સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બિલ્ડિંગ સાથે અથડાતાં પંખીઓ

બિલ્ડિંગ સાથે અથડાતાં પંખીઓ

બિલ્ડિંગ સાથે અથડાતાં પંખીઓ

એક લક્કડખોદ ઊડતું ઊડતું ગગનચુંબી બિલ્ડિંગના કાચ સાથે ટકરાઈને જમીન પર પડ્યું. રસ્તા પર ચાલતો માણસ એ આશાથી એને જોતો રહ્યો કે એ જીવતું હોય. જરા વારમાં ચીં ચીં કરતું પાંખો ફફડાવીને એ ઊડી ગયું. *

અફસોસ કે કાચમાં અથડાયાં પછી અડધા જેટલાં પક્ષીઓ મરી જાય છે. ઓડુબોન સોસાયટીને અમેરિકામાં અભ્યાસ કરવાથી જોવા મળ્યું કે દર વર્ષે બિલ્ડિંગના કાચ સાથે અથડાઈને ૧૦ કરોડ જેટલાં પક્ષીઓ મરે છે. પણ પક્ષીઓના અમુક ડૉક્ટરનું માનવું છે કે એક અબજ જેટલાં પક્ષીઓ દર વર્ષે આ રીતે મરે છે! એકથી બીજા દેશમાં જતા પક્ષીઓ કેમ બિલ્ડિંગ સાથે અથડાય છે? એવું ન થાય માટે શું કરી શકાય?

કાચ અને પ્રકાશથી થતું મોત

પક્ષીઓ માટે કાચ જોખમ છે. ચોખ્ખા કાચમાં પક્ષીને લીલાછમ ઝાડ અને આકાશ દેખાય છે. ઘણી વાર ઘરમાં રાખેલા ફૂલ-છોડ જોઈને એના પર ફૂલ સ્પીડે બેસવા જતા પક્ષી કાચ સાથે અથડાય છે.

બારીમાં રિફ્લેક્ટિવ ગ્લાસ પક્ષીઓ માટે જોખમી છે. એના રિફ્લેક્શનમાં પક્ષીને આસપાસના ઝાડ-પાન અને આકાશ દેખાય છે. એના પર બેસવા જવાથી તેઓ કાચ સાથે અથડાય છે. પક્ષીઓને રક્ષણ આપતા સેન્ટર અને એને જોવા માટેના ટાવરનાં કાચ સાથે અથડાઈને ઘણાં પક્ષીઓ માર્યા જાય છે! દાનીએલ ક્લેમ જુનિયર પક્ષીઓના ડૉક્ટર છે. તેમનું માનવું છે કે બીજા કોઈ કારણ કરતાં કાચમાં અથડાઈને વધારે પક્ષીઓ મરે છે. પણ માણસો પક્ષીઓના રહેઠાણનો નાશ કરે, ત્યારે સૌથી વધારે મરે છે.

અમુક પક્ષીઓ કાચ સાથે અથડાવાના જ. દાખલા તરીકે, ગાનારું પક્ષી એકથી બીજા દેશ જતા રાતના ઊડે છે. એ પક્ષી અમુક હદ સુધી તારાના આધારે માર્ગ પર ઊડતા હોય છે. એટલે ઊંચા બિલ્ડિંગમાં પ્રકાશ જોઈને ગૂંચવાઈ જાય છે. ઘણાં તો એટલા મૂંઝાઈ જાય કે બિલ્ડિંગની ગોળ ગોળ ફરે છે. આખરે થાકીને નીચે પડે છે. બીજું કે રાતના ઘણાં વાદળો હોય કે વરસાદ પડતો હોય ત્યારે પક્ષીઓ બહુ ઊંચા ઊડતા નથી. આમ મોટા બિલ્ડિંગ સાથે અથડાવાના વધારે ચાન્સ છે.

પંખીઓ પર થતી અસર

એક અહેવાલ પ્રમાણે, અમેરિકાના ઇલિનોઇના શિકાગોમાં એક બિલ્ડિંગ પક્ષીઓના એકથી બીજા દેશમાં જતા માર્ગમાં વચ્ચે આવે છે. એના લીધે દર વર્ષે લગભગ ૧,૪૮૦ પક્ષીઓ અથડાઈને મરી જાય છે. આમ ૧૪ વર્ષમાં એ બિલ્ડિંગ સાથે અથડાઈને ૨૦,૭૦૦ જેટલાં પક્ષીઓ મરી ગયા. હકીકતમાં એનાથી વધારે માર્યા ગયા છે. કેનેડાના ટોરોંટોમાં ફેટલ લાઇટ અવેરનેસ પ્રોગ્રામનો ડાયરેક્ટર માઇકલ મેશુર કહે છે કે ‘જે પક્ષીઓ માર્યા ગયા, એમાં કબૂતર, ગલ અને હંસ જેવાં સામાન્ય પક્ષીઓ ન હતા. પણ લુપ્ત થઈ રહેલા પક્ષીઓ હતા.’

ઑસ્ટ્રેલિયામાં એક જ વર્ષમાં કાચના કારણે ત્રીસેક જેટલાં સ્વિફ્ટ નામના પોપટ મરણ પામ્યા. એમાંના આજે ફક્ત ૨,૦૦૦ જેટલા જ જીવે છે. ઘણી બાકમન્સ વૉર્બ્લર નામની ચકલીઓ ફ્લોરિડામાં આવેલી એક દીવાદાંડી સાથે અથડાઈને મરી ગઈ. અમેરિકાના અનેક મ્યુઝિયમમાં એ મરેલી ચકલીઓ જોવા મળે છે. એ હવે લુપ્ત થઈ ગઈ છે.

એકથી બીજા દેશમાં જતાં પક્ષીઓમાંથી અમુક બિલ્ડિંગો સાથે અથડાઈને બચી જાય છે. પણ એ તેઓ માટે ખતરો છે. તેઓ ઘાયલ હોવાથી ભૂખે મરે અથવા બીજા પ્રાણીનો ભોગ બને છે.

પક્ષીઓને બચાવવા શું કરી શકાય?

પક્ષી કાચ સાથે ન અથડાય માટે શું કરી શકાય? ઘણા લોકો કાચના બહારના ભાગમાં મોટા સ્ટિકર લગાવે છે. એ જોઈને પક્ષી બીજી બાજુ ઊડી જાય છે. ડૉક્ટર ક્લેમના કહેવા પ્રમાણે કોઈ એક ચિત્ર દોરવું કે સ્ટિકર લગાવવું જ પૂરતું નથી. પણ એના વચ્ચે કેટલું અંતર છે એ પણ ધ્યાન રાખવું જોઈએ. તેમના સંશોધન પ્રમાણે એ સ્ટિકરની ઊભી લાઇન કરો તો એનું અંતર ૧૦ સેન્ટિમીટરથી વધારે ન હોવું જોઈએ. આડી લાઇનમાં કરો તો એનું અંતર પાંચ સેન્ટિમીટરથી વધારે ન હોવું જોઈએ.

રાતના ઊડતાં પક્ષીઓને શાનાથી મદદ મળી શકે? લેઝલી જે એવન્સ ઓગડ નામના એક ઇકોલૉજિકલ સંશોધક કહે છે, ‘રાતના ઊડતા પક્ષીઓ બિલ્ડિંગમાં ન અથડાય માટે લાઇટ બંધ કરવી જોઈએ.’ અમુક શહેરોમાં ગગનને ચૂમતા બિલ્ડિંગો પર શોભા કરતી લાઇટો ધીમી કરવામાં આવે છે. અથવા અમુક સમયે બંધ કરી દેવામાં આવે છે. જેથી દર વર્ષે એકથી બીજા દેશમાં જતાં પક્ષીઓ એમાં અથડાય નહિ. બીજા કિસ્સાઓમાં, કાચની આગળ જાળી લગાવવામાં આવે છે, જેથી પક્ષીઓ પ્રકાશના રિફ્લેક્શનથી મૂંઝાઈ ન જાય ને એમાં અથડાય નહિ.

આવી રીતો વાપરવાથી કદાચ ૮૦ ટકા પક્ષીઓ બચશે. એનો અર્થ કે વર્ષે મરતા લાખો પક્ષી બચી જશે. તોપણ આ પ્રોબ્લમનો સાવ અંત નહિ આવે, કેમ કે લોકોને લાઇટ અને કાચ વાળા બિલ્ડિંગ ગમે છે. ઓડુબોન જેવી સોસાયટી આર્કિટેક્ટ અને બિલ્ડરને ઉત્તેજન આપે છે કે ડિઝાઇનમાં અમુક ફેરફાર કરે તો લાખો પક્ષી બચી જાય. (g09 02)

[ફુટનોટ્‌સ]

^ ઘાયલ થએલાં પક્ષીઓને મદદ આપવા જઈએ ત્યારે, પક્ષી ચાંચ મારે એની શક્યતા રહેલી છે. કેમ કે તેઓ જાણતા નથી કે તમે મદદ આપો છો. અમુક પક્ષીઓ રોગી હોવાથી એ આપણને પણ લાગી શકે. એને મદદ આપતા પહેલાં હાથમાં રબરના મોજાં પહેરવાં જોઈએ. એ પછી હાથ ધોવા જોઈએ. જો એવું લાગે કે મદદ કરવાથી તમને પણ રોગ લાગશે તો નજીક ન જશો. પક્ષીઓની સારવાર રાખતી સંસ્થાને ફોન કરીને બોલાવી શકો.

[પાન ૩૦ પર બોક્સ]

શાના લીધે પંખીઓ મરે છે?

અમેરિકામાં લોકોની સુખ-સગવડના ભોગે દર વર્ષે લગભગ આટલા પક્ષીઓ મરે છે

◼ ૪ કરોડ, ટીવી, રેડિયોના મોટા ટાવરોને લીધે

◼ ૭.૪ કરોડ, જંતુનાશક દવાને કારણે

◼ ૩૬.૫ કરોડ, બિલાડીઓના શિકારથી

◼ ૧૦ કરોડથી એક અબજ, કાચની બારીઓને લીધે

◼ પક્ષીઓના રહેઠાણના નાશથી કેટલા મરે છે એ હજી આપણે જાણતા નથી. પણ બીજા બધા કરતાં આ આંકડો વધારે હોઈ શકે

[પાન ૩૦ પર ચિત્ર]

અમેરિકામાં દર વર્ષે બિલ્ડિંગના કાચ સાથે અથડાઈને ૧૦ કરોડ જેટલા પક્ષીઓ મરે છે

[ક્રેડીટ લાઈન]

© Reimar Gaertner/age fotostock