સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું આપણું જીવન જોખમમાં છે?

શું આપણું જીવન જોખમમાં છે?

શું આપણું જીવન જોખમમાં છે?

અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વી પર વધતી જતી ગરમી માણસજાતના અસ્તિત્વને મિટાવી દેશે. સાયન્સ મૅગેઝિનમાં અમુક વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે ‘માણસજાતે હવામાનને એટલું બધું બગાડી મૂક્યું છે કે એને સુધારવું શક્ય નથી. છેવટે માણસે જ એના પરિણામ ભોગવવા પડશે.’ પણ અમુક વૈજ્ઞાનિકોને લાગે છે કે વધતી જતી ગરમી માટે ફક્ત માણસ જ નહિ પણ બીજા કારણો હોય શકે. શા માટે વૈજ્ઞાનિકો આવું અલગ-અલગ વિચારે છે?

એક કારણ એ છે કે તેઓ પૃથ્વીના વાતાવરણને પૂરેપૂરી રીતે સમજી શક્યા નથી. બીજું કે બધા વૈજ્ઞાનિકો અલગ-અલગ રિસર્ચ સેન્ટરમાં કામ કરે છે. એટલે જે પણ ડેટા મળે છે, એના પર દરેક સેન્ટર અલગ-અલગ અહેવાલ આપે છે. ચાલો જોઈએ કે વૈજ્ઞાનિકો કેવો અહેવાલ આપે છે.

શું ખરેખર ગરમી વધી રહી છે?

યુનાઇટેડ નેશન્સના ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઑન ક્લાઇમેટ ચેન્જ (IPCC) એક અહેવાલમાં જણાવ્યું છે કે ‘ગ્લોબલ વોર્મિગ થવાનું કારણ માણસજાત જ છે.’ જોકે અમુક વૈજ્ઞાનિકો એ વિચાર સાથે પૂરેપૂરા સહમત નથી. તેમ છતાં તેઓ કબૂલે છે કે શહેરોમાં થતાં વસ્તી વધારાને લીધે અને અલગ-અલગ પ્રકારના બાંધકામને લીધે ગરમી વધી રહી છે. તેઓ એવો પણ દાવો કરે છે કે ગામડાઓમાં આની કોઈ અસર થતી નથી.

પણ શું એ સાચું છે? એનો જવાબ મેળવવા અલાસ્કાના એક કુટુંબનો દાખલો લઈએ. તેઓ એક નાના ટાપુમાં રહે છે. તેઓ ઠંડીના મહિનાઓમાં ખોરાક માટે હરણ જેવા જાનવરનો શિકાર કરે છે. પણ એવા જાનવર ટાપુ પર મળતા નથી. એટલે સમુદ્રનું પાણી બરફ બને પછી જ તેઓ શિકાર કરવા બીજી જગ્યાએ જઈ શકે. સામાન્ય રીતે ત્યાં ઑક્ટોબર મહિનામાં બરફ જામતો હોય છે, પરંતુ હવે છેક ડિસેમ્બર સુધી તેઓએ રાહ જોવી પડે છે. આ બતાવે છે કે ગ્લોબલ વૉર્મિંગની અસર નાના નાના ટાપુઓ પર પણ થઈ રહી છે.

ચાલો આર્ક્ટિક મહાસાગરનો દાખલો લઈએ. દર વરસે આ સાગર અમુક સમયગાળા માટે બરફ બની જાય છે. જેના લીધે વહાણોની અવર-જવર બંધ થઈ જાય છે. પરંતુ ૨૦૦૭માં એ સાગર બરફ બન્યો જ નહિ એટલે બારેમાસ વહાણોની અવર-જવર થતી રહી. ધ નેશનલ સ્નો એન્ડ આઇસ ડેટા સેન્ટર ઇન યુનાઇટેડ સ્ટેટ્‌સ જણાવે છે કે “દર વરસે અમે જોયું છે કે બરફ જામવાના મહિનાઓ ઓછાને ઓછા થવા લાગ્યા છે.”

ગ્રીનહાઉસની અસર

ગ્રીનહાઉસ અસર શું છે? એ સમજવા આપણે જાણવું જોઈએ કે સૂર્ય દ્વારા પૃથ્વીને ઉર્જા મળે છે. જો ઉર્જા કે ગરમી જળવાઈ ન રહે તો પૃથ્વીનું તાપમાન -૧૮ ડીગ્રી સેલ્સિયસ થઈ જાય. મોટા ભાગની ઉર્જાને હવા, પાણી અને જમીન પકડી રાખે છે. જે પણ વધારાની ગરમી છે એ પાછી ઉપર જતી રહે છે, એટલે પૃથ્વી વધારે પડતી ગરમ થતી નથી. પણ પ્રદૂષણના કારણે વધારાની ગરમી ઉપર જવાને બદલે વાતાવરણમાં જ રહે છે, આમ પૃથ્વીનું તાપમાન વધે છે. આને વૈજ્ઞાનિકો ગ્રીનહાઉસ અસર કહે છે.

પ્રદૂષણ કયા ગેસને લીધે વધે છે? કાર્બન ડાયૉકસાઇડ, નાઇટ્રસ ઑક્સાઇડ, મિથેન અને વૉટર વેપર. કોલસા અને ખનિજ તેલને બાળવાને લીધે આ બધા ગેસમાં વધારો થયો છે. છેલ્લા ૨૫૦ વર્ષોમાં ઇન્ડસ્ટ્રીમાં થયેલા વધારાને લીધે કોલસા અને ખનિજ તેલ જેવી પેદાશનો વપરાશ વધ્યો છે. એટલું જ નહિ ગાય-ભેંસ જેવા પ્રાણીઓના પેટમાં અમુક પ્રકારના જીવાણુઓ હોય છે, જે મિથેન અને નાઇટ્રસ ઑક્સાઇડ ગેસ પેદા કરે છે. એના લીધે પણ ગરમી વધે છે. અમુક વૈજ્ઞાનિકો માને છે કે બીજા કારણો પણ છે જેમાં માણસનો હાથ નથી.

બીજા કયા કારણો?

અમુક વૈજ્ઞાનિકો માનતા નથી કે ગ્લોબલ વૉર્મિંગ માટે માણસ જવાબદાર છે. તેઓ એનું કારણ આપતા જણાવે છે કે પૃથ્વી પર ઠંડી-ગરમીનું ચક્ર ચાલ્યા કરે છે. એનો પુરાવો આપતા તેઓ સમજાવે છે કે એક વખતે પૃથ્વી પર મોટે ભાગે હિમપ્રદેશો હતા. એ વખતે પૃથ્વીનું વાતાવરણ સાવ ઠંડું હતું. એવા પણ પુરાવા મળ્યા છે કે પૃથ્વી પર એક સમયે સખત ગરમી પડતી હતી. જેમ કે ગ્રીનલૅન્ડ કે જે આજે હિમપ્રદેશ છે, ત્યાં સદીઓ પહેલા ગરમીને લીધે ઝાડ-પાન ઉગતા હતા. તેમ છતાં વૈજ્ઞાનિકો એ માહિતી પર સંશોધન કરે છે ત્યારે તેઓને એ માહિતી અધૂરી લાગે છે.

પણ સવાલ થાય કે પૃથ્વી પર પ્રદૂષણ ન હતું તો પછી વાતાવરણમાં કેમ ફરક પડ્યો? કદાચ સૂર્યમાંથી મળતી ઉર્જા પૃથ્વીને વધારે કે ઓછી ગરમ કરતી હશે. જ્વાળામુખીમાંથી ધગધગતો લાવારસ બહાર આવવાથી પૃથ્વી પર ગરમી વધી ગઈ હશે. અથવા દરિયામાં આવતા ભરતી કે ઓટને લીધે તાપમાનમાં વધારો કે ઘટાડો થયો હશે.

વાતાવરણમાં સંતુલન જરૂરી

પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, એના લીધે પૃથ્વીના વાતાવરણમાં શું અસર થઈ શકે? વૈજ્ઞાનિકો પાસે એની પૂરતી માહિતી નથી. પણ તેઓ તાપમાન વિષેની માહિતી અને ફિઝીક્સના નિયમોને કૉમ્પ્યુટર પ્રોગ્રામમાં મૂકે છે. એ પ્રોગ્રામ અંદાજ આપે છે કે વાતાવરણમાં શું ફેરફાર થઈ શકે.

દાખલા તરીકે આ પ્રોગ્રામ અંદાજ આપે છે કે જો સૂર્ય, પૃથ્વીને ઓછી ઉર્જા આપે તો હિમશિલા, પાણી, હવા, વાતાવરણનું દબાણ, વાદળો અને વરસાદમાં કેવી અસર થઈ શકે. જો વધારે જ્વાળામુખી ફાટે તો પ્રોગ્રામ જણાવે છે કે હવામાનમાં કેવા કેવા ફેરફારો થઈ શકે. જો પૃથ્વીની વસ્તી વધે, જંગલો કાપવામાં આવે, પ્રદૂષણ વધે તો વાતાવરણમાં કેવી અસર પડશે એનો અંદાજ પણ આ પ્રોગ્રામ આપે છે. વૈજ્ઞાનિકો આશા રાખે છે કે આ પ્રોગ્રામ વધારે ને વધારે સાચો અંદાજ આપે.

હવે સવાલ થાય કે પ્રોગ્રામ સાચો અંદાજ શાના આધારે આપી શકે? પ્રોગ્રામમાં વાતાવરણનો બધો જ ડેટા આપવો પડે. જેટલી વધારે માહિતી આપો એટલો સચોટ જવાબ મળે. તેમ છતાં સાયન્સ મૅગેઝિન જણાવે છે કે ‘હવામાનમાં એટલો બધો ફેરફારો થઈ રહ્યો છે કે, બધો જ ડેટા મેળવી શકાતો નથી. એટલે ભાવિમાં શું થશે એનો સાચો અંદાજ લગાવી શકાતો નથી.’ દાખલા તરીકે વૈજ્ઞાનિકો અંદાજ પણ ન લગાવી શક્યા કે આર્કટિક મહાસાગર પીગળી જશે. ભલે અંદાજ સાચો હોય કે ખોટો જો આપણે હમણાં જ પગલાં લઈશું તો હવામાનમાં થોડો ઘણો સુધારો થશે.

પણ કેવો સુધારો કરી શકીએ? એનો જવાબ મેળવવા વૈજ્ઞાનિકોએ જુદા-જુદા છ સંજોગોના ડેટાને કૉમ્પ્યુટરમાં મૂક્યા. એના પરિણામમાંથી બેનો અભ્યાસ કર્યો. એક એ છે કે આજે માણસજાત જે રીતે જીવી રહી છે એ જ રીતે વીસ કે ત્રીસ વર્ષ જીવે તો શું થશે. બીજા સંજોગમાં એવું હતું કે પ્રદૂષણને રોકવા ઘણા બધા નિયમો બનાવીએ તો શું થઈ શકે. બેવ સંજોગોનો અભ્યાસ કરવાથી તેઓને જોવા મળ્યું કે ફેરફાર કરવા પગલાં લેવા ખૂબ જરૂરી છે. જેવાં કે બળતણનો વપરાશ ઓછો કરવો. કોલસાને બદલે ન્યુક્લિયર પાવરથી વીજળી પેદા કરવી. એવી ટેકનોલૉજી વાપરવી જોઈએ જેથી વાતાવરણમાં કોઈ નુકસાન ન થાય.

શું આવા પ્રોગામ પર ભરોસો મૂકી શકાય?

પ્રોગામ જે અંદાજ આપે છે એમાં અમુક લોકો સહમત થતાં નથી, કેમ કે પ્રોગ્રામ દરેક દિવસે અલગ-અલગ અંદાજ આપે છે. એક વૈજ્ઞાનિક જણાવે છે કે ‘વાતાવરણમાં એટલું બધું જાણવા જેવું છે કે એની પૂરતી માહિતી અમારી પાસે પણ નથી. એટલે અમે પૂરતી માહિતી પ્રોગ્રામમાં મૂકી શકતા નથી. તેથી પ્રોગ્રામ જે અંદાજ આપે છે એમાં હું પણ પૂરો ભરોસો મૂકી શકતો નથી.’ *

પ્રોગ્રામ સાચી કે ખોટી માહિતી આપતું હોય તો પણ આપણે કંઈક પગલાં લેવા જોઈએ, કેમ કે આજે દુનિયામાં પ્રદૂષણ વધી રહ્યું છે. જંગલો કાપવામાં આવી રહ્યા છે. શહેરોમાં વસ્તી વધારો થઈ રહ્યો છે. અરે અમુક જાનવરોનું તો નિકંદન જ નીકળી ગયું છે. આપણું જીવન ટકાવી રાખે એવી બીજી બાબતોનો પણ નાશ થઈ રહ્યો છે. આ તો અમુક જ બાબતો જણાવી. જો આપણે પગલાં નહિ લઈએ તો આવતી પેઢીનું શું થશે? તેઓને શું જવાબ આપીશું?

આપણા પર ગ્લોબલ વૉર્મિંગનો ભય તોળાઈ રહ્યો છે. એને અટકાવવો હોય તો આપણી પાસે થોડાં જ વરસો છે. એટલે જરૂરી છે કે આપણે હમણાં જ પગલાં લઈએ. પોતાનો સ્વાર્થ છોડીને કુદરતી પેદાશનો યોગ્ય ઉપયોગ કરીએ. મન ફાવે એમ જીવવાને બદલે બીજાનો વિચાર કરીએ. સરકારે પણ એવા નિયમો બનાવવા જોઈએ, જેથી પ્રદૂષણ અટકાવી શકાય. પણ શું તમને લાગે છે કે આ શક્ય છે? આ સવાલનો જવાબ આપણને પછીના લેખમાં મળશે. (g 8/08)

[Footnote]

^ અમેરિકાના જોન આર. ક્રિસ્ટી, ડાયરેક્ટર ઑફ ધી અર્થ સીસ્ટમ સાયન્સ સેન્ટર. ધ વોલસ્ટ્રીટ જર્નલ નવેમ્બર ૧, ૨૦૦૭.

[Picture on page 5]

પૃથ્વીનું ટેમ્પરેચર કેવી રીતે માપી શકાય?

પૃથ્વીનું ટેમ્પરેચર (તાપમાન) માપવું સહેલું નથી. એ સમજવા ચાલો એક મોટા રૂમનું ટેમ્પરેચર માપીએ. હવે સવાલ થાય કે તમે થર્મોમીટર ક્યાં મૂકશો? છતની નજીકમાં કે રૂમના ફ્લોર પર? જો તમે છતની નજીક રાખશો તો ત્યાંનું ટેમ્પરેચર ફ્લોરના કરતાં થોડું વધારે હશે, કેમ કે સામાન્ય રીતે ગરમ હવા ઉપર હોય છે. જો બારીની નજીક રાખીશું તો સૂર્યના પ્રકાશની અસર એના પર પડશે. અરે ડાર્ક કલરની અસર પણ ટેમ્પરેચર પર પડશે, કેમ કે એવા રંગો ગરમીમાં વધારો કરે છે.

એટલે રૂમનું સાચું ટેમ્પરેચર જોઈતું હોય તો અલગ-અલગ જગ્યાએથી તાપમાન માપવું જોઈએ. પછી એ ટેમ્પરેચરનો સરવાળો કરીને એનો સરેરાશ કાઢવો જોઈએ. એટલું જ નહિ દિવસ અથવા મોસમ બદલાય એની અસર પણ રૂમના ટેમ્પરેચર પર પડે છે. એટલે જુદી જુદી મોસમમાં રૂમનું ટેમ્પરેચર માપવું જોઈએ. હવે રૂમનું ટેમ્પરેચર જાણવા આટલી બધી મહેનત કરવી પડે તો શું આખી પૃથ્વીનું ટેમ્પરેચર માપવું સહેલું છે! ટેમ્પરેચરની સાચી માહિતી જોઈતી હોય તો સમુદ્ર, વાતાવરણ અને જમીનનું સાચું રીડિંગ લેવું જોઈએ. એ માહિતી મેળવીને વૈજ્ઞાનિકો અમુક હદ સુધી સમજી શકે છે કે શા માટે હવામાનમાં ફેરફારો થાય છે.

[Credit Line]

NASA photo

[Box on page 6]

શું ન્યુક્લિયર પાવર કંઈ સુધારો કરી શકશે?

દુનિયાભરમાં વીજળી પેદા કરવા આપણે કોલસો અને ખનિજ તેલનો ઉપયોગ કરીએ છીએ. પણ એના લીધે પ્રદૂષણમાં વધારો થાય છે. એટલે અમુક સરકાર વીજળી પેદા કરવા કોલસો કે ખનિજ તેલને બદલે ન્યુક્લિયર પાવર વાપરવાનું વિચારી રહી છે.

આ વિષે ઇન્ટરનેશનલ હેરાલ્ડ ટ્રીબ્યુનના ન્યૂઝપેપરે અહેવાલ આપ્યો કે બીજા દેશો કરતાં ફ્રાન્સ વધારે ન્યુક્લિયર પાવર વાપરે છે. એમાં પણ જોખમ રહેલું છે. જેમ કે ન્યુક્લિયર રિએક્ટર ઠંડુ કરવા લગભગ ૧૯૦૦ કરોડ ઘનમીટર પાણીની જરૂર પડે છે. જ્યારે ૨૦૦૩માં ફ્રાન્સમાં સખત ગરમી પડી ત્યારે ન્યુક્લિયર રિએક્ટરમાંથી જે ગરમ પાણી નદીમાં ગયું એનાથી મોટી તકલીફ ઊભી થઈ. સખત ગરમી અને ગરમ પાણીને લીધે નદીનું તાપમાન એટલું બધું વધી ગયું કે માછલીઓ અને નદીમાંની વનસ્પતિઓ જોખમમાં મૂકાઈ. આ કારણને લીધે ફ્રાન્સમાં અમુક ન્યુક્લિયર પાવર સ્ટેશન બંધ કરવા પડ્યા. જો વૈજ્ઞાનિકોને લાગતું હોય કે પૃથ્વી પર ગરમી વધશે તો ન્યુક્લિયર પાવર વાપરવું અશક્ય છે.

યુનિયન ઑફ કન્શન્ડ સાયન્ટિસ્ટના ન્યુક્લિયર એન્જિનિયર ડેવિડ લૉકબમ જણાવે છે કે “જો ન્યુક્લિયર પાવર વાપરવો હોય તો પહેલા પૃથ્વીના વાતાવરણમાં થઈ રહેલા ફેરફારને ઓછો કરવો પડશે.”

[Box/Map on page 7]

પલટાયેલા હવામાનને લીધે ૨૦૦૭માં આફતો

૨૦૦૫માં દસ કુદરતી આફતો આવી હતી એના લીધે ભારે નુકસાન થયું હતું. એ આફતોમાં યુનાઇટેડ નેશન્સ ઑફિસ ફોર ધ કો-ઑર્ડિનેશન ઑફ હ્યુમનીટેરિયન અફેર્સ સંસ્થાએ બીજાને રાહત પહોંચાડી હતી. ૨૦૦૭માં હવામાનમાં ફેરફાર થવાને લીધે ઘણી કુદરતી આફતો આવી હતી. એમાં આ સંસ્થાએ ચૌદ જગ્યાએ તાત્કાલિક મદદ પૂરી પાડી. નીચે ૨૦૦૭ની અમુક કુદરતી આફતોનું લિસ્ટ આપેલું છે. પણ આવી આફતો આ દેશોમાં વારંવાર નથી આવતી.

▪ બ્રિટન: આ દેશમાં ૩ લાખ ૫૦ હજાર લોકોને પૂરની ભારે અસર થઈ. આટલું મોટું પૂર ૬૦ વર્ષોમાં ક્યારેય આવ્યું ન હતું. ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં મેથી જુલાઈ સુધી બહુ જ વરસાદ પડ્યો. આવો ભારે વરસાદ બસો વર્ષોમાં ક્યારેય પડ્યો ન હતો.

▪ પશ્ચિમ આફ્રિકા: ચૌદ દેશોને પૂરની ભારે અસર થઈ. લગભગ ૮ લાખ લોકો એનો ભોગ બન્યા.

▪ લેસોથો: સખત ગરમી અને દુકાળને લીધે પાક નાશ થયો. લગભગ ૫ લાખ ૫૩ હજાર લોકોએ ભૂખમરો વેઠ્યો.

▪ સુદાન: વરસાદને લીધે લગભગ ૧ લાખ ૫૦ હજાર લોકો ઘર વગરના થઈ ગયા. બધાં મળીને ૫ લાખ લોકોને રાહત પહોંચાડવામાં આવી.

▪ માડાગાસ્કર: ભારે વરસાદ અને વાવાઝોડાએ આ દેશને તબાહ કરી દીધો. ૩૩ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા. ૨ લાખ ૬૦ હજાર લોકોનો પાક નાશ પામ્યો.

▪ ઉત્તર કોરિયા: એક અંદાજ પ્રમાણે ભારે પૂર તેમ જ જમીન ધસી પડવાને લીધે ૯ લાખ ૬૦ હજાર લોકોને ભારે નુકસાન વેઠવું પડ્યું. ▪ બાંગ્લાદેશ: પૂરના લીધે ૮૫ લાખ લોકોને અસર થઈ. એમાં ૩ હજાર લોકો મોતને શરણ થયા. અને ૧૨ લાખ ૫૦ હજાર ઢોરઢાંક મરણ પામ્યા. ૧૫ લાખ ઘરોને ભારે નુકશાન થયું.

▪ ભારત: પૂરના લીધે ૩ કરોડ લોકોને અસર થઈ.

▪ પાકિસ્તાન: વરસાદ અને વાવાઝોડાને લીધે ૩ લાખ ૭૦ હજાર લોકોને સ્થળાંતર કરવું પડ્યું. લગભગ ૩૦૦ જેટલાં લોકો મરણ પામ્યા.

▪ બોલિવિયા: ૩ લાખ ૫૦ હજાર લોકોને પૂરની સખત અસર થઈ. ૨૫ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા.

▪ મેક્સિકો: પૂરના લીધે ૫ લાખ લોકો ઘરબાર વગરના થઈ ગયા. અને ૧૦ લાખ લોકોને ભારે તકલીફ ભોગવવી પડી. ▪ ડૉમિનિકન રિપબ્લિક: સખત વરસાદને લીધે પૂર તેમ જ જમીન ધસી પડવાને લીધે ૬૫ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા.

▪ અમેરિકા: વરસાદ ન પડવાને લીધે દક્ષિણ કેલિફોર્નિયાના જંગલો અને ખેતરો સૂકાઈ ગયા અને એમાં આગ લાગી. એના લીધે ૫ લાખ લોકોએ પોતાના ઘર છોડીને ભાંગવું પડ્યું.

[Credit Line]

Based on NASA/Visible Earth imagery