સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મારી બોલવાની તકલીફ સામે હું હારી ન ગયો

મારી બોલવાની તકલીફ સામે હું હારી ન ગયો

મારી બોલવાની તકલીફ સામે હું હારી ન ગયો

માઇકલ હેનબર્ગના જણાવ્યા પ્રમાણે

મને જન્મથી ડિસલેક્સિયાની તકલીફ છે. અરે, મારા મમ્મી-પપ્પા અને ત્રણ નાના ભાઈઓને પણ આ તકલીફ છે. જેના લીધે હું જલદી વાંચતા-લખતા શીખી શક્યો નહીં. મારી માતૃભાષા ડેનિશ પણ પૂરી રીતે શીખી શક્યો નહીં. મારે સ્કૂલમાં પણ ઘણી મહેનત કરવી પડી. આવા સમયે મારા કુટુંબે તેમ જ બીજાઓએ મને ઘણી મદદ કરી અને હિંમત આપી.

મારું કુટુંબ લગભગ ચાર પેઢીઓથી યહોવાહના સાક્ષી છે. એટલે બાઇબલ અને બાઇબલને લગતું બીજું સાહિત્ય વાંચવું એ અમારા જીવનનો એક ભાગ બની ગયું છે. મારો નાનો ભાઈ ફ્લેમિંગ અને હું પપ્પા સાથે લોકોને બાઇબલનો સંદેશો જણાવવા જતા. પપ્પા લોકોને બાઇબલમાંથી શીખવતા એ જોઈને અમને વાંચવા-લખવાનું મહત્ત્વ સમજાયું.

હું નાનો હતો ત્યારે ચોકીબુરજ અને સજાગ બનો!ના દરેક અંક વાંચતો. એક મૅગેઝિન વાંચતા મને ૧૫ કલાક લાગતા. તેમ છતાં મેં આખું બાઇબલ વાંચવાનું શરૂ કર્યું. યહોવાહના સાક્ષીઓની મિટિંગમાં ચાલતી સ્કૂલમાં પણ ભાગ લેવા લાગ્યો. આ સ્કૂલમાં સ્ટુડન્ટ્‌સ સારી રીતે વાંચતા અને જાહેરમાં બોલતા શીખે છે. આ સ્કૂલને લીધે હું આ તકલીફ સામે ઝઝૂમી શક્યો. હું ઘણી વાર નાસીપાસ થઈ જતો, પણ મેં હાર ન માની. ચાલો હું મારા વિષે કંઈક જણાવું.

અંગ્રેજી શીખ્યો

૧૯૮૮માં ૨૪ વર્ષનો હતો ત્યારે મેં પાયોનિયરીંગ શરૂ કર્યું. એટલે કે હું રોજ લોકોને બાઇબલ સંદેશો જણાવવા લાગ્યો. ડેન્માર્કમાં રહેતા પરદેશીઓને પણ મારે બાઇબલ સંદેશો જણાવવો હતો. એ માટે મારે અંગ્રેજી શીખવાની જરૂર હતી. પણ અંગ્રેજી શીખવું મારા માટે લોઢાના ચણા ચાવવા જેવું હતું. ઘણી મહેનત અને પ્રાઇવેટ ટ્યુશન કરવાથી મારું અંગ્રેજી થોડું ઘણું સુધર્યું. ખરું કે અંગ્રેજી બોલવામાં ઘણી ભૂલો થતી, પણ મેં પડતું ન મૂક્યું. હવે હું મારા શહેર કોપનહૅગનમાં રહેતા પરદેશીઓને બાઇબલનો સંદેશો જણાવી શકું છું.

અંગ્રેજી શીખવાનો ફાયદો એ પણ થયો કે મને યહોવાહના સાક્ષીઓના કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં વૉલન્ટિયર તરીકે સેવા કરવાનો મોકો મળ્યો. ઘણા દેશોમાં મેં વૉલન્ટિયર કામ કર્યું. સૌથી પહેલા મને ગ્રીસ મોકલવામાં આવ્યો. પછી સ્પેઇનના મેડ્રિડ શહેરમાં યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસ બંધાતી હતી એમાં સેવા કરવાની તક મળી.

વધારે લોકોને સારી રીતે બાઇબલનો સંદેશો જણાવી શકું એ માટે મારે યહોવાહના સાક્ષીઓની મિનિસ્ટ્રિયલ ટ્રેનિંગ સ્કૂલમાં જવું હતું. આ સ્કૂલમાં ફક્ત અપરિણીત ભાઈઓ જ ભાગ લઈ શકે. બાઇબલનો સંદેશો જણાવવાની વધારે જરૂર છે એવી જગ્યાઓએ જવા તૈયાર હોય એવા ભાઈઓને આ સ્કૂલમાં જવાનો મોકો મળે છે. આ સ્કૂલમાં આઠ અઠવાડિયાંની ટ્રેનિંગ હોય છે. એનાથી તેઓ લોકોને બાઇબલનો સંદેશો સારી રીતે આપી શકે છે. (માર્ક ૧૩:૧૦) મને સ્વીડનમાં રાખવામાં આવેલા અંગ્રેજી ક્લાસમાં જવાનો મોકો મળ્યો.

મારો ક્લાસ સપ્ટેમ્બર ૧, ૧૯૯૪માં શરૂ થવાનો હતો. એ માટે મારે સારી તૈયારી કરવી હતી, એટલે આઠ મહિના સુધી હું અંગ્રેજી શીખવા રોજના ચાર કલાક આપતો. હું અંગ્રેજી મંડળમાં પણ જોડાયો. ક્લાસ શરૂ થયા ત્યારે મેં મારી આ મુશ્કેલીને મારી પ્રગતિ આડે આવવા ના દીધી. દાખલા તરીકે, ક્લાસમાં ઇન્સ્ટ્રક્ટર પ્રશ્નો પૂછતા ત્યારે કાયમ મારો હાથ ઊંચો કરતો. ઘણી વાર તો જવાબ મારા મનમાં હોય તોપણ, અંગ્રેજીમાં કઈ રીતે આપવો એની ખબર જ ન પડે. તોય હું કોશિશ કરતો. ક્લાસમાં ગ્રેજ્યુએટ થયા પછી મને મારા શહેર કોપનહૅગનમાં પાયોનિયર બનાવવામાં આવ્યો. અંગ્રેજી શીખવું મારા માટે દરિયો ખૂંદવા જેવું મોટું કામ હતું, પણ એ કામ મેં પાર પાડ્યું.

તામિલ ભાષા શીખવી!

ડિસેમ્બર ૧૯૯૫માં મને હેર્નિંગના ડેનિશ શહેરમાં તામિલ ભાષાના મંડળમાં સોંપણી મળી. મને લાગે છે કે તામિલ દુનિયાની સૌથી અઘરી ભાષાઓમાંની એક છે. તામિલમાં ૩૧ મૂળાક્ષરો છે. તેમ જ સ્વર અને વ્યંજન મળીને કુલ ૨૫૦ જોડાક્ષરો છે.

આ મંડળમાં મેં ડેનિશ ભાષામાં પહેલી વાર પ્રવચન આપ્યુ, જેનું તામિલમાં ભાષાંતર કરવામાં આવ્યું. સમય જતાં હું તામિલમાં પ્રવચન આપવા લાગ્યો. જ્યારે મેં તામિલમાં પહેલી વાર પ્રવચન આપ્યું ત્યારે થયું કે મને કોઈ સમજી શકશે કે કેમ! જોકે મારું પ્રવચન ઘણાને સમજવામાં મુશ્કેલી પડી છતાં બધાએ શાંતિથી સાંભળ્યું. મારે તામિલ સારી રીતે શીખવું હતું એટલે મેં જ્યાં વધારે લોકો તામિલ બોલતા હોય એવા દેશ શ્રીલંકામાં જવાનું નક્કી કર્યું.

હું ઑક્ટોબર, ૧૯૯૬માં શ્રીલંકા પહોંચ્યો ત્યારે ત્યાં અંદરો અંદર લડાઈ ચાલતી હતી. હું વાવુનિયા શહેરમાં ગયો. આ શહેર એવી બૉર્ડર પર હતું જ્યાં બે ગ્રૂપ વચ્ચે લડાઈ ચાલતી હતી. આ શહેરના યહોવાહના સાક્ષીઓ બહુ પૈસાવાળા ન હતા. છતાં તેઓ દિલના બહુ ઉદાર હતા. તેઓએ મને તામિલ શીખવવા ઘણી મહેનત કરી. મને તામિલમાં વાત કરતા જોઈને ત્યાંના લોકોને બહુ નવાઈ લાગતી. તેઓ વિચારમાં પડી જતાં કે એક અંગ્રેજ તામિલમાં વાત કરે છે! ત્યાંના લોકો બહુ નમ્ર હતા, એટલે હું તેઓને સહેલાઈથી બાઇબલનો સંદેશો જણાવી શક્યો.

૧૯૯૭માં હું ડેન્માર્ક પાછો ફર્યો અને કૅમિલ્લા સાથે લગ્‍ન કર્યા, જે મારી જેમ દરરોજ બાઇબલનો સંદેશો જણાવતી હતી. મને શ્રીલંકા જવાનું બહુ મન હતું, એટલે હું મારી પત્ની સાથે ડિસેમ્બર ૧૯૯૯માં ત્યાં પાછો ગયો. બહુ ટૂંકા સમયમાં અમે ઘણા લોકોને બાઇબલમાંથી શીખવવા લાગ્યા. એમાં અમુકની સાથે એકલા તો અમુક કુટુંબ સાથે બાઇબલ અભ્યાસ કર્યો. ત્યાંના ભાઈ-બહેનોની સ્ટડીઓમાં પણ જતાં. અમે ભાષા શીખવામાં અને બાઇબલ સંદેશો જણાવવાના કામમાં જાણે ડૂબી ગયા.

માર્ચ ૨૦૦૦માં અમને ડેન્માર્ક પાછા જવું પડ્યું. સાથી ભાઈ-બહેનો અને બાઇબલ અભ્યાસ કરનારાને આવજો કહેવું સહેલું ન હતું. તેઓ સાથે અમે જાણે પ્રેમના તાંતણે બંધાયેલા હતા. જોકે બીજું એક કામ જાણે અમારી રાહ જોઈ રહ્યું હતું. હવે અમારે બીજી એક નવી ભાષા શીખવાની હતી!

લૅટ્‍વિયન ભાષા શીખવી

મે, ૨૦૦૨માં અમારા લગ્‍નને ચાર વર્ષ થયા હતા. એ સમયે અમને યુરોપમાં લૅટ્‍વિયા દેશમાં મિશનરી તરીકે મોકલવામાં આવ્યા. ત્યાં ગયા પછી કૅમિલ્લા બહુ જલદી લૅટ્‍વિયન ભાષા શીખી ગઈ. છ અઠવાડિયામાં તો તે લોકો સાથે એ ભાષામાં વાત કરવા લાગી. પણ મને ભાષા શીખતા વાર લાગી. મને ઘણી મદદ મળી છતાંય આજ દિન સુધી મને લાગે છે કે હું બહુ થોડી જ એ ભાષા બોલી શકું છું. *

મારી પત્નીએ મને બધી રીતે સાથ આપ્યો. અમે ઘણા લૅટ્‍વિયન લોકોને બાઇબલમાંથી શીખવ્યું. ઘણી વખત હું અમુક શબ્દો ભૂલી જતો અથવા ખોટું વાક્ય બોલતો ત્યારે પણ તેઓ અને ભાઈ-બહેનો મારું ધ્યાનથી સાંભળતા. અરે, સમજવાની કોશિશ કરતા. આ રીતે મારો આત્મવિશ્વાસ વધ્યો. આ બધાના લીધે હું ઘરે ઘરે લોકોને બાઇબલ સંદેશો જણાવી શક્યો તેમ જ મિટિંગમાં સારી રીતે પ્રવચન આપી શક્યો.

તમને થશે કે મેં શા માટે તકલીફો વેઠીને પણ બીજી ભાષાઓ શીખવાનું ચાલુ રાખ્યું? લોકો માટેના પ્રેમને લીધે હું બીજી ભાષાઓ શીખ્યો. મને એ બહુ ગમતું કે કોઈ પરમેશ્વર યહોવાહનો સંદેશો સાંભળે અને તેમને ઓળખે. મિશનરી તરીકે મારા અનુભવોમાંથી જોવા મળ્યું છે કે જ્યારે વ્યક્તિને પોતાની ભાષામાં સંદેશો જણાવવામાં આવે છે ત્યારે એ સંદેશો તેઓના હૃદય સુધી પહોંચે છે.

છેલ્લા ઘણા વર્ષોમાં મેં અને મારી પત્નીએ ઘણા લોકોને બાઇબલ સત્ય શીખવ્યું છે. જોકે એનો જશ અમને નહિ પણ પરમેશ્વર યહોવાહને જવો જોઈએ, કેમ કે તેમણે જ અમને એ કામ પૂરું કરવા મદદ પૂરી પાડી છે. અમે તો લોકોના દિલમાં ફક્ત બાઇબલ સત્યનું બી વાવીને એને પાણી પાયું છે, પણ એને વૃદ્ધિ તો પરમેશ્વર યહોવાહે જ આપી છે.—૧ કોરીંથી ૩:૬.

મારી મુશ્કેલી આશીર્વાદ બની ગઈ

ડિસલેક્સિયાની તકલીફને લીધે પ્રવચન આપવા મારે બીજી રીતોનો સહારો લેવો પડ્યો. એના લીધે મને અમુક ફાયદો પણ થયો. કેવી રીતે? મારી તકલીફને લીધે હું મંડળમાં પ્રવચન આપતી વખતે વધારે નોટ્‌સ જોતો નથી. એટલે હું શ્રોતાઓ સામે જોઈને પ્રવચન આપું છું. ઘણા દ્રષ્ટાંતોનો પણ સારો ઉપયોગ કરું છું, જેથી સાંભળનારાઓને યાદ રહી શકે. આ રીતે અમુક સંજોગોમાં મારી તકલીફ મારા માટે આશીર્વાદ સાબિત થઈ છે.

ઈશ્વરભક્ત પાઊલે બાઇબલમાં લખ્યું છે કે ‘પરમેશ્વરે શક્તિમાનોને શરમાવવા સારૂ જગતના નિર્બળોને પસંદ કર્યા છે.’ (૧ કોરીંથી ૧:૨૭) મારી તકલીફને લીધે અમુક વખતે હું નિર્બળ બની ગયો હતો. છતાં હું અને મારા જેવા બીજા પણ શીખી શક્યા કે પરમેશ્વર યહોવાહ ચાહે એ કરાવી શકે છે. મુખ્ય વાત એ છે કે આપણે પૂરા કરી શકીએ એવા ધ્યેય રાખીએ. અને એ પૂરા કરવા યહોવાહ પાસે મદદ માગીએ. પછી એ ધ્યેય પૂરા કરવા પ્રયત્ન કરતા રહીએ. (g09 02)

[ફુટનોટ્‌સ]

^ લૅટ્‍વિયામાં છ વર્ષ સેવા આપ્યા પછી, તેઓને ઘાનામાં મિશનરી તરીકે મોકલવામાં આવ્યા.

[પાન ૨૧ પર બોક્સ]

ડિસલેક્સિયા

ડિસલેક્સિયા શું છે? આ શબ્દ મૂળ ગ્રીકમાંથી આવ્યો છે. એનો અર્થ થાય, ‘લખતા-વાંચતા ને બોલવામાં તકલીફ પડવી.’ જે લોકોને ડિસલેક્સિયા થયો હોય તેઓ શબ્દોને એકબીજા સાથે જોડી શકતા નથી.

ડિસલેક્સિયામાં શું થાય છે? આ તકલીફ કેમ લોકોને થાય છે એ હજુ સુધી કોઈ સારી રીતે સમજી શક્યું નથી. પણ એટલું કહી શકાય કે અમુક વખતે એ વારસામાં મળે છે. અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે આ તકલીફ મગજમાં કોઈ ખામીને લીધે થાય છે. પરંતુ તેઓ ભાષા શીખવા સિવાયની બીજી બાબતો બહુ સરસ રીતે કરી શકે છે.

શું ડિસલેક્સિયાનો કોઈ ઇલાજ છે? જો આ તકલીફ વિષે શરૂઆતમાં જ ખબર પડે તો સારું. પછી બાળકને ભાષા શીખવા માટે સારી ટ્રેનિંગ આપી શકાય. જેમ કે, સારી રીતે સાંભળવાની, જોવાની અને સ્પર્શ કરવાની ટ્રેનિંગ. પણ આવી ટ્રેનિંગ તેઓને વ્યક્તિગત રીતે આપવી પડે છે, તો જ તેઓ સારી પ્રગતિ કરી શકશે. સ્કૂલમાં તકલીફ ઊભી થાય ત્યારે બાળકો પોતાની લાગણીઓ કાબૂમાં રાખી શકતા નથી. એટલે તેઓને વધારે મદદની જરૂર પડે છે. પરંતુ તેઓને સારી રીતે શીખવવામાં આવે તો, આવા સ્ટુડન્ટ્‌સ સખત મહેનત કરીને લખતા-વાંચતા શીખી શકે છે. *

[ફુટનોટ્‌સ]

^ ઉપરની માહિતી ઇન્ટરનેશનલ ડિસલેક્સિયા એસોસિએશન તરફથી આપવામાં આવી છે. આ વિષે વધારે જાણવા પાન ૨૫ પરનો આ લેખ જુઓ: “બાળક વાંચવા-લખવામાં ગરબડ કરે છે?”

[પાન ૨૧ પર ચિત્ર]

શ્રીલંકામાં મારા દોસ્ત સાથે

[પાન ૨૧ પર ચિત્ર]

લૅટ્‍વિયામાં મારી પત્ની કૅમિલ્લા સાથે