સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું મૂએલાંને અગ્‍નિદાહ આપવો યોગ્ય છે?

શું મૂએલાંને અગ્‍નિદાહ આપવો યોગ્ય છે?

બાઇબલ શું કહે છે

શું મૂએલાંને અગ્‍નિદાહ આપવો યોગ્ય છે?

અમુકનું માનવું છે કે મૂએલાંને અગ્‍નિદાહ આપવો એ સારું નથી, કેમ કે આ રીતે આપણે તે વ્યક્તિનું અપમાન કરીએ છીએ. અરે આપણે આ રીતે પરમેશ્વરના નિયમ તોડીએ છીએ. જ્યારે બીજા અમુક લોકોનું માનવું છે કે મૂએલાંને અગ્‍નિદાહ આપવામાં કંઈ ખોટું નથી. આ અલગ-અલગ માન્યતાઓમાંથી આપણે કઈ સ્વીકારવી જોઈએ?

બાઇબલ સમયમાં મૂએલાંને દફનાવવાનો રિવાજ હતો. જેમ કે ઈશ્વરભક્ત ઈબ્રાહીમે પોતાની પત્ની સારાહને ગુફામાં દફનાવી. ઈસુને પણ પથ્થરથી બનાવેલી ગુફામાં દાટવામાં આવ્યા. (ઉત્પત્તિ ૨૩:૯; માત્થી ૨૭:૬૦) આ બે બાઇબલના દાખલાઓ પરથી શું આપણે એવું માનવું  જોઈએ કે મૂએલાંને ફક્ત દફનાવવા જ જોઈએ? શું મૂએલાંને અગ્‍નિદાહ આપવો એ પરમેશ્વરની નજરમાં ધિક્કારપાત્ર છે?

પરમેશ્વર શું સ્વીકારે છે?

બાઇબલના અમુક બનાવો ઉપર-ઉપરથી વાંચીએ તો એવું લાગે છે કે જેઓ પાપ કે મોટી ભૂલો કરતા એવા લોકોને જ બાળવામાં આવતા. જેમ કે એ સમયે એવી આજ્ઞા હતી કે યાજકની છોકરી જો વેશ્યા બને તો તેને મારી નાખવી અને આગથી બાળી મૂકવી. (લેવીય ૨૦:૧૦; ૨૧:૯) એ સમયે આખાન અને તેના કુટુંબે મોટું પાપ કર્યું, એટલે બીજા ઈશ્વરભક્તોએ તેઓને પથ્થરે માર્યા અને ‘અગ્‍નિમાં બાળી’ મૂક્યા.​—⁠યહોશુઆ ૭:⁠૨૫.

ઈશ્વરભક્ત યોશીયાહના સમયનો વિચાર કરો. એ વખતે યહુદામાં અમુક ખરાબ યાજકો મૂર્તિઓ આગળ નમતા હતા. આ રીતે તેઓ પરમેશ્વરની નજરમાં પાપ કરતાં હતાં. પરંતુ તેઓમાંના અમુક યાજકોને દફનાવવામાં આવ્યા હતા. જ્યારે યોશીયાહને એના વિષે ખબર પડી ત્યારે ખરાબ યાજકોની કબરોને ખોદીને તેઓના હાડકાંને મૂર્તિઓ સાથે બાળી નાખ્યા. (૨ કાળવૃત્તાંત ૩૪:​૪, ૫) આવા બનાવો વાંચીને અમુક બાઇબલના સંશોધકો માને છે કે જેઓએ મોટી મોટી ભૂલો કે પાપ કર્યા હોય તેઓને જ બાળવામાં આવતા. શું આપણે પણ એવું જ માનવું જોઈએ? ના, બાઇબલ એવું શીખવતું નથી.

એ સમજવા ચાલો વર્ષો પહેલાં થઈ ગયેલા ઈસ્રાએલના રાજા શાઊલ અને તેના ત્રણ દીકરાઓનો વિચાર કરીએ. તેઓ યુદ્ધમાં પલિસ્તીઓ સામે હારી ગયા અને માર્યા ગયા. પછી પલિસ્તીઓએ તેઓની લાશોને બેથ-શાન શહેરની દીવાલ પર લટકાવી. જ્યારે ઈસ્રાએલીઓને આના વિષે ખબર પડી ત્યારે તેઓએ તરત જ તેઓની લાશોને લઈ જઈને બાળી અને તેઓના હાડકાંને દફનાવી દીધા. (૧ શમૂએલ ૩૧:​૨, ૮-૧૩) શાઊલનો વિચાર કરીએ તો તે ખરાબ રાજા હતો. તેણે તો ઈશ્વરભક્ત દાઊદ સામે લડાઈ કરી હતી. અરે, બાઇબલ જણાવે છે કે તેણે પરમેશ્વરની કૃપા પણ ગુમાવી હતી.

જોકે એ બધામાં શાઊલનો દીકરો યોનાથાન બહુ સારો હતો, કેમ કે તેના પર પરમેશ્વરની કૃપા હતી. અરે તે દાઊદનો ખાસ દોસ્ત હતો. બાઇબલમાં પણ તેના વિષે લખવામાં આવ્યું હતું કે તે ‘પરમેશ્વરની સહાયથી કામ કરતો હતો.’ (૧ શમૂએલ ૧૪:૪૫) જ્યારે દાઊદને ખબર પડી કે ઈસ્રાએલીઓએ શાઊલ અને તેના ત્રણ દીકરાઓના અંતિમ સંસ્કાર કર્યા છે, ત્યારે દાઊદે તેઓની કદર કરી. દાઊદે તેઓને કહ્યું, ‘યહોવાહ તમને આશિષ દો, કેમ કે તમે તમારા ધણી શાઊલ પર કૃપા કરી છે.’ આ શબ્દો પરથી જોવા મળે છે કે ભલે યોનાથાનને અગ્‍નિદાહ આપવામાં આવ્યો હતો, પણ દાઊદને એમાં કંઈ વાંધો ન હતો. જો દાઊદને વાંધો હોત તો ઈસ્રાએલીઓને આશીર્વાદ આપ્યા ન હોત. આનાથી આપણને જોવા મળે છે કે જો કોઈને અગ્‍નિદાહ આપવામાં આવે તો પરમેશ્વર એને ખરાબ ગણતા નથી.​—⁠૨ શમૂએલ ૨:​૪-૬.

મૂએલાં સજીવન થશે

બાઇબલમાં સાફ જણાવ્યું છે કે પરમેશ્વર મૂએલાંને પાછા ઉઠાડશે. (સભાશિક્ષક ૯:​૫, ૧૦; યોહાન ૫:​૨૮, ૨૯) એ સમય વિષે બાઇબલ જણાવે છે કે ‘સમુદ્રે પોતાનામાં જેઓ મૂએલાં હતાં તેઓને પાછાં આપ્યાં; કબરે પણ પોતાનામાં જેઓ મૂએલાં હતાં, તેઓને પાછાં આપ્યાં.’ (પ્રકટીકરણ ૨૦:૧૩) પરમેશ્વર એવા લોકોને પણ સજીવન કરશે જેઓને જાનવરે ફાડી ખાધા છે, દરિયામાં ડૂબીને મરી ગયા છે અથવા બૉમ્બ-બ્લાસ્ટમાં માર્યા ગયા છે. અરે, કુદરતી રીતે મરી ગયા છે અને અગ્‍નિદાહ કે દફનાવવામાં આવ્યા છે એવા લોકોને પણ પરમેશ્વર સજીવન કરશે.

મૂએલાંને અગ્‍નિદાહ આપવો કે દફનાવવા, એ વિષે બાઇબલમાં કોઈ ખાસ માહિતી આપેલી નથી. અરે એવો પણ અહેવાલ નથી કે કોઈને અગ્‍નિદાહ આપવાથી પરમેશ્વરને ના ગમ્યું હોય. મુખ્ય બાબત એ છે કે મર્યા પછી વ્યક્તિને અગ્‍નિદાહ આપીએ કે દફનાવીએ, તેનું માન જળવાવું જોઈએ.

મૂએલાંને અગ્‍નિદાહ આપીએ કે દફનાવીએ એનો નિર્ણય આપણે સમાજના રીત-રિવાજોને ધ્યાનમાં રાખીને લઈ શકીએ. તેમ છતાં જેઓ બાઇબલના માર્ગદર્શન પ્રમાણે જીવે છે તેઓએ હંમેશાં ધ્યાન રાખવું જોઈએ કે સમાજના બીજા લોકોને ઠોકર ના લાગે. એ પણ ધ્યાન રાખવું જોઈએ કે એવી કોઈ વિધિ ન કરીએ જેમાં પરમેશ્વરના નિયમો તૂટતા હોય. જેમ કે કોઈ વિધિથી લોકોને લાગે કે વ્યક્તિનો પુનર્જન્મ થયો છે. આ બધું ધ્યાનમાં રાખીને મૂએલાંને અગ્‍નિદાહ આપવો કે દફનાવવા એનો નિર્ણય તમારે જ લેવાનો છે. (g09 03)

શું તમે કદી વિચાર્યું છે?

◼ શું કોઈ ઈશ્વરભક્તને અગ્‍નિદાહ આપ્યો હોય એવો ઉલ્લેખ બાઇબલમાં કરવામાં આવ્યો છે?​—⁠૧ શમૂએલ ૩૧:​૨, ૧૨.

◼ ઈસ્રાએલીઓએ શાઊલ અને તેના ત્રણ દીકરાઓના અંતિમ સંસ્કાર કર્યા ત્યારે ઈશ્વરભક્ત દાઊદને કેવું લાગ્યું?​—⁠૨ શમૂએલ ૨:​૪-૬.

◼ મૂએલાંને અગ્‍નિદાહ આપવામાં આવ્યો હોય, તોપણ શું તેઓને સજીવન કરવામાં આવશે?​—⁠પ્રકટીકરણ ૨૦:⁠૧૩.

[પાન ૧૧ પર બ્લર્બ]

મૂએલાંને અગ્‍નિદાહ આપવો કે દફનાવવા એનો નિર્ણય તમારે લેવાનો છે