શું આપણે નસીબમાં માનવું જોઈએ?
બાઇબલ શું કહે છે
શું આપણે નસીબમાં માનવું જોઈએ?
ઈશ્વર આપણા સર્જનહાર છે. એટલે ઘણાનું માનવું છે કે જન્મથી જ આપણું નસીબ તેમણે લખી કાઢ્યું છે. એટલે જ તેઓ વિચારે છે કે આપણી આખી જિંદગીમાં શું શું થશે એ વિષે ઈશ્વરે પહેલેથી નક્કી કરી રાખ્યું છે.
આસાચું છે કે નહિ, તમારું શું માનવું છે? જો સાચું હોય તો ઈશ્વરે આપેલી સ્વતંત્ર ઇચ્છાનો કોઈ મતલબ જ નથી. શું ઈશ્વરે ખરેખર આપણું નસીબ પહેલેથી ઘડી કાઢ્યું છે? બાઇબલ એના વિષે શું કહે છે એ જોઈએ.
શું ઈશ્વર મન ફાવે ત્યારે આપણું ભવિષ્ય જુએ છે?
બાઇબલ સાફ જણાવે છે કે ભવિષ્યમાં શું થશે એ ઈશ્વર જાણે છે. જેમ કે એમાં જણાવ્યું છે કે ‘આરંભથી પરિણામ જાહેર કરનાર હું છું’ (યશાયાહ ૪૬:૧૦) બીજું કે તેમણે અમુક ભક્તોને પસંદ કરીને ઘણી ભવિષ્યવાણીઓ લખાવી છે. (૨ પીતર ૧:૨૧) ઈશ્વર સર્વશક્તિમાન અને બુદ્ધિશાળી હોવાથી તેમણે લખાવેલી ભવિષ્યવાણીઓ સાચી પડી છે. ભવિષ્યમાં શું થશે એ જો તે જાણતા હોય તો એનો અર્થ એ થાય કે તેમણે દરેક વ્યક્તિનું નસીબ લખી કાઢ્યું છે? ના બાઇબલ એવું કંઈ શીખવતું નથી.
ખરું કે ઈશ્વર યહોવાહ જ્યારે પણ ચાહે ત્યારે ભવિષ્ય જોઈ શકે છે. તેમ છતાં વ્યક્તિના જીવનની પળે પળમાં શું થશે એ તેમણે નક્કી કર્યું નથી. એ સમજવા ચાલો એક દાખલો જોઈએ. ઈશ્વરે બાઇબલમાં અગાઉથી જણાવ્યું છે કે જ્યારે આ દુષ્ટ જગતનો નાશ થશે ત્યારે અમુક લોકો બચી જશે. (પ્રકટીકરણ ૭:૯, ૧૪) પણ કોણ બચશે અને કેટલા બચશે એ ઈશ્વરે જણાવ્યું નથી, કેમ કે તેમણે વ્યક્તિનું નસીબ અગાઉથી નક્કી કર્યું નથી. ઈશ્વર એક પ્રેમાળ પિતા જેવા છે. એક પિતાની જેમ ઈશ્વર સર્વ સંતાનોને પ્રેમ બતાવે છે. એમાંથી કેટલા સંતાનો તેમને પ્રેમ બતાવશે એ તે જાણવાની કોશિશ કરતા નથી. પણ તે જાણે છે કે અમુક સંતાનો તેમને પ્રેમ બતાવશે.
ઈશ્વરે દરેક વ્યક્તિનું જીવન અગાઉથી લખી કાઢ્યું નથી. એ વધારે સમજવા ચાલો તે પોતાની શક્તિનો કેવી રીતે ઉપયોગ કરે છે એ જોઈએ. (ગીતશાસ્ત્ર ૯૧:૧; યશાયાહ ૪૦:૨૬, ૨૮) બાઇબલ સમયના ઈસ્રાએલી લોકોનો વિચાર કરો. તેઓ ઈશ્વરની ખાસ પ્રજા હતી. એક વખત બાબેલોન લડાઈ કરીને તેઓને ગુલામ બનાવવા ઇચ્છતું હતું. એ જાણીને યહોવાહ એ જ વખતે પોતાની શક્તિનો ઉપયોગ કરીને બાબેલોનનો નાશ કરી શક્યા હોત. પણ તેમણે પોતાની શક્તિનો ખોટી રીતે ઉપયોગ ના કર્યો અને ઈસ્રાએલીઓને ગુલામીમાં જવા દીધા. બાઇબલ જણાવે છે કે આ રીતે ઈશ્વર યહોવાહે ‘પોતા પર કાબૂ રાખ્યો.’ (યશાયાહ ૪૨:૧૪) એવી જ રીતે ભવિષ્યમાં શું થશે એ ઈશ્વર જોઈ શકતા હોવા છતાં તેમણે પોતા પર કાબૂ રાખ્યો છે. જો ના રાખે તો મનુષ્યને આપેલી સ્વતંત્ર ઇચ્છાનો કોઈ અર્થ જ ના રહે.
આપણે સ્વતંત્ર ઇચ્છાનો છૂટથી ઉપયોગ કરીએ એવું યહોવાહ ઇચ્છે છે. એ તેમણે આપેલો મોટો આશીર્વાદ છે. આ રીતે તે આપણને પ્રેમ બતાવે છે. આ બધું જાણીને તમને નથી લાગતું કે ઈશ્વર સર્વશક્તિમાન, બુદ્ધિશાળી અને પ્રેમાળ છે!
પણ માની લો કે ભવિષ્યમાં શું થવાનું છે એ ઈશ્વરે પહેલેથી લખી નાખ્યું છે. એનો અર્થ એ થાય કે જે પણ આફતો ને ગુના થઈ રહ્યા છે એ માટે ઈશ્વર પોતે જવાબદાર છે. જો માણસ આ રીતે વિચારે તો તેને ઈશ્વરની ભક્તિ કરવાનું મન નહિ થાય. તેને ઈશ્વર પ્રેમાળ નહિ, સાવ ક્રૂર લાગશે. પણ બાઇબલમાં જણાવ્યું છે કે ઈશ્વર પ્રેમાળ અને ન્યાયી છે. એટલે ભવિષ્યમાં શું થવાનું છે એ વિષે તે અગાઉથી નક્કી નહિ કરે.—પુનર્નિયમ ૩૨:૪.
પસંદગી તમારી છે
ઈશ્વરે વરસો પહેલાં ઈશ્વરભક્ત મુસા દ્વારા ઈસ્રાએલી લોકોને કહ્યું હતું કે ‘મેં આજે તારી આગળ જીવન તથા મરણ મૂક્યાં છે; માટે જીવન પસંદ કર. યહોવાહ તારા ઈશ્વર પર પ્રીતિ રાખવાનું, તેની વાણી સાંભળવાનું, ને તેને વળગી રહેવાનું પસંદ કર; કેમ કે તે તારું જીવન છે.’ (પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦) આ કલમ પરથી આપણને જોવા મળે છે કે ઈશ્વરે ઈસ્રાએલી લોકોને પસંદગી આપી હતી. પણ જો ઈશ્વરે દરેક ઈસ્રાએલી લોકોનું નસીબ અગાઉથી લખી કાઢ્યું હોત તો આ પસંદગીનો શું ફાયદો! પણ ઈશ્વરે એવું ના કર્યું, કેમ કે તે પ્રેમના સાગર અને ન્યાયી છે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૮; ૧ યોહાન ૪:૮.
આપણા માટે પણ એક પસંદગી રહેલી છે. ઈશ્વર યહોવાહે આપણા માટે હંમેશનું જીવન રાખ્યું છે. એની પસંદગી હમણાં જ કરવી પડશે, કેમ કે બાઇબલ પ્રમાણે આ દુનિયાનો અંત બહુ જલદી જ આવી રહ્યો છે. (માત્થી ૨૪:૩-૯; ૨ તીમોથી ૩:૧-૫) એ અંતમાંથી બચવું હોય અને હંમેશ માટેનું જીવન જોઈતું હોય તો ઈશ્વરે જે આજ્ઞાઓ આપી છે એ પાળતા રહીએ.
તમે કેવી રીતે જીવન પસંદ કરી શકો?
જો આપણે હંમેશ માટેનું જીવન જોઈતું હોય તો ‘યહોવાહ પર પ્રીતિ રાખવાનું, તેમની વાણી સાંભળવાનું, ને તેમને વળગી રહેવાનું પસંદ કરવું .’ જોઈએ. એ માટે પહેલા તો આપણે ઈશ્વરને ઓળખવા જોઈએ. તેમની આજ્ઞાઓ શીખવી જોઈએ. એટલે જ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થનામાં કહ્યું હતું કે ‘હંમેશ માટેનું જીવન જોઈતું હોય તો ખરા ઈશ્વરને ઓળખો.’—યોહાન ૧૭:૩.
ઈશ્વરને ઓળખવા માટે આપણે પવિત્ર બાઇબલ વાંચવું જોઈએ. (યોહાન ૧૭:૧૭; ૨ તીમોથી ૩:૧૬) એમ કરવાથી આપણે જીવનમાં સારા નિર્ણયો લઈ શકીશું. (યશાયાહ ૪૮:૧૭, ૧૮) અને જાણી શકીશું કે ઈશ્વરે કોઈ પણ વ્યક્તિનું જીવન અગાઉથી નક્કી કર્યું નથી.
બાઇબલ વાંચીએ ત્યારે ઈશ્વર જાણે આપણને જણાવી રહ્યા છે કે ‘હું પૃથ્વી પર સુખ-શાંતિ લઈ આવીશ. એમાં હંમેશ માટે જીવવું હોય તો મારા કહ્યા પ્રમાણે કરો. પણ એ કરવું કે ના કરવું એ તમારી મરજી છે.’ જો ઈશ્વર ચાહે તો દરેક વ્યક્તિનું ભવિષ્ય અગાઉથી જોઈ શકે છે. પણ તે પ્રેમાળ હોવાથી આપણને પસંદગી કરવાની છૂટ આપી છે. હવે તમારા હાથમાં છે કે ઈશ્વરની વાણી સાંભળવાનું, ને તેને વળગી રહેવાનું પસંદ કરવું કે નહિ! (g09 02)
શું તમે કદી વિચાર્યું છે?
◼ ઈશ્વરે આપણને પસંદગી કરવાની છૂટ આપી છે. એ જાણીને શું તમને લાગે છે કે ઈશ્વરે આપણું નસીબ અગાઉથી લખી કાઢ્યું હોય?—પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦; યશાયાહ ૪૬:૧૦.
◼ આપણે કેવી રીતે માની શકીએ કે ઈશ્વરે આપણું ભાવિ અગાઉથી લખી કાઢ્યું નથી? અને આજે જે આફતો અને ગુના થઈ રહ્યા છે એની પાછળ ઈશ્વરનો હાથ નથી?—પુનર્નિયમ ૩૨:૪.
◼ હંમેશ માટેનું જીવન જોઈતું હોય તો આપણે શું કરવું જોઈએ?—યોહાન ૧૭:૩.
[પાન ૨૮ પર બ્લર્બ]
બાઇબલ શીખવે છે કે ઈશ્વર આપણું ભવિષ્ય જોઈ શકે છે. પણ તે હંમેશાં એમ કરતા નથી