સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરને ભજવાથી આશીર્વાદ મળ્યા

ઈશ્વરને ભજવાથી આશીર્વાદ મળ્યા

ઈશ્વરને ભજવાથી આશીર્વાદ મળ્યા

પીયેર વોરુંનો અનુભવ

આખું જીવન હું ફ્રેન્ચ લોકોને “બોનઝોર!” કહીને આવકાર આપતો. પણ ૧૯૭૫ના નવેમ્બરમાં એમ કહેવાથી પોલીસે મને ગિરફતાર કર્યો. ચાલો હું તમને જણાવું કે એ બનાવ પહેલાં અને પછી શું થયું.

હું જાન્યુઆરી ૧, ૧૯૪૪માં મધ્ય બેનીનના સાવા શહેરના માલેટે ગામમાં જન્મ્યો હતો. * મારા મમ્મી-પપ્પાએ યોરૂબા રિવાજ પ્રમાણે મારું નામ આબિયોલા પાડ્યું. નાનપણમાં મેં મારું નામ બદલીને પીયેર રાખ્યું. મને થયું કે એ મોર્ડન અને મશહૂર છે.

અમારા ગામના લોકો બધા યુવાનોને લાડથી બીજું નામ આપતા. તેઓને હું ત્યાંના એક પાદરી જેવો લાગતો, એટલે તેઓ મને પાસ્ટર કહેતા. હું ચર્ચમાં બાઇબલ વિષે શીખવા જવાને બદલે ફૂટબોલ રમતો.

૧૯૫૯માં હું દક્ષિણ બેનીનના સાકેટે શહેરમાં રહેવા ગયો, ત્યાં મારું ભણતર પૂરું કર્યું. હું મારા મોટા કાકાના દીકરા સાયમન સાથે રહેતો. તે ટીચર હતા. હું ગયો એના થોડા સમય પહેલાં જ તેમણે યહોવાહના બે સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. શરૂઆતમાં મને સ્ટડીમાં બેસવાનું ગમતું નહિ. એટલે મેં મારા કાકાના બીજા દીકરા મિશેલને પૂછ્યું કે ‘તું મારી સાથે બેસીશ?’ તે બેસવા તૈયાર થઈ ગયો. હું સ્ટડીમાં પહેલી વાર શીખ્યો કે ભગવાનનું નામ યહોવાહ છે.

એક રવિવારે મેં, સાયમન અને મિશેલે નક્કી કર્યું કે ચર્ચમાં નહિ જઈએ, પણ યહોવાહના સાક્ષીઓના કિંગ્ડમ હૉલમાં જઈશું. ત્યાં પહોંચ્યા ત્યારે બે જ યહોવાહના સાક્ષીઓ હતા. એ જોઈને હું જરા નારાજ થઈ ગયો. પણ ત્યાં અમે જે શીખ્યા એનાથી થયું કે આ જ સત્ય છે. એટલે અમે બાઇબલમાંથી શીખવાનું ચાલુ રાખ્યું. મિશેલે પહેલા બાપ્તિસ્મા લીધું. આજે તે પાયોનિયરીંગ કરે છે. એટલે કે ફુલ-ટાઈમ ભગવાન વિષે લોકોને શીખવે છે.

પછી સાયમન ઉત્તર બેનીનના કોકોરો શહેરમાં રહેવા ગયો. હું પણ તેની સાથે ગયો. વોનસુગોન ગામમાં યહોવાહના સાક્ષીઓનું સંમેલન ગોઠવવામાં આવ્યું હતું. એ અમારા ગામથી ૨૨૦ કિલોમીટર દૂર હતું. હું સાઇકલ પર ગયો અને સાયમન ટેક્સીમાં આવ્યો. સપ્ટેમ્બર ૧૫, ૧૯૬૧ના અમે બાપ્તિસ્મા લીધું.

ફુલટાઈમ સેવામાં મુશ્કેલીઓ આવી

રોજીરોટી માટે હું પેઈન્ટિગ કરીને એ ચિત્રો વેચતો. મારી પાસે થોડી જમીન હતી, એમાં શાકભાજી વાવતો. ફિલિપ ઝાનુ નામના ટ્રાવેલીંગ ઓવરસિયરે અમારા મંડળની મુલાકાત લીધી. તેમણે મને પૂછ્યું કે ‘તેં પાયોનિયરીંગ કરવાનો કદી વિચાર કર્યો છે.’ એના વિષે મેં મારા ફ્રેન્ડ ઇમાનુયેલ ફાટુન્બી સાથે વાત કરી. પછી અમે બંનેએ ફેબ્રુઆરી, ૧૯૬૬ના પાયોનિયરીંગ શરૂ કર્યું. અમુક સમય પછી હું પણ ટ્રાવેલીંગ ઓવરસિયર તરીકે મંડળની મુલાકાત લેવા માંડ્યો. હું ફૉન, ગુન, યોરૂબા, અને ફ્રેન્ચ ભાષા બોલતા મંડળની મુલાકાત લેતો.

સમય જતા હું જુલીયેનને મળ્યો. તે સારા સ્વભાવની હતી. તેને પણ મારી જેમ સાદું જીવન જીવવું ગમતું. ઑગસ્ટ ૧૨, ૧૯૭૧માં અમે લગ્‍ન કર્યા. પછી અમે મંડળોની મુલાકાત લેતા. ઑગસ્ટ ૧૮, ૧૯૭૨માં અમારો દીકરો બૉલા જન્મ્યો. અમે સાઇકલ પર મંડળોની મુલાકાત લેતા. બૉલાને પીઠે બાંધીને જુલીયેન સાઇકલ પર પાછળ બેસતી. જે મંડળમાંથી અમે નીકળતા ત્યાંથી એક ભાઈ પોતાની સાઇકલ પર અમારો સામાન ઊંચકી લેતા. આ રીતે અમે ચાર વર્ષ મંડળોની મુલાકાત લીધી.

એક દિવસ જુલીયેન બહુ બીમાર થઈ ગઈ. આખી રાત હેરાન થઈ. બીજા દિવસે સવારે હું ઊઠીને ગાડી શોધવા ગયો. અચાનક ટૅક્સી દેખાઈ. અમારા વિસ્તારમાં કાર જેવું કંઈ જલદી દેખાય નહિ. મેં ટૅક્સી ઊભી રખાવી, એ ખાલી જ હતી. જુલીયેનને લઈને મેં ડ્રાઇવરને પોર્ટો નોવો શહેરમાં જવાનું કહ્યું. એ અમારા ઘરથી આશરે ૨૫ કિલોમીટર દૂર હતું. ત્યાં પહોંચ્યા ત્યારે તેણે સ્માઈલ આપીને મને કહ્યું કે ‘આના કંઈ પૈસા ન હોય. મારા તરફથી ગિફ્ટ સમજો.’

જુલીયેને એક ભાઈના ઘરે બે અઠવાડિયાં આરામ જ કર્યો. ડૉક્ટર રોજ ખબર લેવા આવતા, જોઈતી દવા આપી જતા. મેં અચકાતા ડૉક્ટરને દવાના પૈસા વિષે પૂછ્યું. તેમણે કહ્યું: ‘શાના પૈસા! કંઈ આપવાનું નથી.’ એ સાંભળીને હું નવાઈ પામ્યો.

દેશમાં મોટો ફેરફાર આવ્યો

૧૯૭૫માં ડાહોમી સરકારે માર્કસવાદના સિદ્ધાંતો અપનાવ્યા. ત્યારથી એ દેશનું નામ બદલાઈને બેનીન લોકશાહી પ્રજાસત્તાક થયું. લોકો હવે ફ્રેન્ચમાં આ રીતે આવકાર આપતા: “પોર લા રેવાલુસીયોન?” જેનો અર્થ થાય, ‘તમે ક્રાંતિ માટે તૈયાર છો?’ ત્યારે સામે વાળી વ્યક્તિ ફ્રેન્ચમાં કહેતી: “પ્રે!” જેનો અર્થ થાય, ‘તૈયાર છું!’ પણ અમે બાઇબલના શિક્ષણ પ્રમાણે રહેતા હોવાથી રાજકારણના આવા સ્લૉગન કહેતા ન હતા. એ કારણે યહોવાહના ભક્તોનો વિરોધ થવા લાગ્યો.

૧૯૭૫ની આખરે એક રવિવારે હું સેન્ટ મિશેલમાં પ્રચાર કરતા હતો. આ લેખની શરૂઆતમાં મેં જણાવ્યું તેમ એક વ્યક્તિએ મને ફ્રેન્ચમાં “પોર લા રેવાલુસીયોન” કહ્યું. ત્યારે મેં તેને “બોનઝોર” કહ્યું. એ કારણે પેલી વ્યક્તિએ પોલીસ બોલાવી. તેઓએ મને ગિરફતાર કર્યો. પોલીસ સ્ટેશનમાં મારી બહુ મારપીટ કરી. જોકે, એ જ દિવસે એ વિસ્તારમાં રહેતા ત્રણ યહોવાહના સાક્ષીઓએ મને જામીન પર છોડાવ્યો.

મારા પહેલાં કોઈ યહોવાહના સાક્ષીઓને ગિરફતાર કરવામાં આવ્યા ન હતા. પણ એ પછી ઘણા ભાઈ-બહેનોને ગિરફતાર કરવામાં આવ્યા. સરકારે કિંગ્ડમ હૉલ કબજે કરી લીધા. મિશનરીઓને દેશમાંથી કાઢી મૂક્યા. બ્રાંચઑફિસ બંધ થઈ ગઈ. એટલે ઘણા ભાઈ-બહેનો બેનીનની પશ્ચિમે આવેલા ટોગો ને પૂર્વે આવેલા નાઇજીરિયામાં નાસી છૂટ્યા.

નાઇજીરિયામાં અમારું કુટુંબ ફૂલ્યું-ફાલ્યું

એપ્રિલ ૨૫, ૧૯૭૬માં અમારો બીજો દીકરો કૉલા જન્મ્યો. એના બે દિવસ પછી સરકારે હુકમનામું ૧૧૧ બહાર પાડ્યું. એ હુકમ પ્રમાણે યહોવાહના સાક્ષીઓના કામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અમે બેનીન છોડીને નાઇજીરિયામાં આવેલા કિંગ્ડમ હૉલમાં નાસી છૂટ્યા. એ રેફ્યુજી ભાઈ-બહેનોથી ભરેલો હતો. બીજા દિવસે અમને નજીકના કિંગ્ડમ હૉલમાં જવાનું કહેવામાં આવ્યું. આ રીતે હૉલ ખાલી થાય એવામાં બીજા રેફ્યુજી ભાઈ-બહેનો આવી જતા. ટ્રક ભરીને તેઓને આજુ-બાજુના મંડળમાં લઈ જવાતા.

નાઇજીરિયાની બ્રાંચ ઑફિસે મને બેનીનથી આવેલા બધા ભાઈ-બહેનોની મુલાકાત લેવાનું કહ્યું. પછી મને ટ્રાવેલીંગ ઓવરસિયર તરીકે નાઇજીરિયામાં યોરૂબા અને ગુન ભાષાના મંડળોની મુલાકાત લેવાનું કહેવામાં આવ્યું. અમે મોટરબાઇક પર બધે જ જતા. બૉલા મારી આગળ બેસતો. કૉલા મારીને જુલીયેનની વચ્ચે બેસતો.

૧૯૭૯માં અમને ખબર પડી કે અમારા ઘરમાં ત્રીજું મહેમાન આવવાનું છે. દીકરી, જમાયમાનો જન્મ થયો. તેના આવવાથી અમારે મંડળોની મુલાકાત લેવાનું છોડવું પડ્યું. આ સમયમાં જુલીયેનની નાની બહેન પણ બેનીન અમારી સાથે રહેવા આવી. તેને અમે લાડથી પેપે કહેતા. પછી ૧૯૮૩માં કેલેબનો જન્મ થયો. ૧૯૮૭માં સાયલ્સનો જન્મ થયો. આમ અમારા કુટુંબમાં અમે આઠ જણા હતા. મને અને જુલીયેનને સારા માબાપ બનવું હતું અને ફુલ-ટાઈમ સેવા કરવી હતી. પણ અમે એ કઈ રીતે કરી શકીએ? અમે થોડી જમીન ભાડે લીધી. એમાં મકાઈ, કસાવા (શક્કરિયાની જાત) અને અળવી વાવ્યા. ઇલોગ્‌બો-એરિમી ગામમાં અમે નાનકડું ઘર બાંધ્યું.

બાળકો સવારે સ્કૂલે જાય ત્યારે હું ને જુલીયેન પ્રચારમાં જતા. તેઓ બપોરે જમવા આવે એ પહેલાં અમે ઘરે આવી જતા. સાથે જમીને થોડો આરામ લેતા. બપોર પછી જે જમીન રાખી હતી એમાં કામ કરતા. જુલીયેન અને પેપે માર્કેટમાં એ ખેતરમાંથી શાકભાજી વેચવા જતા. અમે બધા સખત મહેનત કરતા અને ભાગ્યે જ બીમાર પડતા.

યુનિવર્સિટીમાં ન ગયા તોય સુખી

અમે બાળકોને યુનિવર્સિટીનું શિક્ષણ લેવા કદી ઉત્તેજન આપ્યું નહિ. અમને ખબર કે યહોવાહના રાજ્યને જીવનમાં પ્રથમ રાખીશું, ઈસુ જેવા ગુણો કેળવીશું, જાત-મહેનત કરીશું તો સુખી થઈશું. અમે બાળકોને હંમેશા આવું શિક્ષણ આપતા. હું તેઓને યહોવાહ વિષે બાઇબલમાંથી શીખવતો. આમ તેઓના દિલમાં યહોવાહની ભક્તિ માટે પ્રેમ વધ્યો. તેઓ બાપ્તિસ્મા લઈને યહોવાહના ભક્તો બન્યા. એ જોઈને ખૂબ જ આનંદ થયો.

પેપે અમારાં બાળકો કરતાં મોટી હતી. તે અમારી સાથે રહેવા આવી ત્યારે મેં તેને લખતા-વાંચતા શીખવ્યું. તે બાઇબલમાંથી જે શીખી એ તેને બહુ જ ગમ્યું. સમય જતા તે પાયોનિયર બની. અમુક વર્ષ પછી તેણે ટ્રાવેલીંગ ઓવરસિયર, મન્ડે અકિંરા સાથે લગ્‍ન કર્યા. અમારા કુટુંબમાં પેપેએ સૌથી પહેલાં લગ્‍ન કરીને ઘર છોડ્યું. તેઓ બંને મંડળની મુલાકાતો લેતા. સમય જતા તેઓને પણ દીકરો, ટિમોથી થયો. પેપે અને મન્ડે બંને ફુલ ટાઈમ સેવા આપે છે. મન્ડે સંમેલનમાં ઘણી જવાબદારી ઉપાડવાનો આનંદ માણે છે.

બૉલા એક મોટી કંપનીમાં કૂકની ટ્રેનિંગ લેવા ગયો. થોડા સમયમાં ડાયરેક્ટરે જોયું કે તે સારી રીતે કામ કરે છે, વિશ્વાસુ છે અને સારા સ્વભાવનો છે. અમુક સમય પછી તેને કંપનીમાં પ્રમોશન મળ્યું. તેણે જૌન સાથે લગ્‍ન કર્યા. તેઓને ત્રણ બાળકો છે. તે કુટુંબની સારી સંભાળ રાખે છે. તેમ જ, નાઇજીરિયામાં આવેલા લેગોસ શહેરના એક મંડળમાં વડીલ છે.

કૉલા સીવવાનું કામ શીખ્યો. પછી તેણે પાયોનિયરીંગ કર્યું. નાઇજીરિયામાં અંગ્રેજી શીખ્યો હોવાથી ૧૯૯૫માં તેને બેનીન બેથેલમાં ભાષાંતર કરવા બોલાવવામાં આવ્યો. ત્યાં તે છેલ્લા ૧૩ વર્ષથી છે.

બેનીનમાં પાછા પ્રચાર કરવા ગયા

જાન્યુઆરી ૨૩, ૧૯૯૦માં બેનીનની સરકારે હુકમનામું બહાર પાડ્યું કે યહોવાહના સાક્ષીઓ ફરી વાર છૂટથી પોતાનો ધર્મ પાળી શકે. એ સાંભળીને અમે બહુ હરખાયા. ત્યાં ફરીથી બ્રાંચ ઑફિસ ખોલવામાં આવી. ઘણા રેફ્યુજી પાછા વતન ગયા. નવા મિશનરિઓ પણ આવવા લાગ્યા. ૧૯૯૪માં અમારું કુટુંબ પણ ત્યાં પાછું ગયું. પણ પેપે, બૉલા અને તેઓનું કુટુંબ નાઇજીરિયામાં જ રહ્યું.

નાઇજીરિયાનું ઘર અમે ભાડે આપ્યું હતું. એમાંથી આવતું ભાડું, બૉલાની મદદ અને પાર્ટ-ટાઈમ નોકરી કરવાથી ઘર બાંધી શક્યા. એ ઘર પાંચ જણ રહી શકે એવું અને બ્રાંચઑફિસની નજીક હતું. અમારી દીકરી જમાયમાએ પાર્ટ-ટાઈમ સીવણ કામ કરીને છએક વર્ષ પાયોનિયરીંગ કર્યું. પછી તેણે કોકો અહોમિનુ સાથે લગ્‍ન કર્યા. હવે તેઓ બેનીન બ્રાંચમાં સેવા આપે છે. કેલેબ અને સાયલ્સ સ્કૂલ પૂરી કરી રહ્યાં છે. યહોવાહની મદદથી અને કુટુંબના સાથથી હું અને જુલીયેન ૪૦ કરતાં વધારે વર્ષથી ફુલ-ટાઈમ સેવા કરીએ છીએ.

બેનીનમાં પ્રચાર કામ પર યહોવાહના આશીર્વાદ છે. ૧૯૬૧માં મેં બાપ્તિસ્મા લીધું ત્યારે ૮૭૧ યહોવાહના સાક્ષીઓ હતા. જે વર્ષે મને ગિરફતાર કરવામાં આવ્યો ત્યારે ૨,૩૮૧ થયા. ૧૪ વર્ષ પ્રચાર કામની મનાઈ હતી તોપણ વધારો થતો રહ્યો. ૧૯૯૪માં હું પાછો બેનીન આવ્યો ત્યારે ૩,૮૫૮ થયા. આજે ૯,૦૦૦થી પણ વધારે છે. ૨૦૦૮ના મેમોરિયલમાં ૩૫,૭૫૨ લોકો આવ્યા હતા.

ત્રીસ વર્ષ પહેલાં જે જગ્યાએ મને ગિરફતાર કરવામાં આવ્યો હતો ત્યાં હું અમુક વાર જાઉં છું. ત્યાં હું મારા જીવનમાં જે બન્યું એનો વિચાર કરું છું. યહોવાહે મારા કુટુંબને જે આશીર્વાદ આપ્યો એના માટે તેમના ગુણગાન ગાઉં છું. અમને કશાની ખોટ નથી આવી. આજે પણ હું બધાને આવકાર આપતા ફ્રેન્ચમાં “બોનઝોર” કહું છું. (g09 03)

[ફુટનોટ્‌સ]

^ આ સમયે બેનીન ડાહોમી નામથી ઓળખાતું, જે ફ્રેન્ચ વેસ્ટ આફ્રિકાનો ભાગ હતું.

[પાન ૨૭ પર બ્લર્બ]

તેણે સ્માઈલ આપીને મને કહ્યું કે ‘આના કંઈ પૈસા ન હોય. મારા તરફથી ગિફ્ટ સમજો’

[પાન ૨૮ પર બ્લર્બ]

અમે બાળકોને યુનિવર્સિટીમાં જવાનું કદી ઉત્તેજન આપ્યું નહિ

[પાન ૨૯ પર ચિત્ર]

૧૯૭૦માં ટ્રાવેલીંગ ઓવરસિયર હતો ત્યારે

[પાન ૨૯ પર ચિત્ર]

૧૯૭૬માં અમારા દીકરા બૉલા અને કૉલા સાથે

[પાન ૨૯ પર ચિત્ર]

આજે મારી પત્ની, પાંચ બાળકો, ત્રણ પૌત્રો-પૌત્રી અને પેપેના કુટુંબ સાથે