સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારી યાદશક્તિ વધારો!

તમારી યાદશક્તિ વધારો!

તમારી યાદશક્તિ વધારો!

“માની લો કે તમને કશું જ યાદ રહેતું નથી, તો શું થઈ શકે? રોજ ઊઠીને અરીસામાં જોશો તો તમને થશે કે અરે, આ કોણ છે? દરેક દિવસ એકડે એકથી શરૂ કરવો પડશે. અરે, તમે પાછલા દિવસોમાંથી કંઈ શીખી નહિ શકો અને આવનાર દિવસો માટે કોઈ પ્લાન નહિ કરી શકો.”—“મિસ્ટ્રીઝ ઑફ ધ માઇન્ડ.”

શા માટે અમુક પક્ષીઓને યાદ રહે છે કે તેઓએ ખોરાક ક્યાં છુપાવી રાખ્યો છે? ખિસકોલીને પણ ખબર છે કે મહિનાઓ પહેલાં તેણે ક્યાં દાણા છુપાવી રાખ્યા હતા. પણ આપણે કલાક પહેલાં ક્યાં ચાવી મૂકી દીધી, એ ભૂલી જઈએ છીએ. ઘણા લોકો ફરિયાદ કરે છે કે મને યાદ નથી રહેતું. તોય નવું નવું શીખવાની અને યાદ રાખવાની આપણી ક્ષમતા ગજબની છે. એટલે આપણી મગજની શક્તિને ઓછી ન આંકીએ પણ એનો પૂરેપૂરો લાભ ઉઠાવીએ.

મગજની ગજબની ક્ષમતા

માનવ મગજ લગભગ દોઢ કિલોનું હોય છે. આપણી બે મુઠ્ઠીઓ કરતાં સહેજ મોટું. એમાં ૧૦૦ અબજ જેટલા કોષો હોય છે. એક કોષ બીજા એક લાખ કોષોથી જોડાયેલા હોય છે. આનાથી આપણે ઘણી બધી માહિતી યાદ રાખી શકીએ છીએ. ઘણા લોકો યોગ્ય સમયે માહિતીને યાદ કરી શકતા નથી, જ્યારે કે અમુકને ફટાક દઈને બધું યાદ આવી જાય છે.

પશ્ચિમ આફ્રિકાની ગ્રીઓટ જાતિના લોકોનો વિચાર કરો. તેઓ ભણેલા-ગણેલા નથી. તેમ છતાં પોતાના કુટુંબની ઓછામાં ઓછી છ પેઢી સુધીના નામો યાદ રાખી શકે છે. તેઓ ગામના બીજા લોકોના બાપ-દાદાના નામ પણ યાદ રાખી શકે છે. એના વિષે અમેરિકન લેખક એલેક્સ હેલેને રૂટ્‌સ નામની એક બુક લખી. એ બુક માટે તેને ઇનામ પણ મળ્યું. એમાં તેણે પોતાના કુટુંબની છ પેઢી સુધીની વંશાવળી કેવી રીતે શોધી એનું વર્ણન કર્યું છે. હેલેએ જણાવ્યું કે “હું આફ્રિકાના ગ્રીઓટ લોકોનો આભારી છું. તેઓની પાસેથી હું ઘણું શીખ્યો છું. મારું માનવું છે કે જ્યારે એક ગ્રીઓટ ગુજરી જાય છે, ત્યારે તેની પાસે રહેલી અઢળક માહિતી જાણે દફન થઈ જાય છે.”

ઇટાલીના આર્ટરો ટોસ્કાનીનો વિચાર કરો. તે ૧૯ વર્ષનો હતો ત્યારે તેણે ઓપેરા [સંગીત નાટક] ચલાવ્યું હતું. તે સરખું જોઈ શકતો ન હતો તેમ છતાં તેણે એકલા હાથે ઓછામાં ઓછા વીસ જુદા જુદા વાજિંત્રો વગાડનારા લોકોને ડાયરેક્શન આપ્યું હતું. આ બધું તે કરી શક્યો, કેમ કે તેને સંગીતની દરેક નોટ્‌સ યાદ હતી.

આટલું મોટું કામ એકલે હાથે કરતા જોઈને આપણને નવાઈ લાગી શકે. ઘણા લોકો ધાર્યા કરતાં ઘણું બધું યાદ રાખી શકે છે. શું તમે યાદશક્તિ વધારવા ચાહો છો?

યાદશક્તિ વધારવા શું કરવું?

આપણું મગજ આ રીતે કામ કરે છે: પહેલા તો તે માહિતીને પારખે છે પછી એને યાદ રાખે છે અને જરૂર પડતા એ માહિતી પાછી આપે છે. જો આ ત્રણમાંથી કોઈ પણ સરખું કામ ન કરે તો આપણે એ માહિતી ભૂલી જઈએ છીએ.

યાદશક્તિ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. એક છે, ઇન્દ્રિયો દ્વારા યાદ રાખવાની શક્તિ. એમાં સૂંઘવાનો, જોવાનો અને સ્પર્શ કરવાનો સમાવેશ થાય છે. બીજી છે, ટૂંકી યાદશક્તિ [શોર્ટ ટર્મ મેમરી]. આમાં થોડી માહિતીને ટૂંકા સમય માટે યાદ રાખી શકીએ છીએ. જેમ કે આંકડાને ગણવા, ટેલિફોન નંબર ડાયલ કરવા વગેરે વગેરે. ત્રીજું છે, લાંબી યાદશક્તિ [લોંગ ટર્મ મેમરી].

લોંગ ટર્મ મેમરી એટલે કોઈ પણ બાબત લાંબા સમય માટે યાદ રાખવી. એ માટે તમે શું કરી શકો? નીચે અમુક સૂચનો આપ્યા છે એ પ્રમાણે કરી શકો.

ઈન્ટરેસ્ટ લો જ્યારે કંઈ વાંચતા કે શીખતા હોઈએ ત્યારે એ કેમ કરી રહ્યા છે એ મનમાં રાખો. એનાથી એ વિષય તમને જરૂર યાદ રહેશે. બીજું કે જે પણ કામ કરો એમાં વિચારો કે એનાથી તમારા જીવન પર કેવી અસર પડશે અને શું લાભ થશે. આ જ સિદ્ધાંત જ્યારે બાઇબલ વિદ્યાર્થીઓ લાગુ પાડે છે ત્યારે તેઓને બે રીતે ફાયદો થાય છે. એક, એનાથી તેઓનો પરમેશ્વર સાથેનો સંબંધ મજબૂત થાય છે. બીજું કે તેઓ બીજાઓને પરમેશ્વર વિષે સારી રીતે શીખવી શકે છે.—નીતિવચનો ૭:૩; ૨ તીમોથી ૩:૧૬.

ધ્યાન આપો મીસ્ટ્રીઝ ઑફ ધ માઇન્ડ બુક જણાવે છે કે “સામાન્ય રીતે જ્યારે યાદ નથી રહેતું એવું કોઈ કહે તો એનો અર્થ એ થાય કે તેનું ધ્યાન ફંટાઈ જાય છે. ધ્યાન આપવા શું કરી શકીએ? એ માટે એ વિષયમાં રસ લો અને શક્ય હોય ત્યારે ટૂંકી નોટ્‌સ લો. નોટ્‌સ લેવાથી પૂરતું ધ્યાન આપી શકશો અને એને વાંચીને માહિતીને યાદ રાખી શકશો.”

સમજણ મેળવો બાઇબલ કહે છે કે “બુદ્ધિ અને સારી પારખશક્તિ કેળવ.” (નીતિવચનો ૪:૭, IBSI) તમને કોઈ માહિતીની સમજણ નહિ પડે તો સ્વાભાવિક છે કે એ તમને યાદ નહિ રહે. આપણે માહિતીને કેવી રીતે યાદ રાખી શકીએ? મિકેનીકલના સ્ટુડન્ટનો વિચાર કરો. આખું મશીન કેવી રીતે કામ કરે છે એને તે સારી રીતે સમજી લે છે. આ રીતે તે એ મશીનને લગતી ઝીણી-ઝીણી માહિતી પણ યાદ રાખી શકે છે. એવી જ રીતે જો આપણે કોઈ પણ માહિતીને પૂરેપૂરી સમજી લઈશું તો, તેને લગતી નાની મોટી બધી બાબતોને પણ યાદ રાખી શકીશું.

ભાગ પાડો વસ્તુઓને જુદા જુદા ભાગમાં વહેંચી દો. જેમ કે, ખોરાકની વાત કરીએ તો, શાકભાજી, ફળ, કઠોળ વગેરે વગેરે. જો કોઈ માહિતીને યાદ રાખવી હોય તો એ માહિતીને પાંચથી સાત ભાગમાં વહેંચી દો. ફોન નંબર યાદ રાખવો હોય તો એને બે ભાગમાં વહેંચી દો. વસ્તુઓનું લીસ્ટ એબીસીડી પ્રમાણે ગોઠવવાથી પણ સારી રીતે યાદ રાખી શકશો.

મહાવરો કરો મોટેથી વાંચવાથી શબ્દો કે કોઈ માહિતી તમે સારી રીતે યાદ રાખી શકશો. શા માટે? કેમ કે મોટેથી વાંચવાથી તમે એ શબ્દો પર ધ્યાન આપી શકો છો. બીજું કે તમે જે બોલો છો એને પોતે સાંભળો છો, આ રીતે એ માહિતી કે શબ્દો તમારા મગજમાં બે વાર છપાશે. ત્રીજું કે જ્યારે મોટેથી વાંચો ત્યારે બીજી કોઈ વ્યક્તિ સાંભળે તો સારું, જેથી તે તમારી ભૂલોને સુધારી શકે.

કલ્પના કરો તમે જે યાદ રાખવા માગો છો એનું મગજમાં ચિત્ર બનાવો. પછી એ ચિત્રને પેપર પર દોરી લો. આ રીતે પણ તમે મગજના અલગ અલગ ભાગોનો સારો ઉપયોગ કરી શકશો. ટૂંકમાં કહીએ તો જેમ વધારે મગજને કસશો તેમ વધારે માહિતીને યાદ રાખી શકશો.

માહિતીને જોડો જ્યારે કંઈ નવું શીખો ત્યારે તમે જે જાણો છો એની સાથે નવી માહિતીને જોડવાની કોશિશ કરો. આ રીતે જૂની માહિતી એક નિશાની બની જશે જેના વડે તમે નવી માહિતી પણ યાદ કરી શકશો. દાખલા તરીકે, કોઈ વ્યક્તિનું નામ યાદ રાખવા તેના દેખાવમાં કોઈ ખાસ નિશાની હોય એ જોઈ રાખો. પછી એ નિશાનીને એ નામ સાથે જોડી લો. આમ તમે એ નિશાનીને જોશો તો તરત વ્યક્તિનું નામ યાદ આવી જશે. ટૂંકમાં કહીએ તો, જે વ્યક્તિ કે વસ્તુઓને યાદ રાખવા માંગીએ છીએ એના પર થોડો-ઘણો વિચાર કરો.

સર્ચિગ ફોર મેમરી નામની બુક જણાવે છે: “એ ખરું છે કે આજની ભાગ-દોડમાં આપણું જીવન મિકેનિકલ બની શકે. જો આપણે રોજ-બ-રોજ શું બને છે એના પર વિચાર નહીં કરીએ તો આપણને કશુંય યાદ નહીં રહે.” એટલે જરૂરી છે કે આપણે દિવસ દરમિયાન બનતી બાબતો પર વિચાર કરીએ. આમ આપણે ઘણી બાબતો યાદ રાખી શકીશું, અને અનુભવોમાંથી ઘણું શીખી શકીશું.

બીજાને જણાવો જેમ પાણી જમીનમાં શોષાઈ જાય છે તેમ, માહિતીને તમારા મગજમાં ઊંડે સુધી ઊતરવા દો. એ માટે તમે જે પણ શીખ્યા છો એ બીજાને શીખવો. આ રીતે તમને અને તમારા સાંભળનાર બંનેવને ફાયદો થશે. જો તમને કોઈ બાઇબલ આધારિત સારો અનુભવ થયો હોય તો એ બીજાઓને જણાવો. આ રીતે તમારા મનમાં એ વિચાર પાક્કો થઈ જશે અને તમારા મિત્રને એમાંથી ઉત્તેજન મળશે. જોવા મળ્યું છે કે યાદ રાખવાની રીતોમાં આ સૌથી ઉત્તમ રીત છે.

યાદ રાખવા ચિત્રો કે નિશાનીઓ વાપરો

પ્રાચીન ગ્રીસ અને રોમમાં જાહેર ભાષણ આપનારા કોઈ પણ જાતની નોટ્‌સ જોયા વગર લાંબા લાંબા ભાષણ આપી શકતા. તેઓ એ ભાષણને યાદ રાખવા જુદી જુદી રીતો અપનાવતા. એ રીતોમાં તેઓ ચિત્રો, ગીતો કે વાર્તાઓને એ માહિતી સાથે સરખાવતા. આમ તેઓ ઘણા લાંબા સમય સુધી માહિતી યાદ રાખી શકતા.

દાખલા તરીકે, ઈ.સ. પૂર્વે ૪૭૭માં ગ્રીક કવિ સાઇમોનાઇડ્‌સ કોઈ પણ માહિતીને કોઈ જગ્યા સાથે સરખાવતા. આ રીતે તે એ માહિતી યાદ રાખી શકતા. ભાષણ આપનારા ગ્રીસના કેટલાય લોકોએ માહિતી યાદ રાખવા એ રીત અપનાવી. એ રીતમાં વ્યક્તિ રસ્તામાં જોયેલી કોઈ જગ્યાને મનમાં રાખે છે. પછી એ જગ્યામાં જોયેલી અલગ અલગ નિશાનીઓને માહિતીના મુદ્દાઓ સાથે સરખાવે છે. જ્યારે તેને એ માહિતીની જરૂર પડે ત્યારે એ જગ્યા કે સ્થળનો વિચાર કરે છે. આમ તે એ માહિતીને તરત જ યાદ કરી શકે છે.— “કલ્પના કરો અને યાદ રાખો” બૉક્સ જુઓ.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જેઓ જુવાન હોય એમની યાદશક્તિ વધારે હોય. પણ વર્લ્ડ મેમરી ચેમ્પિયનશીપની ફાઇનલમાં, મોટા ભાગના સ્પર્ધકો ૪૦-૫૦ વર્ષના હતા. તેઓની યાદશક્તિ વધારે હોવાનું કારણ શું હતું? ઘણાએ ચિત્રો, વાર્તાઓ તેમ જ કહેવતો વાપરીને પોતાની યાદશક્તિ વિકસાવી હતી.

માની લો કે તમે ઘણા બધા શબ્દો યાદ રાખવા માગો છો. દાખલા તરીકે, તમારે મેઘધનુષમાં દેખાતા રંગો યાદ રાખવા છે. એ માટે તમે શું કરશો? મેઘધનુષમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ રંગ હોય છે. એ બધા રંગોના પહેલા અક્ષરો લઈએ તો “જાનીવાલીપીનાલા” થાય છે. આ એક શબ્દ યાદ રાખીને તમે બધા જ રંગો ક્રમમાં યાદ રાખી શકો છો. હેબ્રી લોકો આવી જ રીત અપનાવીને ગીતશાસ્ત્રનો ૧૧૯મો અધ્યાય યાદ રાખી શકતા. (ગીતશાસ્ત્ર ૧૧૯ જુઓ) આ અધ્યાય લગભગ ૨૨ અલગ અલગ ભાગમાં વહેંચાયેલો છે. આ દરેક ભાગની ઉપર એક અક્ષર છે. એ અક્ષરથી એ ભાગની કલમ શરૂ થાય છે. ટૂંકમાં તેઓ ૨૨ અક્ષરો યાદ રાખીને આખા અધ્યાયની ૧૭૬ કલમો યાદ રાખી શકતા.

ઉપર જોઈ ગયા તેમ તમે તમારી યાદશક્તિ સુધારી શકો છો. એક અભ્યાસ પરથી જોવા મળ્યું છે કે યાદશક્તિ શરીરના સ્નાયુઓ જેવી છે. તમે જેટલી કસરત કરશો એટલા સ્નાયુઓ મજબૂત થશે. એવી જ રીતે તમે જેટલી બુદ્ધિને કસશો એટલું જ વધારે યાદ રહેશે. આ રીતે તમે “સાઠે બુદ્ધિ નાઠી” કહેવતને ખોટી પુરવાર કરી શકશો. (g09 02)

[પાન ૧૫ પર બોક્સ]

અજમાવી જુઓ

◼ નવી ભાષા શીખીને કે કોઈ વાજિંત્ર વગાડતા શીખીને તમારી યાદશક્તિને વધારી શકો.

◼ જરૂરી બાબત પર જ ધ્યાન આપો.

◼ તમે ચિત્રો, વાર્તા કે ગીત સાથે માહિતીને સરખાવવાની યાદ રાખવાની રીત અપનાવી શકો.

◼ પૂરતું પાણી પીઓ. જો શરીરમાં પાણી ઓછું થઈ જશે તો એની અસર તમારા મગજ પર પડશે.

◼ પૂરતો આરામ લો. જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આપણું મગજ માહિતીને સંઘરે છે.

◼ કોઈ પણ જાતના ટેન્શન વગર શાંતિથી અભ્યાસ કરો. ટેન્શનથી અમુક પ્રકારના દ્રવ્યો ઉત્પન્‍ન થાય છે જેની અસર યાદશક્તિ પર પડે છે.

◼ દારૂ અને સ્મોકિંગથી દૂર રહો. દારૂ પીવાથી વ્યક્તિ બહુ જલદી ગુસ્સે થઈ જાય છે. અરે, તેનામાં વિટામિન-બી તેમ જ બીજા અમુક વિટામિનની ખામી આવે છે, જે યાદશક્તિ માટે બહુ જરૂરી છે. સ્મોકિંગને લીધે વ્યક્તિના મગજ સુધી જતા ઑક્સિજનની માત્રા ઓછી થઈ જાય છે, જે યાદશક્તિ માટે બહુ જરૂરી છે. *

[ફુટનોટ્‌સ]

^ આ માહિતી બ્રેઇન એન્ડ માઇન્ડ નામના ઇન્ટરનેટ પર બહાર પડતાં મૅગેઝિનમાંથી લીધી છે.

[પાન ૧૪ પર બોક્સ/ચિત્ર]

કલ્પના કરો અને યાદ રાખો

માની લો કે તમારે બ્રેડ, ઈંડાં, દૂધ અને બટર જેવી ઘણી બધી વસ્તુઓ ખરીદવી છે. એ યાદ રાખવા તમે એ વસ્તુઓને તમારા ઘરની વસ્તુઓ સાથે સરખાવો.

કલ્પના કરો કે ચેર પર ગાદીની જગ્યાએ બ્રેડ છે

મરઘીને બદલે લેમ્પ જાણે ઈંડાને સેવી રહ્યો છે

કાચના પોટમાં પાણીને બદલે દૂધમાં માછલી તરી રહી છે

ટીવી પર બટર ચોપડેલું છે

જે માહિતી તમે યાદ રાખવા માગો છો, એની સાથે જે ચિત્ર સરખાવો એ હસવું આવે એવું હશે તો જલદી યાદ રહેશે.

[પાન ૧૬ પર બોક્સ]

ભૂલી જવું એ ભલા માટે છે

કલ્પના કરો કે તમને કામનું અને નાકામનું બધું જ યાદ રહે છે. પણ હવે વિચારો કે નાકામનું યાદ રાખવાનો શું ફાયદો? કંઈ જ નહિ! ન્યૂ સાયન્ટિસ્ટ મૅગેઝિન જણાવે છે કે “એક સ્ત્રીને બધું યાદ રહેતું હતું. તે જણાવે છે કે ‘મારા મગજમાં હંમેશાં જૂના વિચારો ફર્યા કરે છે. હું ચાહું છતાં એને રોકી શકતી નથી. હું માનસિક રીતે થાકી જઉં છું.’” સારું છે કે આપણને આવી તકલીફ નથી. વૈજ્ઞાનિકો જણાવે છે કે સામાન્ય રીતે માણસનું મગજ જરૂરી વસ્તુઓને જ યાદ રાખે છે. નકામી અને જૂની બાબતોને ભૂલી જાય છે. એ મૅગેઝિન આગળ જણાવે છે કે ‘ભૂલી જવું એ બતાવે છે તમારું મગજ સારી રીતે કામ કરે છે.’