સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુનો જન્મ ક્યારે થયો હતો?

ઈસુનો જન્મ ક્યારે થયો હતો?

બાઇબલ શું કહે છે

ઈસુનો જન્મ ક્યારે થયો હતો?

દુનિયાભરમાં કરોડો ખ્રિસ્તીઓ ૨૫ ડિસેમ્બરે, ઈસુ ખ્રિસ્તનો જન્મ દિવસ ઊજવે છે. જોકે એન્સાઇક્લોપીડિયા ઑફ અર્લી ક્રિશ્ચ્યાનિટી જણાવે છે કે ‘ઈસુ ખ્રિસ્ત ક્યારે જન્મ્યા હતા એની પાકી તારીખ કોઈ જાણતું નથી.’ અને બાઇબલમાં પણ ક્યાંય જોવા મળતું નથી કે ઈસુ ખ્રિસ્ત ક્યારે જન્મ્યા હતા.

બાઇબલમાંથી અમુક કલમો તપાસીને આપણે પુરાવો જોઈશું કે ઈસુનો જન્મ ક્યારે થયો હતો. અને આપણે બીજા પુરાવા પણ જોઈશું કે શા માટે આજે લોકો પચીસ ડિસેમ્બરે ઈસુ ખ્રિસ્તનો જન્મ દિવસ ઊજવે છે.

ડિસેમ્બર ૨૫ કેમ નહિ?

ઈસુનો જન્મ ઈસ્રાએલના બેથલેહેમ શહેરમાં થયો હતો. એ વખતે શહેરના ઘેટાંપાળકો વિષે બાઇબલ જણાવે છે કે તેઓ “રાત્રે ખેતરમાં રહીને પોતાનાં ટોળાંને સાચવતા હતા.” (લુક ૨:૪-૮) ડેઈલી લાઇફ ઇન ધ ટાઇમ ઑફ જિસસ પુસ્તક પણ જણાવે છે કે “આખા વર્ષમાં ઘેટાં મોટે ભાગે બહાર મેદાનોમાં રહેતા. પણ ડિસેમ્બર મહિનાની કડ-કડતી ઠંડીમાં ઘેટાંપાળકો મેદાનોમાં પોતાના માટે છાપરું બનાવતા અને એમાં ઠંડીથી રક્ષણ મેળવતા.” હવે જો ઈસુનો જન્મ ડિસેમ્બરમાં થયો હોત તો, તમને લાગે છે કે ઘેટાંપાળકો ઠંડીમાં ખુલ્લાં મેદાનમાં ઘેટાંને સાચવતા હોય?

બાઇબલમાંથી બીજો એક પુરાવો મળે છે. ઈસુના જન્મના થોડા સમય પહેલા ‘રાજા ઔગસ્તસે એવો હુકમ બહાર પાડ્યો કે સર્વ લોકોનાં નામ નોંધાય. તેના વખતમાં વસ્તીની એ પ્રથમ ગણતરી થઈ હતી. બધાં પોતાનાં નામ નોંધાવવા સારૂ પોતપોતાનાં શહેરમાં ગયાં.’—લુક ૨:૧-૩.

જોકે લોકોને ઔગસ્તસ રાજાની હકૂમત ગમતી ન હતી. તો શું લોકો તેનો હુકમ પાળવા માટે ઠંડીમાં લાંબી મુસાફરી કરશે? બીજું કે બાઇબલ જણાવે છે કે ઈસુની માતા મરિયમ અને પિતા યુસફ એ હુકમ પાળવા નાઝરેથથી ૧૫૦ કિલોમીટર મુસાફરી કરીને બેથલેહેમ ગયા. એ મુસાફરી વખતે મરિયમના ગર્ભના છેલ્લા દિવસો હતા. તો શું આવી હાલતમાં મરિયમે ડિસેમ્બર મહિનાની ઠંડીમાં મુસાફરી કરી હશે?

ઇતિહાસકારો અને બાઇબલ પર સંશોધન કરનારા પણ માને છે કે ઈસુ ૨૫ ડિસેમ્બરે જન્મ્યા ન હતા. એક કૅથલિક એન્સાઇક્લોપીડિયા પણ જણાવે છે કે ‘અમુક પાદરીઓ માને છે કે ઈસુનો જન્મ પચીસ ડિસેમ્બરના થયો ન હતો.’ જો તમારી પાસે કોઈ એન્સાઇક્લોપીડિયા હોય તો તમે એમાંથી આવી માહિતી મેળવી શકો.

ડિસેમ્બર ૨૫ કેમ ઊજવાય છે?

ઈસુના મરણની સદીઓ પછી પચીસમી ડિસેમ્બરને તેમના જન્મ દિવસ તરીકે ઊજવવામાં આવ્યો. પણ આ તારીખ કઈ રીતે આવી? ઇતિહાસકારો માને છે કે પચીસમી ડિસેમ્બરે રોમન લોકોનો એક તહેવાર હતો. સમય જતા એ તહેવાર ખ્રિસ્તીઓ પણ ઉજવવા લાગ્યા. અને એ તહેવારને ખ્રિસ્તીઓ ઈસુના જન્મ દિવસ તરીકે ઓળખવા લાગ્યા.

આના વિષે એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા જણાવે છે કે ‘રોમન લોકો માનતા કે પચીસ ડિસેમ્બરે શિયાળો પૂરો થઈને ઉનાળો બેસે છે. એટલે તેઓ સૂર્યનો જન્મ દિવસ ઉજવવા લાગ્યા. સમય જતાં આ માન્યતા ખ્રિસ્તીઓ પણ અપનાવવા લાગ્યા.’

એન્સાઇક્લોપીડિયા અમેરિકાના જણાવે છે કે ‘જૂના જમાનામાં રોમન લોકો માનતા હતા કે પચીસ ડિસેમ્બર પછી સૂરજનો ફરી જન્મ થાય છે. એ દિવસે રોમનો બીજો એક તહેવાર પણ ઉજવતા હતા. તેઓ શનિ ગ્રહની એટલે કે કૃષિદેવની ઉપાસના કરતા.’ આ તહેવારમાં લોકો અનૈતિક કામ કરતા અને જોરશોરથી નાચ-ગાન કરતા. આજે પણ દુનિયાભરમાં લાખો લોકો રોમનોની જેમ નાતાલ કે ક્રિસમસ ઊજવે છે.

ઈસુ ખ્રિસ્તને માન આપીએ

અમુક ખ્રિસ્તીઓ માને છે કે ગમે તે દિવસ હોય ઈસુનો જન્મ દિવસ ઊજવવો જોઈએ. આ રીતે તેઓ ઈસુ ખ્રિસ્તને માન આપે છે.

બાઇબલ જણાવે છે કે ઈસુનો જન્મ ખરેખર મહત્ત્વનો પ્રસંગ હતો. ઈસુ જન્મ્યા ત્યારે સ્વર્ગદૂતો પરમેશ્વરના ગુણગાન ગાતા હતા. તેઓએ ગાયું કે “પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ, તથા પૃથ્વી પર જે માણસો વિષે તે પ્રસન્‍ન છે, તેઓને શાંતિ થાઓ.” (લુક ૨:૧૩,૧૪) બાઇબલમાં ક્યાંય જણાવવામાં આવ્યું નથી કે ઈસુનો જન્મ દિવસ ઊજવવો જોઈએ. પરંતુ બાઇબલમાં એવી આજ્ઞા આપવામાં આવી છે કે આપણે ઈસુનો મરણ દિવસ ઊજવવો જોઈએ. યહોવાહના સાક્ષીઓ દર વર્ષે ઈસુનો મરણ દિવસ ઊજવે છે. (લુક ૨૨:૧૯) આ રીતે તેઓ ઈસુને માન આપે છે.

ઈસુએ પોતાના મરણની આગલી રાતે કહ્યું કે “જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો.” ઈસુએ એ પણ કહ્યું કે “જો તમે મારા પર પ્રેમ રાખો છો, તો મારી આજ્ઞાઓ પાળશો.” (યોહાન ૧૫:૧૪; ૧૪:૧૫) આ પરથી જોવા મળે છે કે ઈસુને માન આપવું હોય તો તેમની આજ્ઞાઓ પાળવી જોઈએ. (g08 12)

[Blurb on page 20]

બાઇબલમાંથી આપણને પુરાવો મળ્યો છે કે ઈસુનો જન્મ ડિસેમ્બરમાં થયો ન હતો

શું તમે કદી વિચાર્યું છે?

◼ શા માટે કહી શકાય કે ઈસુ ડિસેમ્બરમાં જન્મ્યા ન હતા?—લુક ૨:૧-૮.

◼ જન્મ દિવસ કરતાં પણ શું વધારે મહત્ત્વનું છે?—સભાશિક્ષક ૭:૧.

◼ ઈસુને માન આપવાની સૌથી સારી રીત કઈ છે?—યોહાન ૧૪:૧૫.