લોબલ વૉર્મિંગ છે?
વૈજ્ઞાનિકોનો અંદાજ
પણ હવે સવાલ થાય કે ગ્લોબલ વૉર્મિંગનું કારણ શું? ઘણા માને છે કે માણસજાતનાં પાપને લીધે ગ્લોબલ વૉર્મિંગની આફત આપણા પર આવી પડી છે. આપણું ઋતુ ચક્ર અને વાતાવરણ બદલાઈ રહ્યું છે. જેમ કે, હિમ પ્રદેશનો હિમ પીગળી રહ્યો છે. તેમ જ દરિયાના પાણીનું તાપમાન વધી રહ્યું છે. આ બે કારણોને લીધે દરિયાની સપાટી વધી રહી છે. ટુવાલુ જેવા ટાપુઓ દરિયાના સ્તરથી બહુ ઊંચાઈ પર નથી. એક સમય એવો આવશે કે દરિયાનું પાણી એ ટાપુઓ પર ફરી વળશે. અમેરિકાનું ફ્લોરિડા રાજ્ય અને નેધરલૅન્ડ્ઝ દેશ પણ એવા જોખમમાં છે. અરે દરિયાની સપાટી વધવાને લીધે શાંગહાઈ, કલકત્તા અને બાંગ્લાદેશના અમુક ભાગ પર દરિયાના પાણી ફરી વળવાની શક્યતા છે. એની અસરથી લાખો લોકો ઘરબાર વગરના થઈ જશે.
પૃથ્વીનો ગોળો ગરમ થઈ રહ્યો છે એના લીધે બીજું શું થઈ શકે? તોફાન, વાવાઝોડું અને વરસાદ વધશે. અરે પૂર અને દુકાળ પણ વધશે. હિમાલયની હિમશીલા પીગળી જશે. એટલે એમાંથી નીકળતી સાત નદીઓમાં પૂરતું પાણી નહીં રહે. પરિણામે દુનિયાભરના ચાળીસ ટકા લોકોને પાણીની અછત થશે. લોકો જ નહિ, અરે જાનવરોનો જીવ પણ જોખમાશે. દાખલા તરીકે ઉત્તર ઘ્રુવના બરફમાં સફેદ રીંછ વસે છે. પણ ત્યાંનો બરફ પીગળી રહ્યો છે. એના લીધે રીંછને પૂરતો શિકાર મળતો નથી. જાણે તેઓ ભૂખે મરી રહ્યા છે.
ગરમી વધવાથી માકણ, ચાંચળ અને મચ્છરો જેવા જીવાતોની વસ્તી વધી રહી છે. એના લીધે મૅલેરિયા તથા ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. બુલેટીન ઑફ ધી ઍટમિક સાયન્ટિસ્ટ મૅગેઝિન જણાવે છે કે “જેમ ન્યુક્લિયર બૉમ્બ ફૂટે ને પૃથ્વી પર બહુ નુકસાન થાય, એવી જ રીતે હવામાનમાં થઈ રહેલા ફેરફારોને લીધે પૃથ્વી પર એવું જ નુકસાન થશે. જોકે આજે ગ્લોબલ વૉર્મિંગની અસર બહુ ઓછી છે, પરંતુ ત્રીસ કે ચાળીસ વર્ષમાં બધાં જ જીવોનું જીવન જોખમમાં આવી જશે.” અરે ઘણા વૈજ્ઞાનિકો માને છે કે ત્રીસ કે ચાળીશ વર્ષમાં જ નહિ પણ એ પહેલાં જ આવું બધું થવા લાગશે.
આ બધું વાંચીને તમને શું લાગે છે? આ એક હકીકત છે કે ખાલી વાર્તા? શું તમને લાગે છે કે ગ્લોબલ વૉર્મિંગને લીધે પૃથ્વી ખતમ થઈ જશે? ઘણા વૈજ્ઞાનિકો એમ જ માને છે. પણ સામાન્ય લોકો જાણતા નથી કે સાચું શું છે. પૃથ્વી પર ખરેખર શું થશે એના વિષે હવે પછીનો લેખ વાંચો. (g 8/08)
[Footnote]
^ પૃથ્વીનાં વાતાવરણમાં અને દરિયાના તાપમાનમાં થતાં વધારાને ગ્લોબલ વૉર્મિંગ કહે છે.