સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સુખી થવા માટેના છ સિદ્ધાંતો

સુખી થવા માટેના છ સિદ્ધાંતો

સુખી થવા માટેના છ સિદ્ધાંતો

જો આપણે બાઇબલના સિદ્ધાંતોને દિલમાં ઉતારીશું તો જીવનમાં સુખ, સંતોષ અને સફળતા મળશે. જે વ્યક્તિ એ પ્રમાણે કરે છે તેનું જીવન ‘નદીની પાસે રોપાયેલા ઝાડ જેવું થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેનાં પાંદડાં કદી પણ ચીમળાતાં નથી; વળી જે કંઈ તે કરશે, એમાં સફળ થશે.’—ગીતશાસ્ત્ર ૧:૩.

શું એનો અર્થ એ થાય કે આપણે કદીયે નિષ્ફળ નહિ જઈએ? ના, કેમ કે છેવટે તો આપણે માણસ જ છીએ ને, ભૂલો તો થવાની જ. પણ જો આપણે બાઇબલના માર્ગદર્શન પ્રમાણે ચાલવા પ્રયત્ન કરીશું તો જીવનમાં મોટે ભાગે સુખ અને સંતોષ મળશે. ચાલો આપણે બાઇબલમાંથી છ સિદ્ધાંતો જોઈએ. આ રીતે આપણને પુરાવો મળશે કે ઈશ્વરનું માર્ગદર્શન બાઇબલમાં છે.—યાકૂબ ૩:૧૭.

૧ પૈસાનો લોભ ન રાખો

આપણે જાણીએ છીએ કે જીવન ટકાવી રાખવા પૈસો જરૂરી છે. પણ બાઇબલ ચેતવે છે કે ‘પૈસાનો લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે; એનો લોભ રાખીને ઘણા હાથે કરીને દુઃખી થયા છે.’ (૧ તીમોથી ૬:૧૦) જ્યારે પૈસો જ આપણો પરમેશ્વર બની જાય છે, ત્યારે જીવનમાં દુઃખ-તકલીફો આવે છે.

પહેલા લેખમાં આપણે જોઈ ગયા કે પૈસાદાર લોકોના જીવનમાં પણ સાચું સુખ નથી. અમુક લોકોને આ ખબર હોવા છતાં તેઓ પૈસા પાછળ દોડી રહ્યા છે, અને પોતાના માથે આફતો વહોરી રહ્યા છે. એવા લોકોના કુટુંબો વેર-વિખેર થઈ જાય છે, લગ્‍ન ભાંગી જાય છે. દોસ્તી તૂટી જાય છે. અરે, તેઓની ઊંઘ પણ હરામ થઈ જાય છે. બાઇબલ એની સાબિતી આપે છે કે ‘મજૂર થોડું અથવા વધારે ખાય, તોપણ તેની ઊંઘ મીઠી હોય છે; પણ ધનવાનનું ધન તેને ઊંઘવા દેતું નથી.’—સભાશિક્ષક ૫:૧૨.

ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું હતું કે ‘દોલત એક માયા’ છે. (માર્ક ૪:૧૯) જ્યારે શરૂ-શરૂમાં દોલત ભેગી થાય છે, ત્યારે આપણને આનંદ થાય છે. પણ સમય જતાં દોલતની માયાજાળમાં આપણે ફસાઈએ છીએ. એ માટે બાઇબલ જણાવે છે કે “પૈસા પર પ્રેમ રાખનારો કદી પૈસાથી સંતુષ્ટ થતો નથી.”—સભાશિક્ષક ૫:૧૦, કોમન લેંગ્વેજ.

એટલે, પૈસા પર પ્રેમ રાખનારાઓ નિરાશા-હતાશાનો ભોગ બને છે. અરે, અમુક તો પૈસો ભેગો કરવા ચોરી અને છેતરપિંડી સુધી પહોંચી જાય છે. (નીતિવચનો ૨૮:૨૦) આપણે જોયું કે પૈસો સુખ નથી આપતો, એટલે એની પાછળ આંધળી દોટ ના મૂકીએ. પણ બીજી કઈ બાબતો છે, જે આપણને સંતોષ આપી શકે? ચાલો બાઇબલમાંથી બીજા સિદ્ધાંતો જોઈએ.

૨ ખરા દિલથી બીજાઓને મદદ કરો

આપણે બધાએ અમુક વખત બીજાઓને મદદ કરી હશે. અને આપણને આનંદ મળ્યો હશે. બાઇબલ આપણને ઉત્તેજન આપે છે કે ‘લેવા કરતાં આપવામાં વધારે સુખ મળે છે.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) એમ કરવાથી આપણને ખુશી મળશે. એટલે વ્યક્તિને જેની જરૂર હોય એ મદદ પૂરી પાડીએ.

બીજાઓને મદદ કરવાથી વ્યક્તિના જીવન પર કેવી અસર પડે છે, એ વિષે વૈજ્ઞાનિક સ્ટીફન જી. પોસ્તે અભ્યાસ કર્યો હતો. એમાં જોવા મળ્યું કે જ્યારે લોકો પૂરા દિલથી બીજાઓને મદદ કરે છે ત્યારે મોટે ભાગે તેઓને ખુશી મળે છે. મનની શાંતિ મળે છે. તેઓની તંદુરસ્તી સારી રહે છે. ડિપ્રેશન ઓછું થાય છે, અને તેઓ લાંબું જીવે છે.

અમુકને લાગે છે કે બીજાઓને મદદ કરવાથી તેઓએ કંઈક જતું કરવું પડશે. પણ એ સાચું નથી. બાઇબલ જણાવે છે કે “ઉદાર માણસ ધનવાન બનશે અને પાણી પાનાર પોતે પણ પુષ્કળ પામશે.” (નીતિવચનો ૧૧:૨૫, IBSI) એટલે તમે પૂરા દિલથી બીજાઓને મદદ કરો. આમ કરવાથી તેઓ તમારી કદર કરશે, અને તમને ઈશ્વરની કૃપા મળશે.—હેબ્રી ૧૩:૧૬.

૩ એકબીજાને માફ કરો

બાઇબલ જણાવે છે કે ‘એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો, જેમ ઈશ્વરે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો.’ (કોલોસી ૩:૧૩) પણ આજ-કાલ લોકો માફી આપવાને બદલે બદલો લઈ રહ્યા છે અને પથ્થરદિલ બની રહ્યા છે. તેઓ ઘણી વખત વ્યક્તિને ગાળો બોલે છે, અને મારા-મારી પણ કરે છે.

કૅનેડાના ધ ગેઝેટ ન્યૂઝ પેપરના રિપોર્ટ મુજબ એમ કરવાથી વ્યક્તિ પોતાને જ નુકસાન કરે છે. એ રિપોર્ટમાં ‘તેઓએ ૧૮-૩૦ વર્ષની ઉંમરના ૪,૬૦૦ પુરુષોનો સર્વે કર્યો. એમાં જોવા મળ્યું કે જેઓ કઠોર હતા, તેઓના ફેફસાંમાં ખરાબ અસર થઈ હતી.’ અરે અમુક પુરુષોના ફેફસાંમાં તો સિગારેટ પીનારના ફેફસાં કરતાં વધારે નુકસાન થયું હતું.

ગુસ્સે થવાને બદલે બીજાઓને માફ કરીએ. ખરું કે હર વખત એ સહેલું નથી. પણ આપણો પોતાનો જ વિચાર કરો. કદાચ આપણે કોઈને ગુસ્સે કર્યા હોય, અને માફીની આશા રાખી હોય. જ્યારે તે આપણને માફ કરે, ત્યારે આપણને કેવી રાહત મળે છે! એ જ રીતે, આપણે પણ નિઃસ્વાર્થ ભાવે બીજાઓને માફ કરવા જોઈએ. (માત્થી ૧૮:૨૧-૩૫) બીજાઓને માફ કરવા આપણે શાંત મગજ રાખવાની જરૂર છે. બાઇબલ જણાવે છે કે ‘જે ક્રોધ કરવે ધીમો છે, તે પરાક્રમી કરતાં સારો છે.’ (નીતિવચનો ૧૬:૩૨) એટલે જ્યારે ગુસ્સો આવે ત્યારે કદાચ એકથી દશ સુધી ગણી શકો. અથવા એવાં બીજા પગલાં લઈ શકો, જેથી તમે શાંત રહી શકો.

૪ ઈશ્વરના નીતિ-નિયમો પ્રમાણે ચાલો

બાઇબલ જણાવે છે કે ‘ઈશ્વરની આજ્ઞા નિર્મળ છે, તે આંખોને પ્રકાશ આપે છે.’ (ગીતશાસ્ત્ર ૧૯:૮) જ્યારે ઈશ્વરની આજ્ઞા પાળીએ છીએ, ત્યારે આપણે ઘણાં ખરાબ કામોથી દૂર રહીએ છીએ. જેમ કે ડ્રગ્સ લેવું, દારૂડિયા બનવું, વ્યભિચાર કરવો, પોર્નોગ્રાફી જોવી વગેરે. (૨ કોરીંથી ૭:૧; કોલોસી ૩:૫) પણ જેઓ ઈશ્વરની આજ્ઞાઓથી મોં ફેરવી લે છે તેઓ આવા ખરાબ કામોમાં ફસાય છે. તેઓ પૈસેટકે બરબાદ થઈ જાય છે અને ઘણી વાર ચોરીના રવાડે ચઢી જાય છે. તેઓના સગાં-વહાલાંઓ પણ તેમના પર ભરોસો રાખતા નથી. છેવટે તેઓનું કુટુંબ છિન્‍ન-ભિન્‍ન થઈ જાય છે. અરે, અમુક લોકો ખૂબ જ ડિપ્રેશ થઈને છેવટે આત્મહત્યા કરી લે છે.

આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીશું તો બીજાઓ સાથે હળી-મળીને રહીશું. આપણો આત્મ-વિશ્વાસ વધશે. મનની શાંતિ મળશે. એના વિષે ઈશ્વર જણાવે છે: ‘તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું. જો તું મારી આજ્ઞાઓ ધ્યાનમાં લેશે તો તારી શાંતિ નદીના જેવી, ને તારૂં ન્યાયીપણું સમુદ્રનાં મોજાં જેવું થશે.’ (યશાયાહ ૪૮:૧૭, ૧૮) આમ, ઈશ્વર ચાહે છે કે આપણે તેમના માર્ગમાં ચાલીએ અને જીવનમાં સંતોષ મેળવીએ.

૫ બધા સાથે પ્રેમથી રહો

બાઇબલ જણાવે છે કે “તમારો પ્રેમ બીજાને શક્તિશાળી બનાવવામાં મદદકર્તા છે.” (૧ કરિંથી ૮: ૧, ઇઝી-ટુ-રીડ-વર્શન) વિચારો કે આ દુનિયામાં પ્રેમ ન હોત તો આપણું જીવન કેવું હોત! આપણા જીવનમાં કોઈ ખુશી જ ન હોત, સાવ એકલું એકલું લાગત. બાઇબલના એક લેખક પાઊલે લખ્યું કે “બીજાઓ પ્રત્યે મને પ્રેમ ન હોય તો એ બધું વ્યર્થ છે.”—૧ કરિંથી ૧૩:૨, ૩, IBSI.

આપણે જે પ્રેમની વાત કરી રહ્યા છે એ પતિ-પત્ની વચ્ચેના પ્રેમની વાત નથી. એ તો એનાથી પણ મોટા પ્રેમની વાત છે. એ પ્રેમ આપણે ઈશ્વરના નીતિ-નિયમો પાળીને બતાવીએ છીએ. * (માત્થી ૨૨:૩૭-૩૯) જ્યારે એવો પ્રેમ બીજાઓને બતાવીએ છીએ ત્યારે આપણને ખુશી મળે છે. આવો પ્રેમ બતાવતી વ્યક્તિ ખૂબ જ ધીરજ રાખે છે. નમ્ર હોય છે. કોઈની ઈર્ષા કરતી નથી. બીજાને તરત માફ કરી દે છે. પોતે કંઈક છે એવો ગર્વ પણ કરતી નથી. આવી વ્યક્તિ હંમેશાં બીજાનું ભલું કરતી હોય છે. આવો પ્રેમ બતાવવાથી આપણો બીજાઓ સાથેનો સંબંધ ગાઢ બને છે. બીજાઓ મધ્યે આપણું માન અને પ્રેમ વધે છે. ખાસ કરીને કુટુંબીજનો વચ્ચે.—૧ કોરીંથી ૧૩:૪-૮.

જે માબાપ બાળકોને પ્રેમ કરે છે, તેઓ બાળકોને ઈશ્વરના નિયમો પાળવાનું શીખવે છે. તેઓને ખરું-ખોટું પારખતા શીખવે છે. જે બાળક આવા ઘરમાં ઊછરે છે, તે ખરા અર્થમાં માબાપનો પ્રેમ અને હુંફ મેળવે છે.—એફેસી ૫:૩૩–૬:૪; કોલોસી ૩:૨૦.

આવો જ પ્રેમ અમેરિકામાં રહેતા જેકને મળ્યો હતો. તેનો ઉછેર બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે કરવામાં આવ્યો. તે મોટો થઈને બીજા શહેરમાં રહેવા ગયો. તે પોતાના માબાપને પત્રમાં જણાવે છે કે “મેં હંમેશાં બાઇબલનો આ સિદ્ધાંત પાળવાની કોશિશ કરી છે કે ‘તારા બાપનું તથા તારી માનું સન્માન કર, જેથી તારું ભલું થાય.’ (પુનર્નિયમ ૫:૧૬) આ પ્રમાણે કરવાથી મારું ભલું જ થયું છે. હું તમારા બંનેવની ઘણી કદર કરું છું કે તમે મારા માટે પ્રેમ બતાવ્યો છે. તમે મારા માટે જે પણ દુઃખ-તકલીફો ઉઠાવીને મને સાથ આપ્યો, એ બદલ હું તમારો ખૂબ આભારી છું.” જો તમારું બાળક તમને આવો પત્ર લખે તો શું તમારું દિલ ખુશીથી ભરાઈ નહિ જાય!

પ્રેમનું બીજું એક પાસું એ છે કે તે “સત્યમાં હરખાય છે.” આ સત્ય આપણને બાઇબલમાંથી મળે છે. (૧ કોરીંથી ૧૩:૬; યોહાન ૧૭:૧૭) એ સમજવા આપણે એક યુગલનો દાખલો લઈએ. તેમના લગ્‍ન-જીવનમાં અમુક મુશ્કેલીઓ આવી. તેઓએ બાઇબલમાં લગ્‍નનો સિદ્ધાંત વાંચ્યો કે “દેવે જેને જોડ્યું છે તેને માણસે જુદું ન પાડવું.” (માર્ક ૧૦:૯) આ વાંચ્યા પછી તેઓએ પોતાને પૂછ્યું કે ‘શું અમે ખરેખર બાઇબલના સિદ્ધાંતો પાળીએ છીએ? ઈશ્વર જેમ લગ્‍નને પવિત્ર ગણે છે તેમ શું અમે પણ ગણીએ છીએ? શું અમે એકબીજાને પ્રેમ બતાવીને મુશ્કેલીઓનો હલ લાવવા કોશિશ કરીએ છીએ?’ દરેક યુગલે પોતાને આવા પ્રશ્નો પૂછવા જોઈએ. અને જ્યાં જરૂર હોય ત્યાં બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવા જોઈએ. આ રીતે તેઓ લગ્‍ન-જીવન સફળ બનાવી શકશે.

૬ ઈશ્વરનું જ્ઞાન લેતા રહો

આપણે પ્રાણીઓ જેવા નથી, કેમ કે આપણે ખરું-ખોટું વિચારી શકીએ છીએ. એટલે આપણે આ પ્રશ્નો પર વિચાર કરી શકીએ છીએ. ‘મારા જીવનનો હેતુ શું છે? શું આપણને બનાવનાર કોઈ ઈશ્વર છે? મરણ પામ્યા પછી આપણું શું થાય છે? આપણું ભવિષ્ય શું છે?’ આવા પ્રશ્નો પર વિચાર કરતા લોકો વિષે બાઇબલ જણાવે છે કે ‘જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓ સુખી છે.’ (માત્થી ૫:૬) પણ એ ભૂખ અને તરસ છીપાવવા લોકો શું કરે છે?

દુનિયા ફરતે લાખો લોકોએ આવા પ્રશ્નોના બાઇબલમાંથી જવાબ મેળવ્યા છે. દાખલા તરીકે, આપણા ભવિષ્ય વિષે બાઇબલ જણાવે છે કે ઈશ્વરે માણસજાત માટે સુંદર ભાવિ રાખ્યું છે. ઈશ્વરે વચન આપ્યું છે કે પૃથ્વી પર આપણે અમર જીવન જીવીશું. અને એ સમયે બધાય તેમની આજ્ઞાઓ પાળશે. એ સમય વિષે બાઇબલ જણાવે છે કે ‘ન્યાયીઓ પૃથ્વીનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.

ઈશ્વર ચાહે છે કે આપણે હંમેશ માટે સંતોષી જીવન જીવીએ. જો આપણે જીવનમાં સુખી થવું હોય, સફળ થવું હોય તો ઈશ્વરનું જ્ઞાન લેતા રહીએ. ઈસુએ કહ્યું હતું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) તમે જેમ જેમ જ્ઞાન લેતા રહો એમ એ જ્ઞાન જીવનમાં લાગુ પાડો. પછી તમે પોતે ઈશ્વરનો આશીર્વાદ અનુભવશો!—નીતિવચનો ૧૫:૨૨. (g08 11)

[Footnotes]

^ મોટા ભાગે બાઇબલમાં ગ્રીક શબ્દ અગાપેનું ભાષાંતર “પ્રેમ” કરવામાં આવ્યું છે. અગાપે પ્રેમ, ભલે ગમે એ થાય તોપણ બીજાઓનું ભલું ઇચ્છે છે. આ પ્રેમને લીધે વ્યક્તિ પોતાના સિદ્ધાંતો કે ફરજમાં ક્યારેય તડજોડ કરતી નથી. આ અગાપે પ્રેમ ઊંડી લાગણીઓને પણ બતાવે છે.—૧ પીતર ૧:૨૨.

[Box on page 7]

જીવનમાં સફળ થવા માટેના અમુક સિદ્ધાંતો

ઈશ્વરનો ડર રાખીને જીવો. ‘યહોવાહનો ડર એ જ્ઞાનનો આરંભ છે.’—નીતિવચનો ૯:૧૦.

સમજી-વિચારીને મિત્રોની પસંદગી કરો. “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.”—નીતિવચનો ૧૩:૨૦.

ખાવા-પીવામાં ધ્યાન રાખો. ‘દારૂડિયો તથા ખાઉધરો કંગાળ અવસ્થામાં આવશે.’—નીતિવચનો ૨૩:૨૧.

સામું વેર ન વાળો. “ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો.”—રૂમી ૧૨:૧૭.

મહેનતુ બનો. “જો કોઈ માણસ કામ ન કરે, તો તેને ખવડાવવું પણ નહિ.”—૨ થેસ્સાલોનીકી ૩:૧૦.

બીજાઓ સાથે સારી રીતે વર્તો. “માટે જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો.”—માત્થી ૭:૧૨.

સમજી-વિચારીને બોલો. ‘જે માણસ દીર્ઘાયુષ્ય ચાહે છે, અને સારા દિવસ જોવાને ઇચ્છે છે, તેણે પોતાની જીભને ખરાબ બાબતો બોલવાથી અટકાવવી જોઈએ.’—૧ પીતર ૩:૧૦.

[Picture on page 8]

પ્રેમ એક ઉત્તમ ઇલાજ

ડૉક્ટર ડીન એક લેખક પણ છે. તે જણાવે છે કે ‘મનુષ્યના જીવનમાં પ્રેમ અને હૂંફ એ બે જરૂરી બાબતો છે. જો વ્યક્તિને પ્રેમ ન મળે તો તે જીવનમાં દુઃખી થશે. તેની તંદુરસ્તી સારી નહિ રહે. અને તેનું જીવન નિરાશાભર્યું હશે. પણ જો વ્યક્તિને પ્રેમ અને હૂંફ મળે તો તેની તંદુરસ્તી સારી રહેશે. તેનું જીવન ખુશીઓથી ભરાઈ જશે. આ જોતા લાગે છે કે જો પ્રેમ એક દવા હોત તો, દરેક ડૉક્ટર દર્દીઓને એ જ લેવાની સલાહ આપત.’

[Picture on page 9]

મારનાર બન્યો બચાવનાર

મિલ્કાન્કો દક્ષિણ યુરોપમાં રહે છે. ત્યાં યુદ્ધ ફાટી નીકળ્યું, એટલે તેમણે લશ્કરમાં ભરતી થવું પડ્યું. તે યુદ્ધમાં ખૂબ જ નીડરતાથી લડ્યા. એટલે ત્યાંના લોકો તેમને રેમ્બોના નામથી ઓળખવા લાગ્યા. (રેમ્બો એ એક હિંસક ફિલ્મના હીરોનું નામ છે) સમય જતાં લશ્કરમાં ખૂબ જ ભ્રષ્ટાચારી અને સ્વાર્થી લોકો વધવા લાગ્યા. એટલે તેમનું મન લશ્કરમાંથી ઊઠી ગયું. તે દારૂ, સિગારેટ ને ડ્રગ્સ લેવા લાગ્યા. જુગારી ને વ્યભિચારી બની ગયા. તે કહે છે કે ‘મારું જીવન બરબાદ થવા લાગ્યું, અને એમાંથી કેવી રીતે બહાર નીકળવું એ મને સૂઝતું ન હતું.’

એવા કપરા સંજોગોમાં મિલ્કાન્કોએ બાઇબલ વાંચવાનું શરૂ કર્યું. તેમને એક સગાંના ઘરે યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું ચોકીબુરજ નામનું મૅગેઝિન મળ્યું. એ મૅગેઝિન તેમને ખૂબ જ ગમ્યું. એટલે તેમણે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ સ્ટડી શરૂ કરી. બાઇબલનાં સલાહ-સૂચનો પ્રમાણે જીવવાથી તેમને ખુશી અને સંતોષ મળવા લાગ્યા. તે કહે છે કે ‘એ શીખવાથી મને ખૂબ હિંમત મળી અને મેં બધી ખરાબ ટેવો છોડી દીધી. હવે હું યહોવાહનો સાક્ષી છું. પહેલાં જે લોકો મને રેમ્બો કહેતા હતા તેઓ હવે મને પ્રેમથી બન્‍ની કહીને બોલાવે છે, જે મારા ઘરનું નામ છે.’