સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કસરત કરો, ફીટ રહો

કસરત કરો, ફીટ રહો

કસરત કરો, ફીટ રહો

આખી દુનિયામાં ઘણા બાળકો મેદસ્વી બની રહ્યા છે. એટલે કે તેઓનું વજન બહુ વધી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા જણાવે છે કે આખી દુનિયામાં પાંચ કે પાંચથી નાની ઉંમરના લગભગ ૨ કરોડ અને ૨૦ લાખ બાળકો મેદસ્વી છે.

એના વિષે સ્પૅઇનમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. એમાંથી જાણવા મળ્યું કે ત્યાં ૩૩ ટકા બાળકો મેદસ્વી છે. ઓસ્ટ્રેલિયામાં ૧૯૮૫-૯૫માં મેદસ્વી બાળકોમાં ૩૦૦ ટકાનો વધારો થયો છે. અમેરિકામાં પણ છેલ્લા ૩૦ વર્ષમાં ૬થી ૧૧ ઉંમરના બાળકોમાં એટલો જ વધારો થયો છે.

મેદસ્વીપણું વિકાસશીલ દેશોમાં પણ જોવા મળે છે. જેમ કે, ઇન્ટરનેશનલ ઑબેસિટી ટાસ્ક ફોર્સ જણાવે છે કે આફ્રિકામાં અમુક જગ્યાઓએ જ્યાં બાળકોને પૂરતું પોષણ મળતું ન હતું, ત્યાં હવે મેદસ્વી બાળકો જોવા મળે છે. આખી દુનિયામાં ૨૦૦૭માં મેદસ્વી બાળકો પર એક સર્વે કરવામાં આવ્યો. એમાં અમેરિકા સૌથી પહેલા નંબરે હતું. જ્યારે કે મેક્સિકો જેવો વિકાસશીલ દેશ બીજા નંબરે હતો. એકલા મેક્સિકો શહેરમાં જ ૭૦ ટકા મેદસ્વી લોકો હતા. એના વિષે ડૉક્ટર ફ્રાન્સિસ્કો ગોન્ઝાલ્વીઝ ચેતવણી આપે છે કે “કદાચ મેદસ્વીપણાને લીધા આ બાળકો તેમના માબાપ કરતાં વહેલા મોતનો શિકાર બનશે.”

મેદસ્વી લોકો શાનો ભોગ બની શકે? તેઓ ડાયાબિટીસ, બીપી તેમ જ હૃદયરોગનો ભોગ બની શકે. મોટે ભાગે આ બીમારીઓ મોટી ઉંમરે થતી હોય છે. પણ યુ.એસ. ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિસિન જણાવે છે કે જે બાળકોનો જન્મ ૨૦૦૦માં થયો છે એમાંથી ૩૦ ટકા છોકરાઓ અને ૪૦ ટકા છોકરીઓને મેદસ્વી હોવાના લીધે ડાયાબિટીસ થવાની શક્યતા છે.

બીજા પણ અમુક સર્વે જણાવે છે કે મેદસ્વી બાળકોમાં હાઈ બીપી થવાની પણ શક્યતા રહેલી છે. એના વિષે અમેરિકાના મોરહાઉસ સ્કૂલ ઑફ મેડિસિનના ડૉ. ડીઝ્થામ જણાવે છે કે ‘મેદસ્વી બાળકોમાં હાઈ બીપીનું પ્રમાણ વધ્યું છે. એ સારું નથી, કેમ કે આગળ જતાં એવા બાળકોમાં હૃદયરોગ થવાની શક્યતા વધારે રહેલી છે.’

શા માટે બાળકો મેદસ્વી બને છે

બહુ ઓછા કિસ્સામાં બાળકોને વારસામાં મેદસ્વીપણું મળે છે. એના વિષે બ્રિટનના કૅમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર ઑરાયલી જણાવે છે કે ‘મેદસ્વીપણું છેલ્લા ૩૦ વર્ષમાં વધ્યું છે. એના માટે લોકો શરીરના જીન્સને જવાબદાર ગણે છે. પરંતુ ૩૦ વર્ષમાં જે હદે મેદસ્વી લોકોમાં વધારો થયો છે એટલી હદે જીન્સમાં ફેરફાર તો ન જ થઈ શકે. એટલે મેદસ્વીપણું વારસામાં મળ્યું છે એવું ના કહી શકીએ!’

બાળકો મેદસ્વી કેમ બને છે? અમેરિકાની મેયો ક્લિનિક એના વિષે જણાવે છે કે ‘મોટે ભાગે બાળકો અકરાંતિયાની જેમ ખાતા હોય છે, અને કસરત કરવાનું નામ-નિશાન જ નહિ.’ એ વધારે સમજવા ચાલો આપણે લોકોની ખાવા-પીવાની ટેવો પર વિચાર કરીએ.

આજકાલ મમ્મીએ પણ નોકરી કરવી પડે છે. એટલે તેની પાસે ઘરે પૌષ્ટિક ખોરાક બનાવવાનો સમય જ નથી. દુનિયાભરમાં ફાસ્ટફૂડની રેસ્ટોરન્ટ જ્યાંને ત્યાં ખુલી ગઈ છે, એટલે ઘણા લોકો ઘરે ખાવાનું બનાવતા જ નથી. અરે, ઘણાં કુટુંબો તો ફાસ્ટફૂડ ખાઈને જ પોતાનું પેટ ભરતા હોય છે. એક અહેવાલ પ્રમાણે અમેરિકામાં ૪થી ૧૯ વર્ષનાં બાળકોમાંથી ૩૩ ટકા દરરોજ ફાસ્ટ ફૂડ ખાઈને જ જીવે છે. એ ખોરાકમાં સુગર અને ચરબીની માત્રા વધારે હોય છે, જે બાળકોને મેદસ્વી બનાવે છે.

ફાસ્ટફૂડની સાથે સાથે સોફ્ટડ્રિંક્સની અસર પણ લોકો પર થાય છે. આજ-કાલ લોકો દૂધ અને પાણીને બદલે સોફ્ટડ્રિંક્સ વધારે પીવે છે. જેમ કે, મેક્સિકોમાં લોકો જરૂરી પોષણવાળા ખોરાકને બદલે સોફ્ટડ્રિંક્સ પાછળ વધારે પૈસા વેડફે છે. ઓવરકમિંગ ચાઇલ્ડહુડ ઑબેસિટી નામનું પુસ્તક જણાવે છે કે જો તમે રોજનું લગભગ અડધો લિટર સોફ્ટડ્રિંક્સ પીશો તો એક વર્ષમાં તમારું વજન ૧૨ કિલો વધી શકે.

ખાવા-પીવાની કુટેવોને લીધે મેદસ્વી બની જવાય છે. જો વ્યક્તિ કસરત ના કરે તોપણ તે મેદસ્વી બની જાય છે. એના વિષે સ્કૉટલેન્ડ યુનિવર્સિટી ઑફ ગ્સાસગોવ જણાવે છે કે “૩ વર્ષના બાળકો રોજની ૨૦ મિનિટ સિવાય બાકીનો આખો દિવસ બેઠાં-બેઠાં જ પસાર કરે છે.” અમેરિકાની યુનિવર્સિટી ઑફ કૉલોરાડોના ડૉ જેમ્સ હિલ પણ જણાવે છે કે “બ્રિટન જ નહિ પણ આખી દુનિયાના બાળકો હરવાં-ફરવાં કે રમત-ગમતમાં બહુ ઓછો સમય ગાળે છે.”

મેદસ્વી ના બનવાનો ઉપાય

પોષણ પર અભ્યાસ કરનારા (ન્યુટ્રિશિયન) જણાવે છે કે જો તમે બાળકોના ખોરાકમાં વધારે પડતી રોકટોક કરશો તો તેઓને પૂરતું પોષણ નહિ મળે. અને તેઓનો વિકાસ અટકી જશે. અમેરિકાની મેયો ક્લિનિક જણાવે છે કે ‘બાળકનું વજન ઘટાડવું હોય તો તેઓને સારો ખોરાક આપો, સાથે સાથે સારી કસરત પણ કરાવો.’—બાજુનું બૉક્સ જુઓ.

જો માબાપને ખાવા-પીવાની તેમ જ કસરત કરવાની સારી ટેવો હશે તો બાળકો પર એની સારી અસર પડશે. આ રીતે બાળકો તંદુરસ્ત રહેશે. (g09 03)

[પાન ૧૨ પર બોક્સ/ચિત્ર]

માબાપની જવાબદારી

બાળકને ફાસ્ટફૂડને બદલે લીલા શાકભાજી અને ફળ-ફળાદી આપો.

સોફ્ટડ્રિંક્સને બદલે દૂધ અને પાણી વધારે આપો. ગળી વસ્તુઓને બદલે પોષણયુક્ત ખોરાક આપો.

તળેલા ખોરાકને બદલે શેકેલો કે બાફેલો ખોરાક વધારે આપો.

વધારે પડતો ખોરાક ખવડાવશો નહિ.

બાળક કંઈક સારું કરે ત્યારે ખુશ થઈને એને ખાવાની વસ્તુ નહિ પણ બીજું કંઈક આપો.

સવારમાં બરાબર નાસ્તો કરાવો, નહિતર બાળકને વધારે ભૂખ લાગશે. બપોરે અને સાંજે ખાવા પર તૂટી પડશે.

ટીવી કે કૉમ્પ્યુટર સામે બેસીને ખાય નહિ એનું ધ્યાન રાખો. નહિ તો તેને ખાવાનું ભાન નહીં રહે અને વધારે પડતું ઝાપટી જશે.

એ પણ જુઓ કે બાળક ક્રિકેટ જેવી રમતો રમે, સાયકલિંગ કરે તેમ જ દોરડાં કૂદવા જેવી ફિઝિકલ એક્સર્સાઇઝ કરે.

ટીવી જોવામાં, વીડિયો ગેમ રમવામાં કે કૉમ્પ્યુટર સામે બેસી રહેવામાં બાળક બહુ સમય પસાર ન કરે એનું ધ્યાન રાખો.

૧૦ કુટુંબ તરીકે ઝૂ જોવા જવાનો, બાગમાં જઈ રમતો રમવાનો કે પછી પિકનિકનો પ્રોગ્રામ બનાવો.

૧૧ બાળકો પાસે ઘરકામ કરાવો.

૧૨ માબાપ તરીકે તમે ખાવા-પીવામાં તેમ જ કસરત કરવામાં સારો દાખલો બેસાડો.

[ક્રેડીટ લાઈન]

માહિતી: ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ મેયો ક્લિનિક